કવરસ્ટોરી । ભારત-ચીન સરહદ વિવાદ - ભારતનાં સાર્વભૌમત્વ અને કૂટનીતિની અગ્નિપરીક્ષા

    ૩૦-જૂન-૨૦૨૦   
કુલ દૃશ્યો |

india china_1  
 
 
૧૫ જૂનના રોજ ભારત-ચીનના સૈન્ય વચ્ચે હિંસક અથડામણ થઈ, જેમાં બન્ને દેશોને ભારે ખુવારી વેઠવી પડી. સવાલ એ થાય છે કે સરહદ પર શાંતિની વાતો કરતું ચીન આમ અચાનક આક્રમક કેમ બન્યું ? તેનો જવાબ મેળવવા અનેક પાસાંઓની છણાવટ જરૂરી છે. પ્રસ્તુત છે ચીન અને ભારત સાથેના તેના સંઘર્ષના ઇતિહાસની છણાવટ કરતી વિશેષ પ્રસ્તુતિ...
 
ભારત અને ચીન (India and China) એશિયાના બે મોટા અને જવાબદાર દેશ છે. બંને દેશો વચ્ચે સરહદ (Border Dispute)ને લઈને વિવાદ છે પરંતુ આ વિવાદ ક્યારેય એટલો ચરમસીમાએ નથી પહોંચ્યો કે ગોળીઓ છૂટે. 15મી જૂનની રાતે પણ એવું નથી બન્યું. આમ છતાં ભારતીય સેના (Indian Army)ના ૨૦ જવાનોએ શહાદત વ્હોરી અને ચીનને પણ મોટા પાયે નુકસાન થયું. સૂત્રોના જણાવ્યા મુજબ ચીન (China)ના પણ ૪૩ જેટલા સૈનિકો માર્યા ગયા, કેટલાક ઘાયલ થયા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગલવાન ખીણમાં રાતના અંધારામાં થયેલી ઝપાઝપીમાં અનેક સૈનિકો નદી કે ખીણમાં પડતાં શહીદ થયા. ચીની સૈનિકો ખીલાવાળા ડંડા, કાંટાળા તારમાં લપેટેલા લોખંડના સળિયાથી લેસ હતા અને પૂરી તૈયારી સાથે આવ્યા હતા.
 
ભારત અને ચીન વચ્ચે સરહદને લઈને વિવાદ છે. ભારત અંગ્રેજોના જમાનાની મેકમોહન લાઇનને સરહદ રેખા ગણે છે, પરંતુ ચીન તેને સ્વીકારતું નથી. આ જ કારણ છે કે બંને દેશો વચ્ચે સરહદ રેખા અનેક જગ્યાએ અનિર્ણિત છે. બંને દેશોની સેનાઓ સરહદે પોતાની જમીન હોવાના દાવા કરે છે. જો કે આ વિવાદ સ્થાયી રહેતો નથી. આ જ રીતે પૂર્વ લદાખ વિસ્તારમાં ચીનની સેના આગળ વધીને કેમ્પ લગાવીને બેસી ગઈ હતી. ત્યારબાદ ભારત ચીન વચ્ચે અધિકારી સ્તરે વાતચીત શરૂ થઈ, જેમાં નક્કી કરવામાં આવ્યું કે બને દેશની સેનાઓ એપ્રિલમાં જ્યાં હતી તે પોઝિશન પર પાછી ફરે.
 

શું થયું હતું ૧૫મી જૂનની રાત્રે

 
ચીનનું રાજનીતિક અને વરિષ્ઠ સૈન્ય નેતૃત્વ વૈશ્ર્વિક પરિસ્થિતિઓ અને ભારત સાથેની પરસ્પર અંડરસ્ટેન્ડિંગના કારણે જૂની પોઝિશન પર પાછા ફરવા માટે તૈયાર હતું પરંતુ સરહદૈ તૈનાત ચીની સેનાને હજુ એવો ભ્રમ છે કે તેઓ ભારતીય સેના કરતાં શક્તિશાળી છે, જેનું કારણ છે કે ચીની સૈનિકોને ટ્રેનિંગના સમયે ૧૯૬૨ના યુદ્ધનો ઇતિહાસ ભણાવવામાં આવે છે, જેના કારણે તેઓ પોતાને વધુ સક્ષમ માનવાના ભ્રમમાં રચ્યાપચ્યા રહે છે.
 
