ભરત - કૈકયીના પુત્ર - શ્રી રામના ભાઇ

    ૧૨-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

bharat_1  H x W
 

ભરત ન રડે તો શું કરે ? કૈકયી, રાજા દશરથ, કુલગુરુ વશિષ્ટે મને ન ઓળખ્યો તેનું દુઃખ નથી પણ મારા રામચંદ્રે મને ન ઓળખ્યો તેનું મને ભારે દુઃખ છે !

 
રામાયણ મહાગ્રંથના રચયિતા શ્રી વાલ્મીકિજીએ ભરતના જન્મથી તેના મહાપ્રયાણ સુધીના ઘટનાક્રમોને રસમય રીતે વર્ણવી ભરતના પાત્રને ન્યાય આપ્યો છે. પુત્રકામેષ્ટિ યજ્ઞની પ્રસાદી આરોગવાથી કૌશલ્યાની કૂખે શ્રીરામચંદ્ર, સુમિત્રાની કૂખે લક્ષ્મણ અને શત્રુઘ્ન તથા કૈકયીની કૂખે ભરતનો જન્મ થયો હતો. ભરતનો જન્મ અયોધ્યામાં થયો હતો પણ તેમનું લાલન-પાલન તથા ઉછેર કૈકય દેશમાં મોસાળમાં થયો હતો. કૈકય દેશની કુદરતી પ્રકૃતિ, રાજગૃહની વ્યવસ્થા, દાદા અશ્ર્વપતિનો પ્રેમ તથા મામા યુધાજિતની મિત્રતા બંને ભાઈઓને અયોધ્યા કરતાં ખૂબ જ લોભામણાં લાગતાં હતાં. ભરતને માતા કૈકયીની પણ યાદ આવતી નહોતી.
 
અયોધ્યામાં મહારાજ દશરથનો સ્વર્ગવાસ, શ્રીરામચંદ્રનું વનગમન, શ્રી રામચંદ્રનો રાજ્યાભિષેક અધૂરો રહેવો, માતા કૈકયી તથા મંથરા દાસીના અપકૃત્ય વગેરે ઘટનાઓ ઘટી ત્યારે ભરત મોસાળમાં હતા. અયોધ્યામાં ઘટેલી સમગ્ર દુઃખદાયક ઘટનાઓથી ભરત અજાણ હતો. એવામાં આ સમગ્ર ઘટનાઓના સમાચાર આપી ભરતને અયોધ્યા પાછો બોલાવવા અયોધ્યામાંથી વસિષ્ઠે કૈકયના રાજગૃહમાં દૂતો મોકલ્યા. ભરતના પગે પડીને દૂતો બોલ્યા, ‘મહારાજ ભરત ! વસિષ્ઠે આપનું કુશળ પૂછ્યું છે અને તાકીદનું કામ હોવાથી તમને બંને ભાઈઓને અયોધ્યા બોલાવ્યા છે તથા આ મૂલ્યવાન ભેટો તમારા મામા માટે મોકલી છે તે સ્વીકારો !’ આ સમાચાર સાંભળી ભરત રથ જોડીને કૈકયથી સાત દિવસે અયોધ્યા પહોંચ્યા. ભરતનો વૈજયન્ત રથ અયોધ્યામાં પ્રવેશ્યો. દરવાજે ઊભેલા લોકોના ચહેરા ઉદાસ તથા કરમાયેલા જોઈ ભરતને કંઈક અજુગતું થયાની શંકા થઈ. તેને થયું કે અમને આટલી ઉતાવળથી અયોધ્યા બોલાવવાનું શું પ્રયોજન હશે ?
 
ભરતે પિતા દશરથને જોયા નહીં તેથી તે દુઃખદ ઘટનાઓ સાંભળી ભરત બેભાન થઈ પૃથ્વી પર પછડાયો. થોડી ક્ષણ પછી ભાનમાં આવતાં તેણે માતાને ફિટકાર આપતાં કહ્યું, ‘હે દુષ્ટ માતા ! આપણા કુળની પરંપરાને તેં મોટો ધક્કો લગાડ્યો છે. પાપી માતા ! દાસી મંથરાના કહેવાથી તેં આ શું અનર્થ કર્યો ? અયોધ્યાના વિશાળ રાજ્યનો ભાર ઊંચકવાની તાકાત માત્ર ને માત્ર શ્રી રામચંદ્રમાં છે. મૂર્ખી ! તેં મારા નામનો પ્રસ્તાવ મૂકી મારા હૃદયને આઘાત પહોંચાડ્યો છે. હું અત્યારથી તારો ત્યાગ કરું છું અને શ્રીરામચંદ્ર જ્યાં હોય ત્યાં વનમાં જઈ તેમને મનાવી પાછા લાવીશ. જ્યાં સુધી તે અયોધ્યા નહીં આવે ત્યાં સુધી હું પણ વનમાં રહી તેમની જેમ જ વનવાસ ભોગવીશ.’ ભરતના આ નિર્ણયે રામાયણમાં અયોધ્યાના સુપુત્ર તથા વીરપુત્રના રાજવી-સેવાભાવી લક્ષણોનો પરચો આપ્યો છે.
 
