ભારતીય રોજ આટલો બધો સમય સ્માર્ટફોન જોવામાં ખર્ચી નાખે છે, જાણો સ્માર્ટફોનથી દૂર રહેવાની પાવરફૂલ ટીપ્સ

    ૧૬-ડિસેમ્બર-૨૦૨૦   
કુલ દૃશ્યો |

vivo report smartphone_1&
 
એક સર્વે કહે છે કે આપણે ભારતીય રોજ ૬.૯ કલાકનો સમય સ્માર્ટફોન જોવામાં ખર્ચી નાખીએ છીએ
ભારતીય લોકોને સ્માર્ટફોનની લત લાગી ગઈ છે. આવો જાણીએ આ લતને છોડવાના કેટલાક પ્રેકટિકલ ઉપાયો
 
તમારે આ સ્માર્ટફોનની પાછળ ખર્ચાતો સમય એકદમ ઓછો કરવો હોય અને સ્માર્ટફોનમાં બનાવેલી વર્ચુઅલ દુનિયામાંથી નીકળી આ રીયલ દુનિયામાં પાછું આપવું હોય તો તેની કેટલિક પ્રેક્ટિકલ ટીપ્સ…સલાહ..સૂચન…
 
કોરોનાકાળે આપણને ઘણું બધું શીખવ્યું છે અને અનેક હાનિકારક ટેવો પણ પાડી છે. લોકડાઉન પછી દરેક ભારતીયને લાગે છે કે સ્માર્ટફોન અને નેટ વગર હવે જીવવું ખૂબ મુશ્કેલ છે. લોકડાઉન દરમિયાન સ્માર્ટફોનનો ઉપયોગ એટલો બધો વધી ગયો છે કે હવે તેની ખરાબ બાજુ સામે આવી રહી છે. તાજેતરમાં જ વીવો ( VIVO ) કંપનીના એક સર્વેમાં બહાર આવ્યું છે કે દરેક ભારતીય રોજ સરેરાશ ૬.૯ કલાક સ્માર્ટફોન પર વિતાવે છે.
 
શું સ્માર્ટફોનની આપણે લત લાગી ગઈ છે? એકાંતમાં એકલા બેઠા હોય તો પણ આપણને સ્માર્ટફોન વગર ચાલતું નથી. દર ત્રીજી સેકન્ડે એકવાર સ્માર્ટફોનની સ્ક્રીન જોવાનો વિચાર મનમાં આવે છે. પાંચ મીનિટ આપણાથી સ્માર્ટફોન દૂર થાય છે તો સ્માર્ટફોનના મેસેજ, વોટ્સએપ, નોટિફિકેશન જોવા આપણે અધીરા બની જઈએ છીએ. આ શું સુચવે છે? એ જ કે આપણી એકાગ્રતા, ધીરજ ઘટી ગઈ છે. આપણે સ્માર્ટફોનમા આપણી એક અલગ દુનિયા વસાવી લીધી છે અને આ દુનિયાના કાળચક્રમાં આ માનવજાત હવે ફસાઈ ગઈ છે. આમાંથી નીકળવાના ઉપાય ખૂબ સરળ છે. આ ઉપાયો જાણીએ એ પહેલા જાણી લઈએ કે આ વીવોના રીપોર્ટમાં છે શું?
 
કોરોનાને કારણે વધી ગતો સ્માર્ટફોનનો ઉપયોગ,
 
એક રીપોર્ટ પ્રમાણે ભારતીય દરરોજ ૬.૯ કલાક સ્માર્ટફોનનો ઉપયોગ કરે.
 
કોરોનાકાળ પહેલા ભારતીય રોજ ૫.૫ કલાક સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હતા.
 

