રંગમંચથી લઈને સિલ્વરસ્ક્રીન સુધી અસ્ખલિત વહેતી અભિનયની સરિતા : પદ્મશ્રી સરિતા જોશી

    ૧૪-માર્ચ-૨૦૨૦

sarita joshi_1  
 
 
પીઢ અદાકારા સરિતા જોશી પદ્મશ્રીથી પોંખાતાં ગુજરાતી રંગમંચ અને સિનેજગતમાં આનંદની લહેરખી છવાઈ ગઈ છે.
સરિતા જોશી એટલે ગુજરાતી રંગભૂમિનું જ નહિ, પરંતુ ભારતીય સિનેજગત અને ટીવીવિશ્વનું એક આદરપૂર્વક લેવાતું નામ. ગુજરાતની એક આખી પેઢી તેમને સંતુ રંગીલીથી ઓળખે છે, એટલું જ નહિ તેમના પર ઓળઘોળ રહી છે. ગુજરાતી રંગભૂમિમાં સરિતાબહેને જે અભિનયનાં ઓજસ પાથર્યાં છે, તેનો ઉજ્જ્વળ ઇતિહાસ છે. અલબત્ત, સરિતાબહેનના અભિનયને કોઈ માધ્યમની મર્યાદા કદી નડી નથી. રંગમંચ પર તેઓ જેટલી રંગત જમાવી શકે છે, એટલો જ સંવેદનશીલ અભિનય તેમણે સિનેમા માટે કરી બતાવ્યો છે તો ટેલિવિઝનના નાના પરદાને પણ તેઓ ઝળહળાવતાં રહ્યાં છે.
 
સરિતા જોશીને નવી પેઢીએ બાના સ્વરૂપે વધારે જોયા છે. જોકે, તેમના અભિનયની વિશેષતા એ રહી છે કે બાના પાત્રને પણ તેમણે અલગ અલગ અંદાજથી ભજવી બતાવ્યું છે. ગુરુ ફિલ્મમાં અભિષેક બચ્ચનનાં બા જુદાં છે તો દસવિદાનિયામાં વિનય પાઠકનાં બા તરીકે તેમણે સાવ જુદી જ માતાને પડદા પર રજૂ કરી છે. ટીવી સિરિયલોમાં પણ બા બહુ ઔર બેબીનાં ગોદાવરી ઠક્કર હોય કે ખીચડી રિટર્નનાં ચંપાકાકી હોય, તેમણે દરેક પાત્રને અલગ અલગ ઉપસાવીને પોતાના અભિનયનો પરચો બતાવ્યો છે.
 

sarita joshi_1   
 
સરિતા જોશી આજે ૭૫ વર્ષને વટાવી ગયાં છે અને છતાં સતત સક્રિય છે. તેમની અભિનયની કારકિર્દી હવે ટૂંક સમયમાં સાત દાયકા પૂરા કરશે! કદાચ તમે જાણતા જ હશો કે સરિતાબહેન માત્ર સાત વર્ષની વયે અભિનય ક્ષેત્રે સક્રિય થઈ ગયેલાં. બાળક છઠ્ઠા વર્ષે પહેલા ધોરણમાં દાખલ થાય, પરંતુ સરિતાબહેનને નિશાળે જવાની ઉંમરે નાટકકંપનીમાં જોડાવાનું થયું. ના, સરિતાબહેન કોઈ સ્ટારકિડ નહોતાં. અભિનય તેમની એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી નહોતી, પરંતુ આજીવિકા હતી. પૂણેમાં મૂળ મરાઠી પરિવારમાં જન્મેલાં સરિતાબહેનનો ઉછેર વડોદરામાં થયો હતો. તેમના પિતા ભીમરાવ ભોંસલે બેરિસ્ટર હતા, પરંતુ સંજોગોના એક વાવાઝોડાએ તેમના પરિવારની સુખસાહ્યબી છીનવી લીધી. સમય એવો આવ્યો કે તેમણે અને તેમની બહેને (પદ્મારાણી) પરિવારને આર્થિક મદદ મળી રહે એ માટે અભ્યાસને બદલે અભિનયને પસંદ કરવો પડ્યો. અભિનયે તેમને આજીવિકાની સાથે સાથે ઓળખ પણ આપી અને અભિનયનું આ ઋણ તેઓ આજદિન સુધી ચૂકવી રહ્યાં છે. બાકી સાત-સાત દાયકા લાંબી અને એકધારી અભિનયની કારકિર્દી બહુ ઓછા લોકો ધરાવે છે. આટલી લાંબી કારકિર્દી માટે ટેલેન્ટની તો જરૂર પડે જ પડે, એમાં કોઈ શક નથી, પરંતુ એ ઉપરાંત સરિતાબહેનની અભિનય માટેની નિષ્ઠા અને સમર્પણ ઉદાહરણરૂપ છે.
 

