ચીનની લેબોરેટરીમાંથી કોરોનાવાયરસ લીક થયો ? કોરોના ચીન સરકારનું જૈવિક શસ્ત્ર ?

    ૦૮-ફેબ્રુઆરી-૨૦૨૦

coronavirus_1  
 
 
સમગ્ર વિશ્વ અત્યારે કોરોનાવાઇરસથી ફફડી રહ્યું છે. ચીનના હુવેઇ પ્રાંતમાં આવેલા વુહાન શહેરમાં આ રોગના કેસ સૌથી પહેલી વાર જોવા મળ્યાં હતા ને અત્યારે ચીનના બીજા ભાગમાં જ નહીં પણ એશિયાના ઘણા દેશોમાં કોરોનાવાયરસનો આતંક છે. ચીના અત્યારે દુનિયાભરમાં ફેલાઈ ગયા છે. ચીન વિશ્વની આર્થિક મહાસત્તા છે ને તેનું કારણ ચીનાઓની બિઝનેસમાં સાહસિક વૃત્તિ છે. ચીના પોતાના દેશમાં સાવ સસ્તો માલ બનાવે છે ને પછી એ માલ વેચવા આખી દુનિયામાં ફરી વળ્યા છે. તેના કારણે દુનિયાનો ભાગ્યે જ કોઈ એવો દેશ હશે કે જ્યાં ચીના નહીં હોય.
 
ચીનાઓની સતત અવરજવરના કારણે આ રહસ્યમય વાઇરસ ભારે તેજીથી ફેલાઇ રહ્યો છે ને તેના કારણે દુનિયાભરના દેશોમાં ચિંતા વધી ગઈ છે. ઘણા દેશોએ તો ચીનાઓના પ્રવેશ પર પ્રતિબંધ પણ મૂકી દીધો છે. ચીનના હુવેઈ પ્રાંતના વુહાન શહેરમાં આ રોગના કેસ સૌથી પહેલાં દેખાયા હતા તેથી આ વાઇરસને વુહાન વાઇરસ તરીકે પણ ઓળખાવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અનુમાન પ્રમાણે આ વાઇરસ સી-ફૂડ એટલે કે દરિયાઈ જીવોનું બનેલું ભોજન ખાવાથી ફેલાય છે અને એની શરૂઆત વુહાનના સી-ફૂડ માર્કેટથી થઈ છે. આ વાયરસ માણસો ઉપરાંત પ્રાણીઓમાં પણ ફેલાઇ રહ્યો છે તેના કારણે તેનો ખતરો વધારે છે.
 

ખૂબ જ ચેપી છે, કોરોના વાયરસ

 
આ વાયરસ ચેપી છે તેથી કોઈ એક વ્યક્તિને થાય તો પરિવાર તથા નજીકનાં લોકોને તેનો ચેપ લાગી શકે છે. કોરોનાવાઇરસનો ચેપ લાગ્યો હોય તેવી વ્યક્તિને શરૂઆતમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે. એ પછી ગળામાં દુખાવો અને ખાંસીની તકલીફ શરૂ થાય છે. એ પછી તાવ આવે છે અને પછી આ તાવ ન્યૂમોનિયામાં ફેરવાઈને ખતરનાક બની શકે છે. ન્યૂમોનિયાના કારણે કિડની સાથે સંબંધિત તકલીફ થઇ શકે છે અને ઘણા કિસ્સામાં મોત પણ થાય છે. ચીનમાં સામ્યવાદી સરકાર છે અને સામ્યવાદીઓ પોતાના દેશમાં બનતી તમામ વિગતોને દબાવી દે છે તેથી ચીનમાં કોરોનાવાયરસના કારણે કેટલાં લોકોના મોત થયાં તેના આંકડા બહાર નથી આવ્યા પણ આ આંકડો મોટો હોવાનું કહેવાય છે.
 
