પાથેય । તું મારા માટે સંપૂર્ણ જ છે

    ૩૦-ડિસેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

pathey dampati_1 &nb
 
લગ્નના થોડાક જ મહિનાઓ બાદ પત્ની એના પતિ સમક્ષ એક પ્રસ્તાવ લઈને આવી.
 
મેં થોડાક સમય પહેલાં એક મેગેઝિનમાં વાંચ્યું કે આપણે લગ્નજીવન કેવી રીતે મજબૂત કરી શકીએ. પત્નીએ કહ્યું, આપણે બંને એકબીજા પ્રત્યેની અણગમતી ટેવોની યાદી બનાવીશું, ત્યાર બાદ આપણે સાથે મળીને એ કુટેવોને સુધારીશું, જેથી આપણું લગ્નજીવન વધુ સારી રીતે જીવી શકીએ.
 
પતિએ વાત માની અને બંને જણા ઘરના અલગ અલગ રૂમમાં જઈ યાદી બનાવવા લાગ્યા. બીજી સવારે પત્નીએ કહ્યું કે પહેલાં તે પોતાની બનાવેલી યાદી વાંચશે. તેણે બનાવેલ યાદી પૂરાં ત્રણ પાનાંઓથી ભરાઈ ગઈ હતી. જેવું તેણે યાદી વાંચવાનું શરૂ કર્યું કે તેનું ધ્યાન ગયું કે તેના પતિની આંખમાંથી આંસુ નીકળતાં હતાં. એટલે તેણે પૂછ્યું કે શું થયું ? એના પતિએ જવાબ આપ્યો કે કંઈ નથી થયું, તું વાંચવાનું ચાલુ રાખ. એટલે પત્નીએ પતિના કહ્યા મુજબ વાંચવાનું આગળ વધારી ત્રણેય પાનાં વાંચી નાખ્યાં અને યાદી ટેબલ પર મૂકી દીધી.
 
હવે તમે તમારી બનાવેલી યાદી વાંચો અને પછી આપણે એના પર ચર્ચા કરીશું.
 
પતિએ એકદમ શાંત થઈને કહ્યું, મારી યાદીમાં કશું જ નથી. મને લાગે છે કે તું જેવી છે તેવી જ મારા માટે સારી છે. મારા માટે કરીને તારી કોઈ ટેવ મારે બદલાવવી નથી. તું ખૂબ જ પ્રેમાળ અને સુંદર છો તો શા માટે હું તને મારા ખાતર બદલું ?
પત્ની તેના પતિની પ્રમાણિકતાથી ખૂબ જ લાગણીશીલ થઈ ગઈ અને પતિના તેના પ્રત્યેના ખૂબ જ ઊંડા પ્રેમ તથા તેની સ્વીકારવાની ભાવના જોઈ ખૂબ જ રડવા લાગી.
 
યાદ રાખો કોઈ જ સંપૂર્ણ નથી હોતું પણ આપણે તેમને જે રીતે જોવા માગીએ છીએ એ રીતની સંપૂર્ણતા તેમનામાં શોધવી પડે છે. આપણને જેટલું મળ્યું છે તેમાં સંતોષ માની લેવો જોઈએ. આપણે જેટલી આશાઓ વધારે રાખીશું એટલા જ આપણે વધારે દુ:ખી થઈશું. માટે જીવનમાં સુખી થવા ઇચ્છાઓ અલ્પ પ્રમાણમાં રાખવી જોઈએ.