પાથેય । પવિત્ર વેશ ધારણ કરો તો તેની મર્યાદા તમે તોડી શકો?

    ૦૭-માર્ચ-૨૦૨૦

pathey_1  H x W 
 

વસ્ત્રોની મર્યાદા

 
એક બરૂપી રાજાના દરબારમાં પહોંચ્યો. રાજાએ કહ્યું, તું કલાકાર ખરો, પરંતુ તારી કલાને હું ત્યારે જ માનીશ જ્યારે તું તારી કલાથી ભ્રમિત કરી દે અને અહીં તને કોઈ ઓળખી જ ન શકે. આ પ્રસંગના થોડા દિવસો બાદ એક સંત રાજદરબારમાં પધાર્યા. પોતાની સંસ્કૃતિ પ્રમાણે રાજાએ એ સંતની ખૂબ જ સેવા કરી અને દાન-દક્ષિણામાં મોટી રકમ સંતના ચરણોમાં અર્પિત કરી. બધાના આશ્ચર્ય વચ્ચે પેલા સંતે એ રકમને સ્પર્શ પણ ન કર્યો અને ત્યાંથી ચાલ્યા ગયા. તેના થોડા સમય બાદ જ પેલો બહુરૂપી રાજદરબારમાં આવ્યો અને કહ્યું, મહારાજ, લાવો મારું ઇનામ. રાજા ચોંક્યો અને પૂછ્યું ભાઈ કઈ વાતનું ઇનામ ? બરૂપીએ જવાબ આપ્યો, મારા સાચા વેશનું ઇનામ. થોડા દિવસ પહેલાં અહીંથી જે સંત ગયા અને જેનું તમે પૂજન અર્ચન કરી ખૂબ જ આદર-સત્કાર કર્યો તે સંત હું જ હતો. મેં સંતનો વેશ ભજવી તમને ભ્રમિત કરી દીધા અને તમે મારા એ નાટકને સાચું માની બેઠા.
 
બરૂપીની વાત સાંભળી રાજા ખૂબ જ પ્રભાવિત થયા, પરંતુ તેમને થોડુ આશ્ચર્ય પણ થયું. તેઓએ પૂછ્યું, તું મારી પાસે પુરસ્કાર માગી રહ્યો છે, પણ આનાથી અનેકગણું ધન તો તુ સંત બન્યો ત્યારે તારા ચરણોમાં ધર્યું હતું. ત્યારે એ દાન કેમ ન લીધું ? ત્યારે બરૂપીએ, ખૂબ જ પ્રેરક જવાબ આપ્યો કે તે સમયે હું સંત હતો માટે સંન્યાસી ધર્મ અને ભગવાં વસ્ત્રોની મર્યાદાની રક્ષા કરવાની મારી જવાબદારી હતી. આવા પવિત્ર વેશને ધારણ કરી હું તેની મર્યાદા કેવી રીતે તોડી શકુ ? બહુરૂપીની આ વાતથી રાજા એટલા તો પ્રભાવિત થયા કે ઇનામ ઉપરાંત પણ અનેકગણું ધન તેને આપી વિદાય કર્યો.