કલ્પના ચાવલા જેણે દેશની દિકરીઓને આપી ઉડવાની પ્રેરણા…

    ૦૧-ફેબ્રુઆરી-૨૦૨૦
 
kalpana chawla_1 &nb 

૧ ફેબ્રુઆરી । પુણ્યતિથિ સ્મરણ પ્રથમ મહિલા અવકાશયાત્રી : કલ્પના ચાવલા

 
ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાનો જન્મ પહેલી જુલાઈ, ૧૯૬૧માં હરિયાણાના કરનાલ ખાતે થયો હતો. તેના પિતાનું નામ બનારસીલાલ અને માતાનું નામ સંજ્યોતિ હતું. પરિવારનાં ચાર ભાઈ-બહેનોમાં તે સૌથી નાની હતી. ઘરમાં સૌની લાડલી હોઈ બધાં તેને મોન્ટુ કહીને બોલાવતાં. આકાશમાંથી વિમાન પસાર થાય તો મોન્ટુ તેને કુતૂહલવશ જોયા કરતી. તે પણ પરી બનીને આકાશમાં ઊડવાના સપનાં જોતી. તેને આકાશ ખૂબ ગમતું. તે પોતાની ચિત્રપોથીમાં પણ વિમાન અને રોકેટનાં ચિત્રો બનાવતી અને કલ્પનાની સૃષ્ટિમાં ખોવાઈ જતી.
 
તેનું પ્રાથમિક શિક્ષણ ટાગોર બાલનિકેતન શાળામાં થયું. ભણવામાં તે ખૂબ હોંશિયાર હતી. તે જ્યારે આઠમા ધોરણમાં આવી ત્યારે કહ્યું કે, હું એન્જિનિયર બનીશ. પિતા ઇચ્છતા હતા કે કલ્પના ડોક્ટર બને. પણ માતા તેના સપનાંને ઓળખી ગઈ હતી. તે જાણતી હતી કે કલ્પનાને આકાશમાં ઊડવું છે. તેણે કલ્પનાને પાંખો આપી. તેની લઈ મદદ કરવા તે હંમેશા તૈયાર રહેતી.
 

kalpana chawla_1 &nb 
 

કલ્પના એટલે કલ્પના 

 
કલ્પના સતત અંતરીક્ષમાં ઊડવાનાં સપનાં જોતી. તાતા ઉદ્યોગના માલિક જહાંગીર રતનજી તાતા તેના આદર્શ હતા. જેમણે પહેલી વખત ભારતમાં વિમાન ઉડાડ્યું હતું અને ભારતમાં પ્રથમવાર વિમાન સેવા તેમણે જ શરૂ કરી હતી. તેમની જેમ કલ્પના પણ આસમાનમાં ઊડવા માંગતી હતી. કલ્પનાએ પોતાની ઇચ્છા પૂરી કરવા ચંડીગઢની પંજાબ એન્જીનીયરીંગ કોલેજમાં એરોનોટિક્લ એન્જીનીયરિંગ શાળામાં પ્રવેશ મેળવ્યો. તેના કોલેજકાળ દરમિયાન એક સ્મરણિકા પ્રકાશિત થઈ. તેના એક પાના પર કલ્પના વિશે થોડા શબ્દોમાં એક સરસ વાત લખાઈ હતી. તે શબ્દો હતા, કલ્પના એટલે કલ્પના, તે શિસ્તબદ્ધ છે. વિવેકી અને વિનયી છે. તેની પસંદ-નાપસંદ આગવાં અને અનોખાં છે. તેનાં કપડાં પણ આગવી ફેશનનાં છે. તેમાં એની ઇચ્છા મુજબના જ રંગો હોય. આ છોકરી સંઘર્ષ કરે છે અને બીજાઓને મદદ કરવા પણ હંમેશા તૈયાર રહે છે. તે ભણવામાં પણ તેજસ્વી છે અને ઉત્તમ ગુણાંકોથી હંમેશા આગળ રહે છે.
 