૧૫ જૂનની રાતે પણ આ જ થયું. ચીનની સેનાને પોતાના વરિષ્ઠ અધિકારીઓના નિર્ણય જરાય પચ્યા નહીં, કારણ કે તેમને લાગતું હતું કે સરહદ પર તેમની સંખ્યા વધુ છે. આથી તેઓ શા માટે પોતાની પોસ્ટ પરથી પાછળ હટે ? પરંતુ તેમને એ વાતનો જરાય અંદાજ નહોતો કે ભારતીય સૈનિકોનું આત્મબળ તેમના સંખ્યાબળ પર ભારે પડવાનું છે.

શરૂઆત ચીન તરફથી થઈ હતી

 
૧૫મી જૂનની રાતે ભારતીય પક્ષ તરફથી કમાન્ડિંગ ઓફિસર સંતોષબાબુ પોતાના ૨૦ સૈનિકો સાથે ચીનના કમાન્ડિંગ ઓફિસર સાથે વાત કરવા પહોંચ્યા હતા. વરિષ્ઠ અધિકારીઓએ એપ્રિલની સ્થિતિ બહાલ કરવાનો નિર્ણય લીધો છે તો તેઓ પોતાની જૂની પોસ્ટ પર પાછા ક્યારે ફરી રહ્યા છે તેવું તેઓ તેમને સમજાવવા ગયા હતા. ચીનની જે સૈન્યટુકડી સાથે સંતોષબાબુ વાત કરવા ગયા હતા તેણે એક કાચી પહાડી પર પોતાનો કેમ્પ લગાવી રાખ્યો હતો, જેની બીજી બાજુ પાણીનું ઊંડાણ હતું. ત્યાં લગભગ ૩૦૦થી ૩૨૫ જેટલા ચીની સૈનિકો હાજર હતા.
 
સંતોષબાબુ અને ચીનના કમાન્ડિંગ ઓફિસર વચ્ચે હજુ વાત ચાલી જ રહી હતી ત્યાં તો ચીની સૈનિકો ઉગ્ર બની ગયા. તેમને લાગી રહ્યું હતું કે ભારતીય પેટ્રોલિંગ ટુકડીની સંખ્યા માત્ર ૨૦ જ છે અને તેઓ ૩૦૦ છે. આવામાં તેઓ તેમના પર હાવી થઈ શકે છે, પરંતુ આ ગેરસમજ તેમને ભારે પડી.
 

india china_1   

ભારતીય સૈનિકોને ઘેરીને હુમલો કરાયો

 
ચીનના ૩૦૦ સૈનિકોએ ભારતીય પેટ્રોલિંગ ટુકડીના ૨૦ સૈનિકોને ઘેરી લીધા અને તેમને ઉશ્કેરવાની સાથે સાથે પથ્થરો, લોખંડના સળિયાથી હુમલો કર્યો. ચીની સૈનિકોએ હાથમાં ખીલાવાળાં મોજાં પહેર્યાં હતાં. તેમનો ઇરાદો ભારતીય સૈનિકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરીને ભગાડવાનો હતો. આ અગાઉ ચીની સૈનિકો અનેકવાર ભારતીય સૈનિકોના હાથે માર ખાઈ ચૂક્યા હતા, આથી તેઓ આ વખતે પોતાનો બધો ગુસ્સો આ ૨૦ સૈનિકો પર ઉતારવા માંગતા હતા, પરંતુ આ ભૂલ તેમને ભારે પડી ગઈ.
 
૨૦ ભારતીય સૈનિકોની પેટ્રોલિંગ ટુકડીની પાછળ જ ભારતીય સેનાના ૩૫ બીજા સૈનિકો હાજર હતા. તેઓએ વાયરલેસ પર આ ઝપાઝપીનો અવાજ સાંભળ્યો અને તરત ત્યાં પહોંચી ગયા. ત્યારબાદ ૩૦૦ ચીની અને ૫૫ ભારતીય સૈનિકો વચ્ચે જબરદસ્ત મારપીટ અને ઝપાઝપી શરૂ થઈ.
 