ચીનમાં સત્તાવાર રીતે કરાયેલી જાહેરાત પ્રમાણે કોરોના વાઇરસના કારણે અત્યાર સુધી ૨૧૩ જણાનાં મોત નિપજ્યાં છે જ્યારે વાયરસનો ભોગ બનેલા લોકોની સંખ્યા ૯૬૯૨ જાહેર કરાઈ છે પણ આ આંકડો પણ મોટો હોવાનું કહેવાય છે.
ચીન સિવાય જાપાન, થાઇલેન્ડ અને દક્ષિણ કોરિયામાં -ભારતમાં પણ આ વાઇરસનો ભોગ બનેલા લોકોના કેસ બહાર આવ્યાં છે. અમેરિકામાં પણ એક વ્યક્તિ કોરોનાવાઇરસનો ભોગ બની છે. આ વ્યક્તિ વુહાન શહેરથી અમેરિકા આવી હતી તેથી દુનિયાના બીજા દેશો પણ સતર્ક થઈ ગયા ને ચીનથી આવતા લોકો પર નિયંત્રણો મૂકવા માંડ્યા છે. ચીન ભારતનો પાડોશી દેશ હોવાના કારણે આ વાયરસ દેશમાં પણ ફેલાવાની શક્યતા છે. આ કારણે ભારત પણ સાવચેત બની ગયું છે અને દિલ્હી ઉપરાંત મુંબઇ, ચેન્નાઇ, કોલકાતા, બેંગાલુરુ, કોચિ, હૈદરાબાદ એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગની વ્યવસ્થા ગોઠવીને ચીન અને હોંગકોંગથી આવતા મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે.
 

coronavirus_1   

અત્યંત ઘાતક છે આ વાયરસ

 
કોનોવાયરસનો ભોગ બનેલા દર્દીઓમાંથી લેવામાં આવેલા વાયરસના સેમ્પલની તપાસમાં એવી વાત બહાર આવી છે કે, કોરોનાવાઇરસ અનેક પ્રકારના હોય છે પણ તેમાંથી સાત પ્રકારના વાયરસ માણસોમાં ફેલાય છે. છેલ્લે મળેલા વાઇરસના જિનેટિક કોડનું વિશ્લેષણ કરાયું તો એવું બહાર આવ્યું કે, માણસોમાં ફેલાતો આ નવો કોરોનાવાઇરસ સાર્સના વાયરસને મળતો આવે છે. સાર્સ નામનો કોરોનાવાઇરસ અત્યંત ખતરનાક મનાય છે. આ વાઇરસ પણ અગાઉ ચીનમાં જ ફેલાયો હતો. ૨૦૦૨માં ચીનમાં આ સાર્સ વાયરસનો નવ હજાર લોકોને ચેપ લાગ્યો હતો અને ૭૭૪ લોકોનાં મોત થયાં હતાં. સાર્સનો વાઇરસ ચામાચિડીયા મારફતે માણસોમાં ફેલાયો હતો.
 
જો કે કોરોનાવાયરસ ચામાચિડીયા કે બીજા કોઈક પ્રાણી દ્વારા ફેલાયો હોવાની શક્યતા નથી તેથી આ વાયરસ ક્યાંથી આવ્યો તેની તપાસ થઈ રહી છે. આ તપાસમાં બીજા દેશો પણ જોડાયા છે કેમ કે દુનિયાના બધા દેશો પોતાને ત્યાં આ વાયરસ ના ફેલાય એ માટે ચિંતિત છે. આ તપાસ દરમિયાન ઈઝરાયલે બહુ મોટો ધડાકો કર્યો છે. ઈઝરાયલના જાસૂસો દુનિયાભરમાં ફેલાયેલા છે ને ચીનમાં પણ તેમનું નેટવર્ક છે. ઈઝરાયેલના ટોચના જાસૂસ દાની સોહામે દાવો કર્યો છે કે, ચીનના વુહાનમાં આવેલી એક લેબોરેટરીમાં જ કોઈ ગરબડ થતાં કોરોનાવાયરસ લીક થઈ ગયો ને ફેલાઈ ગયો. જાસૂસ દાની સોહેમ વાઈરોલોજિસ્ટ એટલે કે વાયરસ નિષ્ણાત વિજ્ઞાની છે. દાની ૧૯૭૦થી ૧૯૯૧ સુધી ઈઝરાયેલની બાયોલોજિક વેપન્સનો અભ્યાસ કરતી ટીમમાં કામ કરી ચૂક્યા છે. આ કારણ તેમના દાવાને આખી દુનિયા ગંભીરતાથી લઈ રહી છે.
 

coronavirus_1   

કોરોના ચીન સરકારનું જૈવિક શસ્ત્ર ?