૩૬૦થી વધારે કલાક અંતરીક્ષમાં વીતાવ્યા 

 
૧૯૮૨માં તેણે સ્નાતકની પદવી મેળવી. આગળ અનુસ્નાતકની ડિગ્રી મેળવવાને તે અમેરિકાના ટેક્સાસ ખાતે પહોંચી ગઈ. જ્યાં વિશ્વભરના વિદ્યાર્થીઓ ભણતા હતા. બે વર્ષમાં જ તેણે અવકાશ વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી મેળવી ત્યારે તેના આનંદનો કોઈ પાર નહોતો. તેને માટે અનંત આકાશમાં ઊડવા માટેનાં દ્વાર ખૂલી ગયાં હતાં. સતત અભ્યાસ, લક્ષ્ય તરફ એકાગ્રતા અને અનુશાસન તેના જીવનનો ભાગ બની ગયા હતા. આગળ ડોક્ટરેટની ડિગ્રી મેળવવા તેણે અમેરિકાની જ કોલારાડો યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. ૧૯૮૮ની સાલમાં તેણે ડૉક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી. તેને સિંગલ અને મલ્ટી એન્જીન વિમાનો ચલાવવાના લાયસન્સ પણ મળી ગયાં. આ વરસના અંતમાં તેણે અમેરિકાની પ્રખ્યાત અવકાશ સંસ્થા નાસાના એમ્સ અનુસંધાન કેન્દ્રના ઉપાધ્યક્ષ તરીકે કામ શરૂ કર્યું. તેના અભ્યાસકાળ દરમિયાન ૧૯૮૩માં તેની મુલાકાત વિમાન પ્રશિક્ષક જીન પિસરે હેરીસનથી થઈ. કલ્પનાને લાગ્યું આ જ વ્યક્તિ મારો જીવનસાથી બની શકે તેમ છે. બંનેએ લગ્ન કરી લીધાં અને એકબીજાના પૂરક બની રહ્યાં. ૧૯૯૦માં તેણે અમેરિકાનું નાગરિકત્વ સ્વીકાર્યું, પરંતુ ભારત તેના હૃદયમાં ધબકતું હતું. તેને જ્યારે પણ સમય મળે ત્યારે દેશમાં આવીને માતા-પિતા સાથે સમય વીતાવતી. જૂના મિત્રોને મળતી અને સંસ્મરણો વાગોળતી, ૧૯૯૫માં કલ્પના નાસામાં અંતરીક્ષ યાત્રી તરીકે સામેલ થઈ. ત્રણ વરસ સુધી અંતરીક્ષ યાત્રા માટે તેણે વિશિષ્ટ તાલીમ લેવાની હતી. જોતજોતામાં ત્રણ વરસ પૂરાં થયાં. ૧૯ નવેમ્બર, ૧૯૯૭માં તે અંતરીક્ષ શટલ કોલંબિયાના છ યાત્રીઓમાંની એક બની. તેણે સફળતાપૂર્વક આ યાત્રા કરી અને ભારતીય મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રી બની. આ પહેલાં ૧૯૮૪માં રાકેશ શર્માએ આ સિદ્ધિ મેળવી હતી. કલ્પનાએ અવકાશયાન દ્વારા પૃથ્વીની ૨૫૨ વખત પરિક્રમા કરી. ૩૬૦થી વધારે કલાક અંતરીક્ષમાં વીતાવ્યા અને ૧ કરોડથી પણ વધારે માઈલનું અંતર કાપી પૃથ્વી પર પરત ફરી.
 