india china_1   
 

ભારતીય સૈનિકો ચીનાઓ પર ભારે પડ્યા

 
બંને પક્ષમાંથી એક પણ પક્ષે ફાયરિંગ કર્યું જ નથી, કારણ કે બંને તરફના સૈનિકો જાણતા હતા કે ફાયરિંગના અવાજથી સમગ્ર સરહદ પર તૈનાત ભારત-ચીનની સેનાઓ એકબીજા પર હુમલો કરી દેશે. આથી બંને તરફના સૈનિકોએ પોતાના બાહુબળના આધારે જ મામલો પતાવવાનું નક્કી કર્યું. ઝીલની પાસે રહેલી કાચી પહાડી બંને દેશોના સૈનિકોની મારપીટ અને ઝપાઝપીથી ધણધણી ઊઠી. ચીની સૈનિકો વધુ સંખ્યામાં હતા પરંતુ ભારતીય સૈનિકો ઓછી સંખ્યામાં હોવા છતાં તેમનો જુસ્સો બુલંદી પર હતો. બંને ટુકડીઓ વચ્ચે થયેલી આ ઝપાઝપીમાં લાકડી-ડંડા, હોકી સ્ટિક, બેઝબોલ ક્લબ, ડ્રેગન પંચ, પાઈપ, ખીલા, બૂટની અણી, કાંટાળા તાર લપેટેલા લોખંડના સળિયા, ખીલાવાળા ડંડાનો મોટાપાયે ઉપયોગ થયો હતો.



બંને દેશોના સૈનિકો વચ્ચે ઝપાઝપી ચાલી રહી હતી પરંતુ આ જંગનું મેદાન બની બેઠેલી જગ્યા એટલે કે કાચી પહાડી આટલો બધો ભાર સહન કરી શકી નહીં. જ્યાં ચીની પોસ્ટ બની હતી તે ટેકરા જેવી જગ્યા ધસી પડી અને ત્યારબાદ ભારતીય અને ચીની સૈનિકો પાછળ આવેલી નદીના ઠંડા પાણીમાં કે ખાઈમાં પડ્યા. અત્રે જણાવવાનું કે લદ્દાખમાં હવામાન ખૂબ ઠંડું છે અને તાપમાન ઝીરોની આસપાસ છે. અચાનક જમીન ધસી પડતાં બંને પક્ષના સૈનિકોને ખૂબ ગંભીર ઈજાઓ થઈ, જે મોટી સંખ્યામાં કેઝ્યુઅલ્ટીનું કારણ બની. ભારતીય સૈનિકો ઓછી સંખ્યામાં હતા આથી પહાડી ધસી પડતાં ૨૦ સૈનિકો શહીદ થયા, જ્યારે ચીનની સેનાની ટુકડીમાં ૩૦૦થી વધુ સૈનિકો હતા. આથી તેમને ભારે નુકસાન પહોંચ્યું. હાલ તો ચીનને ૪૩ સૈનિકોનું નુકસાન થયું હોવાના અહેવાલો આવી રહ્યા છે. પરંતુ બની શકે કે મૃતક ચીની સૈનિકોની સંખ્યા ૫૦ ઉપર પહોંચી શકે, કારણ કે અનેક ચીની સૈનિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલ સૈનિકોને હોસ્પિટલ પહોંચાડવા માટે ચીની સેનાનાં હેલિકોપ્ટર એ વિસ્તારમાં ઊડતાં જોવા મળ્યાં હતાં.
 
આ સમગ્ર ઘટનાક્રમમાં એક ખાસ વાત એ જોવા મળી કે ફક્ત ૫૫ ભારતીય જાંબાઝ સૈનિકોએ એક પણ ગોળી ચલાવ્યા વગર માત્ર પથ્થરો, લાકડી, ડંડાથી પોતાનાથી ૬ ગણા વધારે ચીની સૈનિકોને એવો પાઠ ભણાવ્યો કે તેમના હોશ ઠેકાણે આવી ગયા. હવે ચીનની સેના કોઈ પણ હરકત કરતા પહેલાં હજાર વાર વિચારશે.

ગલવાન ઘાટી પર ચીનનો ડોળો

 
ગલવાન ઘાટી પર હાલ ત્રણ સ્થળો પર ભારત અને ચીનના સૈનિક આમનેસામને છે અને આ ત્રણેય સ્થાન ભારતીય સેનાના પેટ્રોલિંગ પ્વાઇટ્સ ૧૪, ૧૫ અને ૧૭ એ ભારતીય સરહદની અંદર છે અને LAC ની ખૂબ જ નજીક છે. આ ગલવાન ઘાટી ભારતીય સેના માટે રણનૈતિક રીતે ખૂબ જ મહત્ત્વનો વિસ્તાર છે. ચીનનો ડોળો આ વિસ્તાર પર એટલા માટે છે કે ચીનના સૈનિકો અહીંની પહાડીઓ પરથી ભારતીય સેનાની હરેક ગતિવિધિ પર આસાનીથી નજર રાખી શકે છે. આ પહાડીઓની બરાબર સામે જ ભારતીય સુરક્ષા દળોનાં અલગ અલગ સ્થળો પર કેમ્પ છે.
 
