પાથેય । સંતની શીખ

    ૧૬-મે-૨૦૨૦
કુલ દૃશ્યો |

success_1  H x
 
એક ખૂબ જ સુંદર કથા છે. એક વ્યક્તિને જીવનમાં સતત નિષ્ફળતાઓ મળી રહી હતી. પરિણામે તે ખૂબ જ દુઃખી રહેતો, તે માનસિક રીતે અશાંત થઈ ગયો હતો. એક દિવસ તેના નગરમાં એક મોટા સંત આવ્યા. તેમની પાસે નગરના તમામ લોકો પોતપોતાની સમસ્યાઓ લઈ પહોંચતા. પેલો દુઃખી વ્યક્તિ પણ સંત પાસે પહોંચ્યો અને કહ્યું, સ્વામીજી, હું મહેનત કરી કંટાળ્યો છું. અનેક પ્રયત્નો છતાં સફળતા મળતી જ નથી. હવે હું ખૂબ જ ટૂંકા રસ્તે આગળ વધવા માગું છું. ખુશ રહેવા માગું છું. મને એ માટે તો રસ્તો બતાવો.
 
પેલાની વાત સાંભળી સંતે કહ્યું, “ઠીક છે. હું તને તારા લક્ષ્ય સુધી પહોંચવાનો શોર્ટકટ બતાવીશ, પરંતુ એ માટે તારે આ બગીચામાંથી સૌથી સુંદર ફૂલ મારા માટે તોડી લાવવું પડશે અને હા, આ માટે એક શરત છે. તારે એક વાર આગળ નીકળ્યા બાદ પાછું વળી કોઈ ફૂલ તોડવાનું નથી.” પેલો વ્યક્તિ હરખભેર તૈયાર થઈ બગીચામાં પહોંચ્યો. તો તેને પહેલું જ ફૂલ ખૂબ જ સુંદર લાગ્યું, પરંતુ તેણે વિચાર્યું કે હજી તો પહેલું જ ફૂલ છે. આનાથી પણ ચડિયાતું સુંદર ફૂલ મને આગળ મળી જશે. તે આગળ વધતો ગયો. તેને એક એકથી ચડિયાતા ફૂલો દેખાતાં રહ્યાં. છતાં પણ વધુ સુંદર ફૂલની લાલચમાં આગળ ને આગળ વધતો રહ્યો અને છેવટે જ્યારે તે બગીચાના અંતમાં પહોંચ્યો તો ત્યાં માત્ર મૂરઝાયેલાં ફૂલો જ હતાં.
 
આ જાઈ પેલો વ્યક્તિ ખૂબ જ દુઃખી થઈ ગયો. પરંતુ શરત મુજબ તે પાછો વળી શકતો નહોતો. તે ખાલી હાથે જ સંત પાસે પરત ફર્યો. સંતે તેના ખાલી હાથે પાછા આવવાનું કારણ પૂછ્યું. તેણે તમામ વાત જણાવી. સંતે તેને કહ્યું, “હું તને આ જ વાત શીખવવા માગું છું. આપણા જીવનમાં પણ આવું જ થાય છે. માટે જ્યારે પણ કોઈ થોડી ઘણી સારી તક મળે તો તરત જ તેને ઝડપી લેવી જાઈએ. નહીં કે વધુ સારી તકની લાલચમાં તેને વેડફી દેવી જાઈએ. કોઈપણ કામની સફળતા માટે મહેનત તો કરવી જ પડે છે. ઓછામાં સમયમાં સફળતા મેળવવાની લાલચ હંમેશા દુઃખ અને અશાંતિનું કારણ જ બને છે.”