વસિષ્ઠ અને વિશ્ર્વામિત્ર

    12-Nov-2020
કુલ દૃશ્યો |

vashistha and vishwamitra
 

તપોવન પર અસુરો કાળો કેર વરતાવી હવનમાં હાડકાં નાખી સાધના ખંડિત કરે છે. રામ અને લક્ષ્મણને જ લેવાં આવ્યો છું રાજન !

 
ઋષિ વસિષ્ઠ મહાન સપ્તઋષિઓમાં એક છે. તેઓ સાતમા અને અંતિમ ઋષિ હતા. વાલ્મીકિ રામાયણમાં તેમનો ઉલ્લેખ શ્રીરામના ગુરુ તરીકે છે અને તેઓ અયોધ્યાના કુલગુરુ પણ હતા. અયોધ્યામાં ૪૦ એકર જમીન પર વસિષ્ઠનો આશ્રમ હતો, જ્યાં ભગવાન શ્રીરામ સહિત અયોધ્યાના ચારેય રાજકુમારોએ ૨૦ વિદ્યાઓનું શિક્ષણ લીધું હતું.
 
પૌરાણિક કથાઓ મુજબ મહાન ઋષિવર વિશ્ર્વામિત્રની વસિષ્ઠ સાથે સુલેહ થઈ ગઈ, કઠોર તપશ્ર્ચર્યા પછી એ બ્રહ્મર્ષિએ પણ થૂંકેલું ગળી જવું પડ્યું અને સગા હાથે મને એમના સમોવડિયા તરીકે સ્વીકારવો પડ્યો છતાં હાજરાહજૂર બ્રહ્મ પૃથ્વી પર ઊતરી આવેલ છે એનાથી તો મને વેગળો ને વેગળો જ રાખ્યો.’ વિશ્ર્વામિત્રના મનનો અજંપો એમને અયોધ્યામાં અવતરેલા પરબ્રહ્મના સાંનિધ્ય માટે ઉશ્કેરતો રહ્યો. ગાધિનંદન વિશ્ર્વામિત્રના મનમાં બ્રહ્મદર્શનનો ઉમળકો જાગ્યો હતો. રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ સુધીની કઠિન અને કંટકાકીર્ણ સંઘર્ષમય યાત્રાની સરખામણીએ તપોવનથી અયોધ્યાની યાત્રા તો એક સમયના આ કૌશિક મુનિ માટે ડાબા હાથના ખેલ જેવી હતી. સમ્રાટને પોતાના આગમનની આગોતરી જાણ કરવામાં પણ એમને જોખમ વરતાયું. નથીને કુલગુરુ વસિષ્ઠના મસ્તિષ્કમાં ફરી પાછો અસૂયાનો કીડો સળવળી ઊઠે તો ! એ બ્રાહ્મણ રાજાને સમજાવી-પટાવી કુમાર રામચંદ્રને ક્યાંક આઘાપાછા પણ કરી દે. બ્રહ્મદર્શનની પોતાની અભીપ્સા અધૂરી જ રહી જાય અને રાજા દાનદક્ષિણા આપી માનપૂર્વક વિદાય કરી દે.
 
ના, એવી ભૂલ નથી કરવી. બારોબાર પહોંચી જવું છે દશરથના રાજદરબારમાં. ભલેને વસિષ્ઠની આંખો વણનોતર્યા અતિથિને જોઈ વિસ્ફારિત થઈ જાય. ભલેને ઈક્ષ્વાકુવંશી સમ્રાટ આ કાળઝાળ ક્ષત્રિયવંશી બ્રહ્મર્ષિને ઓચિંતા આવી ચડેલા જોઈ હકબક થઈ રહે !
 
વિશ્ર્વામિત્ર ધારે તો ઘડીના છઠ્ઠા ભાગમાં તપોવન પર અવારનવાર વાવાઝોડાની જેમ ત્રાટકતા અસુરોનું નિકંદન કાઢી શકે એમ હતા. જેણે પોતાની તપસ્યાના જોર પર શરણે આવેલા ત્રિશંકુને સદેહે સ્વર્ગના દરવાજા સુધી પહોંચાડી દીધો હોય અને ઇન્દ્ર દ્વારા જાકારો મા પછી પણ ઊંધે માથે પટકાઈ રહેલા એ શરણાર્થી માટે બ્રહ્માંડમાં આગવું નવું સ્વર્ગ રચી આપ્યું હોય એવા પ્રતાપી મહર્ષિ વિશ્ર્વામિત્ર માટે એ પામર જંતુડાં જેવા અસુરો શી વિસાતમાં ? પણ ના, હવે પોતે હિંસા નથી કરવી. એનો જશ સાક્ષાત્ બ્રહ્મને જ આપવો છે અને એથી પણ આગળ રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિપદ સુધી પહોંચેલા એ મહામાનવને ‘બહુ જ દૂરનું’ લાગતું હતું. રામ એના ચક્રવર્તી સમ્રાટ પિતાની છત્રછાયામાં જ રહ્યા કરશે તો એ ‘બ્રહ્મ’ છે એની દુનિયાને ખબર કઈ રીતે પડશે ? વળી એને યુગે યુગે ઝંખતી પરામ્બા સાથે મેળાપ પણ બીજું કોણ કરાવશે ? મુનિવરને એ દિવ્ય ફરજ પણ નિભાવવાની હતી...
 