કોરોનાની મહામારીએ ભારતય લોકોનો સ્ક્રીનટાઇમ વધારી દીધો છે

 
કોરોના ( Corona ) અને લોકડાઉન ( Lockdown ) ના કારણે લોકોને ઘરમાં કેદ થઈને રહેવું પડ્યું હતુ. બજારથી લઈને મનોરંજન ઇન્ડસ્ટ્રીસ એકદમ બંધ થઈ ગઈ હતી. ઘરમાં કેદ લોકોને સમય ક્યાં પસાર કરવો એ પ્રશ્ન ઉભો થયો અને લોકોએ જ સ્માર્ટફોન થકી આ પ્રશ્નનો ઉકેલ પણ મેળવી લીધો. લોકડાઉનમાં લોકો માટે સ્માર્ટફોન જ મનોરંજન માટેનું ઉત્તમ સાધન બની રહ્યો. લોકડાઉન દરમિયાન લોકોએ સ્માર્ટફોનનો ભરપૂર ઉપયોગ કર્યો. પોતાનો મોટાભાગનો સમય સ્માર્ટફોન પર એક્ટિવ રહી પસાર કર્યો. અહીં સુધી તો બધુ થીક છે પણ હવે પ્રશ્ન એ પણ સામે આવ્યો છે કે વધારે પડતો સ્માર્ટફોનનો ઉપયોગ શું આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી? એક રીપોર્ટનો સર્વે કહે છે કે કોરોનાની મહામારીએ ભારતીય લોકોનો સ્ક્રીનટાઇમ ( એટલે કે સ્માર્ટફોન કે લેપટોપ સ્ક્રીન પર વિતાવેલો સમય ) વધારી દીધો છે. જે ચિંતા જનક છે. ચિંતા જનક એટલા માટે કે અનેક રીસર્ચમાં સાબિત થઈ ગયું છે કે સ્માર્ટસ્ક્રિન (એટલે કે સ્માર્ટફોન કે લેપટોપ કે કોમ્યુટારની સ્ક્રીન) માંથી જે કિરણો આપણી આંખોમાં પડે છે તેનાથી આંખોને ખૂબ નુકશાન થાય છે. આ ઉપરાંત સ્માર્ટફોન કે લેપટોપ સામે બેસી રહેવાથી પણ માનસિક અને શારિરીક અનેક નુકશાનો થાય છે. હવે તાજેતરમાં જ સ્માર્ટફોન બનાવતી કંપની વીવો ( VIVO ) એ ભારતમાં સ્માર્ટફોનના ઉપયોગ સંદર્ભે એક સર્વે કરાવ્યો. આ સર્વેના રીપોર્ટ પ્રમાણે ભારતીય રોજ સરેરાસ ૬.૯ કલાકનો સમય સ્માર્ટફોન પર પસાર કરે છે.
 

તો કોરોના પહેલા સ્માર્ટફોન પર કેટલો સમય પસાર થતો?

 
VIVOનો આ રીપોર્ટ જણાવે છે કે કોરોનાના કારણે જ સ્માર્ટફોનના ઉપયોગમાં ગયા વર્ષ કરતા ૨૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. લોકો સાત-સાત કલાક ફોન લઈને તેમાં કંઇકને – કંઇક જોતા રહે છે. રીપોર્ટ કહે છે કે કોરોનાકાળમાં વર્કફ્રોમ હોમ, ઓનલાઇન ક્લાસિસ અને એવી બીજી અન્ય મનોરંજક પ્રવૃતિઓના કારણે સ્માર્ટફોનનો ઉપયોગ વધી ગયો છે. આ વધારો ચિંતા જનક અને ચોંકાવનારો છે. આ રીપોર્ટમાં કહેવાયું છે કે વર્ષ ૨૦૧૯માં ભારતીય યુજર્સ સરેરાશ ૪.૯ કલાક સ્માર્ટફોન પર વિતાવતા હતા. માર્ચ ૨૦૨૦ સુધી એટલે ભારતમાં કોરોનાકાળ પહેલા આ કલાકોમાં ૧૧ ટકા જેટલો વધારો થયો એટલે કે માર્ચ ૨૦૨૦ સુધી ભારતીયો રોજ ૫.૫ કલાકનો સમય સ્માર્ટફોન પર વિતાવતા હતા. પરંતુ હાલ એટલે કે કોરોનાકાળ પછી તેમાં ૨૫ ટકાનો વધારો નોંધાયો છે અને ભારતીય વ્યક્તિ આજે રોજ સરેરાશ ૬.૯ કલાકનો સમય પોતાના સ્માર્ટફોન પર પસાર કરે છે. જરા વિચાર કરો નોકરી કરવાનો સમય પણ ૮ કલાકનો હોય છે અને હાલ સ્માર્ટફોનવાળો ભારતીય એક નોકરીના સમય જેટલો સમય સ્માર્ટફોન પાછળ ખર્ચે છે અને એ પણ કોઇ પગાર મેળવ્યા વગર… ૭ કલાક સ્માર્ટફોન સામે જોઇને તેને મળે છે તો માત્ર આળસ, માનસિક – શારીરિક નબળાઇ જ….માટે આ ચિંતાનો વિષય છે!
 