 
ઈઝરાયેલની મિલિટરી ઇન્ટેલિજન્સ (જાસૂસી)માં કામ કરી ચૂકેલા દાની સોહામે ધડાકો કર્યો છે કે, આ જાસૂસનો બીજો દાવો તો વધારે ખતરનાક છે. તેના કહેવા પ્રમાણે કોરોના ચીનની સામ્યવાદી સરકારે બનાવેલું બાયોલોજિકલ વેપન (જૈવિક શસ્ત્ર) છે. દુશ્મન દેશમાં જીવાણુ અને વિષાણું છોડીને મોટા પ્રમાણમાં લોકોની હત્યા કરવા માટે રોગચાળો ફેલાવવા બનાવાતા વાયરસ અને અન્ય વિષાણુ બાયલોજિકલ વેપન કહેવાય છે. વુહાનમાં આવેલી ધ વુહાન ઈન્સ્ટિટયૂટ ઑફ વાઈરોલોજીમાં આવા ખતરનાક અને જીવલેણ વાયરસ પર સંશોધન થઈ રહ્યું છે અને વુહાનમાં આવેલી આ લેબોરેટરીમાંથી જ આ વાઈરસ લીક થયા છે.
 
ચીનની વુહાન લેબોરેટરીમાં કામ કરતા અને આ વાયરસ પેદા કરવાની પ્રક્રિયામાં ભાગ લેનારા વિજ્ઞાની પાસેથી તેને આ માહિતી મળી છે. દાનીના કહેવા પ્રમાણે, ચીન ભવિષ્યના યુધ્ધો માટે ધ વુહાન ઈન્સ્ટિટયૂટ ઑફ વાઈરોલોજીમાં ખતરનાક ઘાતક વાઈરસ તૈયાર રહી રહ્યું છે પણ ગરબડના કારણે પોતાનો જ વાયરસ લીક થતાં ચીનને પોતાનો દાવ પોતાને ભારે પડે એવી સ્થિતિ ઉભી થઈ છે. વાયરસ લેબોરેટરીમાંથી લીક થઈ જતાં હવે ચીનમાં જ રોગચાળો ફેલાઈ રહ્યો છે અને લોકો ટપોટપ મરી રહ્યા છે તેવો પણ દાનીનો દાવો છે.
 

ચીનનું વલણ શંકાસ્પદ

 
દાનીના દાવાને આખી દુનિયા ગંભીરતાથી લઈ રહી છે કેમ કે, ચીન ખાનગીમાં ઘણું બધું કરે છે. ચીન પોતાનાં શસ્ત્રો તથા બીજાં હથિયારોની વિગતો દુનિયાને આપતું નથી. ચીન કોરોનાવાયરસ અંગેની ઘણી માહિતી છૂપાવી રહ્યો છે. ચીન સંશોધનમાં દુનિયાના દેશોમાં અવ્વલ મનાય છે છતાં વાયરસ ક્યાંથી આવ્યો તે ચોક્કસ રીતે હજુ સુધી જાણી શકાતું નથી એવું કહ્યા કરે છે. તેના કારણે પણ ચીનની દાનત પર શંકા જાગે છે અને દાનીની વાત સાચી લાગે છે. ચીન કંઈ પણ કરી શકે એવો દેશ છે, માટે આવા ન કરવા જેવા પ્રયોગો કરતો હોય એવી વાતથી કોઈને આંચકો લાગ્યો નથી. અમેરિકાના સ્થાને દુનિયાનો રાજા બનવાની ચીનની મહત્વાકાંક્ષા જાણીતી છે ને એ માટે તે ગમે તે કરી જ શકે તે જોતાં ચીન પોતે કોરોના વાયરસનું જનક હોય એ શક્યતા પૂરી છે. વૈશ્વિક સંધી પ્રમાણે તો કોઈ દેશે બાયોલોજિકલ કે કેમિકલ્સ વેપન્સ તૈયાર કરવાની છૂટ નથી પરંતુ ઘણા દેશો ખાનગી રાહે પ્રયોગો કરતાં રહે છે. ચીનમાં તો ઘણું બધું ખાનગી રાહે થયા જ કરે છે એ જોતાં ચીન ગમે તે કરી જ શકે.
 

coronavirus_1   
 
આ ધડાકો ભારત માટે ખતરાની ઘંટડી છે. ભારત અને ચીન વચ્ચેની દુશ્મનાવટ જાણીતી છે. ચીન ભારતના ઘણ પ્રદેશો પર પોતાનો દાવો પણ કરે છે. ભારત તેમને ગાંઠતું નથી એ અલગ વાત છે પણ ચીનની માનસિકતા ખતરનાક છે. ભારતને કનડવા માટે એ બાયોલોજિકલ વોરફેરનો ઉપયોગ પણ કરી શકે. ચીની સરહદે આવેલા પ્રદેશોમાં એ કંઈ પણ કરી શકે તે જોતાં ભારતે સતર્ક રહેવું જ પડે.
 
- જય પંડિત