તાડકા રાક્ષસી - મારીચની માતા

    ૧૨-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

tadka_1  H x W:

 

કોઈ કાળમીંઢ વાદળું વન ઉપરથી ચડી આવતું હોય એવો આકાર રામ-લક્ષ્મણની નજરે પડ્યો. લક્ષ્મણે રામને ચેતવ્યા : ‘આવી મોટાભાઈ, રાક્ષસી હાં ?’

વિશ્ર્વામિત્રની પાછળ પાછળ અઘોર વનમાં રામ ને લક્ષ્મણ ચાલતા જતા હતા. એમના પગમાં ઉલ્લાસ હતો. મોં ઉપર પણ અનેરો આનંદ રમતો હતો. અડાબીડ વન જોઈને લક્ષ્મણે મુનિને સવાલ કર્યો : ‘ભગવન્ , આવા વનમાં કેવી રીતે પ્રવેશીશું ?’
 
વિશ્ર્વામિત્ર હસ્યા. લક્ષ્મણ સામે જોઈને કહ્યું : ‘વત્સ લક્ષ્મણ, આ વનમાં માત્ર પ્રવેશવાનું જ નહિ.’ રામ સામે જોઈ મુનિએ કહ્યું : ‘અહીં એક તાડકા નામની રાક્ષસી રહે છે. આ રાક્ષસીનો મુખ્ય ખોરાક મનુષ્યનો છે. મનુષ્યને જોતાં જ એ દુષ્ટા એનો કોળિયો કરી જાય છે. અમને હેરાન કરે છે એ મારીચ નામનો રાક્ષસ આ જ દુષ્ટાનો પુત્ર છે, હાં કે ?’ ત્યાં તો એ ભયંકર વનમાં ઘુઘવાટ ઊઠ્યો. મુનિએ રામનું એ તરફ લક્ષ દોર્યું. એમણે કહ્યું : ‘સાંભળો, રામ, આ દુષ્ટ તાડકાને આપણા લોહીની ગંધ આવેલી લાગે છે. તમારાં ધનુષ સજાવો ને બાણ ચડાવીને તૈયાર રહો. તાડકા હમણાં વંટોળની જેમ ધસી જ આવશે& જુઓ, વન આખું ડામાડોળ થવા માંડ્યું છે. મેઘ ગર્જતો હોય એ રીતની ગર્જના પણ આ રાક્ષસી જ કરે છે હાં કે ?’
 
રામને તો ઊલટાની મજા પડી, પણ ધનુષ ઉપર બાણ ચડાવતાં એ થોડાક વિચારમાં પડી ગયા.
 
વિશ્ર્વામિત્ર રામનો વિચાર પામી ગયા. એમણે કહ્યું : ‘રામ, તમારે એને સ્ત્રી તરીકે જોવાની જ નથી. આપણે તો એનાં ક્રૂર કર્મો તરફ જોવાનું છે. આ દુષ્ટા અસંખ્ય મનુષ્યોને ભરખી ગઈ છે. માટે તમે સ્ત્રી ગણીને એના તરફ લેશ પણ દયા રાખશો નહિ. હણી જ નાખજો.’
 
રામે કહ્યું : ‘જેવી આપની આજ્ઞા, ગુરુજી.’ કોઈ કાળમીંઢ વાદળું વન ઉપરથી ચડી આવતું હોય એવો આકાર રામ-લક્ષ્મણની નજરે પડ્યો. આકાશમાં ઊડતી તાડકા વનની ધાર ઉપર આવી પહોંચી. એણે જોયું તો કોઈ બે છોકરા ધનુષ-બાણ લઈને ઊભા હતા. તાડકાને જરા નવાઈ લાગી. આ રીતે પોતાની સામે અત્યાર સુધી કોઈ પણ માણસ ઊભો રહી શક્યો ન હતો. કાં તો ભાગવા માંડતો કાં તો એ બેભાન થઈને જમીન ઉપર ઢળી પડતો. ઓછું હોય તેમ એના કાને રામના ધનુષનો મહાપ્રચંડ ટંકાર પડ્યો.
 
તાડકાનો ક્રોધ હવે ઊછળી આવ્યો. દાંત પીસીને એક ભયંકર ઘુઘવાટ કર્યો. સીધી જ એ બાજની પેઠે રામ ઉપર ધસી આવી. રામના ધનુષમાંથી એકીસાથે બે બાણ છૂટ્યાં. રાક્ષસીના બંને બાહુ ખચાક દઈને કપાઈ ગયા. જમીન ઉપર પડવા સાથે ધરતી જાણે ધ્રૂજી ઊઠી. તાડકા પોતે ચીસ પાડતી પાછી ફરી ગઈ. અઘોર વનમાં લોપ થઈ ગઈ. રામની આ વીરતા જોઈને વિશ્ર્વામિત્ર ખુશખુશાલ બની રહ્યા. ટેકરા ઉપર ઊભા ઊભા હાથ હલાવતા કહેવા લાગ્યા : ‘ધન્ય હો, ધન્ય હો !’ ઉપરાંત રામને એ ચેતવણી પણ આપવા લાગ્યા : ‘હે રામ, રખે તમે બેદરકાર રહેતા. આ દુષ્ટા માયાવી છે. કઈ દિશાથી કઈ ઘડીએ કેવા રૂપે ધસી આવશે એ કશું કહેવાય નહિ. અને ખરેખર એવું જ થયું. આખું વાતાવરણ બદલાઈ ગયું અને માયાવી રાક્ષસી ફરી આવી ગઈ.
 
લક્ષ્મણે રાક્ષસીનાં નાક-કાન ઉપર લક્ષ્ય લીધું. તાડકાનો વિચાર રામ-લક્ષ્મણ ઉપર પર્વતની જેમ પડતાકને કચ્ચરઘાણ કરી દેવાનો હતો, પણ વન બહાર નીકળી કે તરત રામના બાણે બેઉ પગને એકી સાથે છેદી નાખ્યા. લક્ષ્મણે પણ ત્રણ બાણ છોડીને તાડકાના બે કાન તથા નાક કાપી નાખ્યાં. ટેકરા ઉપર ઊભેલા વિશ્ર્વામિત્રે જોયું તો પગ કપાયા છતાંય એ દુષ્ટ રાક્ષસી ગોળાની જેમ રામ તરફ ધસમસ કરતી આવતી હતી. ઘાંટો પાડી ઋષિએ કહ્યું : ‘રામ, હવે એને પૂરી જ કરો. સૂર્યાસ્ત થશે તો રાક્ષસીનું બળ અનેકગણું વધી પડશે.’
 
આખરે રામે બાણ છોડ્યું. બાણ વાગતાં જ તાડકાએ એક ભયંકર ચીસ નાખી. એની ગતિ અટકી ગઈ. બાણના વેગથી પાછી એ વન તરફ જવા લાગી. કેટલેય દૂર ગયા પછી જમીન ઉપર એવા જોરથી પછડાઈ કે પૃથ્વી અને દિશાઓ પણ કંપી ઊઠી.
મૂછ પણ હજી ફૂટી નથી એવા રાજકુમારનું આ અદ્ભુત પરાક્રમ જોઈને વિશ્ર્વામિત્ર અભિભૂત થઈ ગયાં.