ઘડિયાળની ચોરી - શિક્ષકે વિદ્યાર્થી માટે જે કર્યુ તે જાણાવા જેવું છે

    ૦૬-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

pathey prasang_1 &nb
 

એક વખત એક વ્યક્તિની મુલાકાત તેના બાળપણના શિક્ષક સાથે થાય છે, તે તેમના ચરણસ્પર્શ કરી પોતાનો પરિચય આપે છે અને કહે છે, આજે હું જે કાંઈ પણ છું એ આપને કારણે જ છું. આજે હું જીવતો છું એ પણ આપના જ કારણે છું.
 
શિક્ષકને આશ્ર્ચર્ય થયું અને તેમણે કહ્યું કે, તું જીવતો છે અને એ પણ મારા કારણે, મને કાંઈ યાદ નથી.
 
આ સાંભળી પેલા વ્યક્તિએ કહ્યું, કદાચ તમને યાદ નહિં હોય પણ એક દિવસ વર્ગમાં મારા એક મિત્રએ પોતાની ઘડિયાળ ચોરાઈ ગઈ હોવાની આપને ફરિયાદ કરી હતી. આપે વર્ગખંડનો દરવાજો બંધ કરી તમામ વિદ્યાર્થીઓની આંખે પટ્ટી બાંધી દીધી હતી અને એક પછી એક તમામ વિદ્યાર્થીની બેગ તપાસી હતી. ઘડિયાળ મારી બેગમાંથી નીકળી હોવા છતાં આપે કોઈને ના કહ્યું કે ઘડિયાળ મેં ચોરી કરી હતી. એટલું જ નહીં, આપે મને એકલા બોલાવી ઠપકો પણ નહોતો આપ્યો. આપે તે દિવસે મને અપમાનિત થતો બચાવ્યો. જો આપે મને સજા આપી હોત, તો સૌને ખબર પડી જાત કે તે ઘડિયાળની ચોરી મેં જ કરી હતી અને મારે દરરોજ અપમાનિત થવું પડત, મારા પર ચોરનો ધબ્બો લાગી જાત, જે કદાચ હું સહન ન કરી શકત અને ચોક્કસથી આત્મહત્યા કરી લેત.
 
આ સાંભળી પેલા શિક્ષકે કહ્યું, ઓહ તો એ તું હતો એમ?
 
પેલો વિદ્યાર્થી ચમક્યો અને કહ્યું, આપ આવું કેમ કહી રહ્યા છો ? શું આપને નથી ખબર&? આપે પોતે જ આપના હાથ વડે તે ઘડિયાળ મારી બેગમાંથી કાઢી હતી.
 
શિક્ષકે કહ્યું કે બેટા, તે વખતે વર્ગમાં વિદ્યાર્થીઓની આંખે જ પટ્ટી બાંધવામાં નહોતી આવી, મેં સ્વયં પણ મારી આંખે પટ્ટી બાંધી દીધી હતી, જેથી મારા મનમાં પણ ક્યારેય મારા વિદ્યાર્થી પ્રત્યે શંકા કે ઘૃણાભાવ ન જન્મે. હું નહોતો ઇચ્છતો કે, ચોરી કરનાર વિદ્યાર્થીની ઓળખ મારી સમક્ષ છતી થાય.
 
કોઈની કમજોરી કે ગુનાને કારણે તેને સજા આપવી કે બદનામ કરવા કરતાં તેને માણસ માની માફી આપવાથી તેનું જીવન સુધરી શકે છે.