ચીને જાણી જોઈ ગલવાન ઘાટી સાથે સાથે અનેક સ્થળો પર વિવાદ વધાર્યો છે. ગલવાન ઘાટી સાથે સાથે હોટ સ્પ્રિંગ્સ વિસ્તાર, પેંગાગ ઝીલમાં ફિગર ૪થી ૮ સુધીનો વિસ્તાર પર ચીન પાછલા બે મહિનાથી આક્રમક બન્યું છે. ગલવાન ઘાટીને લઈ ચીન અચાનક આટલું આક્રમક કેમ બન્યું તે સમજવા જેવું છે.
 
ભારતે જ્યારથી લદ્દાખમાં કરબૂક, શ્યોક અને દોલત બેગ ઓલ્ડીને જોડતો DBO રોડ બનાવ્યો છે ત્યારથી ચીનને અંદર અંદર જ એવો ડર સતાવી રહ્યો છે કે તે રણનૈતિક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ એવા આ વિસ્તારમાં ભારતની સામે કમજોર પડી રહ્યું છે. આ રસ્તાના નિર્માણ ચીને કોઈ જ વાંધો ઉઠાવી શકે તેમ ન હતું, કારણ કે આ રસ્તો LAC થી લગભગ ૯થી ૧૦ કિ.મી. દૂર છે, પરંતુ ભારતે આ વિસ્તારમાં પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાનું શરૂ કરતાં ચીનના ટાંટિયા ધ્રૂજવા લાગ્યા હતા કારણ કે ભારતે ખૂબ જ ઝડપથી આ વિસ્તારની બીજી અનેક મહત્ત્વપૂર્ણ જગ્યાઓને DBO રોડથી જોડવાનું શરૂ કરી દીધું છે. ગલવાન ઘાટીના વિસ્તારમાં ગલવાન નદી પર એક પુલ પણ બનાવવામાં આવી રહ્યો છે અને આ નદી LAC થી માત્ર ૭થી ૮ કિલોમીટર જ દૂર છે. ચીનને આ વાતે જ પેટમાં દુખ્યું છે. ચીન પુલનિર્માણ સામે વાંધો ઉઠાવી LAC પાર કરી ગલવાન ઘાટીમાં આવી ગયું અને તેની પહાડીઓ પર બેસી ગયું. એટલું જ નહીં ચીને ત્યાં સૈન્ય સામાનનો પણ ખડકલો કરી દીધો.
 
એટલે કે સ્પષ્ટ છે કે ચીન LAC નજીક ભારતીય સૈન્યની આ સક્રિયતાથી ફફડી ઊઠ્યું છે. તેને ડર છે કે ભારતે જો આ વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરી લીધું તો તે LAC પર ભારત સામે નહીં ટકી શકે અને તેની મનમાની નહીં ચાલે.

ચીન એકાએક ભારત સાથે સંઘર્ષમાં કેમ ઊતરી આવ્યું છે ?

 
ચીન આમ એકાએક સરહદો પર ભારત સાથે વિવાદ કેમ વકરાવી રહ્યું છે ? જાણકારોના મત મુજબ કોરોના વાઈરસ અંગે વિશ્ર્વને અંધારામાં રાખવાને લઈ ચીન દુનિયાના નિશાન પર છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ ચીનને ખુલ્લેઆમ ચેતવણી પણ આપી દીધી છે. ત્યારે ચીન વિશ્ર્વનું ધ્યાન ભટકાવવા માટે આ પ્રકારની હરકતો કરી રહ્યું છે.
 