શ્રી રામચંદ્રને વનમાંથી પાછા લાવવા ભરતે અયોધ્યાના સર્વે સ્વજનો, પુરોહિતો, અયોધ્યાની પ્રજા, હાથી-ઘોડા તથા ગુરુ વસિષ્ઠ સાથેની મોટી લશ્કરી છાવણી લઈ ગંગાનદીને કાંઠે શૃંગવેરપુરમાં પડાવ નાખ્યો. ગામને પાદરે ભીલ રાજા ગુહ તેમનું સ્વાગત કરે છે. ગુહરાજને શંકા જવાથી તેમણે ભરતને પૂછ્યું, ‘મહારાજ ભરત ! મને એમ શંકા થાય છે તમે રામચંદ્રના મિત્ર કે શત્રુ તરીકે આવડું મોટું લશ્કર લઈને આવ્યા છો ? ભરતે પ્રત્યુત્તર આપતાં સર્વે ઘટનાક્રમ ગુહરાજને સંભળાવ્યો. ગુહરાજ પણ સાંભળી દુઃખી થયા. ભરતે કહ્યું, ‘નિષાદરાજ! તમારે શંકા રાખવાનું કારણ નથી. રામચંદ્ર મારા પિતા સમાન છે. અમે સર્વે એમને સ્વમાનભેર અયોધ્યા પાછા આવવા વિનંતી કરવા આવ્યા છીએ. મારા પિતાતુલ્ય જ્યેષ્ઠની ક્ષમા માગી, અયોધ્યાની રાજગાદી પર રાજ્યાભિષેક કરવા, તેમને પાછા લેવા આવ્યા છીએ.’ ત્યાર બાદ નિષાદરાજ શ્રીરામચંદ્ર તથા સીતાજી અને લક્ષ્મણ તેમને ત્યાં એક રાત્રી રોકાઈને ચિત્રકૂટ તરફ ગયા હોવાનો સંદેશો આપે છે.’
 
ચિત્રકૂટની પર્ણશાળાથી ફળફૂલ એકઠા કરવા નીકળેલ લક્ષ્મણ શ્રીરામચંદ્રને ભરતના આગમનનું વર્ણન કરે છે. શ્રી રામચંદ્ર અને ભરતનું મિલન થાય છે. ભરતની આંખમાં આંસુ આવે છે. શ્રી રામચંદ્ર ભરતને સાંત્વન આપતાં કહે છે, ‘ભાઈ ભરત ! રડીશ નહીં.’ શ્રી રામચંદ્ર ભરતને છાતીસરસો ચાંપી તેને સાંત્વન આપે છે. ભરતે કહ્યું, ભરત ન રડે તો શું કરે ? કૈકયી, રાજા દશરથ, કુલગુરુ વશિષ્ટે મને ન ઓળખ્યો તેનું મને દુઃખ નથી પણ મારા રામચંદ્રે મને ન ઓળખ્યો તેનું મને ભારે દુઃખ છે ! તેણે વધુમાં કહ્યું, તમે મને ઓળખ્યો નથી તેથી જ તો અયોધ્યા છોડીને મારી રાહ જોયા વિના એકાએક કેમ વનમાં ચાલ્યા આવ્યા ? તમારા વનગમનથી પિતાએ પ્રાણત્યાગ કર્યો. મોટાભાઈ, તમારા વિના માતા કૌશલ્યા, સુમિત્રા, કૈકયી તથા અયોધ્યાયની સમગ્ર પ્રજા દુઃખી છે. અયોધ્યાની રાજગાદી આપના વિના સૂની છે. આપ પુનઃ અયોધ્યા પધારો. હું તથા સમગ્ર અયોધ્યા આપને લેવા આવ્યાં છીએ ! આ ઘટનાક્રમમાં ભરત રાજધર્મ તથા સેવાપરાયણ અને ત્યાગનાં દર્શન થાય છે. શ્રી રામચંદ્ર ભરતને સમજાવીને પરત અયોધ્યા જવાનું સૂચવે છે. ભરત રામને મનાવી શકતો નથી. છેવટે ભરત રામચંદ્રની પાદુકા લઈ અયોધ્યા પરત ન જતાં નંદીગ્રામના જંગલમાં શ્રી રામચંદ્રની ચૌદ વર્ષ વનવાસ પૂર્ણ કરી પરત આવવાની રાહ જોતો ચૌદ વર્ષ વનવાસ ભોગવે છે. નંદીગ્રામના આશ્રમમાં અયોધ્યાનગરીની માનસપૂજામાં શ્રીરામચંદ્રની પાદુકા મૂકી ઋષિજીવન પસાર કરે છે તથા અયોધ્યાની પ્રજાની સેવા અહીં રહીને કરે છે.
 
આખરે ૧૪ વર્ષે શ્રરામ અને ભરતનું મિલન થાય છે. ત્યાં નંદીઆશ્રમમાં શ્રીરામનો ભરત સાથે મિલાપ થાય છે. શ્રીરામચંદ્ર, સુગ્રીવ તથા લંકાના નવનિયુક્ત લંકાપતિ વિભીષણનો પરિચય કરાવે છે. ભરત રામને પ્રણામ કરી તેમની પાદુકા તેમના ચરણમાં પહેરાવે છે. સર્વે પુનઃ અયોધ્યા પધારે છે. રામનો રાજ્યાભિષેક થાય છે. શ્રીરામ અયોધ્યામાં રામરાજ્યની સ્થાપના કરી પ્રજાની સેવા કરે છે. રામાયણ મહાગ્રંથમાં ભરતના મહાપ્રયાણની કથા પણ ભરતના જીવનઆદર્શોને ઉજાગર કરે છે. અંતે શ્રીરામ સાથે ભરત પણ આગળ થઈને સરયૂના જળમાં સમાઈ જાય છે. ભરતનું મહાપ્રયાણ પણ એક વીરને છાજે તેવું છે. અયોધ્યા નગરી તથા તેની પ્રજા આજે પણ યુગોથી અયોધ્યાની વીરભૂમિમાતાના વીરપુત્ર ભરતને રામાયણની કથામાં રસપૂર્વક માણે છે.