તંત્રીલેખ । ચાલો, અર્થતંત્રને વેગવાન બનાવીએ

    ૨૦-એપ્રિલ-૨૦૨૦   
કુલ દૃશ્યો |

corona and economy_1 
 
 
લોકડાઉનનું સર્જન બ્રેકડાઉન. આર્થિક ઉપાર્જનનું. છતાં ય સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ, સેવાભાવી કાર્યકરો અને માનવીય અભિગમના કારણે ભારતમાં ગરીબમાં ગરીબ અને છેવાડે રહેતો માનવી એ ભૂખ્યો ન રહે તેની ચિંતા સૌએ કરી. માલવાહક ટ્રેનો ચાલુ, રાશનની દુકાનો ખુલ્લી, કેટલાય રાજ્યો અને કેન્દ્ર સરકારની સહાયથી કરોડો લોકોને મફતમાં અનાજ, અનેકોને ત્રણ મહિના સુધી ઘરવખરી માટે બેન્કોમાં સરકાર દ્વારા સીધા નાણાં જમા, શ્રમિકો, દિવ્યાંગો, વિધવા બહેનો, મનરેગામાં કામ કરતા ગ્રામ્ય મજૂરો, અસંગઠિત ક્ષેત્રના મજૂરો અને પ્રવાસી મજદૂરો માટેના રાહત કેમ્પો વિ. સહુને આવરી લઈ, ઉજ્જ્વલા યોજનામાં મફત ગેસ સિલિન્ડરનું એ વિતરણ કરી, ભારતે કોઈને ભૂખ્યું ન રહેવા દીધું. સરકારના વારંવારના વિજ્ઞાપનોમાં, દેશમાં અનાજનો જથ્થો પૂરતો છે અને કોઈએ સંગ્રહખોરીમાં પડવું નહીં, તેણે ય લોકોને આશ્વસ્ત કર્યા. અંદાજિત રૂ. ૧.૭ લાખ કરોડનું પેકેજ, જેથી આ સંભવ બન્યું. આ જ સમયમાં સ્વાસ્થ્યની આધારભૂત વ્યવસ્થા માટે ય કેન્દ્ર સરકારનું રૂ. ૧૫૦૦૦ કરોડનું પેકેજ અને દરેક રાજ્ય સરકારની મહામારીને પહોંચી વળવા માટેની યોજનાઓએ, સોશિયલ ડિસ્ટન્સિંગના મહત્તમ આગ્રહ સાથે, ભારતને વિશ્વની સરખામણીમાં અગ્રિમ સ્થાને જ રાખ્યું.
 
અર્થતંત્રને બેઠુ કરવામાં સરળતા રહે….
 
ઇન્ડિયન સ્ટેટેસ્ટીકલ ઓર્ગેનાઈઝેશનના આંકડાઓ અન્વયે માર્ચ માસમાં ઉપભોકતા મૂલ્ય સૂચકાંક અને જથ્થાબંધ સૂચકાંકમાં આગળના મહિનાની સરખામણીએ વધારો છે. ઔદ્યોગિક ઉત્પાદન અને વેચાણ ઓછું જ. એપ્રિલમાં ય સેવા, ઋણ તથા ખાધા ખોરાકીના માલની અવરજવર સિવાયની બધી જ એક્ટિવિટી સંપૂર્ણ બંધ હોવાથી, અર્થતંત્રના આંકડાઓનો ગ્રાફ નીચે જ હોય. લોકડાઉનની સફળતાઓથી અભિભૂત, દરેક રાજ્ય સરકારોએ કોરોનાનો ફેલાવો કમ્યુનિટી ટ્રાન્સમિશનમાં ન થાય માટે તેની સમય મર્યાદા બીજા ૨૦ દિવસ વધારવાનો આગ્રહ રાખ્યો અને કેન્દ્ર સરકારે ય સહમતિથી માત્ર કૃષિ તથા ગ્રામ્ય વિસ્તારના ઔદ્યોગિક એકમો સિવાય, બધી જ એક્ટિવિટી પર લગાડેલી રોકથી અર્થતંત્રને એક નવો લઘુત્તમ આંક જોવા મળશે. વૈશ્વિક સરકારો અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓના મતે દેશના કુલ જીડીપીના ૧૦% સુધીની સહાય અર્થતંત્રના વિવિધ એકમોને મળી રહે તો અર્થતંત્રને બેઠુ કરવામાં સરળતા રહે. ભારત માટે ૨૦-૨૨ લાખ કરોડ રૂપિયાનું પેકેજ ? હાલનું કેન્દ્ર સરકારનું બજેટ રૂ. ૩૦ લાખ કરોડનું છે તથા અત્યારનું સહાય પેકેજ અંદાજીત ૨ લાખ કરોડનું. અમેરિકાએ ૧૦%, મલેશિયાએ ૧૬%, જાપાને ૨૦%, ઇંગ્લેન્ડ તથા અનેક યુરોપીયન દેશોએ ઘણા મોટા પેકેજની જાહેરાત કરી છે.
 
તો અંદાજીત ૨૦ લાખ કરોડ રૂપિયાની ઘટ પડે જ….
 