બીજી એક મહત્ત્વની વાત એ છે કે ચીનના રાષ્ટપતિ શી જિનપિંગ રાજનૈતિક રીતે અસ્થિર બની રહ્યા છે. એક સમયે મનાતું હતું કે શી જિનપિંગને હવે રાષ્ટપતિ પદેથી કોઈ જ હટાવી શકશે નહીં. તેના માટે તેઓએ ચીનના બંધારણને પણ બદલી નાખ્યું હતું. પરંતુ કોરોના વાઈરસે જિનપિંગની ખુરશીના પાયાને હચમચાવી નાખ્યા છે અને હવે ચીનમાં જ અંદરો-અંદર તેમના નેતૃત્વને લઈ પ્રશ્નો ઊઠી રહ્યા છે. ચીનમાં બેરોજગારીનો દર પણ ઐતિહાસિક સ્તર પર પહોંચી ગયો છે. એવી જ હાલત ચીનની અર્થવ્યવસ્થાની પણ છે. પાછલાં કેટલાંક વર્ષોથી ચીન વિશ્ર્વ આખાની ફેક્ટરી બની ગયું હતું. પરંતુ હાલ ત્યાં રોજીરોટીનું સંકટ ઊભું થયું છે, પરિણામે જિનપિંગને ડર સતાવી રહ્યો છે કે ક્યાંક જનતા તેમની વિરુદ્ધ રસ્તાઓ પર ન ઊતરી આવે. પરિણામે ચીન પોતાના પડોશીઓ સાથે ટકરાઈ જનતાનું ધ્યાન બીજે વાળવા માંગે છે.

india china_1  

G-7 માં ભારતને પ્રવેશના પ્રસ્તાવે ચીનની ઊંઘ ઉડાડી દીધી છે

 
આ ઉપરાંત તાજેતરમાં જ ચીનને અમેરિકા એ આંતરરાષ્ટીય સ્તરનો જોરદાર ઝટકો આપી આંતરરાષ્ટીય સ્તરે અતિ મહત્ત્વના અને શક્તિશાળી એવા G-7 સંગઠનનો વિસ્તાર કરી તેમાં ભારતને સમાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે G-7 એ વિશ્ર્વની સાત સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટલી, જાપાન, બ્રિટન અને અમેરિકાનું સંગઠન છે. હવે અમેરિકા તેનો વિસ્તાર કરી G-11 કે G-12 બનાવવા માગે છે, જેમાં ભારતને સમાવવા માગે છે. ભારતે પણ તેમાં સામેલ થવો મુદ્દે સકારાત્મક પ્રતિક્રિયા આપતાં ચીન ઊકળી ઊઠ્યું છે અને ભારતને પરિણામ ભોગવવાની રીતસરની ધમકી આપી હતી. ચીન માને છે કે આ સંગઠન ચીનના વધતા પ્રભાવને રોકવા માટેનું સંગઠન છે.
 
આમ આંતરરાષ્ટીય સ્તરે ભારતના હાથે એક પછી એક ધોબી પછડાટ મળવાથી ચીન ભારત પર બરાબર અકળાયું છે. તેનું જ પરિણામ સરહદ પરની તેની આક્રમકતા છે. ચીન દક્ષિણ ચીન સાગર પર પણ પોતાનો દાવો કરી રહ્યું છે અને ત્યાં પણ ખૂબ જ આક્રમક બની રહ્યું છે. આ વર્ષે જ દક્ષિણ ચીન સાગરમાં મલેશિયા, ફિલિપાઇન્સ અને વિયેતનામનાં જહાજો અને નાવોને નુકસાન પહોંચાડી ચૂક્યું છે. તાઈવાન મુદ્દે પણ ચીને સૈન્ય કાર્યવાહીની ધમકી ઉચ્ચારી છે. ચીનના લડાયક વિમાન અને વોરશિપના તાઈવાનની આસપાસના આંટાફેરા વધી ગયા છે. ભારત સાથેની અથડામણના બે દિવસ બાદ જ ચીનનું યુદ્ધવિમાન તાઈવાનની સરહદમાં ઘૂસી આવ્યું હતું. પરંતુ તાઈવાનના ફાઈટર જેટે તેને પાછું ભગાડી મૂક્યું હતું. ચીન તાઈવાનમાં પણ હોંગકોંગની માફક એક દેશ બે સિસ્ટમ લાવવાનાં સપનાં જોઈ રહ્યું છે. જો કે તાઈવાન ચીનને ગાંઠતું નથી. જો કે હોંગકોંગની માફક તાઈવાનને હડપ કરી જવાની મેલી મુરાદ ધરાવનાર ચીન હવે હોંગકોંગમાં જ બરાબરનું ભરાઈ ગયું છે. હોંગકોંગના લોકો સંપૂર્ણ આઝાદીની માંગ સાથે ચીનની સામે પડ્યા છે. ચીન ત્યાંની પાલતું સરકારના જોરે અનેક અત્યાચારો કરાવી રહ્યું છે છતાં જનતા હારવાનું નામ નથી લઈ રહી અને આ આંદોલનોની વિશ્ર્વકક્ષાએ પણ નોંધ લેવાઈ રહી છે, પરિણામે ચીનને બરાબરની ફડક પેસી ગઈ છે. હવે વાત ચીન-ભારત વચ્ચેના ઐતિહાસિક ઘર્ષણોની....
 