vivo report smartphone_1& 
 

૫૫ ટકા સમય સોશિયલ મીડિયા પર અને ૪૫ ટકા સમય ગેમ્સ રમવામાં વિતાવે છે

 
રીપોર્ટ કહે છે કે લોકોએ આ સમય દરમિયાન સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કર્યો. નેટફ્લિક્સ, સ્પોટિફાઈ, હોટસ્ટાર, યુ-ટ્યુબને કરોડો દર્શકો મળ્યા. રીપોર્ટ કહે છે કે ભારતીય લોકો જે રોજ સરેરાશ ૬.૯ કલાક સ્માર્ટફોન પર સમય પસાર કરે છે તેમાંથી ૫૫ ટકા સમય સોશિયલ મીડિયા પર અને ૪૫ ટકા સમય ગેમ્સ રમવામાં વિતાવે છે. એટલે કહેવાનો અર્થ એ છે છે કે ભારતીય લોકો ઇન્ટરનેટ, સ્માર્ટફોનનો ઉપયોગ કંઇક શીખવા માટે કે જીવનને સરળ બનાવવા માટે નહી પણ માત્ર સમય પસાર કરવા અને મનોરંજન મેળવવા કરી રહ્યા છે.
 

આ રીતે થયો આ સર્વે….

 
આ સર્વે માટે ભારતના આઠ શહેરમાંથી ૧૫ થી ૪૫ વર્ષના લગભગ ૨૦૦૦ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં ૭૦ ટકા પુરૂષ અને ૩૦ ટકા મહિલા હતી. આ સર્વે કરાવનારી વીવો કંપનીનું કહેવું છે કે આવો સર્વે અમે ગયા વર્ષે પણ કરાવ્યો હતો. આ વે સર્વેના રીપોર્ટમાં કોરોનાકાળને કારણે મોટો ફરક દેખાઈ રહ્યો છે. આ તો નાનકડો સર્વે છે પણ આવા અનેક સર્વે, રીપોર્ટ કહે છે કે સ્માર્ટફોનનો ઉપયોગ વધી ગયો છે. અને વધતા સ્માર્ટફોનના ઉપયોગથી માનવ જીવનની કેટલીક મુશ્કેલીઓ પણ વધી છે. એમા સૌથી પહેલી છે આરોગ્યની…આવા જ અનેક સર્વે અને સંશોધનો જણાવી રહ્યા છે કે વધારે સ્માર્ટફોનના ઉપયોગથી શારિરીક કરતા વધારે લોકો માનસિક રીતે બિમાર થઈ રહ્યા છે.
 

સ્માર્ટફોનનો હદકરતા વધારે ઉપયોગ હાનિકારક છે.

 
એકવાત તો સ્પષ્ટ છે કે સ્માર્ટફોનનો હદકરતા વધારે ઉપયોગ હાનિકારક છે. બાળક હોય, યુવાન હોય કે ઘરના વડિલ હોય સ્માર્ટફોનનો વધારે ઉપયોગ કરવાની પહેલી અસર આંખો પર અને બીજી અસર મગજ પર પડે જ છે. વધારે પડતા સ્માર્ટફોનના ઉપયોગથી સ્વભાવ ચિડિયો થઈ જાય છે, કોઇ કામમાં એકાગ્રતા રહેતી નથી. ઊંધ ઓછી થઈ જાય છે. દંપતિથી થઈને પરિવારના લોકોનો સંબંધ ખરાબ પણ આના કારાણે થવા ના કિસ્સા બહાર આવ્યા છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જો સ્માર્ટફોનને સ્માર્ટ રીતે નહી વાપરો તો અનેક સમસ્યાઓ તમારા જીવનમાં પ્રવેશી જશે. તમારા જીવનમાં આ સમસ્યાને પ્રવેશતી અટકાવવી હોય તો સ્માર્ટફોનનો ઉપયોગ જરૂરિયાત પૂરતો જ કરો. આજના યુગમાં સ્માર્ટફોનથી દૂર રહેવું શક્ય નથી પણ તેનો ઉપયોગ જરૂર મર્યાદિત કરી શકાય છે. કેવી રીતે?
 
