કોરોના વિશે તમે જે જાણવા માંગો છો એ બધું જ...કોરોના વેક્સિનના નિર્માણમાં અગ્રેસર ભારત

    ૨૧-ડિસેમ્બર-૨૦૨૦   
કુલ દૃશ્યો |

corona vaccsine_1 &n
 
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આશ્ર્વાસન આપ્યું છે કે, ભારતમાં થોડાક જ સમયમાં ભારતમાં કોરોના વેક્સિન તૈયાર થઈ જશે. વડાપ્રધાનશ્રીની આ જાહેરાત બાદ ન માત્ર ભારતના લોકો જ બલ્કે વિશ્ર્વ આખું ભારત તરફ મીટ માંડી રહ્યું છે, ત્યારે આવો, જાણીએ કે ભારતમાં કોરોનાની રસીની સ્થિતિ, કેવોદે એ કંપનીઓના ટ્રેક રેકોર્ડ જે કંપનીઓએ રસીનિર્માણમાં વિશ્ર્વ આખાનું ધ્યાન ખેંચ્યું છે કોરોના રસીના આગમન બાદ કેવી રીતે થશે તેનું વિતરણ અને કોને અપાશે પ્રાથમિકતા - આ વિશેષ લેખમાં...
 
સમગ્ર વિશ્ર્વ હાલ કોરોના મહામારીના સંક્રમણ વિરોધી લડાઈમાં હાંફી રહ્યું છે ત્યારે ભારતે તેની વિશાળ વસ્તીગીચતાની દૃષ્ટિએ સંક્રમણને ન માત્ર મર્યાદિત રાખવામાં સફળતા મેળવી છે, સાથે સાથે છેલ્લા કેટલાક દિવસના આંકડા જોતાં કોરોના મહામારી પણ હવે અહીં હાંફી રહી હોય એવું લાગી રહ્યું છે. આ બધા વચ્ચે કોરોના વેક્સિન બનાવવામાં પણ ભારતે વિશ્ર્વની મહાસત્તા અને આધુનિક ટેક્નોલોજી અને તબીબી જ્ઞાન ધરાવતા અમેરિકા-યુરોપ સહિતના દેશોની સાથે કદમથી કદમ મિલાવી ભારતમાં જ કોરોના વેક્સિન તૈયાર થાય તેવા ઊજળા સંજોગો પેદા કરીને વિશ્ર્વને ચોંકાવી દીધું છે. તાજેતરમાં વિશ્ર્વના ૬૦ દેશોના રાજદૂતો હૈદરાબાદની મુલાકાતે હતા. તેઓ અહીં શું કામ આવ્યા હતા ? આનો જવાબ જાણી સૌ કોઈ ભારતીયને આપણા દેશના વિજ્ઞાન ઉપર ગર્વ થશે. આ તમામ લોકો ભારત બાયોટેક અને બાયોલોજિકલ ઇ-લેબની મુલાકાતે આવ્યા હતા કારણ કે આ લેબમાં કોરોના વેક્સિનનું પરીક્ષણ બીજા અને ત્રીજા તબક્કામાં છે. આમાં પણ આ લખાય છે ત્યાં સુધી આમાંની ભારત બાયોટેકે તો કોરોના વેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી પણ માંગી લીધી છે. આ વેક્સિન સંપૂર્ણપણે ભારતમાં જ બનેલી છે. આ તમામ રાજદૂતોએ પૂનાની સીરમ અને અમદાવાદની કેડિલા ઝાયડસની પણ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે ભારતમાં હાલ કુલ આઠ લેબમાં વેક્સિન બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં ડૉ. રેડ્ડી લેબમાં રશિયન વેક્સિન સ્પુતનિક-૫ બાયોલોજિકલ-ઈમાં રીકાર્બીનેટ, પ્રાચીન, અરવિંદો ફાર્માના એક ટીકાનો પણ સમાવેશ થાય છે. સૌપ્રથમ વાત કરીએ ભારતમાં કંપનીનો ટ્રેક રેકોર્ડ કેવો છે તે વિશે...
 

