જેમના નામના ઉલ્લેખ વગર 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનો ઇતિહાસ અધૂરો ગણાય એ પરાક્રમી રાણીની આજે પુણ્યતિથિ છે

    ૧૮-જૂન-૨૦૨૦
કુલ દૃશ્યો |

zasi ni rani_1  
 

રાણી લક્ષ્મીબાઈ - ઝાંસીનો જુસ્સો - ઝનૂન અને જોમ

જેમના નામના ઉલ્લેખ વગર 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનો ઇતિહાસ અધૂરો ગણાય એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ફક્ત 23 વર્ષની ઉંમરે શહાદત વહોરનારાં એક બ્રાહ્મણ પુત્રી હતાં. આવનારી પેઢી કદાચ એ માનવા પણ તૈયાર નહીં થાય કે એક બ્રાહ્મણની દીકરી આટલી ટૂંકી વયમાં આવું પરાક્રમ કરી જાય !
 
લક્ષ્મીબાઈનું મૂળ નામ "મર્ણિકર્ણિકા” હતું. લાડમાં બધા એમને મનુ કહેતા. 19 નવેમ્બર, 1835ના રોજ તેમનો જન્મ કાશીમાં રહેતા એક મરાઠી પરિવારમાં થયેલો. તેમના પિતા મોરોપંત મહારાષ્ટ્રના સતારા જિલ્લાના વાઈ ગામના વતની હતા. માતા ભાગીરથીબાઈ સુશીલ અને ધર્મપ્રેમી હતાં, પરંતુ મનુના નસીબમાં માતૃસુખ વધારે સમય લખાયું નહોતું. ચાર વર્ષની ઉંમરે તેમણે માતાનું છત્ર ગુમાવ્યું.
 
મોરોપંત તાંબહેને બાજીરાવ પેશવાના ભાઈ ચિમાજી અપ્પા સાથે ઘનિષ્ઠ સંબંધો હતા. ચિમાજીનું અવસાન થતાં બાજીરાવે મોરોપંતને પોતાની પાસે બિઠુર બોલાવી લીધા. પુત્રી મનુ સાથે મોરોપંત બિઠુરમાં સ્થાયી થયા. નાનકડી મનુનો ઉછેર બાજીરાવ પેશવાના પુત્ર નાનાસાહેબ સાથે થવા માંડ્યો. મનુ નાનપણથી જ નીડર અને સાહસિક હતી. નાનાસાહેબ સાથે ઘોડેસવારી, તલવારબાજી કરતી અને બંદૂક પણ ચલાવતી. એક જ્યોતિષીએ તો ભવિષ્યવાણી પણ ભાખી કે આ છોકરી મોટી થઈને મહારાણી બનશે.
 
તેર વર્ષની ઉંમરે મનુનાં લગ્ન ઝાંસીના રાજા ગંગાધરરાવ સાથે થયાં. જ્યોતિષી ભવિષ્યવાણી જાણે સાચી પડી ! ગંગાધરરાવ નિ:સંતાન હોવાથી તેમણે મનુ સાથે આ બીજાં લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી મનુ લક્ષ્મીબાઈ તરીકે ઓળખાઈ.
લગ્ન પછી પણ લક્ષ્મીબાઈએ ઘોડેસવારી, નિશાનબાજી, તલવારબાજી, કુસ્તી વગેરે ચાલુ રાખ્યાં. રાજ્ય કારભારમાં પણ રસ લેવા માંડ્યો. પતિ ગંગાધરરાવ સ્વભાવે દયાળુ અને લોકકલ્યાણની ભાવનાવાળા હતા. તેમનું દામ્પત્યજીવન ખૂબ સુખમય રહ્યું. આ સુખના દિવસોમાં જ તેમને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો. ઘણાં વર્ષે રાજાને ત્યાં પારણું બંધાયું હોવાથી ઝાંસીની પ્રજાનો હરખ સમાતો નહોતો. રાજાના હરખની તો વાત જ શી કરવી ? પરંતુ રાજાના ભાગ્યમાં પુત્રસુખ લખાયું નહોતું. ત્રણ માસમાં જ પુત્ર મૃત્યુ પામ્યો. આ આઘાત રાજા માટે અસહ્ય બની રહ્યો. પુત્રવિરહમાં તે અસ્વસ્થ રહેવા લાગ્યા. અનેક સારવાર છતાં તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નહીં. મરતાં પહેલાં તેમણે પુત્રને દત્તક લેવાનો નિર્ણય કર્યો, જેથી તેમનું રાજ્ય જળવાઈ રહે. રાણીની સંમતિથી તેમણે મિત્ર વાસુદેવ નેવાલકરના પુત્ર દામોદરરાવને દત્તક લીધો. ત્યાર પછી ટૂંક સમયમાં જ ગંગાધરરાવનું અવસાન થયું.
 

