નાગરિકો અને રાષ્ટ્રની કિંમતે કેટલાક લોકો મોદી સરકારને નિષ્ફળ થતી જોવા માગે છે! - નતાશા રાઠોડ

    ૦૪-એપ્રિલ-૨૦૨૦
કુલ દૃશ્યો |

natashja rathore_1 &
 

આ સમયે તમે જ નક્કી કરો કે તમે રાષ્ટ્રની સાથે છો કે મોદી વિરોધી છો? નતાશા રાઠોડ

જીવન અને મૃત્યુ સાથે સંકળાયેલા સંકટનો આ સમય છે, આ સમય એવો હોય છે જ્યારે કોઈપણ વ્યક્તિના વાસ્તવિક સ્વભાવની ખબર પડી જાય છે. હું માનું છું કે એક બાજુ જ્યારે મોટી સંખ્યામાં મગજ વગરના એવા ટ્રોલ્સ, ગુંડાઓ અને ભક્ત છે, જે કોઈપણ કિંમતે પોતાના ધાર્મિક અને કટ્ટરતાવાદી વિચારોના પ્રસારમાં લાગેલા છે. ત્યાં જ બીજી બાજુ બૌદ્ધિક અને જાગૃત સમુદાયનો એક મોટો ભાગ મોદી માટે નફરતની લાગણીથી પીડાય છે. તમે બંને છેડા પર અંતિમવાદી વિચારધારાઓ સાથે શી રીતે ચાલી શકો? તમે સત્યનો સાક્ષાત્કાર શી રીતે કરો છો?
 
જીન શાર્પ રાજકીય વિજ્ઞાનના અમેરિકન નિષ્ણાત છે. તેમણે કોઈ સરકારને પાડી દેવા માટેની વિવિધ પદ્ધતિઓ દર્શાવતા અનેક પુસ્તકો લખ્યાં છે. એમાં તેમણે અહિંસક અને લોકતાંત્રિક પદ્ધતિથી સરકારને તોડી પાડવાના અને નમાવવાના ૧૯૮ કીમિયાઓ દર્શાવ્યા છે. તેઓ કહે છે કે સરકાર વિરુદ્ધ ચલાવવામાં આવનાર આંદોલનોમાં શાંતિ અને લોકશાહીની વાત તો કરતા જ રહેવું જોઈએ, પરંતુ એના વડે સરકારને એટલી હદે નિષ્ક્રિય કરી દેવી જોઈએ કે સમગ્ર વ્યવસ્થા જ ઠપ્પ થઈ જાય. એમ કરતાં આખરે સરકારને શક્તિ પ્રદાન કરનાર વ્યવસ્થા ડગમગી જશે અને સરકાર પડી ભાંગશે.
 
મિસરમાં તહરીર ચોકમાં એમાંથી કેટલા ઉપાય અજમાવવામાં આવ્યા હતા. રશિયાના યુક્રેનમાં પણ આવું જ કંઈક થયું હતું. આજ કીમિયાઓએ હોંગકોંગમાં ૭૬ દિવસમાં હાહાકાર મચાવી દીધો હતો. એમાં કેટલાક કીમિયા આવા છેઃ પોલીસ અને આપણા સુરક્ષાદળો પર પથ્થર ફેંકવા, એમના રસ્તાઓનો નાશ કરવો, રસ્તાઓ જામ કરી દેવા, ફાયર બ્રિગેડની ગાડીઓને આગ લગાડવી. જેથી એ બીજી જગ્યાએ લાગેલી આગ ન હોલવી શકે. વિરોધ પ્રદર્શનમાં સૌથી આગળ મહિલાઓ અને બાળકોને ઊભા રાખવા. એ સાથે જ એસિડ ફેંકવો, પેટ્રોલ બોમ્બ ફેંકવા, નકારાત્મક આંદોલનો ચલાવવા માટે મીડિયાનો ઉપયોગ કરવો, ફેક ન્યૂઝ ફેલાવવા, લોકોને ગેરમાર્ગે દોરવા અને લોકોને સરકાર વિરુદ્ધ ઉશ્કેરવા જેવા કીમિયા અપનાવવામાં આવી રહ્યા છે.
 