કોરોના વેક્સિન બનાવનારી ભારતીય કંપનીઓનો ટ્રેક રેકોર્ડ

 
હાલ વિશ્ર્વભરની નજર કોરોનાને નાથવા માટે વેક્સિન બનાવી રહેલી કંપનીઓ પર ટકેલી છે. વિશ્ર્વમાં બ્રિટને ટીકાકરણની સત્તાવાર જાહેરાત કરી છે અને લોકો પર તેનો પ્રયોગ પણ શરૂ કર્યો છે. પણ આ સિવાયના દેશો દ્વારા દાવા તો બહુ થઈ રહ્યા છે, પરંતુ હજુ તે તબક્કામાં પહોંચી શક્યા નથી. ચીન, રશિયા જેવા દેશોએ કોરોના વેક્સિન બનાવી લીધી હોવાનો દાવો કર્યો હતો અને લોકો પર તેનું પરીક્ષણ પણ શરૂ કરી દીધું હતું, પરંતુ તેનાં કેવાં પરિણામો આવ્યાં હતાં, તેનું વર્તમાન સાક્ષી છે. ત્યારે ભારતની ત્રણ-ત્રણ કંપનીઓએ વેક્સિન નિર્માણમાં દુનિયાભરને આશા જગાવી છે.
 

ભારત બાયોટેક - Bharat Biotech

 
ભારત બાયોટેક ( bharat biotech ) ની સ્થાપના ડૉ. કૃષ્ણા એમ એલા અને તેમનાં ધર્મપત્ની સુચિત્રા એલાએ ૧૯૯૬માં એક વેક્સિન અને જૈવ - ચિકિત્સીય એટલે કે (biotherapeutics) કંપનીના રૂપમાં કરી હતી. આજે ભારત બાયોટેક પાસે ૧૪૦થી વધુ પેટન્ટ છે. આ કંપની હાલ ભારતની પોતાની સ્વદેશી કોવિડ-૧૯ વેક્સિન વિકસિત કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) સાથે મળી કામ કરી રહી છે. તેની ટ્રાયલ અંતિમ ચરણમાં છે અને ૨૦૨૧ પહેલાં મહિના સુધી, ચોક્કસ પરિણામ મળવાની આશા પણ છે.
 
ટ્રેક રેકોર્ડ : ભારત બાયોટેકનો ટ્રેક રેકોર્ડ જોઈએ તો તેની પાસે ૧૬થી વધુ વેક્સિનોનો પોર્ટફોલિયો છે અને તેમાં વિશ્ર્વના ૧૧૬ દેશોમાં ૪ અરબથી વધારે વેક્સિન ડોઝ સપ્લાય કર્યા છે. તેમાં પોલિયો, રૈબીઝ, રોટા વાઈરસ, જાપાની, ઇન્સેફેલાઈટિસ, ચિકનગુનિયા અને ઝીંકા વાઈરસની વેક્સિન પણ સામેલ છે. ભારત બાયોટેકે ૭૫થી વધુ ક્લિનિકલ ટ્રાયલનું પણ સંચાલન કર્યું છે.
 
આ કંપની પાસે પોલિયો, રોટાવાઈરસ અને ટાઇફોઈડની ત્રણ વેક્સિન છે. જે વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHOએ મંજૂર કરેલી છે. આઈસીએમઆર અને એનઆઈવી સાથે એક સંયુક્ત ભાગીદારી અંતર્ગત કંપનીએ જાપાની ઇન્સેફેલાઈટીસની વેક્સિન પર પણ કામ કર્યું છે. તેણે ૨૦૧૦માં ભારતમાં પ્રથમ H1N1 વેક્સિન લોન્ચ કરી હતી.
 

corona vaccsine_1 &n 
 

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા - Serum institute of india

 
ઉત્પાદનની સરખામણીએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII - serum institute of india ) વિશ્ર્વની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની છે. તેની સ્થાપના ૧૯૬૬માં ડૉ. સાઈરસ એસ. પૂનાવાલા દ્વારા કરવામાં આવી હતી. એસઆઈઆઈએ અલ્પ અને મધ્યમ આવકવાળા દેશો માટે કોરોના વેક્સિનના એક અરબ ડોઝની સપ્લાય માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રા જેનેકા સાથે કરાર કર્યો છે. આ વેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થઈ ચૂકી છે, જેને આ મહિનાના અંત સુધી યુનાઈટેડ કિંગડમમાં મંજૂરી પણ મળી જશે.
 
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા નિર્મિત વેક્સિન ભારતની પહેલી કોરોના વેક્સિન પણ હોઈ શકે છે. એસ્ટ્રાજેનેકા ઓક્સફોર્ડ વેક્સિન સિવાય કંપનીએ નોવાક્સ સાથે પણ કોરોના વેક્સિન બનાવવા માટે ભાગીદારી કરી છે, જે સફળ થતાં તે ભારતમાં ઉપલબ્ધ થશે. બ્રિટનના સ્પાઈવાયોટેક અને અમેરિકાની કોડા ઝેનિક્સની સાથે મળી કોરોના વેક્સિન વિકસિત કરવા પર કામ કરી રહી છે.
 