વિશ્ર્વામિત્રને સરયૂના શીતળ જળમાં ડૂબકી લગાવતાં એકીસાથે ત્રણ-ત્રણ સ્ત્રીઓના ચહેરા નજરાતા રહ્યા. એમણે નેત્ર બંધ કરી ધ્યાન ધર્યું અને પોતે જ રચેલા ગાયત્રી મંત્રનું ત્રણ વાર મંદ સ્વરે ઉચ્ચારણ કર્યું. ‘મુનિવર, મારો ઉદ્ધાર ક્યારે ? હજી ક્યાં લગી આ અસુર કાયામાં સબડવાનું છે મારે ?’ મુનિવર મલકાયા : ‘તાડકા, હવે તારી મુક્તિવેળા આવી જ ગઈ સમજ&’ બીજો સ્ત્રી-ચહેરો તો સાવ દયામણો લાગી રહ્યો હતો. એની આંખોમાં આંસુ પણ પથ્થર થઈને થીજી ગયાં હતાં. કશું જ ન બોલી છતાં બ્રહ્મર્ષિ બધું જ પામી ગયા. ને ત્રીજો ચહેરો& ઓહ, આ તો સાક્ષાત્ જગત્જનની એ શિવધનુષ લઈને રમી રહી હતી ‘પરામ્બા, હું આવું છું પરબ્રહ્મને લઈને. થોડું ખમો !’ એ બરક્યા.
 
બ્રહ્મદર્શનની એવી તો લગની લાગી હતી કે દરવાન જઈને આગંતુકના આગમનની જાણ કરે એ પહેલાં સીધા રાજાની સામે જઈને ઊભા થઈ ગયા. દશરથ જ નહીં, કુલગુરુ વસિષ્ઠ પણ હકબક થઈ ગયા. કળ વળી એટલે રાજાએ સિંહાસન પરથી ઊતરી એમનાં ચરણકમળમાં દંડવત્ કર્યાં અને કહ્યું : ‘બ્રહ્મર્ષિ, દાસ પર અનહદ કૃપા કરી. સિંહાસન પર બિરાજો !’ વસિષ્ઠને પણ દશરથનો સમયાનુકૂળ વ્યવહાર ઉચિત લાગ્યો. ‘હા, હા, મુનિવર ! સમ્રાટના અનુનયને માન આપો.’ ‘ઋષિવર, આજ્ઞા કરો, સેવક આપના ઇશારે જીવ આપવા તૈયાર છે. આ સકળ સંપત્તિ, રાજપાટ, મારા પ્રિય કુમારો અને ત્રણ રાણીઓ બધાં આપની જ સંપદા, આપની જ કૃપાપ્રસાદી છે. બોલો, દાસ આપની શી સેવા કરે ?’
 
હજી વાર્તાલાપ ચાલતો જ હતો ત્યાં ચારેય રાજકુમારોએ મહામુનિનાં ચરણોમાં દંડવત્ કરી આશીર્વાદ માગ્યા. મુનિરાજ તો જ્યેષ્ઠ રાજકુમારને જોતાં જ સમાધિમાં સરી પડ્યા.
 
‘આ રામ છે, મારો જ્યેષ્ઠ પુત્ર.’ રાજા આગળ કંઈ બોલે એ પહેલાં વિશ્ર્વામિત્ર સ્વગત બરક્યા : ‘ભૂલ કરો છો રાજન્ , એ રામ નથી, બ્રહ્મ છે. વિષ્ણુએ અવતાર લીધો છે પટરાણીની કૂખે.’
 
બીજા કોઈને તો એ શબ્દો ન સંભળાયા પણ વસિષ્ઠ ગાલમાં મલકાઈ રહ્યા હતા. રાજાએ ચારે કુમારોની નામજોગ ઓળખાણ કરાવી. ‘‘મારે તમારા બે પુત્રો જોઈએ. તપોવન પર અસુરો કાળો કેર વરતાવી રહ્યા છે. હવનમાં હાડકાં નાખી સાધના ખંડિત કરે છે. એક તો આ રામ અને બીજો પેલો લક્ષ્મણ. હું એ બંધુબેલડીને લેવા જ આવ્યો છું રાજન ! રામ અને લક્ષ્મણ તપોવનને રાક્ષસી આતંકથી મુક્ત કરશે, મને શ્રદ્ધા છે. મને વિશ્ર્વાસ છે કે તમે પ્રસન્નતાપૂર્વક.’’
 
મુનિ વાક્ય પૂરું કરે એ પહેલાં તો રાજાના ચહેરાનું નૂર ઊડી ગયું. ‘‘મારા નાથ, બીજું કંઈ માંગો. આ આખી અયોધ્યા લઈ લો. મારા કાળજાના કટકા જેવા કુમળાં બાળુડાં વનવગડામાં કઈ રીતે રહી શકે ? એમણે તો એ ઘોર અરણ્ય સપનામાં પણ જોયું નથી.’’
 
વસિષ્ઠે વ્યથિત રાજવીને સાંત્વના આપી. ‘મહામુનિની આજ્ઞા ના ઉથાપો રાજન. એ જે કંઈ કહે છે તે માની લો. બેઉ કુમારો એમને સોંપી દો. એમાં જ વિશ્ર્વનું કલ્યાણ છે.’ આમ એક સમયના વૈચારિક શત્રુઓ એક જ સૂરમાં બોલતા થઈ ગયા. રાષ્ટ્ર હિત માટે આ જરૂરી પણ હતું. તે પછી દશરથે શ્રીરામ અને લક્ષ્મણને વસિષ્ઠ સાથે મોકલ્યા અને તેમના થકી અનેક અસૂરોનો સંહાર થયો.