zasi ni rani_1   
 
માત્ર 18 વર્ષની ઉંમરે લક્ષ્મીબાઈ વિધવા થયાં. પતિના મૃત્યુનો કારમો આઘાત લાગ્યો હતો. તેનો શોક ખંખેરીને એ રાજકાજમાં રુચિ લેવા લાગ્યાં. એ એમનું કર્તવ્ય હતું. અંગ્રેજ ગવર્નર ડેલહાઉસી ઝાંસી પર ટાંપ માંડીને બેઠો હતો. એવું જ બન્યું. ગંગાધરરાવના મૃત્યુના ચાર મહિનાની અંદર જ ડેલહાઉસીએ ઝાંસીને કંપની સરકારમાં ભેળવી દેવાનો આદેશ આપ્યો. ઝાંસીના રાજકીય ખજાનાને તેણે સીલ લગાવી દીધું. રાણીના દત્તક પુત્ર દામોદરરાવને ગેરકાયદે જાહેર કર્યો. ગંગાધરરાવે પોતાના વસિયતનામામાં સ્પષ્ટ લખ્યું હતું કે જ્યાં સુધી દત્તકપુત્ર વયસ્ક ન બને ત્યાં સુધી લક્ષ્મીબાઈ ઉત્તરાધિકારી તરીકે કામ કરશે, પરંતુ ડેલહાઉસીએ તેને માન્ય ન રાખ્યું. રાણીને વાર્ષિક પાંચસો રૂપિયા પેન્શન બાંધી આપ્યું. રાણીને પુત્ર સાથે ભાડાના મકાનમાં રહેવાના દિવસો આવ્યા, પરંતુ રાણી શાંત બેસી ન રહ્યાં. તેમણે પોતાના અધિકાર માટે લડી લેવાનો નિર્ણય કરી લીધો.
 
નાનાસાહેબ પેશવાનો પ્રશ્ર્ન પણ રાણીના પુત્ર દામોદરરાવ જેવો જ હતો. તે પણ બાજીરાવ પેશવાના દત્તક પુત્ર હોવાથી કંપની સરકારે તેમને પણ ગેરકાયદે જાહેર કર્યા હતા. રાણી લક્ષ્મીબાઈ અને નાનાસાહેબ તો બાળપણનાં સાથીદાર હતાં ને હવે પાછાં સમદુ:ખિયાં ! તેમની વચ્ચે એકતા સ્થપાઈ. બીજા એવા કેટલાક રાજાઓએ સાથે મળીને કંપની સરકાર સામે મોરચો માંડવાનું આયોજન કરવા માંડ્યું.
 
રાણીની હિલચાલની કંપની સરકારને ગંધ આવી જતાં તેણે રાણીનું પેન્શન બંધ કરી દીધું. તેમની સેનામાંથી સૈનિકોને દૂર કરવામાં આવ્યા. આવી રીતે રાણીને સાવ અસહાય બનાવી દેવામાં આવ્યાં, પરંતુ રાણી હિંમત ન હાર્યાં. ઘરેણાં વેચીને સૈનિકોને એકઠા કરવા માંડ્યા. અંગ્રેજ સરકારને લડત આપવા તે મક્કમ હતાં.
 