ટ્રેક રેકોર્ડ : વિશ્ર્વની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની હોવાને નાતે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના વેક્સિન પોર્ટફોલિયોમાં પોલિયો, ડિપ્થેરીયા, ટેટસ, પર્ટસિસ, એચઆઈવી, બીસીજી, આર-હિપેટાઈટિસ-બી, મીઝલ્સ, મમ્પસ અને રુબેલાની વેક્સિન સામેલ છે. કંપની મુજબ દુનિયાના લગભગ ૬૫ ટકા બાળકોને સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નિર્મિત ઓછામાં ઓછી એક વેક્સિન તો જરૂરથી લગાવવામાં આવે છે. WHO થી માન્યતા પ્રાપ્ત તેની વેક્સિન લગભગ ૧૭૦ દેશોમાં પહોંચે છે.
 
કંપનીની કોરોના વેક્સિનના ટ્રાયલ દરમિયાન એક વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે, તેને ન્યૂરોલોજિકલ અને મનોવૈજ્ઞાનિક આડઅસરો થઈ અને કંપની પાસે વળતર પણ માગ્યું હતું. કંપનીએ આ અંગે સ્પષ્ટીકરણ કર્યું છે કે ડેટા અને સેફ્ટી મોનિટરિંગ બોર્ડ અને એથિક્સ કમિટીએ સ્વતંત્ર રૂપથી મંજૂરી આપી દીધી છે અને આ મુદ્દાને વેક્સિન ટ્રાયલ સંબંધિત માન્યો નથી. એસઆઈઆઈએ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા સમક્ષ આ ઘટના સંબંધી તમામ રિપોર્ટ અને દસ્તાવેજ રજૂ કરી અને આગળની ટ્રાયલ માટે મંજૂરી પણ મેળવી લીધી હતી.
 

ડૉ. રેડ્ડી લેબોરેટરીઝ - 
RDIF

 
ડૉ. રેડ્ડી લેબએ ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ માટે રશિયન ડાયરેક્ટ ઇનવેસ્ટમેન્ટ ફંડ (RDIF) સાથે ભાગીદારી કરી છે. જો કે રશિયાની સ્પુતનીકવી વેક્સિનને વૈજ્ઞાનિકો શંકાની નજરે જોઈ રહ્યા છે. કારણ કે તેના પ્રારંભિક પરીક્ષણમાં સ્પષ્ટતાનો અભાવ જણાતો હતો. જો કે રશિયાએ સ્પુતનિકના ત્રીજા તબક્કાના પરીક્ષણનો ખૂબ જ સકારાત્મક પરિણામો મા હોવાનો દાવો અને ડેટા રજૂ કર્યો છે અને તેમની વેક્સિન ૯૦% પ્રભાવી હોવાનું જણાવ્યું છે. હવે ભારતમાં આ પરીક્ષણનું સ્વતંત્ર મૂલ્યાંકન વૈજ્ઞાનિકો કરશે અને જો તે સફળ રહ્યું તો ડૉ. રેડ્ડી લેબ ભારતમાં સ્પુતનીકવી વેક્સિનના ૧૦ કરોડ ડોઝનું વિતરણ કરશે.
 
ટ્રેક રેકોર્ડ - ડૉ. રેડ્ડીએ ૧૯૮૬માં ભારતમાં પોતાના જેનેરિક વ્યવસાયની શરૂઆત કરી હતી. આજે તે ૨૦૦થી વધુ પોડક્ટ બનાવે છે. જો કે તેની મુખ્ય વિશેષજ્ઞતા વેક્સિનની તુલનામાં થેરેપ્યૂટિક્સ પર વધારે કેન્દ્રિત છે. તેના પોર્ટફોલિયોમાં એક્ટિવ તેમજ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડેટ્સ (APIS) કસ્ટમ ફાર્માસ્યુટિકલ સર્વિસિઝ, જેનરિક, બાયોસિમિલર્સ સહિત અનેક પ્રોડક્ટ્સ છે. કંપની ભારત સહિત રુસ અમેરિકા યુરોપના અનેક બજારોમાં કામ કરે છે.
 

ઝાયડસ કેડિલા

 
ઝાયડસ કેડિલા અમદાવાદ સ્થિત કંપની છે, જેની સ્થાપના ૧૯૫૨માં થઈ હતી. કંપનીને સ્વદેશી કોરોના વેક્સિન વિકસિત કરવા માટે ત્રીજા ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી પણ મળી ગઈ છે. જો તેનું આ પરીક્ષણ સફળ થયું તો તે ભારતમાં વિકસિત બીજી સ્વદેશી વેક્સિન બની શકે છે.
 
