ઇથિયોપિયા : જ્યાં એક નગર દેશના સૈન્ય સામે જંગે ચડ્યું છે

    ૧૭-ડિસેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

ethopiya_1  H x
 
 
ઇથિયોપિયાના વડા પ્રધાન આબી અહમદે ટિગ્રેના પાટનગર મકૈલે પર અંતિમ અને ફાઇનલ ફેઝનું સૈન્ય અભિયાન શરૂ કરવાની ઘોષણા કરી છે.
 
તેમણે કહ્યું કે સૈનિકો નાગરિકોને નુકસાન નહીં પહોંચાડવાની કોશિશ કરશે અને નાગરિકોને વિનંતી કરશે કે તેઓ ઘરમાં જ રહે, ઉલ્લેખનીય છે કે, તેમણે આ ઘોષણા ટિગ્રે ફાઇટર્સને શરણે આવી જવાની ડેડલાઇન બાદ કરી છે. વડાપ્રધાન આબી અહમદની ઘોષણા બાદ અહીં સેંકડો-હજારોની સંખ્યામાં જાનહાનિ થવાનો ખતરો છે.
 
ઇથિયોપિયાના સૈન્યના પ્રવક્તા કર્નલ ડેજેને સેગાયે સરકારી ટીવીને જણાવ્યું હતું કે સૈન્ય ટૅંક અને બીજાં શસ્ત્રો સાથે આખા શહેરને ઘેરવા માટે તૈયારી કરી રહ્યું છે. અહીં અંદાજિત પાંચ લાખ લોકો રહે છે.
 
સામે પક્ષે આ ડુંગરાળ વિસ્તાર પર નિયંત્રણ રાખનાર ટિગ્રે પીપલ્સ લિબરેશન આર્મી (ટીપીએલએફ)એ લડાઈ ચાલુ રાખવા માટેના સોગંદ લીધા છે. ટીપીએલએફના નેતા ડેબ્રેટ્સન ગેબ્રેમિકેલે સમાચાર સંસ્થા રૉયટર્સને જણાવ્યું છે કે તેમના સૈન્યે સરકારી સૈન્યને આગળ વધતાં અટકાવી રાખ્યું છે.
 
તેમણે દાવો કર્યો છે કે, દક્ષિણ ભાગમાં છેલ્લા એક અઠવાડિયામાં તેઓ એક ઇંચ પણ આગળ વધી શક્યા નથી. તેઓ એક પછી એક સંદેશા મોકલી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેઓ આગળ વધી શકતા નથી.
 
બીજી તરફ સરકારનું કહેવું છે કે તેમના સૈન્યે અમુક મહત્ત્વનાં શહેરોને પોતાના નિયંત્રણ હેઠળ લઈ લીધાં છે.
 
જોકે ટિગ્રેથી આવી રહેલી માહિતીની ખરાઈ કરવી મુશ્કેલ છે અને જે દાવા કરવામાં આવી રહ્યા છે, તેની સ્વતંત્ર રીતે તપાસ થઈ શકે તેમ નથી, કારણ કે જ્યારથી યુદ્ધ શરૂ થયું છે ત્યારથી ફોન અને ઇન્ટરનેટ સેવા એકદમ ઠપ્પ થઈ ગઈ છે.
 
સંઘીય સૈન્ય અને ટિગ્રે બળવાખોરો વચ્ચે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધી અનેક લોકો મૃત્યુ પામ્યા છે. બીજી બાજુ હજારો લોકોએ પાડોશી દેશ સુદાનમાં શરણ લીધી છે.
 
આફ્રિકન યુનિયનના અધ્યક્ષની રૂએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટપ્રમુખ સીરિલ રામાપુસાએ આ યુદ્ધ ખતમ થાય તે માટે વાત કરવા માટે ત્રણ રાષ્ટપ્રમુખોનાં નામોની જાહેરાત કરી છે.
 
પરંતુ ઇથિયોપિયાએ આ દરખાસ્ત સ્વીકારવાની ના પાડી દીધી છે, કારણ કે તે સૈન્યના ઑપરેશનને ‘કાયદાને અમલમાં મૂકવા માટેના મિશન’ તરીકે જોઈ રહ્યું છે.
 
ઇથિયોપિયાના વડા પ્રધાન આબી અહમદના વરિષ્ઠ સહયોગી મામો મિહરેતુએ હવે પાણી માથાની ઉપર ચાલી ગયું હોવાનું જણાવી કહ્યું છે કે, અમે ગુનેગારો સાથે સંધિ કરવાના માટે વાતચીત કરતા નથી. અમે તેમને અદાલતમાં લઈ જઈશું, ન કે સંધિના ટેબલ પર.
 