જ્યારે તમે તાજેતરમાં જ દિલ્હીમાં ધાર્મિક રમખાણની આડશે જે કંઈ થયું એના સંદર્ભે જોશો તો એવું લાગશે કે જાણે સરકારને અસ્થિર કરવા માટે આ જ વ્યૂહાત્મક કીમિયાઓ અપનાવવામાં આવ્યા છે. જ્યારે તમે એના ઊંડાણમાં જશો તો સમજી જશો કે આ બધા પાછળ એ જ કહેવાતા બુદ્ધિજીવીઓ, ભણેલાગણેલા અને જાગૃત લોકોનો હાથ હતો.
 
જીન શાર્પે કોઈ સરકારને પાડી દેવા માટે જે કીમિયાઓની યાદી જણાવી હતી એમાંથી ઓછામાં ઓછા ૭૦થી ૮૦ કીમિયાઓનો સીધેસીધો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં જે કંઈ થયું એને સીએએ સાથે કોઈ લેવાદેવા નથી અને એનો મુસ્લિમો સાથે પણ કોઈ મતલબ નથી. આપણે સમજવાની જરૂર છે કે આ દેશના વિશાળ કદ અને વિરાટ વસ્તીને ધ્યાનમાં લેતાં ધર્મનિરપેક્ષતા વિષે સવાલ જ ઉઠાવવાની જરૂર નથી. ફ્રેન્ચ, પોર્ટુગલ, બ્રિટિશ, મોગલોના વિક્ષેપ પછી પણ ભારતે પોતાનું અસ્તિત્વ તો બચાવી જ લીધું, સાથે જ પોતાના ધર્મનિરપેક્ષ તાણાવાણા પર આંચ નથી આવવા દીધી. તો પછી આ મુઠ્ઠીભર જુઠ્ઠા ગુંડાઓથી ડરવાની શું જરૂર છે?
 
સૌથી મોટી ચિંતાજનક વાત એ છે કે આ દેશને સદીઓ સુધી લૂંટવામાં આવ્યો છે. એને દાયકાઓ સુધી ત્રીજા વિશ્વનો દેશ બનાવી રાખવામાં આવ્યો. દાયકાઓ સુધી અહીં ભ્રષ્ટાચાર અને વંશવાદના રાજકારણની જ બોલબાલા રહી. એના કરતાંય ચિંતાજનક વાત તો એ છે કે શિક્ષિત, સમજુ, બુદ્ધિજીવી લોકો પણ ખોટી માહિતીથી ગેરમાર્ગે દોરવાઈ જાય છે. હું એ વાત સાથે બિલકુલ સંમત છું કે ભાજપ સત્તામાં આવ્યો એ પછી કેટલાકને જે પ્રોત્સાહન મળ્યું છે. તમે એ વાત સમજી લો કે મોદીને નીચું દેખાડવા માટે જે રાજકીય ખેલ ખેલવામાં આવી રહ્યો છે એ ભારતના લોકતંત્ર અને ધર્મનિરપેક્ષ તાણાવાણા માટે એથીય વધુ ખતરનાક છે.
 

natashja rathore_1 & 

કોરોનાના કહેર પછી ઝડપથી પ્રગતિ કરશે તો એ ભારતી અર્થવ્યવસ્થા હશે…

 
પણ કોઈ મોદીથી આટલી નફરત કરશે? ભારત દાયકાઓથી ભ્રષ્ટાચાર અને વંશવાદના રાજકારણના સકંજામાં જકડાયેલું રહ્યું. ભારત સાથે કમનસીબી એ રહી કે દેશમાં કોઈ એવો નેતા નહોતો જે દેશની ૯૦ ટકા જનતાનું પ્રતિનિધિત્વ કરતો હોય. આપણી પાસે કદી એવો નેતા નથી આવ્યો જે ચા-વાળો હોય, જે એ જ સામાજિક આર્થિક સ્તરમાંથી આવતો હોય જે સામાન્ય ભારતીય જનતાનું છે. જે સામાન્ય ભારતીય જનતાને જાણતો હોય. વડા પ્રધાન મોદીનું માનવું છે કે ભારતમાં કોઈપણ પરિવર્તન માટે કાયદાઓની નહીં આંદોલનોની જરૂર છે. મોદીએ દેશમાં જે કંઈપણ લાગુ કર્યું છે, જે ઝડપે વસ્તુઓ બદલી છે, જે રીતે એમણે પરિસ્થિતિઓ અને લોકો સાથે વ્યવહાર કર્યો છે એ પ્રશંસનીય છે. જે એકમાત્ર મુદ્દે તેઓ નિષ્ફળ રહ્યા એ છે, અર્થવ્યવસ્થા. જોકે એ માટે પણ કઠોર પગલાં ભરવામાં આવ્યાં છે અને સમય જ કહી શકશે કે એ ખરેખર અસરકારક છે કે નહીં! સત્ય તો એ છે કે જો આ જગતમાં કોરોનાના કહેર પછી ઝડપથી પ્રગતિ કરશે તો એ ભારતી અર્થવ્યવસ્થા હશે. કેમ કે ભારતની અર્થવ્યવસ્થા ૯૦ ટકા જેટલી આત્મનિર્ભર છે.
 

