સુમિત્રા - લક્ષ્મણ અને શત્રુઘ્નનાં માતા

    ૧૨-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

sumitra _1  H x
 

મારો પુત્ર લક્ષ્મણ શ્રીરામ માટે યુધ્ધમાં લડતાં ઘવાઈને મૂર્છિત પડ્યો છે. હું ધન્ય થઈ ગઈ. લક્ષ્મણે મને પુત્રવતી હોવાનું ગૌરવ અપાવ્યું છે.

 
સુમિત્રા એ રામાયણનાં પ્રમુખ પાત્રોમાં એક અને રાજા દશરથની ત્રણ મહારાણીઓમાં એક છે. રામાયણમાં મહારાણી કૌશલ્યા રાજા દશરથનાં પટરાણી હતાં તો કૈકયી તેમની સૌથી પ્રિય રાણી હતા અને છેલ્લે સુમિત્રા હતાં. મહારાજા દશરથ મોટે ભાગે કૈકયીના મહેલમાં જ રહેતા હતા. જ્યારે સુમિત્રા પોતાનો મોટા ભાગનો સમય કૌશલ્યાની સેવા અને દેખભાળમાં જ વિતાવતાં હતાં. સુમિત્રાને કૈકયી સાથે પણ બહેન સરીખા સંબંધો હતા. માટે જ પુત્રેષ્ટિ યજ્ઞ સમાપ્તિ બાદ મહારાણી કૌશલ્યા અને કૈકયી સુમિત્રાને પોતાનામાંથી થોડો થોડો ભાગ આપે છે અને તેઓને લક્ષ્મણ અને શત્રુઘ્ન નામના બે પુત્રો થયા છે. અયોધ્યાના ચારેય રાજકુમારો મોટે ભાગે સુમિત્રા પાસે જ રહેતા હતા. અનેક વખત મોડી રાત્રે કૌશલ્યા શ્રીરામને લઈ સુમિત્રા પાસે આવતાં અને કહેતાં કે સુમિત્રા, લે તારા રામને તું જ સુવડાવ. તેને તારા ખોળા વગર ઊંઘ જ ક્યાં આવે છે.
 
સુમિત્રા પ્રખર પ્રભાવી સંઘર્ષશીલ નારી હતાં. શ્રીરામ જ્યારે વનવાસ જવાની તૈયારી કરે છે અને લક્ષ્મણ પણ તેમની સાથે વનમાં જવા માટે તેમની આજ્ઞા લેવા આવે છે ત્યારે તે કહે છે કે જ્યાં શ્રીરામનો નિવાસ, ત્યાં જ અયોધ્યા. જો સીતા-રામ વનવાસ જાય છે તો તારું અહીં (અયોધ્યામાં) કંઈ જ કામ નથી.
 
રામાયણમાં શ્રીરામ વનવાસ જાય છે ત્યારે એક પ્રસંગ આવે છે. શ્રીરામ સુમિત્રા માતાની આજ્ઞા લેવા માત્ર લક્ષ્મણને જ મોકલે છે. કારણ કે શ્રીરામ જાણતા હતા કે માતા કૌશલ્યા કૈકયીનો વિરોધ નહીં કરે, પરંતુ માતા સુમિત્રા જો ન્યાયના પક્ષે અડી ગયાં તો તેમનો વિરોધ કરવાનું સાહસ કોઈનામાં નથી. સુમિત્રાજી પણ આ વાત સમજતાં હતાં માટે તેઓ રામને મળવાનો આગ્રહ કરતાં નથી. માતા સુમિત્રાના ગૌરવમયી હૃદયનો પરિચય લક્ષ્મણના મૂર્છિત થવાના પ્રસંગ દરમિયાન મળે છે. રણભૂમિમાં લક્ષ્મણ મેઘનાદના બાણથી મૂર્છિત થઈ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે તે સમાચાર જ્યારે તેમને મળે છે ત્યારે તે કહે છે કે મારો પુત્ર લક્ષ્મણ શ્રીરામ માટે યુધ્ધમાં લડતાં ઘવાઈને મૂર્છિત પડ્યો છે. હું ધન્ય થઈ ગઈ. લક્ષ્મણે મને પુત્રવતી હોવાનું ગૌરવ અપાવ્યું છે. એટલું જ નહીં તે પોતાના બીજા પુત્ર શત્રુઘ્નને પણ શ્રીરામની મદદ માટે લંકા જવાનો આદેશ આપે છે, પરંતુ મહર્ષિ વસિષ્ઠની સમજાવટ અને આદેશનું માન રાખી તે પોતાનો વિચાર માંડી વાળે છે. આમ રામાયણમાં માતા સુમિત્રાનું પાત્ર એ મૂક જરૂર છે, પરંતુ તેમના જેવો અનુપમ ત્યાગ અને આદર્શ તેમના પાત્રને ગૌરવાન્વિત બનાવે છે.