ટ્રેક રેકોર્ડ : ભારત બાયોટેક અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાથી ઊલટું ઝાયડસ કેડિલાને વેક્સિનની તુલનામાં થેરેપ્યુટિક્સ અને ઇનોવેટિવ હેલ્થકેર સોલ્યુશનમાં વધારે સફળતા મળી છે. જો કે ઝાયડસ પાસે ભારતની પ્રથમ ટેટાવેલેટ ઇનએક્ટિવેટ ઇન્ફલુએજા વેક્સિન છે. જે ચાર અલગ અલગ ઇન્ફલુએન્જા વાઈરસ સામે સુરક્ષા આપે છે. કંપની મુજબ તેની રેબીઝ વેક્સિન નિર્માણ સુવિધાને પણ ડબ્લુએચઓથી મંજૂરી મળી ચૂકી છે.
 

ભારતમાં ૩૦ કરોડ લોકોને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ

 
આગળ વાંચ્યું તેમ વિશ્ર્વ જ્યારે ભારતની ફાર્મા કંપનીઓ તરફ કોરોના વેક્સિન માટે મીટ માંડી બેઠું છે અને ભારતની ફાર્મા કંપનીઓ તરફથી પણ એક બાદ એક આ દિશામાં સારા સમાચારો સંભળાઈ રહ્યા છે ત્યારે ભારતની વિશાળ જનમેદની સુધી કોરોના વેક્સિન કેવી રીતે પહોંચશે તેની તૈયારીઓનો પણ ધમધમાટ ચાલી રહ્યો છે. ભારત સરકારે કોરોના વેક્સિનના પહેલા સ્ટેજના ટીકાકરણની પૂરી તૈયારી કરી લીધી છે. સરકારના દાવા મુજબ આના માટે ૩૦ કરોડ ભારતીયોને ચિહ્નિત પણ કરી લેવામાં આવ્યા છે.
  

corona vaccsine_1 &n

૩૦ કરોડ ભારતીયોમાં કોણ કોણ સામેલ ?

 
ભારતે કોરોના વાયરસ રસીકરણ અભિયાનની તૈયારી શરૂ કરી દીધી છે. પ્રાથમિકતાના આધારે વેક્સિન મેળવનાર ૩૦ કરોડ લોકો કોણ હશે, તેનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેમાં વધુ ખતરાવાળી વસ્તી સિવાય ફ્રન્ટલાઇન વર્કર્સ જેમ કે- હેલ્થકેર પ્રોફેશનલ્સ, પોલીસ, સેનિટેશન કર્મચારી હશે. આશરે ૩૦ કરોડ લોકો માટે ૬૦ કરોડ ડોઝ લાગશે. એકવાર વેક્સિન અપ્રૂવ થઈ જાય, ત્યારબાદ રસીકરણ કરવાનું શરૂ થઈ જશે. પ્રાયોરિટી લિસ્ટમાં ચાર કેટેગરી છે- આશરે ૫૦થી ૭૦ લાખ હેલ્થકેર પ્રોફેશનલ્સ, બે કરોડથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સ, ૫૦ વર્ષથી વધુ ઉંમરના આશરે ૨૬ કરોડ લોકો અને એવા લોકો જે ૫૦ વર્ષથી ઓછી ઉંમરના છે પરંતુ અન્ય બીમારીથી પીડિત છે.
 

પ્રથમ ફેઝમાં ૨૩% જનસંખ્યાનું થશે રસીકરણ

 
વેક્સિનને લઈને બનેલા એક્સપર્ટ ગ્રુપે પ્લાનનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્યોથી ઈનપુટ્સ લેવામાં આવ્યા છે. નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલની આગેવાનીવાળા આ ગ્રુપે જે પ્લાન બનાવ્યો છે, તે પ્રમાણે પ્રથમ તબક્કામાં દેશની ૨૩% ટકા વસ્તીને કવર કરવામાં આવશે.
 

હેલ્થકેર પ્રોફેશનલ્સમાં રસીકરણ પ્રથમ પ્રાથમિકતા

 
એક્સપર્ટ કમિટીનું અનુમાન છે કે દેશમાં સરકારી અને ખાનગી ક્ષેત્રને મેળવીને આશરે ૭૦ લાખ હેલ્થકેયર વર્કર્સ છે. તેમાં ૧૧ લાખ એમબીબીએસ ડોક્ટર, ૮ લાખ આયુષ પ્રેક્ટિશનર્સ, ૧૫ લાખ નર્સો, ૭ લાખ એએનએમ અને ૧૦ લાખ આશા વર્કર્સ સામેલ છે.
 

બીજા કોને-કોને લગાવાશે કોરોનાની રસી ?