આ સરકાર ફાસીવાદી લાગે છે તમને?

 
ચીનના હૂબેઈ પ્રાંતના લોકડાઉન દરમિયાન થયેલા હિંસક વિરોધ પ્રદર્શનના વીડિયો અને ટ્વિટ ચીની સરકારે દૂર કરી દીધા. જ્યારે ભારતમાં હજારો પરરાજ્યથી આવેલા રોજમદાર કામદારોની પગપાળા હિજરત અને હાલાકીની વીડિયો તથા ભારત સરકારની ટીકા કરનાર ટ્વિટ્સ મોટી સંખ્યામાં આજે પણ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. જો સરકાર એવી જ ફાસીવાદી હોય જેનો બધા દાવો કરે છે તો શું એ લોકોને આ બધું કરવાની સ્વતંત્રતા હોત? મોદી સરકારના છ વર્ષ પૂરા થયા છે. જો એમણે સંપૂર્ણ ફાસીવાદ લાગુ કરવો હોત, જો એમનો ખરેખર એવો જ ઈરાદો હોત તો અત્યાર સુધી તો એ થઈ ચૂક્યું હોત!
ભારતમાં ટ્વિટર પર જબરજસ્ત નકારાત્મકતા છે. આજે પણ ટ્વિટ અને પોસ્ટ પહેલાં જેમ જ ટ્રેન્ડ કરી રહ્યા છે. લગભગ ૪૫૦ કરોડ લોકો ઈન્ટરનેટ પર છે. જો તમે એમને ગેરમાર્ગે દોરો છો અને એક મત ઊભો કરી દો છો જેમ કે સરકાર અક્ષમ છે તો તમારું અડધું કામ થઈ જાય છે.
 
જીન શાર્પ કહે છે કે કેટલીક સિસ્ટમ સરકારને મજબૂત પ્રદાન કરે છે અને તેને નબળી પાડવા માટે તમારે મડિયાનો ઉપયોગ કરવાની જરૂર છે.
 

પછી એ જુઠ્ઠી રજૂઆતને બળ મળવા લાગે..

 
ટ્વિટર પર મોટી સંખ્યામાં એવા જ લોકો છે જે મશીનની જેમ પોસ્ટ વગેરે વાંચ્યા વગર જ માત્ર એટલા માટે રિટ્વિટ કરી દે છે કે તેઓ દ્વેષ અને દુર્ભાવનાથી પીડિત હોય છે. કેટલાકને તો આ કામ માટે પૈસા પણ મળે છે. કેટલા લોકો સનસનાટી ફેલાવનાર સમાચારોમાં ખાસ રસ લે છે. ટ્વિટર પર ૨૫ લોકોનું એક ગ્રૂપ કોઈપણ ટ્વિટને ટ્રેન્ડ કરવા માટે પૂરતું હોય છે. જો તમે સાંજથી રાત સુધી નકારાત્મક ટ્વિટ્સ ટ્રેન્ડ કરતા રહો તો એ સમયે પશ્ચિમના લોકો જાગી ચૂક્યા હોય છે એટલે એ લોકો પણ આ વિષય ઉપર ચર્ચા કરવા લાગે છે. પછી એ જુઠ્ઠી રજૂઆતને બળ મળવા લાગે છે. ભણેલા ગણેલા બુદ્ધિજીવી અને મોડે સુધી જાગનારા કોલેજના વિદ્યાર્થીઓ એમના સરળ નિશાન હોય છે. કોઈપણ ફાસીવાદ નથી ઇચ્છતું, ના કોઈ ધાર્મિક ઉન્માદ ચાહે છે. કોઈપણ સાંપ્રદાયિક લડાઈ નથી ઇચ્છતું, ન તો કોઈ સમાજમાં લોહી વહેતું જોવા માગે છે.
 