kalpana chawla_1 &nb 

મહત્ત્વાકાંક્ષી અવકાશયાત્રા 

 
થોડાં વર્ષો પછી એટલે કે ૨૦૦૦ની સાલમાં ફરીથી તેની અવકાશયાત્રી તરીકે પસંદગી થઈ. હવે ટેકનોલોજી પણ વિકસી ચૂકી હતી તો સામે પડકારો પણ ઘણા હતા. છેવટે ૧૬ જાન્યુઆરી, ૨૦૦૩ના રોજ કલ્પનાએ કોલંબિયા નામના સ્પેસ શટલમાં પોતાની મહત્ત્વાકાંક્ષી અવકાશયાત્રાનો પ્રારંભ કર્યો. તેની સાથેના સહયાત્રીઓ સાથે ૮૦ જેટલા અવકાશી સંશોધન પ્રયોગો કર્યા. બીજી યાત્રા સફળતાપૂર્વક પાર પાડીને તેઓ પૃથ્વી પર નીચે આવી રહ્યા હતા ત્યારે જ પૃથ્વીથી ૪૦ માઈલના અંતરે અવકાશયાન કોલંબિયા તૂટી પડ્યું. ટેકનિકલ ખામીને કારણે મોટી હોનારત સર્જાઈ. કલ્પના અને તેના સહયાત્રીઓનું પૃથ્વી પર અવતરણનું સપનું તૂટી ગયું. તેઓ અનંતયાત્રાએ પહોંચી ગયા. દુનિયાએ ભારે દુઃખ વ્યક્ત કરી કલ્પના ચાવલાની બહાદુરીને સલામ કરી. તા. ૨-૨-૨૦૦૩ના રોજ આ દુર્ઘટના બની. કલ્પના તો ચાલી ગઈ પણ તેણે ચીંધેલા સાહસી શૌર્ય અને અનુસંધાનથી દુનિયા અવકાશક્ષેત્રે આગળ વધી રહી છે.
 
તેણે કહેલા શબ્દો યુવાનોને સતત પ્રેરણા આપતાં રહેશે. સપનાઓને સફળતામાં બદલી શકાય છે. તેને માટે જરૂરી છે તમારી દીર્ઘષ્ટિ, સાહસ અને સતત પ્રયત્નશીલ રહેવાની લગન.
 
 

Kalpana Chawla Quotes l Gujarati l અવકાશયાત્રી કલ્પના ચાવલાના પ્રેરણાત્મક વિચાર

 
 
 
કલ્પના ચાવલા જેણે દેશની દિકરીઓને આપી ઉડવાની પ્રેરણા…

કલ્પના ચાવલાનું અકાળે અવસાન થયું પણ તેની અંતરીક્ષની સિદ્ધીએ આ દેશની જ નહિ પણ સમગ્ર વિશ્વની મહિલાઓને આકાશ સર કરવાની પ્રેરણા આપી હતી. કલ્પના ચાવલાની સિદ્ધીને જોઇ લોકો પોતાની બેટી પર પણ ગર્વ કરવા લાગ્યા. કલ્પનાએ એક દેશની દિકરીઓ માટે એક અલગ સંદેશ આપ્યો કે દિકરી છે તો શું થયું તે ધારે તે કરી શકે છે.
 
જ્યારે કલ્પનાએ ભરી કલ્પનાની ઉડાન…
 
માર્ચ ૧૯૯૫માં કલ્પના ચાવલાના જીવનનું સૌથી મોટું સપનું પૂરૂં થયુ. તેને પહેલી અંતરીક્ષ ઉડાન માટે પસંદ કરવામાં આવી. અ પસંદગી પછી આઠ મહિના પછે કલ્પનાનું પહેલું અંતરીક્ષ મિશન ૧૯ નવેમ્બર ૧૯૯૭ના રોજ શરૂ થયું. કલ્પનાએ પોતાના આ પહેલા અંતરીક્ષ મિશનમાં પોતાના છ સાથિઓ સાથે ૧.૦૪ કરોડ માઈલનું અંતર કાપી ૩૭૨ કલાકમાં અંતરીક્ષમાં પસાર કર્યા હતા. આ દરમિયાન તેણે ધરતીના ૨૫૨ ચક્કર પણ લગાવ્યા…