ગુજરાત હવે વૈશ્ર્વિક પ્રવાસન રાજ્ય !

    ૦૭-ડિસેમ્બર-૨૦૨૦   
કુલ દૃશ્યો |

gujarat tourism _1 &
 
 
ભારતીય સંસ્કૃતિમાં યાત્રા અને પ્રવાસનું મહત્ત્વ સદીઓથી છે. ભારતનાં વિવિધ રાજ્યોમાં અનેક સૌંદર્યધામો, સ્થાપત્યો, યાત્રાધામો, સંગ્રહાલયો, સફારી, અભયારણ્યો આવેલાં છે. ગુજરાતનો સમાવેશ એમાં અગ્રહરોળમાં થાય છે. એકાવન શક્તિપીઠોમાંનું અંબાજી, ગરવો ગઢ ગીરનાર, દરિયો જેનાં ચરણ પખાળે છે એ સોમનાથ, સાબરકાંઠાનાં અડાબીડ પોળના જંગલો, અલૌકિક પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું સાપુતારા કે પછી ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા.’ એવું જેના માટે કહેવાય છે એ ભાતીગળ કચ્છ. આ તમામ સ્થાનો ગુજરાતની ઓળખ અને ગૌરવને ઊજળું કરી રહ્યાં હતાં, તેમાં સૌથી રોમાંચક અને મોખરે છે એક નવું હબ વિશ્ર્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી. સરદાર પટેલની આ પ્રતિમાએ પ્રવાસન ક્ષેત્રે આપણું કદ એ પ્રતિમા જેમ જ વિશ્ર્વસ્તરે ઊંચેરું કર્યું છે.
 
સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ નવા આયામો ઉમેરાતા ગયા છે. નવા પ્રારંભ થયેલા આ ૧૭ પ્રોજેક્ટસ પ્રવાસનનો અસલ રોમાંચ આપે તેવા છે. દેશ-વિદેશનાં ૧૧૦૦ પક્ષીઓ અને ૧૦૦ પ્રજાતિઓનાં પ્રાણીઓ જોવાનો લ્હાવો આપતો સરદાર પટેલ ઝુઓલોજિકલ પાર્ક, દેશનાં જુદાં જુદાં ૨૦ રાજ્યોની પરંપરાગત ભારતીય હેન્ડિક્રાફ્ટની વસ્તુઓની ખરીદીનો લ્હાવો આપતો એકતા મોલ, વિશ્ર્વની અદ્યતન ટેક્નોલોજી ધરાવતો ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, રોમાંચક થીમ પર આધારિત યુનિટી ગ્લો ગાર્ડન, વિશ્ર્વના ૧૭ દેશના ૬ લાખ કેક્ટસના છોડને નિહાળવાની તક આપતો કેક્ટસ ગાર્ડન, ધસમસતી નર્મદા નદીમાં બોટીંગની મજા કરાવતા જેટ્ટીસ અને ક્રુઝ, એકતા નર્સરી, ખલવાણી ઈકો ટૂરિઝમ, આરોગ્ય વન, ગરુડેશ્ર્વર વિયર અને નવા ગોરા બ્રીજ સહિત બીજુ ઘણું બધું કેવડિયા કોલોનીના એક સ્થાને માણી શકાય, તેનું લોકાર્પણ પ્રધાનમંત્રીએ સરદાર પટેલની જન્મજયંતિએ જ કર્યું.
 