અર્થતંત્ર ઘણો જટિલ વિષય હોવા છતાં, ખૂબ સરળ સમજ માટે ભારતના ૨૨૦ લાખ કરોડના અર્થતંત્રમાં ૪૫ દિવસની ઉત્પાદકતાનું લગભગ સંપૂર્ણ નુકસાન થાય તો અંદાજીત ૨૦ લાખ કરોડ રૂપિયાની ઘટ પડે જ. તેને સરભર કરવા મળતી આર્થિક સહાયથી ફરી અર્થતંત્ર ધમધમતુ કરી શકાય, પરંતુ વિકાસશીલ દેશોને આ ન પોસાય, કે ન એટલા નાણાં તેમની પાસે હોય. નાણાંકીય બજારમાંથી ઉધાર લઈને આ સહાય આપવા જતા સરકારની ખોટ વધે, ફુગાવો વધે. આવા સંજાગોમાં રીઝર્વ બેન્ક પાસે રહેલી અસ્ક્યામતો મદદ રૂપ થાય. ભારત સરકારની ફોરેન એક્સચેન્જ હોલ્ડિંગની સ્થિતિ પ્રમાણમાં સારી છે. ૪૦૦ બિલિયન ડોલરથી વધારે અને સૌથી મોટુ ઇમ્પોર્ટ એટલે ઓઇલ જેના ભાવોમાં ધરખમ ઘટાડો થવાથી, એકંદરે ઘણુ પ્રોજેક્ટેડ ઇમ્પોર્ટ બિલ સામે, બચાવ થશે.
 
વધુ સહાયની જરૂર છે….
 
બેન્કો તથા નાણાંકીય સંસ્થાઓ સરકારના નાણાંકીય વિભાગ અને રીઝર્વ બેન્કે ભેગા મળી, ટેક્સ પેયર્સ માટે, દેવાદારો માટે, વ્યાજમાં, હપ્તામાં, દસ્તાવેજીકરણ વિ. માં ત્રણ મહિના સુધીની અનેક છૂટછાટો જાહેર કરી છે. સીઆરઆર તથા રેપોરેટ, રીવર્સ રેપોરેટ વિ. ના ઘટાડાથી, બજારમાં નાણાંની ઉપલબ્ધતા વિ. ખૂબ વધે તે અંગેના નિર્ણયો ય ક્રિયાશીલ કર્યા છે. છતાં ય વૈશ્વિક માપદંડોને જાતા અને દરેક જુદા જુદા ઉત્પાદન, સેવાકીય અને કૃષી ક્ષેત્રોની જરૂરિયાત જાતાં, અર્થતંત્રને આ મુશ્કેલ સંજાગોમાં ફરી સામર્થ્યવાન બનાવવા માટે વધુ સહાયની જરૂર છે.
 
ભારત ફરી એક વખત વિશ્વને ચોંકાવશે…
 
MSME સેક્ટર પર અંદાજીત ૪૫ કરોડો લોકો નભે છે. પ્રવાસી મજદૂરો ય ૧૦ કરોડથી વધારે જેમના ઉપર સેવાકીય આર્થિક રીતે નભતાં શહેરી વિસ્તારના કુટુંબોય લાખોમાં. કૃષિ ક્ષેત્ર, જે સૌથી વધુ વરસાદ પરે ય નભે છે તેમને સહાય માટે અગ્રીમતા. ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો માટેની યોજનાઓ ચાલુ રાખવા સાથે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મહત્તમ ખર્ચ કરી મોટા ઉદ્યોગો, રોડ-બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન વિ. રિયલ એસ્ટેટને ચાલુ રાખી, ઓટોમોબાઈલ, હવાઈ ઉડ્ડયન, હોટેલ રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીઝ વિ. અંગે અલાયદુ તથા સામૂહિક વિચારવાથી જ નોકરીઓ જાય નહીં અને માલિકો-વેપારીઓમાં વિશ્વાસ વધે તો દરેક ક્ષેત્રની ક્ષમતા અનુસાર તે બેઠુ થઈ શકે. અર્થશાસ્ત્રીઓ-નિષ્ણાંતોના મતે ૯ મહિનાથી બે વર્ષનો સમયગાળો પૂર્વવત થતાં જાઈશે, છતાં ભારતે ભૂતકાળમાં ૮-૧૦ % જીડીપી હાંસલ કર્યો છે. કરોડો રૂ. ધરાવતી ધાર્મિક સંસ્થાઓ ય માત્ર અન્નદાન નહીં, પરંતુ અર્થતંત્ર બેઠું કરવામાં નિર્ણાયક ભાગ ભજવી શકે. સાચી નીતિ, સમયવર્તી આર્થિક નિર્ણયો અને લોકોના નિવેષકોના સહયોગથી, ભારત ફરી એક વખત વિશ્વને ચોંકાવી, અર્થતંત્ર બેઠુ કરવાનો સમયગાળો ઘટાડી શકે તેમ છે. દરેક ક્ષેત્રની જરૂરિયાતો સમજી, ઉત્તમોત્તમ આર્થિક સહાય અને નિર્ણયોના માધ્યમથી વૈશ્વિક પરિસ્થિતિ જોતાં ચાઈનામાંથી બહાર આપતા ઉત્પાદન એકમો, અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ ભારત ઉપર મદાર રાખે તેવા આયોજનોથી, મનોબળ મજબૂત થશે જ.