જ્યારે ભારત કોરોના જેવા ભયાનક રોગચાળા સામે બાથ ભીડવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે ભણેલાગણેલા અભણો, વોટ્સએપ પર ખોટા સમાચાર ફેલાવનાર, પૂર્વગ્રહથી પીડાતા બુદ્ધિજીવીઓ અને ચાલાક નેતાઓના કારણે દેશ સામે અનેક બીજી સમસ્યાઓ ઊભી થઈ ગઈ છે.
 

કમભાગ્યે મોટાભાગના ભારતીય માલિકોની આ જ માનસિકતા છે?!

 
પોતાના રાષ્ટ્રીય સંબોધનમાં વડાપ્રધાને હાથ જોડીને વેપારીઓ, ઉદ્યોગપતિઓને વિનંતી કરી હતી કે આ કપરા સમયમાં તમારા કર્મચારીઓને પગાર આપતા રહેજો અને એમની દેખભાળ પણ કરજો. છતાં ઈંકોરોનાવિલન્સ પર પેલી મહિલાએ મોકલેલા વીડિયો જેવા બીજા અનેક વીડિયો સામે આવી રહ્યા છે. એ વીડિયોમાં એ મહિલા કહે છે, આ ત્રણ અઠવાડિયાનો મારી કામવાળીનો પગાર કોણ ચૂકવશે? શું તમે એનો પગાર ચૂકવવાના છો? વડા પ્રધાન એનો પગાર ચૂકવવાના છે? એ બિલકુલ સાજી છે, એને કશું નથી થયું. એ કામ કરવા આવશે? કમભાગ્યે મોટાભાગના ભારતીય માલિકોની આ જ માનસિકતા છે, જેને કારણે અનેક પ્રવાસી કામદારોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.
 

લોકડાઉન - તો પરિસ્થિતિ આપણા હાથમાંથી નીકળી ગઈ હોત!

 
કેટલાક લોકો કહે છે કે સરકારે લોકડાઉનની જાહેરાત કરવી જ હતી તો એના પહેલાં એના કેવાં કેવાં અનેક પરિણામો આવી શકે એનો અંદાજ પણ બાંધવાની જરૂર હતી. ચાલો! અમે એ વાતનો સ્વીકાર કરીએ છીએ. પરંતુ આપણે સમજવું પડશે કે આપણી પાસે સમય બિલકુલ નહોતો અને એ વખતે તાત્કાલિક લોકડાઉનની જાહેરાત કરવી અત્યંત જરૂરી હતી. વાસ્તવમાં કોરોના જેવા ભયાનક રોગચાળા સામે બચવા માટે આવા પગલાંની જાહેરાત કરવાનો એ બિલકુલ સાચો સમય હતો. જો લોકડાઉન થોડા દિવસ વહેલું જાહેર કરી દેવામાં આવ્યું હોત તો બધા વધારે હેરાન થઈ ગયા હોત, થાકી ગયા હોત. બીજી બાજુ જો એની જાહેરાત થોડાક દિવસો પછીય કરી હોત તો પરિસ્થિતિ આપણા હાથમાંથી નીકળી ગઈ હોત!
 

