મહામારી સામે પત્રકારત્વ (લોક્સેવક) આચારસંહિતા અને વિડંબનાઓ અને યાદરાખવા જેવા સૂચનો

    ૧૩-એપ્રિલ-૨૦૨૦
કુલ દૃશ્યો |

shailesh raval_1 &nb
 
પાંત્રીસ વર્ષના પત્રકારત્વના વિશેષ કરીને ફોટો પત્રકારત્વના ક્ષેત્રમાં અનેક વિપદા આવી છે, તે સમયે લખાયેલી કે વણલખાયેલી એક ચોક્કસ આચારસંહિતાની લક્ષમણરેખા હોય છે. જેનું પાલન કરવું એ સાચું પત્રકારત્વ છે. ક્યારેક આવેશ, ઉત્સાહ કે અતિરેકમાં ચુક થાય તો તેની કિંમત પત્રકારે કે સમાજના અન્ય તપકાએ ચૂકવવી પડે છે. ખાસ કરીને હુલ્લડો, કુદરતી આપત્તિ કે માનવસર્જિત મુશ્કેલીઓ સમયે થોકબંધ દાખલાઓ ઇતિહાસના પાને છે જ, પણ આજે કોરોના મહામારી સામે ફોટો પત્રકારત્વમાં (જેમાં ટીવી માધ્યમ, અન્ય વીજાણુ માધ્યમ કે પછી સોશ્યલ મીડિયા ના તમામ પ્રકારો સામેલ છે) કેટલીક નવી આચારસંહિતા ઉમેરાઈ છે. તેમાં કેટલીક નવી વિડંબના પણ સામેલ છે.
 
અત્યાર સુધી આવેલી આફતોમાં મોટે ભાગે મુશ્કેલી સામે દેખાતી હતી, તેની સામે ચોક્કસ દિશા અને અંતર નક્કી હોવાથી મોરચા સમયે સ્વસંરક્ષણ રચના અને ઉપાયો આસાનીથી કરી શકાતા હતા. કોરોના વાઇરસ છે, અદ્રશ્ય છે, તેની એટેક પધ્ધતિ અદ્રશ્ય છે, તેની પુરી જાણકારી નથી, વૈજ્ઞાનિક માહિતી નથી.. આ સમયે ફોટો જર્નાલિઝમ વધારે મુશ્કેલી ભર્યું બની રહે છે. ત્યારે કેટલાક સૂચનો નવી આચારસંહિતા બની શકે છે.
 
# વાઈડ લેન્સ નો ઉપયોગ ટાળો, ટેલી લેન્સ વાપરવાનો આગ્રહ રાખો.
 
# લેન્સ સેનેટાઇઝર ની કાળજી રાખો.
 
# કેમેરા પર તમારા સિવાય અન્ય કોઈ અડકે નહી તેની કાળજી રાખો.
 
# અસરગ્રસ્ત વિસ્તારમાં યોગ્ય અંતર જાળવી રાખો.
 
# ઓછી છતાં અસરકારક ક્લિક પર ધ્યાન આપો.
 
# વિસ્તારમાં શક્ય હોય ત્યાં ફોર વ્હીલર નો ઉપયોગ કરો,
 
# જેમાં એસી નો ઉપયોગ ટાળો.
 
# ધાબા કે છત પર જતી વખતે લિફ્ટ ઉપયોગ વખતે લિફ્ટ સરફેસ ને ટચ કરવાનું ટાળો,
 
# પુરી કેમેરા બેગ ને બદલે માત્ર જરૂરી લેન્સ સાથેનો કેમેરા જ સાથે રાખો.
 
# લેપટોપ કે અન્ય એસેસરી શક્ય હોય ત્યાં સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં લઈ જવાનું ટાળો.
 
# ડ્રોન વાઇરસ કેરિયર ના બને તેની કાળજી રાખો.
 
# જે તે સંસ્થા સાથે કામ કરતા હો ત્યારે તેમની જરૂરિયાતને પ્રાધાન્ય આપી ઓછામાં ઓછા સમયમાં એસાઇન્મેટ પૂરું કરી અસરગ્રસ્ત વિસ્તારમાંથી બહાર આવી જાઓ.
 
* પોલીસ અને પ્રસાસનને સહયોગ આપો, સમસ્યા હોય તો ઉપરી અધિકારી સાથે સંયમપૂર્વક વાતચીત કરો.
 