લોકોમાં પણ કંપની સરકાર વિરુદ્ધ આક્રોશ વધતો જતો હતો. સાધુ, સંત, ફકીર, મૌલવી વગેરે પણ તેમાં જોડાયા. રોટી અને કમળના સંકેત દ્વારા સર્વત્ર કંપની સરકાર સામે લડવા તૈયાર રહેવાનો સંદેશ આપવામાં આવ્યો.
 
10 મે, 1857ના રોજ સ્વાતંત્ર્યસંગ્રામનો સૌપ્રથમ વિસ્ફોટ બરાકપુરની છવાણીમાં થયો. ત્યાંના સૈનિક મંગલ પાંડેએ એક અંગ્રેજ અધિકારીને બંદૂકની ગોળીએ ઠાર કર્યો. આ ચિનગારીએ અંગ્રેજ સરકાર સામે દાવાનળનું સ્વરૂપ ધારણ કર્યું. મેરઠ, કાનપુર, દિલ્હી વગેરે સ્થળોએ તેની જ્વાળા ફેલાઈ ગઈ.
 
રાણી લક્ષ્મીબાઈ હવે થોડાં જંપીને બેસી રહે ? તેમના સૈનિકોએ અંગ્રેજોની યુદ્ધસામગ્રી અને ખજાના પર કબજો જમાવી દીધો. કંપની સરકારનો પ્રતિરોધ તેની સામે નિષ્ફળ રહ્યો. ઝાંસીના કિલ્લા પર સ્વરાજનો ઝંડો લહેરાયો. રાણીએ સત્તાનાં સૂત્રો સંભાળી લીધાં.
 
રાણી દીર્ઘદ્રષ્ટા હતાં એટલે નચિંત બનીને બેસી ન રહ્યાં. તે એ વાત સારી રીતે જાણતાં કે કંપની સરકાર હારીને શાંત બેસી નહીં રહે, પરંતુ એ બમણી તાકાતથી હુમલો કરશે. અગમચેતીનાં પગલાંરૂપે રાણીએ યુદ્ધની તૈયારી કરવા માંડી. તોપને કાર્યરત કરી દીધી. દારૂગોળો બનાવવાનાં કારખાનાં ચાલુ કરી દીધાં. 8 જૂન, 1857થી 4 એપ્રિલ, 1858 સુધી રાણીએ ઝાંસીનો કારભાર સંભાળ્યો.
 
23 માર્ચ, 1858ના રોજ કંપની સરકારના કર્નલ હ્યુરોજે મોટી સેના સાથે ઝાંસી પર આક્રમણ કર્યું. રાણી પણ યુદ્ધ માટે સજ્જ હતાં. રાણી પાસે રણકૌશળ હતું, પરંતુ પાડોશના કોઈ રાજાઓએ સહકાર ન આપ્યો. 12 દિવસ સુધી ભયાનક યુદ્ધ ચાલ્યું. અંગ્રેજોનું જોર ઓસરવા લાગ્યું હતું, પરંતુ વિશ્ર્વાસઘાતી દુલ્હાજુએ પશ્ર્ચિમ તરફનો દરવાજો ખોલી દેશદ્રોહ કર્યો. અંગ્રેજ સેના કિલ્લામાં ઘૂસી ગઈ. જોતજોતાંમાં તેણે કિલ્લા પર કબજો જમાવી દીધો. બાજી હાથમાંથી જતી જોઈ રાણી હતાશ થઈ ગયાં. તેમણે આત્મબલિદાનનો નિર્ણય કરી લીધો, પરંતુ સાથીઓએ તેમને એમ ન કરવા સમજાવ્યા. સ્વાધીનતાનો સંગ્રામ આગળ ધપાવવાનો હોવાથી રાણીનું જીવતાં રહેવું જરૂરી હતું. હિતચિંતકોએ સલાહ આપી કે રાણી કિલ્લો છોડી કાલ્પી પહોંચી જાય, જ્યાં પેશવાની સેના સાથે ભળી અંગ્રેજ સરકારને લડત આપે. ખૂબ મનામણાંને અંતે રાણી કિલ્લો છોડવા તૈયાર થયાં. મધરાતે ઉત્તર તરફના દરવાજેથી ઝાંસીને છેલ્લા પ્રણામ કરીને વિશ્ર્વાસુ સેવકો મોરોપંત અને દામોદર સાથે ઝાંસી છોડ્યું. રાણી જેવી હૂબહૂ દેખાતી ઝલકારીબાઈએ રાણીનાં કપડાં પહેરી અંગ્રેજ સેનાને અંધારામાં રાખી. અંગ્રેજો સામે યુદ્ધ કરતાં તે શહીદ થઈ ગઈ.
 
