માનસમર્મ |કોઈના વિશે ખરાબ વિચાર પણ અપરાધ છે

    ૦૫-એપ્રિલ-૨૦૨૦   
કુલ દૃશ્યો |

moraribapu_1  H
 
 
એક યુવાન કામ ધંધા માટે વિજયનગર આવે છે. કેટલાય દિવસો સુધી કોઈ કામ ન મળતા એ કાલીકામાના દર્શને ગયો. ત્યાં એને એક તેજસ્વી પંડિત મળી ગયા. એણે કહ્યું કે ‘માની સાધના કર, બધું પ્રાપ્ત થઇ જશે’
 
એ યુવાને એમ કરવાનું શરૂ કર્યું. દિવસો સુધી સાધના ચાલી અને એક દિવસ મધ્યરાત્રે સ્વયં મા પ્રગટ થયાં. માને જોઈ યુવાન હસવા લાગ્યો. માએ કહ્યું કે ‘કેમ હસે છે ?’
 
ત્યારે યુવાને કહ્યું કે ‘માતા મારે તો એક જ નાક છે અને મને શરદી થાય તો હેરાન થઇ જાઉં છું. પણ તમારે તો એક હજાર નાક છે. ત્યારે તમારું શું થતું હશે એ વિચારીને મને હસવું આવ્યું. મારા આ અપરાધ બદલ આપ મને જે સજા આપવી હોય તે આપી શકો.’
 
‘તારી આ સહજ અભિવ્યક્તિ ભૂલથી થયેલો અપરાધ છે. વળી તે તારો અપરાધ સ્વીકાર્યો એ ગમ્યું’ એમ કહી માતાએ એને કુંભમાં હાથ નાખવા કહ્યું. યુવાને કુંભમાં હાથ નાખ્યો તો એક કુંભમાં સંપત્તિ હતી અને બીજા કુંભમાં બુદ્ધિ હતી.
 
એ યુવાન એટલે પંદરમી સદીમાં થયેલો તેનાલી રામન. એ પછી વિજયનગરના મહારાજા કૃષ્ણદેવના અંગત સલાહકાર પણ બન્યા. કુશાગ્રબુદ્ધિ અને સેન્સ ઓફ હ્યુમર તરીકે એમની નામના થઇ હતી.
 
અપરાધનો સ્વીકાર માણસને ક્યાંનો ક્યાં પહોંચાડી દે છે. કમજોરી કોનામાં નથી હોતી બાપ..ઘણીવાર આપણને ખબર ન પડે એમ પણ આપણે અપરાધ કરીએ છીએ. જેમ પહેલા રાજાશાહી હતી અને રાજ્યમાં દુષ્કાળ પડે તો ખેડૂતોને કર માફી થતી હતી એમ અજાણતા થતો અપરાધ હોય અને એની માફી માંગવામાં આવે તો એ ક્ષમ્ય છે. કળીયુગમાં બહુ ઓછી ભક્તિથી પણ ભગવત્-પ્રાપ્તિ થાય છે. સતયુગમાં તો દાયકાઓની સાધના પછી ઈશ્વરપ્રાપ્તિ થતી હતી. તુલસીએ માનસમાં અનેક અપરાધની વાત કરી છે.
 
सुनु सुरेस रघुनाथ सुभाऊ | निज अपराध रिसाहि ण काऊ ||
जो अपराधु भगत कर करई | राम रोष पावक सो जरई ||
 
રમણ મહર્ષિએ એક સૂત્રથી આખા જગતને સંદેશ આપ્યો...who am I ? આપણે આપણી જાતને ઓળખી શકીએ એનાથી મોટી કોઈ વાત કોઈ નથી. ક્યારેક એક ક્ષણની ભૂત આખી સદીએ ચૂકવવી પડે છે. આવા સમયે તુલસીની ચોપાઈ આપણી મદદે આવે છે. રામકથા એ ધર્મશાળા નથી પણ પ્રયોગશાળા છે. હું કથામાં નવ દિવસ કોઈ ઉપદેશ નથી આપતો. મારા શ્રોતાઓ સાથે સંવાદ કરું છું. ઉપદેશ તો ઉપનિષદ આપી શકે અને આદેશ વેદ આપી શકે. કોઈને સૂચન જરૂર કરી શકાય. ઉપદેશનો અધિકાર જીવને નથી પણ શિવને છે. કોઈ પહોંચી ગયેલા સંત ઉપદેશ આપી શકે. તમારાથી અપરાધ થયા છે, પુનરાવર્તન ન થાય એ માટે હવે સતર્ક બનો. રામકથા તમને અભય બનાવશે. જે ધરમ અભય ન બનાવે એ ધર્મ શું કામનો ?
 
કોઈને રોટી ન આપી શકીએ પણ એવો ઉમદા વિચાર પણ વંદનને પાત્ર છે. ‘બાલકાંડ’માં જ્યારે રામ ધનુષભંગ કરે ત્યારે પરશુરામ ક્રોધિત થઇ અનુચિત બોલી જાય છે. પણ બુદ્ધિના કમાડ ખૂલે ત્યારે કહે છે કે ‘अनुचित बहुत कहेउ अज्ञाता’
અપરાધ પાપ નથી. પાપ માનસ સહજ સ્વભાવથી કરે છે અને અપરાધ ક્યારેક પરિસ્થિતિ પણ કરાવે છે. આવું થાય ત્યારે સદગુરુનું શરણું લેવું. ગુરુ સામુહિક જાગરણના મશાલચી છે. વૈશ્વિક જાગરણના મશાલચી છે. મીરાં, તુલસી, લલ્લાબાઈ, રાબિયા, મન્સૂર, ગાંધી, વિનોબા, રમણ, અરવિંદ, ઠાકુર ઈત્યાદિ ચેતનાના પ્રહરી છે. જ્યારે રાજગાદીની વાત કરી ત્યારે ભરતે કહ્યું કે ‘હું પદનો નહીં પણ પાદુકાનો પ્રતિનિધિ છું. હું સત્તાનો નહીં પણ સતનો પ્રતિનિધિ છું.’ ગાંધીજી કહેતા કે માણસમાં સાધનશુદ્ધિ હોવી જોઈએ. ક્યાંય જવાબ ન મળે તો ચાલ્યા જાવ પોતાના સદગુરુને દ્વાર. એટલે જ ભરત મુંજાયા એટલે રામને મળવા ચિત્રકૂટ દોડે છે.
 
કોઈના વિશે ખરાબ વિચાર પણ અપરાધ છે. ‘કીડી મર્યા’ના અપરાધની સંવેદના હોય એવા લોકોનો આ મહાન દેશ છે. એનો હું દેશવાસી છું, એનો મને ગર્વ છે.
 
-  આલેખન - હરદ્વાર ગોસ્વામી