તંત્રીસ્થાનેથી... કોરોનાને લોક-અપ, અર્થતંત્રને મોકળાશ

    ૧૬-મે-૨૦૨૦   
કુલ દૃશ્યો |

corona and india_1 &
 
આત્મનિર્ભર, લોકલ, ગ્લોબલ, સ્વદેશી, મેક ઇન ઇન્ડિયા વગેરેના ગુઢાર્થ તથા જ્યાં વિશ્વ એક ગામડુ જ છે ત્યાં ભારતીયો માટે આ સહુનો વ્યવહારમાં વિનિમય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ - નિવેશકોના સંદર્ભે ભારતના જોડાણ પર તેની અસરો વગેરે અંગે ઇલેક્ટ્રોનિક ચેનલ્સના નિર્દોષ એન્કર્સ, અનેક વિશેષજ્ઞોને સવાલો પૂછે અને પૂર્ણ આત્મવિશ્વાસ સાથે તેમના આવતા જવાબોના અર્થઘટન પછી, પૂરક સવાલોની વણઝાર સંભળાય તે મહ્‌દઅંશે આત્મવિસ્મૃતિનું જ સ્વરૂપ.
 
સોનેકી ચીડિયા, થોડાક સૈકાઓ પહેલાંના ભારતને, વિકાસની વૈશ્વિક યાત્રાની હરણફાળમાં, જ્યાં ૬૦૦૦થી વધુ વસ્તુઓની આયાત-નિકાસ કરવામાં વાર્ષિક રૂ. ૧૧ લાખ કરોડથી વધારેના હુંડિયામણની અછત રહેતી હોય ત્યાં તેને સ્વરૂપ જ્ઞાનનો આત્મબોધ કરાવવો જેથી તે આત્મનિર્ભર, પોતાની જરૂરિયાતો માટે આત્મવિશ્વાસુ બની, સ્વનિર્ભર થવાનો પ્રયત્ન કરે, તે જ પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતનું મહાત્મ્ય.
 
દુનિયાની વૈજ્ઞાનિક લેબોરેટરીમાં કોરોના-૧૯ના વેક્સિન પર થતી શોધ પર મદાર રાખી બેસી ન રહેવું અને ભારતીય વૈજ્ઞાનિક લેબોરેટરીમાં તેની ત્વરિત શોધ કરવી તે આત્મનિર્ભરતા, રેન્ડેવીર નામની દવા જેની સફળતા દેખાઈ રહી છે તેને ભારતમાં લાઈસન્સ ખરીદીને પણ જરૂરી લાગે તો બનાવવી તે સ્વનિર્ભરતા, લોકલ પ્રોડક્ટ, પીપીઈ કિટ્‌સ, એન-૯૫ માસ્ક તથા વેન્ટીલેટર્સનું તાત્કાલીક ઉત્પાદન શરૂ કરવું તે લોકલ ઇમરજન્સી રિસ્પોન્સ, ટેસ્ટિંગ કિટ્‌સ બનાવવા માટેય શક્યતા અનુસાર આગળ વધવું તે સ્વદેશી, લાખો વિદ્યાર્થીઓ, ટ્રેડ - ઇન્ડસ્ટ્રીના લોકો, સરકાર અને સંસ્થાઓ ટેક્‌નોલોજીના દુરસંચારના માધ્યમથી ઓનલાઈન એજ્યુકેશન, ડિઝાઇનિંગ, પ્રિન્ટિંગ, સેવાઓ કે વીડિયો કોન્ફરસિંગ કરે તે ભારતની આપાતકાલીન પરિસ્થિતિની અનુકૂલન ક્ષમતા, કરોડો રૂપિયાના તેલ (ફ્યુઅલ)ની આયાત ઓછી કરી હુંડિયામણ બચાવવા તથા શુદ્ધ એનર્જીના વિકલ્પે દુનિયામાં સૌથી વધુ સૌરઉર્જા પેદા કરતા ભારતના પ્લાન્ટ્‌સ તે સાચા અર્થમાં આયાત અવેજી, તેમાંય તેના cells, controllers તથા અન્ય એસેસરીઝ ભારતમાં બને તે સ્વદેશી, એક હજાર કંપનીઓ મોબાઈલ ફોન ભારતમાં બનાવી / એસેમ્બલ કરી પરદેશમાં નિકાસ કરે તે મેક ઇન ઇન્ડિયાની સફળતા, મારૂતિ કારનો પ્લાન્ટ માત્ર વિકાસાર્થે ગુજરાતમાં કાર્યરત થાય અને હજારેક જેટલા ગાડીઓના કોમ્પોનન્ટ્‌સના ઉત્પાદકો વિદેશમાં માલ સપ્લાય કરે તે ય મેક ઇન ઇન્ડિયા. ઇલેક્ટ્રિક કાર માટે લીથિયમ - આયર્ન બેટરીઝનું સંશોધનાત્મક કાર્ય તથા તેને બનાવી ભારતમાં લોકલ વપરાશ તથા અન્ય દેશોમાં આપતા ત્રણ વર્ષમાં એક્સપોર્ટ તે ગ્લોબલ.
 