આ બાજુ રાણી હેમખેમ કિલ્લો છોડી કાલ્પીના રસ્તે આગળ નીકળી ગયાં. 102 માઈલનું અંતર કાપીને તે કાલ્પી પહોંચ્યાં. કાલ્પીમાં રાવસાહેબ અને તાત્યા ટોપેને મળીને આગળની નીતિ ઘડી કાઢી. અંગ્રેજ સેનાએ રાણીનો પીછો કર્યો. કાલ્પીનો કિલ્લો ઘેરી લીધો. રાણી બંને હાથમાં તલવાર લઈને યુદ્ધમાં કૂદી પડ્યાં. દુર્ભાગ્યે આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. રાણી, રાવસાહેબ અને તાત્યા ટોપેએ કાલ્પી છોડી ગોપાલપુરમાં આશ્રય લીધો. નક્કી કરવામાં આવ્યું કે ગ્વાલિયર પર કબજો મેળવીને સ્વતંત્રતાની લડતને ત્યાંથી આગળ વધારવી. ગ્વાલિયરનો રાજા જીયાજીરાવ અંગ્રેજોનો મિત્ર હતો એટલે તેમને ગ્વાલિયરના રાજા પ્રત્યે રોષ હતો. રાણી અને રાવસાહેબની સેનાએ સરળતાથી ગ્વાલિયર જીતી લીધું. ગ્વાલિયરના રાજાએ આગ્રાના કિલ્લામાં આશ્રય લીધો, પરંતુ ગ્વાલિયરની જીતના નશામાં આ ક્રાંતિકારી સેનાએ સમય વેડફી નાખ્યો. તેઓ ભવિષ્યમાં થનારા કંપની સરકારના હુમલા પ્રત્યે સજાગ ન રહ્યા. આ બાજુ અંગ્રેજ સરકારે પૂરેપૂરી તૈયારી કરી દીધી હતી. તેનો સેનાપતિ સ્મિથ મોટી સેના સાથે ગ્વાલિયર પર ચડી આવ્યો. વળતી લડત આપવા સિવાય રાણી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. કંપનીની સેનાને જોરદાર લડત આપી. સ્મિથે પાછા હટવું પડ્યું, પરંતુ તેની મદદમાં હ્યરોજ દારૂગોળા અને મોટી સેના સાથે ચડી આવ્યો.. સ્મિથમાં હિંમત આવી ગઈ.
 
બીજે દિવસે સૂર્યોદય થતાં પહેલાં જ અંગ્રેજોએ યુદ્ધ આરંભી દીધું. રાણી પણ જાણતાં હતાં કે પોતાનો અંત નિશ્ર્ચિત છે, છતાં તેમણે હિંમત ન ગુમાવી. છેલ્લાં શ્ર્વાસ સુધી તે અંગ્રેજો સામે લડી લેવા માગતાં હતાં. પુરુષવેશમાં હાથમાં ઉઘાડી તલવાર સાથે અંગ્રેજ સેના પર કૂદી પડ્યાં. તેમની સાથે રઘુનાથસિંહ, રામચંદ્ર દેશમુખ અને ગુલામ મોહમ્મદ જેવા વિશ્ર્વાસુ સેવકો હતા.
 
