આજે રાજા ડુમ નથી. પણ તે પોપટ અને પોપટીના અસંખ્ય વંશ છે, જે ડુમખલના પોપટ નામે જાણીતા છે

    ૨૯-ફેબ્રુઆરી-૨૦૨૦

raja and popat_1 &nb 
 

બાળવાર્તા ।  રાજા ડુમ અને પોપટ

 
નર્મદા જિલ્લો, ડેડિયાપાડા તાલુકો. તેમાં ડુમખલ નામનું ગામ. ચારે બાજુ ડુંગર અને જંગલ. કદરા અને કુંજો. ખળખળ વહેતાં ઝરણાં. નાસભાગ કરતાં હરણાં. ઊંચાં ઊંચાં વૃક્ષો. દોરડાં જેવા વેલાઓ. નાનાં અને મોટાં ફૂલવાળા અને ફળવાળાં ઔષધિઓના ભંડાર ભરેલાં ઝાડ.
 
આસપાસ નદીઓ, પહોળા પટવાળી દેવ નદી. નાગણની જેમ સરકતી તેરાવ નદી. પૂર્વ બાજુ વહેતી પૂર્વા નદી. ડુમખલનું અઢળક સૌંદર્ય. જાણે કુદરતના રૂપનો ઢગલો. પક્ષીઓનો કલરવ, ધોધની ધારાઓ, પશુ-પ્રાણીઓના ડચકારાઓ. આવો અદભુત પ્રદેશ.
 
ખૂબ જૂના વખતની આ વાત. અહીં એક રાજા રાજ કરતો. વનવાસીની વસતી. વનવાસી રાજા. એનું નામ ડુમ. ડુમ પરથી ડુમખલ. ડુમખલની ચારે તરફ કિલ્લો. અભેદ્ય કિલ્લો,. મજબૂત કિલ્લો. ચારે તરફ ડુગરાનો કિલ્લો. કોઈને જડે નહીં. ડુમખલ ક્યાં ? ને રાજા ડુમ ક્યાં ?
 
રાજાને પોપટ પાળવાનો શોખ. પોપટ પણ સમજણા, ડાહ્યા અને વિશ્વાસુ. રાજાને ગમે પોપટ. પોપટને ગમે રાજા. સૌ સાજા સારા કરે મજા મજા. નિરાંતની જિંદગી. સુખ અને શાંતિ.
 
રાજા પોપટને ખવડાવે, પીવડાવે, નવડાવે ને ઊંચે આકાશમાં ઉડાડે. પીંજરે ન પૂરે. પોપટ મહેલમાં રહે. આમ તેમ ઊડે. જંગલમાં ફરે. ફળ-ફૂલ ખાય. સાંજે આવી જાય.
 
ડુમખલમાં વણાટકામ થાય. અસ્સલ. મજાનું. રાજા મહારાજા પહેરે તો જરકસી જામા જેવું. આસપાસના પંથકમાં વખણાય. પણ ડુમ રાજાને કોઈની તાબેદારી નહીં.
 
દૂરના રાજાને થયું. ડુમ રાજાને હરાવીએ. તેનું રાજ જીતીએ. પછી વણાટની કલા આપણી.
 
બીજો રાજા ચડાઈ લઈને આવ્યો. પણ ડુગરામાં અટવાઈ ગયો. સેના ભૂલી પડી. ડુમખલ ક્યાં આવ્યું. તેની જાણ નહીં. શું કરવું ?
 
રાજાએ જાણેલું કે વણાટની જેમ રાજાના પોપટ પણ વખણાય છે. માણસ જેવું બોલે. માણસ જેવી સાન, પોપટને પણ પકડીએ. પણ જંગલ અને ડુગામાં ડુમખલ જડે નહીં. સૈનિકો આમથી તેમ ડુગરા ચડે-ઊતરે. થાક્યા હાર્યા - ડુમખલ ન જડ્યું.
એ દિવસ સવારે ડુમ રાજાના પોપટ અને પોપટી ઊડ્યાં. આકાશે ફરવા લાગ્યાં. મીઠુ મીઠુ બોલવા લાગ્યાં અને તેણે દૂરની ખીણમાં સૈનિકો જોયા. પરદેશી રાજાના સૈનિકો. પોપટ સમજી ગયા. અમારા રાજા પર ચડાઈ હશે. હવે શું કરવું ? ડુમરાજાને તો કઈ ખબર નથી. તેને સમાચાર આપવા પડશે એવું વિચાર્યું.
 
ત્યારે દુશ્મન રાજાએ પોપટને બોલતા સાંભા. આકાશે ઊડતા જોયા. તેણે સૈનિકોને કહ્યું, આ પોપટ ડુમરાજાના છે. તે ઊડતા ઊડતા જાય ત્યાં ડુમરાજા હશે. તેનો પીછો કરો.
 
બેય પોપટે સાંભું. અરર આપણો રાજા ભયમાં છે. તેને બચાવવો છે. બંને પોપટ નીચે ઊતર્યા અને ઊડીને નહીં પણ જંગલના ઝાડની ઘટામાં ચાલ્યા. જમીન પર ચાલ્યા. કોઈ જુએ નહીં એમ ચાલ્યા.
 
દુશ્મન રાજાને ખબર જ ન પડી કે પોપટ ઊડતાં ઊડતાં ક્યાં ગયા ? કેટલુંય ચાલ્યા. ડુગરા ચડ્યા-ઊતર્યા, નદી-નાળાં પાર કર્યાં પછી છેક ડુમ રાજા પાસે પોપટ પહોંચી ગયા.
 
બંને પોપટે બધી વાત કરી. ડુમને ચેતવી દીધા. ડુમ તો પોપટની હોંશિયારી પર વારી ગયો. ઓ મારા પોપટ, તમે મારું રાજ બચાવ્યું. પેલો રાજા રખડી, આથડી, કુટાઈને સૈનિકોને લઈને પાછો વળી ગયો, કારણ કે તેને ડુમખલ જડ્યું નહીં.
પોપટની જોડીએ આખું રાજ્ય બચાવ્યું.
 
આજે રાજા ડુમ નથી. પણ તે પોપટ અને પોપટીના અસંખ્ય વંશ છે, જે ડુમખલના પોપટ નામે જાણીતા છે.