છેલ્લા ૭ વર્ષમાં ભારતે રક્ષાક્ષેત્રે આત્મનિર્ભર થવામાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. તેજસ લડાકુ વિમાન, હોક (બ્રિટિશ) વિમાનનું આધુનિકરણ, હોવિત્ઝર (અમેરિકન) તોપ તથા અદ્યતન મિસાઇલ્સના ઉત્પાદનમાં મહત્તમ પૂર્જા / સેવા ભારતીય થઈ છે. હેલિકોપ્ટર્સ, પાટ્‌ર્સ, રડાર, વો‹નગ સિસ્ટમ્સ, રીસિવર્સ, નાના હથિયાર, ગ્રેનેડ તથા સંચાર ઉપકરણો આપણે રૂ. ૧૭,૦૦૦ કરોડના ૨૮ દેશોમાં નિકાસ કરીએ છીએ. કાચા તેલની આયાત સામે, રિફાઇન્ડ ઓઇલ ૧૬૦ દેશોમાં મોકલાય છે.
 
ભારતનું અર્થતંત્ર Isolated નહીં, મહદ્‌અંશે Insulatedતથા ૧૯૨ દેશો સાથે વ્યવહાર કરતું, પાંચ વર્ષમાં બમણુ થવાની ક્ષમતા રાખતું, જીવંત-ધબકતું અર્થતંત્ર છે. કોરોનાની વૈશ્વિક મહામારીએ જેમ ધનાઢ્ય, ધનિક, ગરીબ બધા દેશોને નુકસાન પહોંચાડ્યું છે તેમ ભારતને પણ બાકાત રાખ્યું નથી. અનેક ક્ષેત્રોને નુકસાન, વ્યક્તિગત આવકનું ધોવાણ, રોજ કમાઈને ખાવાવાળા શ્રમિક વર્ગની અસહ્ય હાલત, ખેતરના પાકની પાયમાલી સૌએ અનુભવ્યું છે. લોકડાઉનના કારણે જાનહાનીમાંથી ઉગરવા સાથે અર્થતંત્રને ત્વરિત ઝડપે કાર્યાન્વિત કરવા માટે વાતાવરણ, નાણાં, હિંમત અને પ્રશાસનિક નિયમો બધુ સરખી દિશામાં ચાલે તે શાસન-સમાજ સહુની સહિયારી જવાબદારી.
 
સરકારે અકલ્પનિય, અવિશ્વસનીય છતાં, રીયલ, એવા કુલ રૂ. ૨૦ લાખ કરોડની આર્થિક સહાયની ઘોષણા કરી. જેની પ્રથમ ઘોષણામાં MSME, રીઅલ એસ્ટેટ, Discons તથા NBFC કંપનીઓ માટે અંદાજીત રૂ. ૬ લાખ કરોડ ફાળવ્યા. પ્રજાના હાથમાં સૌથી વધુ પૈસા આવે, માંગ ખુલે અને ઉત્પાદનનો ઉત્સાહ વધે તે જ નેમ. આ ઘોષણાઓ કાર્યાન્વિત કરવા નાણામંત્રી તથા લાગતાવળગતા વિભાગોએ માળખાકીય સુધારાને પણ ઝડપથી પાટા પર લાવવા પડશે. MSME - જેના પર અંદાજીત ૪૫ કરોડ લોકો નભે છે. તેમને નોકરીઓ ગુમાવવાને બદલે નવી નોકરીઓ આપવાની તક ઉભી થાય તેના નાણાંકીય લોનના આયોજનો સરકારે આવતા ૪ વર્ષ માટે કર્યા છે. કૃષિ, રીઅલ એસ્ટેટ અને પરપ્રાંતીય શ્રમિકો માટેની નવી ઘોષણાઓ ય કૃષિને જરૂરી માલસામાન, તૈયાર એફોર્ડેબલ હાઉસિંગના ફ્લેટના વેચાણ તથા પરપ્રાંતીય શ્રમિકોને રાશન મેળવવા તથા આવતા મહિનાઓમાં અન્ન મેળવવામાં મદદરૂપ થશે. નાના, મધ્યમ તથા મોટા ઉદ્યોગોને જે ઇલેકટ્રિકલ મશીનરી, કોમ્પ્યુટર્સ, ઓર્ગેનિક કેમિકલ્સ, પ્લાસ્ટિક, મુખ્યત્વે લોખંડ, સ્ટીલ, ખાદ્ય તેલ, ઓપ્ટિકલ - મેડિકલ સાધનો વગેરેની ભારત આયાત કરે છે તેવી જ ગુણવત્તાવાળા પ્રોડક્ટ્‌સ ભારતમાં બનાવી, વિદેશી હુંડિયામણ બચાવવા માટેની આ તક તથા પડકારેય છે. તો સરકારના ભાગે લેન્ડ, લેબર અને લાpમાં સુધારા લાવવાની તાતી જરૂરિયાત. કેટલીક રાજ્ય સરકારોએ નવા કાયદાઓ / વ્યવસ્થાની શરૂઆત ય કરી છે. સહિયારો પુરુષાર્થ ઉત્તમ પરિણામ લાવી શકે છે. કોરોનાને આત્યંતિક સંક્રમણવાળા વિસ્તારોમાં લોકઅપ કરી અર્થતંત્રને મોકળુ મેદાન મળવાથી પૂર્વવત થશે.