મંથરા - કૈકયીની કાનભંભેરણી કરનાર દાસી

    ૧૨-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

Manthara_1  H x
 

દાસત્વ અથવા સેવાકાર્યમાં પણ લેશમાત્ર જો દુર્બુદ્ધિ કે સ્વાર્થ પ્રવેશે તો કેવાં માઠાં પરિણામ આવે છે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ મંથરા છે.

અયોધ્યાના મહારાજ દશરથનાં લગ્ન કેકયરાજાની પુત્રી કૈકયી સાથે થયાં હતાં. કૈકયી પોતાની સાથે જે દાસી લાવ્યાં હતાં તે જ આ મંથરા. મંથરા શરીરે ખૂંધી હતી. તેની ચાલવાની ગતિ પણ મંથર અર્થાત્ મંદ, ચુસ્ત અને જડ હતી. તેનો સ્વભાવ વલોણાના રવૈયા જેવો હતો. તે હંમેશા સુખી થવા તથા કૈકયીની સેવા અને ચાપલૂસીમાં સમય પસાર કરતી હતી. તેનાથી રાજા દશરથ અને તેમની અન્ય રાણીઓ અને તેમના પુત્રોનું સુખ જોવાતું નહોતું. તે કોઈક ને કોઈક લાગ-પ્રસંગ જોઈ કૈકયીની કાનભંભેરણી કરતી રહેતી હતી. તેની બુદ્ધિ હંમેશા અયોધ્યાના સુખી રાજપરિવારમાં ઊથલપાથલ કરવા સમુદ્રમંથનના રવૈયાની જેમ મંથર ગતિથી ચાલતી હતી. અયોધ્યા નગરીમાં લોકોને પણ હંમેશા આ મંથરાની ગતિવિધિથી સતત ભય રહેતો હતો. કૈકયી કરતાં તેની સામે દાસી મંથરાનો રૂઆબ વધુ રહેતો હતો. રાજ્યમાં તેનો બોલ કોઈ ઉથાપી શકતું નહીં. રામાયણ મહાગ્રંથમાં વાલ્મીકિજીએ આ મંથરાના ચરિત્રને નારીમાં રહેલ અવિવેકી વ્યવહાર તથા દુર્બુદ્ધિ જે સુખી સંસારમાં ઝેરનાં બીજ રોપી શકે છે તેની લાલબત્તી ધરી છે. દાસત્વ અથવા સેવાકાર્યમાં પણ લેશમાત્ર જો દુર્બુદ્ધિ કે સ્વાર્થ પ્રવેશે તો કેવાં માઠાં પરિણામ આવે છે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ મંથરા છે.
 
રામાયણ મહાગ્રંથમાં જે વિવિધ પાત્રોની ગૂંથણી થઈ છે તેમાં મંથરાનું પાત્ર બધાં જ પાત્રોની ગતિ તથા લક્ષણોને ઉજાગર કરે છે. મહારાજા દશરથ રામચંદ્રને યુવરાજ તરીકે ઘોષિત કરે છે. સમગ્ર અયોધ્યામાં આનંદ છવાયો છે. બધી રાણીઓના કક્ષમાં આનંદ છવાયો છે. કૈકયી પણ ખુશ છે. શ્રી રામચંદ્ર સર્વગુણસંપન્ન છે, જે અયોધ્યાની પ્રજાને સુખી રાખશે તેવી સર્વત્ર છાપ ઊપસી છે. શ્રીરામના રાજ્યાભિષેકના પ્રસંગની પ્રસન્નતા સર્વત્ર ફેલાઈ રહી છે, પણ આ મંથરા કૈકયીને કહે છે ઃ ‘હે કૈકયી ! કાલે રામચંદ્રનો અભિષેક થશે. અરે નાદાન ! રામચંદ્ર તો કૌશલ્યાનો પુત્ર છે. રાજા દશરથ તો વૃદ્ધ થયા છે. તે તો નામના જ રાજા રહેશે પણ સમગ્ર રાજ્યનો દોરીસંચાર રામચંદ્રના હાથમાં જ રહેવાનો, તે જરૂર આપણને કેકય ભેગાં કરી દેશે.’ કૈકયી મંથરાનું માનતી નથી. છતાં મંથરા તેની માયાજાળ પાથરતાં બોલી, ‘કૈકયી ! તારો પુત્ર ભરત અયોધ્યાની ગાદી સંભાળે તથા રામચંદ્ર ચૌદ વર્ષ વનવાસ જાય તેવી માગણી મહારાજા દશરથ સામે મૂક ! દશરથ રાજાએ તને જે વચનો આપ્યાં છે, તેથી જરૂરથી આ માગણી સ્વીકારશે !’ મંથરાની દુર્બુદ્ધિ કૈકયીમાં ઝેરનાં બીજ રોપે છે. પરિણામે અયોધ્યાનો સુખી રાજ- પરિવાર દુઃખનાં વાદળોથી છવાઈ જાય છે. દશરથ રાજા પુત્રવિયોગના આઘાતથી મૃત્યુ પામે છે. રામચંદ્ર, લક્ષ્મણ, સીતા ચૌદ વર્ષ વનવાસ ભોગવે છે. લંકાપતિ રાવણ સીતાજીનું હરણ કરે છે. શ્રીરામ લંકા પર વિજય મેળવી પુનઃ અયોધ્યા પધારે છે.
 
વાલ્મીકિ રામાયણમાં જે અન્ય પાત્રો જેવાં કે શ્રીરામ, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન તથા સીતા વગેરેમાં જે સત્ય બિરાજમાન હતું તથા સત્યપરાયણ જીવન હતું તેમાં આ મંથરાની દુર્બુદ્ધિ પ્રભાવિત થતી નથી. ભગવાન શ્રી રામ પણ ચૌદ વર્ષ પછી પુનઃ અયોધ્યાનું રાજ્ય સંભાળે છે, ત્યારે ત્રણેય માતાઓમાં સૌ પ્રથમ શ્રીરામ માતા કૈકેયીને પ્રણામ કરે છે. માતા કૈકયી તથા તેમની દાસી મંથરાને પ્રણામ કરે છે. શ્રીરામચંદ્ર મંથરાને સંબોધતાં કહે છે, ‘હે મંથરાજી ! તમે દાસી છો અને રહેશો. હું તો તમારો પણ દાસ છું. માતા કૈકયી તથા ભાઈ ભરત અને તમે સુખેથી આ રાજ્યમાં શેષ જીવન સુખેથી વિતાવો. તમારો આ દાસ તમારી સેવામાં હાજર રહેશે.’ મંથરાને પણ પસ્તાવો થાય છે. પોતાની ભૂલ સમજાય છે. મંથરા પણ છેલ્લે અયોધ્યામાં સુખેથી જીવન વિતાવે છે. રામાયણ મહાગ્રંથના વિવેચનમાં કેટલાક વિવેચકો એવું પણ માને છે કે જો વાલ્મીકિજીએ મંથરાના પાત્રની ગૂંથણી કરી ન હોત તો રામાયણની રચના શક્ય નહોતી. મંથરાના પાત્રને મૂકીને વાલ્મીકિજીએ રામાયણ-કથાનો મહત્ત્વનો રોમાંચક ટર્નિંગ પોઇન્ટ મૂક્યો છે.