તો આવો જાણીએ કે નાની-નાની વાતો પર ધ્યાન રાખી આપણે સ્માર્ટફોનની વર્ચુઅપ દુનિયાની દૂર અને આપણી રીયલ દુનિયાની નજીક રહી શકીએ છીએ…
 

સૌથી પહેલા નક્કી કરી લો કે….

 
મન મક્કમ હશે તો જ આ શક્ય બનશે. સૌથી પહેલા મન મક્કમ કરી લો કે હા મારે સ્માર્ટફોનનો ઉપયોગ ઓછો કે નહિવત કરવો છે. પછી વિચારો કે તમે તમારો કયો કિંમતી સમય સ્માર્ટફોન પાછળ ખર્ચી નાખો છો. તે સમયને ઓળખો અને ધીરે ધીરે તે સમયમાં સ્માર્ટફોન વાપરવાનું ટાળો. એની જગ્યાએ તે સમયે કોઇ બીજી ગમતી પ્રવુત્તિ કરો, સારી પુસ્તક વાંચી શકાય, બહાર આટો મારવા જઈ શકાય, પરિવારના સભ્યો સાથે વાતો કરી શકાય…
 

સ્માર્ટફોનની આ સેટિંગ્સ બદલી નાખો…

 
સૌથી પહેલા સ્માર્ટફોનના બધા એપ્લિકેશનના નોટિફિકેશન બંધ કરી દો. આ નોટિફિકેશન જ આપણું ધ્યાન વારંવાર સ્માર્ટફોન તરફ લઈ જાય છે. આપણે કોઇ કામ કરતા હોઇએ અને ત્યાં જ આપણા સ્માર્ટફોનમાં કોઇ નોટિફિકેશન આવે અને આપણને બીપનો અવાજ સંભળાય અથવા સ્ક્રીન ઓન થાય એટલે આપણું ધ્યાન સ્માર્ટફોન પર જાય અને એ ફાલતું નોટિફિકેશન આપણો એક કલાક ખાઈ જાય. ડિજિટલ માર્કેટિંગના આ જમાનામાં તમે નોટિફિકેશન ઓન રાખશો તો દર મિનિટે એક નોટિફિકેશન તમારા સ્માર્ટફોનમાં આવશે અને તમારો સમય તેને જોવામાં બર્બાત થતો રહેશે. એટલે બધા અથવા જરૂર ન હોય તેવા એપ્લિકેશનના નોટિફિકેશન બંધ કરી દો.
 

જરૂર હોય ત્યારે જ નેટ ચાલુ કરો…

 
સ્માર્ટફોનનું નેટ હંમેશા ચાલુ ન રાખો. જરૂર પડે ત્યારે જ નેટ ચાલું કરો અથવા જરૂર હોય એટલા સમય પૂરતું જ નેટ ચાલું રાખો. નેટ બંધ હશે તો વોટ્સએપ કે ફેસબૂક જોવાનું મન નહી થાય અને બેટરીનો વપરાશ પણ ઓછો થશે.
 

સવારે ઉઠો ત્યારે સ્માર્ટફોનથી દૂર રહો…

 
મોટા ભાગના લોકો સવારે ઉઠતાવેંત પહેલા સ્માર્ટફોનને જોવે છે અને લાઇક, કોમેન્ટ અને નોટિફિકેશન જોવામાં ખોવાઈ જાય છે. આમાને આમા તમારો સવારનો કિમતી સમય પસાર થઈ જાય છે. સવારની શરૂઆત સ્માર્ટફોન સાથે ક્યારેય ન કરો…
 