india china_1   

૧૯૬૨, ૧૯૬૭, ૧૯૭૫, ૧૯૮૭ ભારત-ચીન સંઘર્ષ

 
ચીનની વિસ્તારવાદી નીતિને કારણે ચીન સેના સમયાંતરે ભારતીય સરહદમાં ઘૂસી આવે છે, જેને પરિણામે ભૂતકાળમાં અનેક વખત ભારત-ચીન સૈન્ય વચ્ચે સંઘર્ષ થયો છે, જે ક્યારેક લોહિયાળ બન્યો છે, તો ક્યારેક નાનીઅમથી ચકમક બાદ શાંત પડી ગયો છે. બન્ને દેશો વચ્ચે સૌથી મોટી અથડામણ ૧૯૬૨માં થઈ હતી, જે જોત-જોતામાં યુદ્ધમાં પરિણમી. જો કે લડાઈમાં ચીનનું પલડું ભારે રહ્યું હતું, પરંતુ કહેવાય છે કે એ વખતે ભારત યુદ્ધ માટે બિલકુલ તૈયાર ન હતું, જેને પરિણામે ભારતને મોટી જાનહાનિ વેઠવી પડી હતી. જો કે એ યુદ્ધમાં એવી કેટલીક ઘટનાઓ છે જેમાં ભારતીય જવાનોએ ચીની સૈન્યમાં ભારે તબાહી મચાવી હતી. કહેવાય છે કે એ યુદ્ધમાં જો ભારતે હવાઈ દળને યુદ્ધમાં સામેલ કર્યું હોત તો યુદ્ધનું પરિણામ કંઈક અલગ જ હોત.
 

૧૯૬૨નો બદલો ૧૯૬૭માં

 
૧૯૬૭માં ચીને ભારતીય સેનાને તિબેટ-સિક્કિમ સીમા પરની નાથુલા હદથી હટી જવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ જાંબાઝ ભારતીય સેનિકોએ એક ઇંચ પણ પીછેહઠ કરી નહોતી. પરિણામે યુદ્વ ખેલાયું હતું, જેમાં ત્રણ દિવસ દરમ્યાન ભારતીય સેનાએ ૪૦૦થી વધુ ચીની સેનિકોને મારી નાંખ્યા હતા. આ યુદ્વમાં ચીનની હાર થઈ હતી. પણ વિશ્ર્વમાં પોતાની શાખ બચાવવા ચીને રાત્રિના અંધારામાં પોતાના સૈનિકોનાં શબ લઈ જવાની ફરજ પડી હતી.
 

૧૯૭૫માં ફરી એક વખત ચીનનો કાયરતાપૂર્ણ હુમલો

 
૧૯૬૭ની કારમી હારને ચીન પચાવી શક્યું નહીં અને સરહદ પર સતત અવળચંડાઈ કરતું રહ્યું. ૧૯૭૫માં અરુણાચલ પ્રદેશના તુલુંગલામાં અસમ રાઇફલ્સના જવાનો જ્યારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક ચીની સૈનિકોએ હુમલો કરી દીધો હતો, જેમાં ચાર ભારતીય જવાનો શહીદ થયા હતા. ત્યાર બાદ ૧૯૮૭માં પણ ભારત ચીન વચ્ચે સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ હતી. ભારતીય સેના તવાંગમાં નામકા ચૂના દક્ષિણમાં હતી. અચાનક ભારતીય સૈનિકોની નજરમાં આવ્યું કે ચીની સૈનિકો ભારતની હદના સમદોરોગ ચૂમાં તંબુ લગાવી અડી ગઈ અને અનેક સમજાવટ છતાં પણ તેણે એ વિસ્તાર ખાલી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. પરિણામે ભારતીય સૈન્યે ઓપરેશન ફાલ્કન ચલાવ્યું અને ભારતીય જવાનોને વિવાદિત સ્થળ એયર લેન્ડ કર્યા. જવાનોએ હાથુંગલા પહાડી પર પોઝિશન સંભાળી અને લદ્દાખથી થઈ સિક્કિમ સુધી ભારતીય સેના ખડકાઈ ગઈ અને ફરી એક વખત યુદ્ધના ભણકારા વાગવા માંડ્યા. ભારતની આક્રમકતાને પરિણામે ચીન વાતચીત કરવા તૈયાર થયું અને વિવાદ શાંત થઈ ગયો.