સરકારે કોઈ વાતે કોઈ કસર છોડી નથી…

 
શું સરકાર પ્રવાસી કામદારો માટે સ્ટેડિયમોમાં રાતવાસાની સગવડ કરી શકતી હતી? ચોક્કસ એમ કરી શકાયું હોત. એ વધારે સારું પગલું બન્યું હોત. પણ એ તો તમે પણ સ્વીકારશો કે વડા પ્રધાનના સંબોધન પછી કોઈને પણ આશા નહોતી કે કોઈ જાતની અવ્યવસ્થા સર્જાશે. વિપરીત પરિસ્થિતિ સર્જાશે એ ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના આહ્વાહન પર દેશમાં લોકડાઉનથી માંડીને સારવાર પૂરી પાડવા સુધી અને આર્થિક પેકેજોની જાહેરાતોથી માંડીને સારવારનાં સાધનો મેળવવાના પ્રયાસો અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા સુધી સરકારે કોઈ વાતે કોઈ કસર છોડી નથી. એક હજાર પથારીવાળી હોસ્પિટલ ઊભી કરવામાં ચીનને દસ દિવસ લાગ્યા ત્યારે આપણા દેશે ભારતીય રેલવેએ રાતોરાત છ હજાર પથારી ધરાવતા આશ્રયસ્થાનમાં બદલી દીધી. ભારત જેવા દેશમાં આ રોગચાળા સામે બાથ ભીડવા જે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી, જેવી યોજનાઓ બનાવવામાં આવી એ પોતે જ અભૂતપૂર્વ અને ઐતિહાસિક છે.
 

પ્રવાસી કામદારો ખોટી માહિતી અને ફેક ન્યૂઝના શિકાર પણ થયા…

 
વાસ્તવમાં પ્રવાસી કામદારો ખોટી માહિતી અને ફેક ન્યૂઝના શિકાર પણ થયા. કેટલાય કામદારોએ જણાવ્યું કે એમને ડીટીસીની બસોમાં ખોટી માહિતી આપવામાં આવી હતી કે એમને બધાને પોતપોતાના ગામ જવા આનંદવિહારથી વ્યવસ્થા કરી આપવામાં આવશે. આ બધું જ જાણે કે જીન શાર્પના કીમિયાઓને અનુસરીને જ થયું. અફવાઓ ફેલાવવામાં આવી અને અરાજકતા ફેલાવવા માટે ભય પ્રસરાવવામાં આવ્યો.
 
કોરોના પર અંકુશ મેળવવા કેન્દ્ર સરકારે દેશના વિશાળ કદ, વસ્તીની ઘનતા બંનેને ધ્યાનમાં રાખીને જે કંઈ કરી શકાય એ બધું જ કર્યું. કમભાગ્યે ચર્ચા એ જ વાતોની થઈ રહી છે જે સાચી નથી. દિલ્હીની ઘટનાએ આ વાતને ફરી સત્ય સાબિત કરી દીધી છે કે એવા અનેક પરિબળો છે જે રાજકીય બિસાત પર મોદી સરકારને નિષ્ફળ થતી જોવા માગે છે, ભલે એ નાગરિકો અને રાષ્ટ્રની કિંમતે થતું હોય!
 

સરકારે ગયા અઠવાડિયે જે કંઈ કર્યું છે એ અકલ્પનીય, અવિશ્વસનીય અને અભૂતપૂર્વ છે

 
ભારતીય રાજકારણમાં આજે જે કંઈ થઈ રહ્યું છે એ રાજકીય આફત તો છે જ, પરંતુ એથી વધારે એ માનવતા માટે આફત છે. ભારતમાં સ્વાસ્થ્ય સેવાઓની ખરાબ સ્થિતિ, પરીક્ષણ કિટ ઓછી હોવી, ગરીબી, શિસ્ત વગરની, અવ્યવસ્થિત અને અવૈજ્ઞાનિક વિચારસરણી ધરાવતી જનતા જેવા અનેક પડકારો હોવા છતાં મોદી સરકારે ગયા અઠવાડિયે જે કંઈ કર્યું છે એ અકલ્પનીય, અવિશ્વસનીય અને અભૂતપૂર્વ છે. પર્યાવરણ સાથે સંકળાયેલા અનેક આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં વિકસિત દેશોના શક્તિશાળી નેતાઓ સામે મોદીએ સ્પષ્ટ રીતે પર્યાવરણના રક્ષણ અંગે ભારતનો મત વ્યક્ત કર્યો. તેમણે પર્યાવરણ સાથે છેડછાડ કરી રહેલા વિકસિત દેશોને એ સમજાવવાનો પ્રયાસ કર્યો કે માનવજીવન આર્થિક સમૃદ્ધિ કરતાં ખૂબ જ વધારે મહત્ત્વનું છે. આ સિદ્ધાંતને મૂળમંત્ર માનીને જ બધા નિર્ણયો લેવા છતાં ટ્વિટર પર #modimadedisaster ટ્રેન્ડ કરવામાં આવ્યું અને કહેવામાં આવી રહ્યું છે કે એકમાત્ર મોદીએ જ ભારતને કોરોનાના ત્રીજા સ્ટેજમાં ધકેલી દીધું છે.
 