vivo report smartphone_1& 
 

નો સ્માર્ટફોન ઝોન અથવા સ્માર્ટફોન ઝોન બનાવો

 
ઘરનો એક રૂમ તો એવો હોવો જ જોઇએ જ્યા સ્માર્ટફોન લઈ જવા પર પ્રતિબંધ હોય. બેડરૂમ, મંદિરવાળો રૂમ, રસોડું કે ખાવા-પીવાનો રૂમ તમે નો સ્માર્ટફોન ઝોન બનાવી શકો. આના ઘણા ફાયદા છે. કમ સે કમ તમે સ્માર્ટફોનથી તો દૂર રહેશો જ. આનાથી ઉલટું તમે મોબાઇલ ઝોન પણ બનાવી શકો. એટલે કે મોબાઇલ મૂકવાનો એક અલગ રૂમ. ઘરમાં પરિવારનો કોઇ પણ સભ્ય પ્રવેશ કરે એટલે જેમ બૂટ-ચપ્પલ ઘરની બહાર ઉતારે છે તેમ પોતાનો સ્માર્ટફોન પણ આ મોબાઇલ રૂમમાં મૂકીને જ આવે. આવું કરવું શક્ય નથી એવું નથી. મન મક્કમ હોય તો થોડી બાંધછોડ સાથે આ કામ આરામથી થઈ શકે છે. આજે ઘરમાં સભ્યદીઠ એક સ્માર્ટફોન હોય છે. માત્ર એક સ્માર્ટફોન જોડે રાખી બાકીના બધા સ્માર્ટફોન આ મોબાઇલ ઝોનમાં મૂકી શકાય…
 

સોશિયલ મીડિયાનો જરૂર હોય એટલો ઉપયોગ કરો

 
સોશિયલ મીડિયા ઉપયોગી પણ છે અને નુકશાનકારક પણ. આ તમારા ઉપયોગ પર આધારીત છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ જરૂર હોય એટલા સમય માટે જ કરો. આનાથી દૂર રહેતા તમને આવડી ગયું તો સમજી લો કે તમારો ૫૦ ટકા સમય બચી ગયો. આનાથી દૂર રહેવાની કળા શીખવા જેવી છે, અને આ દૂર રહેવાની કળા એક લીટીની જ છે. જરૂર હોય ત્યારે જ અને એટલા સમય માટે જ સોશિયલ મીડિયા (ફેસબૂક, વોટ્સએપ, ટ્વીટર) ખોલવાનું બાકી કામ પતે એટલે બંધ કરી દેવાનું…
 

પોતાની સમસ્યાનો ઉકેલ અહીં ના શોધો

 
સમસ્યાનો ઉકેલ ઘરના વડિલ પાસેથી સારો મળશે કોઇ મોબાઇલ એપ્લિકેશન પાસેથી નહી. સમસ્યાથી બચવા સ્માર્ટફોનનો ઉપયોગ કરવો યોગ્ય નથી. લાઇક, રીચ અને પૈસા કમાવામાં પડેલી આ નેટની દુનિયામાં બની શકે તમને હિતકારી ઉપાય ન પણ મળે.
 

દોસ્ત બનાવો પણ સોશિયલ મીડિયા પર નહી, અસલ જીવનમાં…

 
વર્ચ્યલ દોસ્ત નહી પણ તમારી સાથે રહેતા લોકોમાંથી દોસ્ત બનાવો. સ્માર્ટફોનની દુનિયામાં રહેતા આજના યુવાનોને ફેસબૂક પર હજ્જારો મિત્રો હોય છે પણ રીયલ લાઇકમાં તેઓ એકલા હોય છે. માટે સોશિયલ મીડિયાને છોડો, ઘરની આજુબાજુમાં, ઓફિસમાં , બહાર રીયલ મિત્રો બનાવો, તેમની સાથે સમય પસાર કરો. રીયલ મિત્રો હશે તો સોશિયલ મીડિયાની જરૂર નહી પડે.
 

સૌથી અગત્યનું પરિવાર સાથે સમય પસાર કરો…

 
ઘરે સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનું બંધ કરી દો. ઘરે હોવ ત્યારે આગ્રહ રાખો કે પરિવારના સભ્યો સાથે જ સમય પસાર કરીશ. બાળકો સાથે રમો, પત્ની સાથે વાત કરો, માતા-પિતા સાથે કે ભાઇ સાથે વાતો કરો સ્માર્ટફોન યાદ નહી આવે અને પરિવાર ભાવના પણ વધશે…