 
ડ્રાફ્ટ પ્લાનમાં ૪૫ લાખ પોલીસ અને અન્ય ફોર્સના કર્મચારીઓ પણ સામેલ છે. સેનાના ૧૫ લાખ લોકો પણ આ લિસ્ટમાં છે. આ સિવાય કમ્યુનિટી સર્વિસ, પબ્લિક ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર, ક્લીનર્સ અને ટીચરની ઓળખ કરવામાં આવી છે. તેની અંદાજિત સંખ્યા દોઢ કરોડ છે. ૫૦ વર્ષથી વધુ ઉંમરના આશરે ૨૬ કરોડ લોકોને પણ પ્રથમ ફેઝમાં રસી આપવામાં આવશે. આ સિવાય ડાયાબિટીસ, દિલની બીમારીઓ, કિડનીની બીમારી, ફેફસાંની બીમારી, કેન્સર, લિવરની બીમારીનો સામનો કરી રહેલ લોકોને પણ પ્રાથમિકતાના આધારે રસી લગાવવામાં આવશે.
 

૬૦ કરોડથી વધુ ડોઝની પડશે જરૂર

 
એક અધિકારી પ્રમાણે ઘણી કેટેગરીમાં ઓવરલેપિંગ થશે. સરકારને આશા છે કે પ્રાથમિકતાવાળી વસ્તીના રસીકરણ માટે ૬૦ કરોડ ડોઝની જરૂર પડશે. પ્લાનમાં વેક્સિનના સ્ટોક, પોઝિશન, સ્ટોરેજ ફેસિલિટીમાં ટેમ્પ્રેચર, જિયોગેટ હેલ્થ સેન્ટર્સને ટ્રેક કરવાની પણ વ્યવસ્થા છે.
 

corona vaccsine_1 &n 
 

ગુજરાત સરકાર કોરોના વોરિયર્સને પ્રથમ રસી આપશે : ના. મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ

 
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ થોડા સપ્તાહમાં કોરોના વેક્સિન આવી જશે તેવી કરેલી જાહેરાત બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં ગુજરાત સરકાર કોરોના વોરિયર્સને પ્રથમ વેક્સિન અપાશે. પ્રથમ તબક્કામાં આરોગ્યકર્મીઓ, બીજા તબક્કામાં પોલીસ અને હોમ ગાર્ડ્સ તથા ત્યારબાદના તબક્કામાં ૫૦ વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટિઝનને વેક્સિન અપાશે તેમ જણાવ્યું હતું.
 
બીજા તબક્કામાં પોલીસ, હોમગાર્ડસ સહિતના કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવશે. જ્યારે ત્યારબાદના તબક્કાઓમાં ૫૦ વર્ષથી વધુ વયના નાગરિકોને વેક્સિન અપાશે. આ સિવાય ૫૦ વર્ષથી નીચેની વયના કેન્સર, હૃદયરોગ જેવી બીમારીથી પીડિત છે તેમનો પાછળના તબક્કામાં સમાવેશ કરવામાં આવશે. આ વેક્સિનને કોલ્ડ સ્ટોરેજમાં રાખવી પડશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર વગેરે વિસ્તારમાં વેક્સિનેશનની કામગીરી કરાશે. વિવિધ કોર્પોરેશન પણ આ કામગીરીમાં જોડાશે. ઉપરાંત કોરોના વેક્સિનને લઈને કામગીરી કેવી રીતે કરવામાં આવશે તે અંગે તેમણે જણાવ્યું હતું કે છેક ગ્રામ્ય સ્તર સુધી આ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ગ્રામ્ય સ્તર સુધી રસીકરણની વ્યવસ્થા ગોઠવવા કલેક્ટર અને કમિશનરને સૂચના અપાઈ છે. રસીકરણ માટે ઉચ્ચ કક્ષાની કમિટી તૈયાર કરાઈ છે. કેન્દ્ર સરકાર પુરવઠો ફાળવશે એ પ્રમાણે રસીકરણ કરાશે. વેક્સિન આવે એટલે તરત જ નક્કી કરેલા લાભાર્થીઓને રસી આપવાનું કામ તબક્કાવાર થાય તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોવિડ વેક્સિન અને લાભાર્થીના ચેકીંગ માટે ભારત સરકાર દ્વારા cowin software બનાવવામાં આવ્યું છે. જિલ્લા અને કોર્પોરેશન દ્વારા પણ આ સોફ્ટવેરમાં રસીકરણના સ્થળ અને વેક્સિનેટરની માહિતીની એન્ટ્રી શરૂ કરી દેવામાં આવી છે.
 

