આત્માનુભૂતિના પ્રકાશમાં અહંકાર વરાળ થઈ જાય છે | મોરારિબાપુ

    ૦૭-માર્ચ-૨૦૨૦   

moraribapu_1  H
 
 

બાળક ભૂલ કરે તો બાપ સજા કરે છે અને મા શિક્ષા કરે છે. બાળક ભૂલ કરે તો બાપ ધમકાવે છે અને મા ડારો દે છે.

 
લોકમાન્ય ટિળક (lokmanya tilak) ને લોકો રાજકારણમાં વિદ્વાન હોવાથી વધુ સન્માન આપતા હતા. આજે રાજકારણ (Politics )માં વિદ્વાનોની સંખ્યા ઘટતી જાય છે એ બહુ ચિંતાનો વિષય છે. વહુનાં લક્ષણ બારણામાંથી અને પુત્રના લક્ષણ પારણામાંથી પરખાઈ જાય છે. એમ ટિળક બાળપણથી જ અસામાન્ય પ્રતિભા ધરાવતા હતા. સ્વામી વિવેકાનંદ ( Swami Vivekananda ) જેમ એમની તીવ્ર બુદ્ધિમત્તાથી સૌએ અનુમાન લગાવ્યું હતું કે ભવિષ્યમાં એ મહાન થશે. જે વિષયમાં લોકોને રસ ન પડે એ વિષયને એ હંમેશા સ્પર્શતા હતા. વિવેકાનંદ વિશે એવું કહેવાય છે કે એકવાર એ પુસ્તક વાંચી લે એટલે એમને હૃદયસ્થ થઈ જતું હતું. ટિળક પણ બાળપણમાં શાળામાં શિક્ષક દાખલો ભણાવે એ પહેલાં જ જાતે ગણી નાખે. જાતે દાખલો ગણવાની ટેવને કારણે પરિણામ એ આવ્યું કે દાખલો ગણવાની નવી નવી રીત એમણે શોધી કાઢી હતી. જે એમના શિક્ષકોને પણ ખબર ન હતી. નિરસતામાં પણ રસ શોધી કાઢવો એ એમની આદત હતી. પડકારો ઝીલવા એમને ગમતા હતા. એકવાર પરીક્ષામાં બાર દાખલા પુછાયા હતા અને આઠ દાખલા ગણો એવી સૂચના હતી. ટિળકે પેપરમાં લખ્યું કે બાર દાખલા ગણ્યા છે, ગમે તે આઠ તપાસો.
 
શુષ્કતામાં પણ સભરતા શોધવા પ્રેમ પ્રગટાવવો પડે. જ્યાં પ્રેમ છે ત્યાં બધું ગમતું થઈ જાય છે. મા બાળકનાં બધાં જ કામો હોંશે હોંશે કરે છે. એમાં પ્રેમ ભળેલો હોય છે. પ્રેમનું આદિ સ્થાન મા છે. માથી પ્રેમની જાણકારી શરૂ થાય છે. ઉષ્માનું ઊર્ધ્વસ્થાન માતા છે. પછી એમાં પિતા પણ ભળે છે. એમનો પણ હિસ્સો છે. પણ મા એટલે મા. બાળક ભૂલ કરે તો બાપ સજા કરે છે અને મા શિક્ષા કરે છે. બાળક ભૂલ કરે તો બાપ ધમકાવે છે અને મા ડારો દે છે. એમાં પુરુષનો અહંકાર અને સ્ત્રીની ચિંતા છે.
 
એકવાર ઉદ્ધવ કૃષ્ણને પૂછે છે કે જો ગોપીઓનું જીવનફળ કૃષ્ણ છે તો કૃષ્ણના વિરહમાં જીવિત કેમ રહી શકી ? ત્યારે કૃષ્ણ કહે છે કે હું આવીશ, એ વચન પર...
 
પ્રેમનાં માત-પિતાનું નામ વિશ્વાસ છે. જ્યાં સુધી વિશ્વાસ હશે ત્યાં સુધી પ્રેમ ટકશે, જ્યારે વિશ્વાસ ગયો એની બીજી પળે પ્રેમ પણ સરકી જશે. ભરતને પાદુકા આપી કહેવામાં આવ્યું કે ચૌદ વરસ પછી આવી જઈશું. શબરીની પ્રતીક્ષામાં વિશ્વાસ હતો, એટલે એને થાક નહોતો લાગતો. પ્રેમનાં પુસ્તકો હોતાં નથી. અમૃતથી સ્નાન નથી કરાતું. એની અંજલિ લેવાય છે. મધુસૂદન સરસ્વતીજીએ કહ્યું છે કે `વ્યર્થકાલત્વં'. જીવનફળ પ્રેમ હોય એવું ઇચ્છતા હો તો વ્યર્થ કાલ ન ગુમાવશો. આપણે વ્યર્થ વાતોમાં સમય ખૂબ ગુમાવીએ છીએ. દરેકની પોતાની જવાબદારી હોય છે, એમાંથી સમય મળે એટલે માણસે પોતાની ગમતી હકારાત્મક પ્રવૃત્તિમાં જોડાવું જોઈએ. ગામના ઓટલા ભાંગવા કરતાં ભાંગતી રાતે ભજનના હલકારામાં લીન થવું વધુ સારું. શ્લોક શોકને મિટાવી શકે છે. ભજન કરવાનો અહંકાર આવી ગયો તો ગયે કામ સે.. વિશેષતાનો અહંકાર આવી જશે એટલે રસનો સ્વાદ ઓછો થઈ જશે. માનસમાં લખ્યું છે કે અભિમાન શોકદાયક છે. જે શોકનું લીસ્ટ છે એ અભિમાનની ગિફ્ટ છે. અભિમાન એ ઈશ્વરનો આહાર છે. પ્રેમમાં બધું પ્રિય થઈ જાય છે ને જયજયકારથી દૂર થઈ જાય છે. એટલે જ અમે કેટલાંક વર્ષોથી કથામાં જયકારને બદલે રામચંદ્ર ભગવાન પ્રિય હો.. કહીએ છીએ. ઓશો કહે છે કે સૂર્યના પ્રકાશમાં ઝાકળનાં બિંદુઓ વિલીન થઈ જાય છે, તેમ આત્માનુભૂતિના પ્રકાશમાં અહંકાર વરાળ થઈ જાય છે.
 
આ આત્માનુભૂતિનું અજવાળું સદગુરુ કરી શકે છે. સદગુરુ વૃષભ જેવા ભદ્ર હોય છે. મહાવીર સ્વામી કહે છે કે સાધુ મૃગ જેવા સરળ હોય છે. સદગુરુ અનુચિત આજ્ઞા કરે તો માની લેવી નહીં. તમારા પોતાના વિચારનો ઉપયોગ પણ કરો. માનસમાં વિચારને ધર્મ કહ્યો છે. અયોધ્યા કાંડના અંતમાં ભરતજી વશિષ્ઠજીને પૂછે છે કે જો આપની આજ્ઞા હોય તો હું વલ્કલ ધારીને નંદીગ્રામમાં રહું. મારા પ્રભુ વનમાં છે તો હું મહેલમાં ન રહી શકું. આ સંભળતા જ મુનિ પુલકિત થઈ ગયા અને હા કહી. એ સમયે જે પંક્તિ કહેવાય છે એ સમજો તો બેડો પર...
 
સમુજબ કહબ કરબ તુમ્હ જોઈ,
ધરમ સારુ જગ હોઈહી સોઈ ॥
 
આલેખન - હરદ્વાર ગોસ્વામી