વાત એક એવા દેશની, જ્યાં ગરીબોની મદદ માટે માલેતુજારો પર વિશેષ કર નાખવામાં આવ્યો છે

    ૨૧-ડિસેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

argentina_1  H
 
 
પૂંજીપતિઓ પર વધારાના કરથી જે આવક થશે, તેનો ઉપયોગ કોરોના મહામારીનો સામનો કરી રહેલા દેશના ગરીબો માટે દવા અને અન્ય જરૂરી વસ્તુઓ ખરીદવામાં અને અન્ય રાહતકાર્યમાં વાપરવામાં આવશે. આર્જેન્ટિના સંસદમાં દેશના લખપતિઓ પરના ટેક્સ તરીકે ઓળખાતા આ વિશેષ સંપત્તિ કર પ્રસ્તાવને ૪૨ મતોથી પારિત કર્યો છે.
 
લેટિન અમેરિકન દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લાં કેટલાય સમયથી આ ટચૂકડો દેશ કોરોનાના કેસો અને કોરોનાના કારણે થતાં મૃત્યુના આંકડાઓને કારણે ચર્ચામાં રહ્યો છે, પરંતુ હાલ આ દેશ એક નવા જ કારણે વિશ્ર્વ આખામાં ચર્ચાનો વિષય બન્યો છે. આર્જેન્ટિના સરકારે કોરોના મહામારીમાં ગરીબોની મદદ અને રાહત માટે નવો કાયદો બનાવ્યો છે. આ નવા સંપત્તિ કાયદા મુજબ દેશના પૂંજીપતિઓ એટલે કે ધનવાન લોકોએ વધારાનો (વિશેષ) ટેક્સ ચૂકવવો પડશે.
 
સરકારનું કહેવું છે કે, પૂંજીપતિઓ પર વધારાના કરથી જે આવક થશે, તેનો ઉપયોગ કોરોના મહામારીનો સામનો કરી રહેલા દેશના ગરીબો માટે દવા અને અન્ય જરૂરી વસ્તુઓ ખરીદવામાં અને અન્ય રાહતકાર્યમાં વાપરવામાં આવશે. આર્જેન્ટિના સંસદમાં દેશના લખપતિઓ પરના ટેક્સ તરીકે ઓળખાતા આ વિશેષ સંપત્તિ કર પ્રસ્તાવને ૪૨ મતોથી પારિત કર્યો હતો, જેના વિરોધમાં ૨૬ મત પડ્યા હતા.
 
જો કે આ નવો કાયદો સ્થાયી નથી અને તે અંતર્ગત આ કર માત્ર એક જ વખત લગાવવામાં આવશે અને આ કાયદો તેવા લોકોને લાગુ પડશે, જેની પાસે ૨૦ કરોડ પેસો એટલે કે ૨૫ લાખ ડોલરથી વધુની સંપત્તિ છે. આર્જેન્ટિનામાં લગભગ ૧૨,૦૦૦ જેટલા આવા લખપતિ છે, જેઓ તમામે આ વધારાનો કર ચૂકવવો પડશે.
 
ઉલ્લેખનીય છે કે આર્જેન્ટિનાની જનસંખ્યા માત્ર ૪.૫ કરોડ જ છે અને આ લખાય છે ત્યાં સુધી આર્જેન્ટિનામાં કોરોના સંક્રમણનો આંકડો ૧૫ લાખને પાર કરી ગયો છે અને ૪૦,૦૦૦ લોકોનો ભોગ લઈ ચૂક્યો છે અને હાલ પણ તે કોરોનાથી ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત દુનિયાનો પાંચમો અને સૌથી નાનો દેશ છે. આર્જેન્ટિનામાં ૨૦૧૮થી આર્થિક મંદી ચાલી રહી છે અને બેરોજગારી, ગરીબી અને સરકારી કર્જને કારણે આ ટચૂકડા દેશની હાલત કફોડી બની હતી, ઉપરથી કોરોના મહામારીએ આ દેશને પડતાં પર પાટું માર્યું છે.
 
કાયદાને જરૂરી ગણાવતા સરકારી મંત્રી કહે છે કે, આ નવા કર કાયદાની અસર દેશના માત્ર ૦.૮ ટકા કરદાતાઓ પર જ થશે અને જે લોકો આ કાયદામાં આવશે તેઓને દેશની અંદરની સંપત્તિ પર ૩.૫ ટકા અને દેશની બહારની સંપત્તિ પર ૫.૨૫ ટકા કર ચૂકવવો પડશે. સરકાર દ્વારા ઉઘરાવાયેલ આ વધારાના કરનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવશે એ પણ નક્કી થઈ ગયું છે.
 
સમાચાર એજન્સી એએફસીનું માનીએ તો આ કરમાંથી જે રકમ ઊભી થવાની છે તેમાંનો ૨૦ ટકા ભાગ મેડિકલ સપ્લાઈ ખરીદવા માટે વાપરવામાં આવશે. બાકી બચેલ ટેક્સમાંથી ૨૦ ટકા નાના અને મધ્યમ કદના કારોબારોને વિશેષ રાહત પાછળ ખર્ચવામાં આવશે. ૨૦ ટકા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ, ૧૫ ટકા, સામાજિક વિકાસ અને બાકી ૨૫ ટકા પ્રાકૃતિક ગેસ સાથે જોડાયેલા ઉદ્યોગોને રાહત આપવા માટે ખર્ચાશે.
 
ઉલ્લેખનીય છે કે આ લેટિન અમેરિકન દેશમાં હાલ મધ્યમાર્ગી-વામપંથી સરકારનું શાસન છે. રાષ્ટપિત અલ્બેર્ટો ફર્નાન્ડેઝને આશા છે કે, નવા કરની મદદથી સરકારને ૩૦૦ અરબ પેસોની વધારાની આવક થશે. જો કે ત્યાં પણ આ કાયદાનો વિરોધ કરનારા ઓછા નથી. ત્યાંની સીનેટમાં જ્યારે આ કાયદાને લઈ મતદાન થયું ત્યારે તેના વિરોધમાં પણ ૨૬ મત પડ્યા હતા. આ કાયદાનો વિરોધ કરનાર લોકોનો તર્ક છે કે, આ કાયદાથી દેશમાં વિદેશી રોકાણ પર અસર પડી શકે છે અને બની શકે કે સરકારને આની આદત પડી જાય અને આ કાયદો માત્ર એક વાર ટેક્સ લગાવવાનો કાયદો ન બની જાય અને આ કાયદો એક રીતે દેશના લોકોની સંપત્તિ બળજબરીથી જપ્ત કરવા સમાન છે.