કોવિડ-૧૯ રસીકરણ માટે રાજ્ય સરકારની સંપૂર્ણ તૈયારી : ડૉ. એન. પી. જાની

 
કમિશનરેટ ઑફ હેલ્થ, પરિવાર કલ્યાણ વિભાગ, સ્ટેટ ઇમ્યુનાઇઝેશન ઑફિસ - ગાંધીનગરના ડૉ. શ્રી એન. પી. જાની ‘સાધના’ સાપ્તાહિકને રસી અંગે ગુજરાત સરકારની તૈયારીઓ અંગે જણાવે છે કે, સમગ્ર રાજ્ય જ નહીં, દેશ અને વિશ્ર્વમાં પણ કોરોનાની મહામારી ફેલાયેલ છે. તેનાથી બચવા માસ્ક પહેરવું. વારંવાર હાથ ધોવા અને ફીઝીકલ ડિસ્ટન્સીંગ અગત્યની ભૂમિકા ભજવે છે. દેશમાંથી ઘણી બીમારીઓ રસીકરણથી નાબૂદ થયેલ છે/કંટ્રોલ થયેલ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સઘન પ્રયાસ અને માર્ગદર્શનથી દેશ રસીના સંશોધનમાં અગ્રેસર છે. હાલ બે રસી ફેઝ-૨માં અને ત્રણ રસીનું સંશોધન અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. જેથી ટૂંક સમયમાં કોવીડ-૧૯ની રસી દેશમાં ઉપલબ્ધ થવાની શક્યતા છે.
 
આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની સારવાર આપવામાં અગ્રેસર સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાના તમામને પ્રાયોરીટીના ધોરણે રસી આપવાનું નક્કી કરવામાં આવેલ છે. તેના અમલીકરણ માટે ડેટાબેઝ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સરકારી આરોગ્ય સંસ્થાની સાથે સાથે ખાનગી હોસ્પિટલો, કોર્પોરેટ હોસ્પિટલ, આયુષ દવાખાના અને હોસ્પિટલ, ડેન્ટીસ્ટ, જનરલ પ્રેક્ટીસનગર (એલોપેથી/આયુષ) વગેરે તમામની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. સાથે સાથે રાજ્યની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, આંગણવાડી સ્ટાફને પણ આવરી લેનાર છે.
 
આ કામગીરી માટે રાજ્ય કક્ષાએ મિશન ડાયરેક્ટર (NHM) શ્રીને નોડલ અધિકારી બનાવવામાં આવેલ છે. જ્યારે જિલ્લા / કોર્પોરેશન કક્ષાએ કલેક્ટરશ્રી / મ્યુનિ. કમિશ્ર્નરશ્રીને નોડલ અધિકારી બનાવવામાં આવેલ છે. આ કામગીરીના ભાગ રૂપે ભારત સરકાર દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામને માહિતગાર કરવામાં આવેલ છે. રાજ્ય કક્ષાએ મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમની પ્રગતિના રીવ્યુ માટે સ્ટેટ સ્ટીયરીંગ કમિટીની મીટિંગ તથા અગ્ર સચિવશ્રી (આરોગ્ય)ની અધ્યક્ષતામાં સ્ટેટ ટાસ્ક ફોર્સની મીટિંગ કરવામાં આવેલ છે. રાજ્યના તમામ ૩૩ જિલ્લા અને ૮ કોર્પોરેશન ખાતે જિલ્લા / કોર્પોરેશન ટાસ્ક ફોર્સની મીટિંગ પૂર્ણ કરવામાં આવેલ છે. રાજ્યના તમામ ૨૪૮ તાલુકામાં ટાસ્ક ફોર્સની મીટિંગ દ્વારા કામગીરીનું સંપૂર્ણ આયોજન કરવામાં આવેલ છે. રાજ્યમાં કોવિડ-૧૯ રસીના સ્ટોરેજ ૬ ઝોન કક્ષાના વેક્સીન સ્ટોર, ૪૧ જિલ્લા/કોર્પોરેશન કક્ષાના સ્ટોર તથા ૨૧૮૯ કોલ્ડ ચેઇન (CHC / PHC / UPHC ખાતે) હાલની પરિસ્થિતિએ કાર્યરત ઉપલબ્ધ છે. આ તમામ સ્ટોર ખાતેના સાધનોનું તાંત્રિક ઓડિટ કરવામાં આવેલ છે. બે વધારાના વોક-ઇન-કુલર (W/C), એક વોક-ઇન-ફ્રીઝર (W/F), ૧૬૯ આઈસ લાઇન્ડ રેફ્રિજરેટર (ILR) અને ડીપ ફ્રીજ (DF) ભારત સરકારશ્રીમાંથી કોવિડ ૧૯ રસીકરણની કામગીરી માટે પ્રાપ્ત થયેલ છે. જરૂર જણાય એનિમલ હસબન્ડરી ડિપાર્ટમેન્ટને કોવિડ વેક્સીન જથ્થાના સંગ્રહ માટે જરૂરી વધારાની કોલ્ડ ચેઇન સ્પેસ ફાળવવા પણ જણાવેલ છે.
 