રાણીએ રણચંડી બનીને અંગ્રેજ સેનાનો સંહાર કરવા માંડ્યો. અંગ્રેજોએ વ્યૂહરચના બદલી રાણીને ચારે તરફથી ઘેરી લીધાં. રાણીને અંદાજ આવી ગયો કે હવે આ ઘેરામાંથી છટકવું મુશ્કેલ છે. એમણે હવે ઘોડાની લગામને બે દાંત દબાવી બંને હાથે તલવાર ચલાવવા માંડી. અંગ્રેજ સેનાનો ઘેરો તૂટ્યો. રાણી આ તકનો લાભ લઈ ભાગી નીકળ્યાં.
 
પરંતુ રાણી થોડાં આગળ ચાલ્યાં ત્યાં એમને એક કારમી ચીસ સંભળાઈ. રાણીએ પાછાં વળીને જોયું તો એ ચીસ એમની મહિલા સાથીદાર મુંદરની હતી. તે અંગ્રેજોની ગોળીથી ઘવાઈ હતી. રાણીએ પાછાં વળીને મુંદરને મારનાર અંગ્રેજને તલવારના એક જ ઝાટકે વાઢી નાખ્યો. બીજી જ ક્ષણે ત્યાંથી નાસી છૂટ્યાં, પરંતુ આડાં વિઘ્નો ઓછાં નહોતાં. થોડાં આગળ વધ્યાં ત્યાં એક નાળું આવ્યું. ઘોડો નવો હતો તે નાળું કૂદી ન શક્યો. એટલામાં અંગ્રેજ સેના રાણી સુધી પહોંચી ગઈ. એક સૈનિકે પાછળથી રાણી પર તલવારનો ઘા કર્યો. રાણીના માથાનો જમણો ભાગ ઘવાયો. તેમણે ત્વરાથી પાછા ફરીને પોતાના પર હુમલો કરનાર અંગ્રેજ સૈનિકને તલવારના એક જ ઝાટકે મોતને ઘાટ ઉતારી દીધો. ત્યાં તો એમના પર બીજો ઘા થયો. આ ઘા આંખ પર વાગ્યો. તેમની આંખ બહાર નીકળી ગઈ. ત્યાં એમના પર ત્રીજો ઘા થયો. એમાં એમનો ઘોડો ઘાયલ થયો. રાણી ઘોડા પરથી નીચે પટકાયાં. હવે તે પૂરી રીતે ઘાયલ થઈ ગયાં હતાં. થોડી વારમાં જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું. સમયસૂચકતા વાપરીને રાણીનો સેવક રાણીના મૃતદેહને ઊંચકીને બાબા ગંગાદાસની ઝૂંપડીમાં લઈ આવ્યો. અંગ્રેજો રાણીના શબને સ્પર્શી ન શક્યા. રામચંદ્રે અંગ્રેજો આવે તે પહેલા જ રાણી અને એમની સહેલી મુંદરના મૃતદેહને અગ્નિદાહ આપી દીધો. રાણીને જીવતાં કે મરેલાં પકડવાની અંગ્રેજોની મનની મનમાં જ રહી ગઈ.
 
આ દિવસ હતો 18 જૂન, 1858નો. અંગ્રેજ સેનાને અંતિમ શ્ર્વાસ સુધી હંફાવનાર એક ચિનગારી તે દિવસે હોલવાઈ ગઈ. ભલે તેઓ જીત મેળવવામાં સફળ ન રહ્યાં, પરંતુ તેમનું બલિદાન એળે ન ગયું. તેમાંથી પ્રેરણા લઈને પછીથી અનેક યોદ્ધાઓ તૈયાર થયા, જેમણે સ્વતંત્રતાની જ્યોત જલતી રાખી ભારતમાતાને વિદેશી શાસનમાંથી મુક્તિ અપાવી.