આખરે લડાઈ કેમ થઈ રહી છે ?

 
અત્યારે ઇથિયોપિયામાં જે લડાઈ ચાલી રહી છે, તેની પાછળ ત્યાંની શક્તિશાળી ટિગ્રે પીપલ્સ લિબરેશન આર્મી (ટીપીએલએફ) અને સરકાર વચ્ચેની તંગદિલી જવાબદાર છે.
 
કોરોના વાઇરસના કારણે જ્યારે રાષ્ટપ્રમુખ આબી અહેમદે જૂનમાં થનાર ચૂંટણીઓ પાછળ ઠેલી દીધી ત્યારે આ તંગદિલી વધી ગઈ. આબી પાસે બહુમત નથી, તેમ જણાવીને ટીપીએલએફે કેન્દ્રના પગલાને ગેરકાયદેસર ગણાવ્યું હતું.
૪ નવેમ્બરના રોજ ઇથિયોપિયાના વડા પ્રધાને ટીપીએલએફ સામે કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી. કાર્યવાહી કરવા પાછળનાં કારણો જણાવતાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે ટીપીએલએફના સેનિકોએ સૈન્યના ઉત્તર કમાંડના મુખ્ય મથક મકૈલ પર હુમલો કર્યો છે.
 
જોકે ટીપીએલએફએ આ દલીલને ફગાવી દીધી છે. ટીપીએલએફમાં અંદાજિત અઢી લાખ યોદ્ધાઓ છે, જેમાં મોટાભાગના લોકો અર્ધસૈનિક યુનિટથી છે અને તાલીમ મેળવી ચૂક્યા છે.
 

પરિસ્થિતિ કેટલી ખરાબ છે?

 
અહીં પરિસ્થિતિ દિન-પ્રતિદિન બદતર થઈ રહી છે અને લડાઈ ચાલી રહી છે, તે વિસ્તારમાં હજુ મદદ કરનારી સંસ્થાઓ પહોંચી શકી નથી અને નવેમ્બરના પહેલા અઠવાડિયાથી શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધી હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે. આ સંઘર્ષને કારણે અત્યાર સુધી અંદાજિત ૩૩,૦૦૦ લોકોએ સુદાનમાં આશ્રય લીધો છે. સંયુક્ત રાષ્ટની શરણાર્થી એજન્સીનું કહેવું છે કે જો લડાઈ આ રીતે ચાલુ રહેશે તો આવનારા ૬ મહિનામાં વધુ ૨ લાખ લોકોને સુદાન લાવવા પડશે.
આ બધાની વચ્ચે સુદાનમાં મોટી સંખ્યામાં લોકોએ આશ્રય લેતાં સંયુક્ત રાષ્ટે ચિંતા વ્યક્ત કરી છે. યુએનનું કહેવું છે કે સુદાનમાં પહેલાંથી આફ્રિકી દેશોના લાખો લોકોએ આશ્રય લીધો છે અને મોટી સંખ્યામાં નવા લોકો આવવાથી દેશની સ્થિતિ વણસશે.
 

ટિગ્રે વિશે જાણવા જેવું

 
૧. આ અક્સુમ સામ્રાજ્યનું કેન્દ્ર હતું. તે પ્રાચીન વિશ્ર્વની સૌથી મોટી સભ્યતામાંની એક છે. એક સમયે રોમન અને ફારસી રાજમાં આ સૌથી શક્તિશાળી રાજ્ય હતું.
 
૨. અક્સુમ શહેરમાં જે ખંડેર છે, તે સંયુક્ત રાષ્ટની વૈશ્ર્વિક ધરોહરમાં સામેલ છે. પ્રથમ અને ૧૩મી સદીમાં આ શહેરમાં ઓબિલિસ્ક, મહલ, શાહી કબ્રસ્તાન અને ચર્ચ સામેલ હતાં, જેના વિશે ઘણા લોકોનું માનવું છે કે અહીં વર્ક ઑફ કૉન્વેન્ટ છે.
 
૩. ટિગ્રેમાં રહેનાર લોકોમાં સૌથી વધુ સંખ્યા ઇથિયોપિયાઈ ખ્રિસ્તીઓની છે. અહીં ખ્રિસ્તીઓ ૧૬૦૦ વર્ષોથી વસવાટ કરી રહ્યા છે.
 
૪. અહીંની મુખ્ય ભાષા ટિગ્રિનીયા છે. આ સેમેટિક બોલી છે, જેને આખા વિશ્ર્વમાં ૭૦ લાખ લોકો બોલે છે.
 
૫. તલ અહીંનો મુખ્ય પાક છે, જેની નિકાસ અમેરિકા, ચીન અને બીજા દેશોમાં થાય છે.