તારીખ ૧૧થી ૧૨ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ રાજ્ય કક્ષાએ કોવિડ રસીકરણ માટે તાલીમનું આયોજન કરેલ, જેમાં જિલ્લામાંથી CDHO, RCHO, EMO અને કોર્પોરેશનમાંથી MOH, RCHO-ઇમ્યુનાઇઝેશન, મેડિકલ કોલેજમાંથી ડીન, HOD (PSM), રીજનલ મોનીટરિંગ ટીમ (RMT), અર્બન નોડલ ઓફિસર, મેડિકલ ઓફિસર તમામ તાલીમ કેન્દ્ર, જિલ્લા / કોર્પોરેશનમાંથી ફાર્માસિસ્ટ / કોલ્ડ ચેઇન મેનેજર / કોલ્ડ ચેઈન ટેક્નીશીયન, ડિસ્ટ્રિક્ટ ડેટા એન્ટ્રી ઓપરેટરને તાલીમ આપવામાં આવેલ છે.
 
ભારત સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ હેલ્થ કેર વર્કરની માહિતી તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં આજ દિન સુધી કુલ ૨.૭૧ લાખ સરકારી અને ૧.૨૫ લાખ ખાનગી મળી કુલ ૩.૯૬ લાખ હેલ્થ કેર વર્કરની માહિતી એકઠી કરવામાં આવેલ છે. ખાનગી આરોગ્ય સંસ્થાઓના હેલ્થ કેર વર્કરોના ડેટાબેઝ ૧૦૦% પૂર્ણ થાય તે માટે IMA, IAP, FOGSI નો સાથ સહકાર મેળવવા જણાવવામાં આવેલ છે. માન. મુખ્ય સચિવશ્રીની સુચનાથી અન્ય બીજા વિભાગના ફ્રન્ટલાઇન વર્કર્સની માહિતી તૈયાર કરવા અધિક મુખ્ય સચિવશ્રી (પંચાયત)ના અધ્યક્ષ સ્થાને કમિટી બનાવી માહિતી તૈયાર કરવા જણાવેલ છે. ૫૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા તેમજ કોર્મોબીડ વ્યક્તિઓની માહિતી તૈયાર કરવા જણાવેલ છે. કોવિડ વેક્સીન અને લાભાર્થીઓના ટ્રેકિંગ માટે ભારત સરકાર દ્વારા Co-WIN Software બનાવવામાં આવેલ છે. જિલ્લા અને કોર્પોરેશન દ્વારા Co-WIN સોફ્ટવેરમાં સેશન સાઇટ અને વેક્સીનેટરની માહિતીની એન્ટ્રી કરવામાં આવેલ છે. જેમાં તારીખ ૧૨ ડિસેમ્બર, ૨૦ સુધી ૧૫૬૨૨ (૧૦૧%) વેક્સીનેટર, ૩૪૮૧૦ (૭૩%) સેશન સાઇટ, ૨૭૪૦ (૯૦%) સરકારી આરોગ્ય ફેસેલિટી અને ૧૦૭૪૨ (૯૨%) પ્રાઇવેટ ફેસેલિટીના હેલ્થ કેર વર્કરની ડેટા એન્ટ્રી Co-WIN સોફ્ટવેરમાં કરવામાં આવી છે. આમ, રાજ્ય સરકારશ્રી દ્વારા કોવિડ-૧૯ રસીકરણ માટે આગોતરી સંપૂર્ણ તૈયારી કરવામાં આવેલ છે, જેથી કોવિડ-૧૯ મહામારીને રસીકરણ દ્વારા સમયસર નિયંત્રણ કરી શકાય.
 

corona vaccsine_1 &n 

રસી કઈ રીતે મૂકવામાં આવશે ?

 
સુરતના નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષ નાયક જણાવે છે કે એકવાર રસી આવી જાય ત્યારે સૌથી પહેલાં હેલ્થ વર્કર્સને આપવામાં આવશે, જે બાદ ફ્રન્ટલાઇન વર્કર્સ અને ત્યારબાદ ૫૦ વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડિટી ધરાવતાં લોકોને વેક્સિન આપવામાં આવશે. તેઓ જણાવે છે કે અમે માત્ર અર્બન હેલ્થ સેન્ટરમાં વેકિસન નહીં આપીએ. રસી મૂકવા માટે અમે અલગથી વેક્સિન સાઇટ બનાવીશું. હેલ્થ વર્કર્સને અમે હેલ્થ સેન્ટરમાં રસી મૂકીશું. રાજકોટના નાયબ આરોગ્ય અધિકારી મનીષ ચુનારા કહે છે કે, શહેરમાં ૭૦૦થી વધુ રસીકરણ કેન્દ્રો છે, જેમાં રસી મૂકવામાં આવશે. યાદી પ્રમાણે લોકોને બોલાવીશું અને રસી મૂકીશું, જેથી રસીકરણ કાર્યક્રમનું સારી રીતે સંચાલન કરી શકાય.
 