આ સમય દેશ માટે ઊભા થવાનો અને કશુંક કરી છૂટવાનો છે. પરંતુ…
 

ભારતમાં આજે જે કંઈ થઈ રહ્યું છે એ સાક્ષી છે કે વિપક્ષ હતાશ થઈ ગયો છે. આમાંથી એ પણ સાબિત થાય છે કે વિપક્ષ મોદીની સિદ્ધિઓને નિરર્થક સાબિત કરવા માટે જે કંઈ શક્ય હોય એ બધું જ કરવામાં જરાય પાછીપાની નથી કરતા. તેઓ મોદીની છબિ ખરડવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. ભલેને એ માટે માનવજીવનની શૂન્ય કિંમતે જ કેમ ન હોય! આ સમય દેશ માટે ઊભા થવાનો અને કશુંક કરી છૂટવાનો છે. પરંતુ આ સમયે પણ વિપક્ષ મોદીને નીચું દેખાડવા માટે દેશના સૌથી નબળા વર્ગને હથિયાર બનાવીને પોતાના લાભમાં વાપરતા શરમાતો નથી. આ જ એ રાક્ષસ છે જેને તમે મત આપ્યા હતા.
 

ખરેખર રાષ્ટ્રવિરોધી કોણ છે?

 
આજે મને આનંદ એ વાત પર છે કે અમિત શાહે પોતાની રીતે ચૂંટણી જીતી. જો એ માની પણ લઈએ ચૂંટણીમાં ગરબડ થઈ હતી તો પણ! જો હું એમની જગ્યાએ હોત તો આમ જ કરત. ઓછામાં ઓછું હું આ રાક્ષસોને આ દેશ પર હાવી થતા રોકી શકી હોત! તમે લોકશાહીની વાત કરો છો? સાચી વાત એ છે કે આપણે એને લાયક જ નથી. આપણન એક એવા નેતાની જરૂર છે જે વસ્તુઓને સીધેસીધી લાગુ કરી શકે. વાસ્તવમાં હવે હું સમજી ચૂકી છું કે ખરેખર રાષ્ટ્રવિરોધી કોણ છે. આજ મને મારી જાત પર ગર્વ થાય છે.
 
વાસ્તવમાં આવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ સંયમ, ધીરજ અને હિંમત ટકાવી રાખવી અને વિજયી નીવડવું એ કેટલાક વિરલ લોકો જ કરી શકે એવું કામ છે. આજે હું એ દરેક પગલાં માટે મોદીની આભારી છું જે એમણે આ રોગચાળા સામે ભારતના નાગરિકોનો બચાવ કરવા ભર્યા. સાથે જ આજે મને શરમ પણ આવે છે કે હું મોદીના સમર્થનમાં એવા ડરથી ઊભી ન થઈ કે મારા ડાબેરી લિબરલ દોસ્તો શું વિચારશે! પરંતુ હું આજે જાહેરમાં મોદી સરકાર માટે મારું સમર્થન હોવાની ઘોષણા કરી રહી છું. તમે મને ભક્ત કહી શકો છો, સોશિયલ મીડિયા પર મને અનફ્રેન્ડ- અનસબસ્ક્રાઈબ કરી શકો છો. મને એની જરાય પરવા નથી.
 
- લેખિકા :- નતાશા રાઠોડ (Natashja Rathore)
 
 

natashja rathore_1 & 
 
( લેખિકા બોલિવૂડ સાથે સંકળાયેલી છે. લંડન ફિલ્મ સ્કૂલમાંથી ફિલ્મ મેકિંગનો અભ્યાસ કરી તે આ ક્ષેત્રે જોડાઈ અને વર્તમાન સમયની દેશની સ્થિતિ જોઇને પહેલી વાર આ રીતે પોતાના વિચાર રજૂ કરી રહી છે. Article is a Facebook Post by Natashja Rathore, a filmmaker and social entrepreneur. She had tweeted the write-up in a thread comprising sixty-nine tweets. The tweets have gone viral.)
 
લેખિકાનું ટ્વિટર - http://twitter.com/natashjarathore
 
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સાધના સાથે.
 
તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ -ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.