અમદાવાદના રિવર ફ્રન્ટ ખાતે સી પ્લેનનો પ્રારંભે ય પ્રવાસનનું એક નવું જ નજરાણું છે. હવે અમદાવાદથી કેવડિયા કોલોનીનો પ્રવાસ માત્ર ૫૦ મિનિટમાં પૂરો કરી શકાશે. રિવરફ્રન્ટ ખાતે જ બનેલો બાયોડાયવર્સિટી પાર્ક લુપ્ત થતી જતી વૈવિધ્યસભર વનસ્પતિઓ જોવાનો અને પ્રકૃતિ સાથે રૂબરૂ થવાનો અવસર છે. દેશના ખૂણે ખૂણેથી ગીરનારના ઉચ્ચ શિખરે બિરાજમાન ભગવાન દતાત્રેયનાં દર્શને યાત્રાળુઓ આવે છે. તેમની સગવડ માટે ગીરનારમાં શરૂ થયેલ એશિયાના સૌથી મોટા રોપ-વે દ્વારા ગિરનારના ઊંચા શિખરે વાદળોમાંથી પસાર થઈ દર્શનનો આનંદ માણી શકાશે.
 
પ્રવાસનના ન્યૂ ડેસ્ટિનેશન્સ અનેક છે. ગુજરાત સરકારે વિકસાવેલ મહિસાગર જિલ્લાનો અભૂતભૂર્વ જુરાસિક પાર્ક, અમદાવાદના ભવ્ય વારસા સમી પોળો અને ત્યાંના જીવનને માણવાનો અવસર આપતું હેરિટેજ વોક, સાપુતારાથી પણ ૧૭ મીટર ઊંચું અદ્ભુત સૌંદર્ય ધરાવતું ડાંગમાં આવેલું ડોન હિલ સ્ટેશન, વિક એન્ડમાં એડ્વેન્ચરની મજા માણવા માટે નિનાઈ અને ઝરવાણી ધોધ ગુજરાતમાં વિકાસનાં નવાં પરિધાનો ધારણ કરીને પ્રવાસીઓ માટે સજ્જ થઈ ગયાં છે. આ અંકમાં ગુજરાતનાં કેટલાંક નવાં ટૂરિઝમ ડેસ્ટિનેશન અને રોમાંચક પ્રવાસન સ્થાનોની માહિતી આપી છે.
 
ગુજરાતની નવી પ્રવાસન નીતિ મુજબ ૨૦૨૫ સુધીમાં ગુજરાતને ભારતનાં ટોચનાં પાંચ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાંથી એક બનાવવાનો સંકલ્પ સાકાર થવાની દિશામાં જઈ રહ્યો છે. ગુજરાતનાં જૂનાં સ્થાનોનો વિકાસ અને નવાં સ્થાનોના પ્રારંભ માટે નવી દૃષ્ટિ, નવી ટેક્નોલોજી, નવી ટીમ અને નવા આયામો સાથે ગુજરાત રાજ્યનો પ્રવાસન વિભાગ કાર્ય કરી રહ્યો છે.
 
રોજગારીની વિપુલ તકોનું ય નિર્માણ થયું છે. ગુજરાત સરકારે હમણાં જ રાજ્યની પ્રથમ હેરિટેજ પોલીસીની જાહેરાત કરી. તેનાથી ગુજરાતની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત અને જોવાલાયક અન્ય સ્થાનો હવે વર્લ્ડ ટૂરિઝમ મેપ પર ચમકશે એ ગૌરવની વાત છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે યાત્રા સુવિધાઓ, વિવિધ પ્રકારના ભોજનની ઉપલબ્ધી, વૈશ્ર્વિક યાત્રીઓના ટૂરિઝમ માટે સંપૂર્ણ શિક્ષિત માનવધન, સરળ બુકિંગ વ્યવસ્થા, યાત્રીઓ સ્થાન / સંસ્કૃતિ સમજી શકે તે પ્રકારના ઓડિયો વિઝ્યુઅલ અને મીડિયા વ્યવસ્થા, ટૂરિઝમ સર્કિટ તથા સેફ્ટી અને સિક્યુરીટી અંગેની ખાતરી, વ્યવહારમાં પારદર્શિતા જેવી અનેક બાબતોને અગ્રિમતા આપી આગળ વધવાથી વૈશ્ર્વિક યાત્રાળુઓ જરૂર આવશે જ !