sarita joshi_1   
 
અભિનયને વરેલાં સરિતાબહેનને અનેક એવોર્ડ-સન્માનો પ્રાપ્ત થયાં છે. સંગીત નાટક અકાદમીએ તેમને ૧૯૮૮માં ગુજરાતી રંગમંચમાં માતબર યોગદાન બદલ પોંખ્યાં હતાં તો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા-દિલ્હીએ પણ તેમને ૨૦૦૧માં સન્માન્યાં હતાં. ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારે પણ તેમનું સન્માન કરીને ગૌરવ અનુભવેલું છે. ટીવી સિરિયલો અને સિનેમા ક્ષેત્રના અનેક નાના-મોટા એવોર્ડ તેમણે હાંસલ કરેલા છે. તાજેતરમાં જ તેમને દેશનું ચોથું સૌથી મોટું નાગરિક સન્માન પદ્મશ્રી અપાયું છે. આમ, રાષ્ટ્રીય સ્તરે સરિતાબહેન પોંખાતાં ગુજરાતી રંગમંચ અને સિનેજગતમાં આનંદ અને ગૌરવની લહેર છવાયેલી છે.
 
મૂળ ગુજરાતી અને ભારતીય ટેલિવિઝન ક્ષેત્રે કાઠું કાઢનારા જમનાદાસ (જેડી) મજીઠિયાએ તાજેતરમાં પોતાની અખબારની કોલમમાં સરિતાબહેન પર સળંગ ત્રણ લાંબા લેખો લખ્યા છે. જેડીએ સરિતાબહેનના વ્યક્તિત્વ અને પ્રતિભાની સાથે અભિનય પ્રત્યેની નિષ્ઠા તથા સમર્પણની વિગતે વાતો કરી છે. એક લેખમાં જેડીએ લખ્યું છે, સ્ટેજ પરથી સરિતાબહેન ઑડિયન્સને એ રીતે લુક આપે કે સૌથી છેલ્લે બેઠેલા દર્શકને પણ એ સ્પષ્ટ દેખાય અને તેને પણ એવું જ લાગે કે તેઓ મારી સામે જુએ છે. સ્ટેજની આ જે પરિભાષા છે એ પરિભાષા શીખવી એ જ સૌથી મોટી વાત છે, તેમના અવાજનો આરોહ-અવરોહ, તેમની અદાકારીમાં રહેલું તાદાત્મ્ય અને તેમના ચહેરાના હાવભાવથી માંડીને આખા સ્ટેજ પર પથરાઈ જવાની, સ્ટેજને કબજે કરી લેવાની તેમની ક્ષમતા. હું કહીશ કે સરિતાબહેન એક જીવતીજાગતી ઇન્સ્ટિટ્યૂટ છે. સરિતાબહેનને વ્યક્તિગત રીતે ઓળખનાર કે તેમની સાથે કામ કરી ચૂકેલી દરેક વ્યક્તિ જેડીની આ વાત સાથે સો ટકા સહમત થશે. કોલેજનું પગથિયું નહિ ચડી શકેલાં સરિતાબહેન આજે સાચે જ અભિનયની જીવંત યુનિવર્સિટી જેવાં છે.
 
- અનુરાગ ઠાકર