સેનાનું એલર્ટ લેવલ વધારાયું

 
ગાલવાન ઘાટીમાં થયેલી સમજૂતીનો ભંગ કરીને ચીની સૈનિકોએ પાછા જવાની મનાઈ કરી દીધી માટે બંને દેશના સૈનિકો વચ્ચે સંઘર્ષ વ્યાપ્યો હતો. તેમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા અને ચીનને પણ ભારે નુકસાન પહોંચ્યુ હતું. ત્યાર બાદ થોડી ઘણી શાંતિ વ્યાપી છે પરંતુ ચીન હજુ પૂરી રીતે પાછળ નથી ગયું જેથી સેના એલર્ટ થઈ ગઈ છે. માત્ર લદ્દાખ બોર્ડર પાસે જ નહીં પણ ઉત્તરાખંડમાં ચીન સાથે જોડાયેલી સરહદ સહિત સંપૂર્ણ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર સેનાનું એલર્ટ વધારી દેવાયું છે. તે સિવાય મોટી સંખ્યામાં સેનાના ટ્રક લદ્દાખ તરફ આગળ વધી રહ્યા છે. આ ઉપરાંત ભારતે પોતાની વાયુશક્તિ વધારવાના હેતુસર ઇન્ડિયન એરફોર્સ માટે ૧૨ નવા સુખોઈ અને ૨૧ નવા મિગ-૨૯ એમ કુલ ૩૩ લડાયક વિમાન ખરીદવાની પ્રક્રિયા વેગવંતી બનાવી છે.
 

લદ્દાખમાં માર્ગ નિર્માણનું કામ ઝડપી કરાયું

 
આ સાથે જ ભારત લદ્દાખમાં માર્ગનિર્માણનું જે કામ થઈ રહ્યું હતું તેની ઝડપ વધારી દેવામાં આવી છે. ચીનને આ માર્ગનિર્માણ સામે જ સૌથી મોટો વાંધો છે કારણકે તેના વડે ભારતીય સેના માટે સરહદ સુધી પહોંચવું વધુ સરળ બની જશે. તણાવ છતાં ભારતે માર્ગનિર્માણનું કામ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે અને તેની ઝડપ વધારવા ૧૫૦૦ જેટલા મજૂરોને લદ્દાખ માટે રવાના કરવામાં આવ્યા છે. લોકડાઉન સમયે કેટલાક મજૂરો પાછા આવી ગયેલા પરંતુ તેમને પણ પાછા મોકલી દેવાયા છે.
 

india china_1   
 

વડાપ્રધાનનું આકરું વલણ

 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને ચીનને આકરો સંદેશો પણ આપ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, ભારત કોઈને ઉશ્કેરતું નથી પણ જો ઉશ્કેરીને અમારા જવાનોને આવી રીતે મારવામાં આવશે તો ભારત યોગ્ય જવાબ આપવાનું પણ જાણે છે. સાથે જ તેમણે આ જવાનોની શહીદી વ્યર્થ નહીં જાય તેમ પણ કહ્યું હતું.
વડાપ્રધાનના નિવેદન બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે ફોન પર ચીની વિદેશ મંત્રી સાથે વાતચીત કરી હતી જેમાં ગાલવાનની ઘટનાને ચીનનું સંપૂર્ણ તૈયારી સાથેનું ષડયંત્ર ગણાવ્યું હતું. ચીની વિદેશ મંત્રાલયે ગલવાનને પોતાનું ગણાવ્યું તેના જવાબમાં ભારતે આ પ્રકારની પાયા વગરની વાતો સમજૂતીને નબળી બનાવશે તેમ કહ્યું હતું.
 