# આવા સમયે કોઈ એક્ષકલુઝીવ એંગલ હોતો નથી. સ્મશાન, કબ્રસ્તાન કે અંતિમવિધિ સ્થળે સમયે તસવીરનો દુરાગ્રહ ટાળો. હોસ્પિટલમાં ડોકટરો દ્વારા અપાતી સૂચના નું પાલન કરો, માસ્ક અને હેન્ડ ગ્લોઝ અવશ્ય પહેરો અને પ્રોપર જગ્યાએ ડિસપોઝ કરો.
 
# ઘર અને બહાર એકથી વધારે વાર નીકળ્યા કરતા દિવસમાં માત્ર એકજ વખત પ્લાન કરીને નીકળો. ઘરે આવીને હાથ ધોવા ઉપરાંત નાહવાની ટેવ પાડો.
 
# ભૂખ્યા પેટે કે થાક હોય ત્યારે બહાર જવાનું ટાળો. પૂરતી ઉંઘ, અને માનસિક સ્વસ્થતા માટે આગ્રહ રાખો.
 
# એસાઇન્મેટ પછી સીધા મિત્રો કે સગાસંબંધીઓ ને ઘરે જવાનું ટાળો.
 
# કેમેરા કે અન્ય એસેસરીઝ નો હાથ બદલો ના કરો, તેને જમીન પર મૂકવાનું ટાળો.
 
# સ્વસ્થ ચિત્તે કાર્ય કરો, તમારી એક પણ ક્લિક ડિલીટ ના કરો. બદલાતા સમયનું દસ્તાવેજીકરણ કરી રહ્યા છો, આગામી સો વર્ષ કે તેથી વધારે સમય સુધી આ તસવીરો અમૂલ્ય બની રહેવાની તક છે.
 
# ઓછી પણ મજબૂત વેલ્યુ ધરાવતી તસવીર ઉપયોગી છે, ફ્રેમ કે કંપોઝિશન કરતા ઘટના વધારે અગત્યની છે જે ઇતિહાસ બની શકે છે.
 
# ગ્રુપમાં જવાનું ટાળો છતાં એક બીજાના સંપર્કમાં રહો જેથી પંચર કે અન્ય નાનીમોટી મુશ્કેલીમાં મદદગાર બની શકાય.
 
# ન્યુઝ ને ન્યુઝ રહેવા દો, ઈમેજ મેકર બનો, ઈમેજ ક્રીએટર કે પ્રોડ્યુસર ના બનો.
 
# તમારી સુરક્ષા અને સલામતી ના ભોગે તો કશું જ ના કરશો, કેમ કે તમારી લાપરવાહી કારણ વગર કુટુંબને મુશ્કેલીમાં મૂકી શકે છે.
 
# એનો મતલબ એ નથી કે પત્રકારત્વ છોડી દેવું, આ તો એક સદીમાં એક વાર આવતો સમય છે તેના કવરેજ માટે ડર્યા વગર પણ કાળજી રાખીને કામ કરવા વિનંતી છે.
 
# ફોટો પત્રકારત્વ એક એવું કાર્ય છે કે જેમાં આર્થિક ઉપાર્જન ઓછું છે, પણ આત્મસંતોષ અને ગૌરવભાવનો સંતોષ વધારે છે.
 
# કાર્યભાર અને જવાબદારીના ભાગ રૂપે કામચોરી નહી પણ કાળજી રાખીને કાર્ય કરવાની મારી આ નમ્ર વિનતી છે જે મારા સહ કર્મચારીઓ, નવોદિત ફોટો જર્નલિસ્ટ ગંભીરતાથી લેશે તેવી અપેક્ષા સહ ધન્યવાદ. મારા મેગેઝિનની જરૂરિયાત માટે મારે પણ કામ કરવું જ પડે છે, પણ હું વધારે કાળજી રાખું છું. ભલે મને બીકણ કે ગભરુ કહો, ડિસ્ટન્સ તો આ મહમારીનું રક્ષા કવચ છે.
 
(નોંધ - આ લેખ પત્રકારોને ઉલ્લેખીને લખાયો છે પણ લાગૂ એ બધાને પડે છે જે હાલ ફિલ્ડમાં છે. અહીં કમેરાની વાત છે લોક્સેવકોને તેમના સાધનો સમજવા)
 
ઈમેજમેકર : શૈલેશ રાવલ