દેવેશ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારની ગાઇડલાઇન પ્રમાણે રસીકરણ કરવામાં આવશે. રસીકરણ શરૂ થશે ત્યારે યાદીમાં જે નામો હશે તેમને ફોન કરીને તારીખ જણાવવામાં આવશે, જેથી બધા નિયમોનું પાલન કરીને રસીકરણ કરી શકાય.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ’ના નિદેશક ડૉ. દિલીપ માવળંકર કહે છે કે, ૨-૪ અઠવાડિયાંમાં વેક્સિન આવી જાય તેવી શક્યતા છે. જ્યારે વેક્સિન આવશે ત્યારે કોને-કોને આપવી તે નક્કી કરવા માટે આ સર્વે કરવામાં આવી રહ્યો છે. આ સર્વે દ્વારા માહિતી મળી શકે છે કે કેટલા લોકો વેક્સિન આપવા માટે યોગ્ય છે. દાખલા તરીકે ૫ લાખ ડોઝ ગુજરાતને ઍલોટ થાય તો પહેલા હેલ્થ વર્કર્સને રસી આપ્યા બાદ જે વૅક્સિન રહે તે આપવા માટે નામ, ફોન નંબર અને એડ્રેસ સહિતની યાદી હોય તો ડોઝ આપવામાં સરળતા રહે. જો યાદી ન હોય તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. આવી પરિસ્થિતિને ટાળવા માટે કદાચ સરકારે આ નિર્ણય લીધો હોઈ શકે. તેઓ જણાવે છે કે છેલ્લી વસ્તી ગણતરી ૧૦ વર્ષ પહેલાં થઈ હતી અને હાલમાં ૫૦ વર્ષથી વધુ લોકોની સંખ્યા વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. સર્વે દ્વારા આ માહિતી મળી શકે છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં અંદાજિત ૩ થી ૪ લાખની વચ્ચે હેલ્થ વર્કરો છે.
 
ઇન્ડિન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ગાંધીનગરમાં અસોસિયેટ પ્રોફેસર, ડૉ. અનીશ સિન્હા આ સર્વેને બહુ અગત્યનો ગણાવે છે. તેઓ જણાવે છે કે સર્વેથી જે ડેટા બહાર આવશે તેના દ્વારા ખબર પડશે કે ગુજરાતને કેટલા ડોઝની જરૂર છે. આ ડેટા પ્રમાણે સરકાર રસીકરણ કાર્યક્રમનું આયોજન સારી રીતે કરી શકે છે.
 

.... અને અગ્રેસર ભારત

 
કોરોના રસીને લઈને તમામ અહેવાલો વચ્ચે લક્ઝમબર્ગની બી મેડિકલ સિસ્ટમ કંપની ભારતમાં કોરોના વેક્સિનની સ્ટોરેજ માટે કોલ્ડ ચેઈન ફેસેલિટીનું નિર્માણ કરશે. કંપનીના CEO એલ પ્રોવોસ્ટે કહ્યું કે, દેશમાં આગામી વર્ષે માર્ચ મહિના સુધી કોલ્ડ સ્ટોરેજ સેન્ટર સ્થાપિત કરી લેવાશે. તેનો પ્લાન્ટ ગુજરાતમાં લગાવવાની યોજના બનાવવામાં આવી રહી છે.
આમ, સમગ્ર ભારતમાં કોરોના વેક્સિનને લોકો સુધી પહોંચાડવા માટે પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. ઝાયડસ કેડિલા, સિરમ ઇન્સ્ટીટ્યુટ અને ભારત બાયોટેક જેવી કંપનીઓએ વેક્સિન અંગે કરેલા સંશોધનોથી ભારતનું ગૌરવ સમગ્ર વિશ્ર્વમાં વધ્યું છે. ભારત સરકાર દ્વારા કોરોના વેક્સિન સંદર્ભે થયેલા પ્રયત્નો સફળ બન્યા છે અને ટૂંકસમયમાં સૌ લોકો સુધી કોરોનાની રસી પહોંચશે. કોરોનાની વેક્સિનના નિર્માણમાં ભારત આ રીતે અગ્રેસર રહ્યું છે તે સૌ ભારતવાસીઓ માટે ગૌરવ છે.