આર્થિક મોરચે ચીનને પછડાટ

 
જવાનોની શહીદી બાદ દેશભરમાં આક્રોશ વ્યાપ્યો છે અને અનેક શહેરોમાં લોકો રસ્તાઓ પર ઊતરી આવ્યા છે. આ બધા વચ્ચે સરકારે પણ ચીનને આર્થિક મુદ્દે પછડાટ આપવાનો નિર્ણય લઈ લીધો છે. ટેલિકોમ વિભાગે બીએસએનએલને પોતાના વિભાગમાં મેડ ઈન ચાઈના પ્રોડક્ટ્સનો ઉપયોગ ઘટાડવા આદેશ આપ્યો છે. તે સિવાય 4જી માટેના ટેન્ડર રદ કરવા કહેવાયું છે જેથી ચીની કંપનીઓ તેનો હિસ્સો ન બની શકે. જ્યારે દિલ્હીથી મેરઠ માટે શરૂ થનારી રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ માટેનો ચીન સાથેનો કોન્ટ્રાક્ટ રદ કરવા વિચારણા ચાલી રહી છે. તો ભારતીય રેલવેએ પણ ચીન સાથે ૪૭૧ કરોડનો કરાર રદ્દ કર્યો છે.
 

india china_1   
 

ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની ગતિવિધિ

 
ભારત માત્ર સૈન્ય અને આર્થિક ક્ષેત્રે જ નહીં પણ રાજદ્વારી ક્ષેત્રે પણ ચીનને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયે સમગ્ર ઘટનાથી મિત્રદેશોને વાકેફ કર્યા છે અને અમેરિકી રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ એક આદેશ દ્વારા ચીની અધિકારીઓ પર સેન્કશન લગાવવા તૈયારી કરી છે. આ સેન્કશન ચીન દ્વારા ઉઈગર મુસ્લિમો સાથે જે અત્યાચાર કરાઈ રહ્યો છે તે માટે હશે અને અમેરિકા ભારત-ચીન વચ્ચે જે ગતિવિધિઓ ચાલી રહી છે તેના પર નજર રાખી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાએ પહેલીવાર પેસેફિક મહાસાગરમાં તેના ૧૧ જેટલા ન્યુક્લિયર કેરિયર સ્ટ્રાઇક તહેનાત કરી ચીનને સાનમાં જ ઇશારો કર્યો છે કે, ચીનનું કોઈપણ આક્રમક પગલું તેને ભારે પડી શકે છે. તાઈવાન અને બેંકકોગની સરકારોનું આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી પરંતુ ત્યાંની જનતા ભારતનું સંપૂર્ણ સમર્થન કરી રહી છે. તાઈવાનમાં તો લોકો ચીનના સૈનિકોને માર્યા જવાની ઉજવણી કરી રહ્યા છે. તો તિબેટે આ મુદ્દે ખુલ્લેઆમ ભારતનું સમર્થન કરતાં કહ્યું છે કે ગલવાન વેલી પર ચીનનો કોઈ જ અધિકાર નથી.
 
ઓસ્ટ્રેલિયાએ પણ આ સમગ્ર મુદ્દે ભારતને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. ઓસ્ટ્રેલિયાના રાજદૂત બૈરી ઓ ફરેલે દ્વિતીય વિશ્ર્વયુદ્ધ બાદ જે નિયમો અને કાયદા ઘડવામાં આવ્યા તેનું ભારત અને ઓસ્ટ્રેલિયા પાલન કરે છે પરંતુ ચીન નથી કરતું તેમ જણાવ્યું હતું.
 
જોકે આ લખાય છે ત્યાં સુધી ભારત-ચીન બન્નેએ તણાવ ઓછો કરવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. ચીન સરહદ પર આવેલાં મોલ્ડોમાં લેફ્ટિનેન્ટ જનરલ લેવલની મીટિંગ થઈ હતી ત્યારબાદ બંને દેશો વચ્ચે અથડામણવાળી જગ્યાએથી પોતાના સૈનિકો પાછા ખસેડવા પર સહમતી થઈ છે. ત્યારે ભારત-ચીન સરહદ પર પુનઃ એક વખત શાંતિની શક્યતાઓ વધવા લાગી છે. અને આ આવકાર્ય પણ છે. કારણ કે હાલની પરિસ્થિતિમાં બંને દેશો માટે યુધ્ધ પોષાય તેમ નથી. તે વાત ચીન અને ભારત સારી પેઠે જાણે છે. ત્યારે આશા રાખીએ કે, સરહદ પર શાંતિની આ અપીલ બંને દેશોની સરકારો, માધ્યમો અને જનતા સુધી પહોચે.