તો શ્રમિકોના ગામો નજીક જ અર્ધશહેરી વિસ્તાર ઉભા થાય

    ૦૯-જૂન-૨૦૨૦   
કુલ દૃશ્યો |

shramik edit_1  
 
પ્રવાસી શ્રમિકોની વતન વાપસીની ઘટમાળ કોરોના જેવી જ મોટી મહામારી બની રહી. અન્ય દેશોમાં વસતા લોકોને લાવવા વિમાનો ઊડ્યાં પરંતુ કેટલાક ભૂખ્યા-તરસ્યા શ્રમિકોએ માથે સામાન અને બાળકોનું વજન ઉઠાવી તડકામાં તીર્થસ્થાન જેવી યાત્રા કરી, એમનું વતન જ એમની યાત્રાનું લક્ષ્ય. એમને ઘરે પહોંચાડવા બસો- ટ્રેનો શરૂ થઈ છતાં કાળઝાળ ગરમી વેઠતા તે આગળ વધ્યા. રસ્તાઓ ભીંજાયા. રસ્તામાં ભોજન, પાણી અપાયું, બસ-ટ્રેન ભાડુ કયો પક્ષ આપશે એ બાબતે રાજકારણે ય નિમ્નસ્તરનું, સાથે શ્રમિકનો જીવનનિર્વાહ શી રીતે ? તે અંગે તો અવઢવ જ. પોતાના લોહી - પરસેવાથી દેશના વિકાસમાં શ્રમદાન કરતા મજૂરોની જિંદગીનો પાયો હચમચી ગયો છે.
 
અત્યાર સુધીમાં ૧ કરોડ પરપ્રાંતિય શ્રમિકો પોતાનાં વતન પહોંચ્યા છે અને બાકીના લોકોને ૧૫ દિવસમાં જ તેમનાં ઘરે પહોંચાડવાની સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને સૂચના આપી છે. ગુજરાતમાં અન્ય રાજ્યોના ૨૦.૯૫ લાખમાંથી અંદાજીત ૧૫ લાખ જેટલા મજૂરો પરત ગયા છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં શ્રમિકો જતા રહેવાથી બંને રાજ્યો માટે પડકારો ઊભા થયા છે. ઉદ્યોગોને મજૂરોની સમસ્યા ઊભી રહેશે, લેબર શોર્ટેજના કારણે ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થશે જ.
 
ઈટલીની યુનિવર્સિટી ઓફ પોલેર્મોના પીટ્રો સહિત અન્ય વૈશ્વિક નિષ્ણાતોના અધ્યયન કહે છે કે મહામારી ખતમ થયા બાદ પણ ખૂબ મોટી અસમાનતા ઊભી થશે અને તેનો ભોગ ગરીબ અને શ્રમિકો જ વધુ બનશે. તેમનું આ તારણ વિશ્વની પાછલી પાંચ મહામારીના અભ્યાસ બાદનું છે. આ સમયગાળામાં શ્રમિકોને પોતાના જ વતનમાં રોજગાર અને સારી જીવનશૈલી પ્રાપ્ત થાય તો સમતોલન થઈ શકે. ઈશ્વરનો અનુગ્રહ એજ આશા.
 
સનાતની સંસ્કૃતિની ક્રીડાસ્થળી, મૌર્ય તથા ગુપ્ત સામ્રાજ્યોનું કેન્દ્ર, ભગવાન બુદ્ધની શાંતિ અને મહાવીરની મહેકની આ ધરતી અને ગાંધી બાપુના શ્રમ એ જ ધર્મથી સિંચાયેલી આ ભૂમિ ભલે અત્યારે અનેક અનિશ્ચિતતાઓથી ઘેરાયેલી હોય. પણ પુનરુત્થાન અને પુનર્જાગરણનાં બીજ પણ આ જ ધરતીમાં છુપાયેલાં પડ્યાં છે.
 
ભયગ્રસ્ત શ્રમિકોના જીવનમાં અનિશ્ચિતતાની જે આંધી આવી છે તેને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સમાજના અગ્રણીઓ, કોર્પોરેટ હાઉસથી માંડીને સૌએ કઈક નક્કર કરવાનો આ સમય છે. ગ્રામીણ અર્થવ્યવસ્થાને પુન: નવીનીકૃત કરવાનો આ સુંદર અવસર છે. ૧૯૭૦ના મહારાષ્ટ્રના મોટા દુકાળ વખતે શ્રમિકો સ્થળાંતર કરી રહ્યા હતા ત્યારે ગાંધીવાદી વીએસ પગેએ તેમના નિવાસસ્થાન નજીક જ રોજગારની યોજના બનાવીને અશાંતિ થતી અટકાવી હતી, એ યોજના રોજગાર ગેરેંટી યોજના (ઈજીએસ) હતી, જે વર્ષો બાદ અત્યારે મનરેગાથી ઓળખાય છે.
 
કેન્દ્ર સરકાર દ્વારા `માઈગ્રેન્ટ વર્કર્સ વેલફેર ફંડ' બનાવી આયુષ્યમાન ભારત સાથે જોડીને શ્રમિકોની રોજગારી, સ્વાસ્થ્ય વગેરે માટે નવીન યોજનાઓ બની રહી છે. આંતરાજ્ય પ્રવાસી કામદાર અધિનિયમ - ૧૯૭૯માં ફક્ત અમુક જ કામદારોનો સમાવેશ થતો હતો, ૪૧ વર્ષ બાદ સરકાર તેમાં ફેરફાર કરીને બધા શ્રમિકોને સમાવાશે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પાછા ફરેલા ૨૩ લાખથી વધુ શ્રમિકોના હુન્નરનો ડેટા એકઠો કરાઈ રહ્યો છે, તેના માટે `માઇગ્રેશન કમિશન' નિમાયું, જે મજૂરોની રોજગારી, બેરોજગારી ભથ્થા, વીમો, સામાજિક સુરક્ષા માટે કામ કરી રહ્યું છે. સ્થાનિક કક્ષાએ મનરેગા, એમએસએમઈ સેક્ટરમાં નોકરીઓ ઊભી થઈ શકે. કેટલાંક રાજ્યોમાં શ્રમિકોને સ્થિતીની જરૂરિયાત મુજબ માસ્ક બનાવવાનું કામ, મસાલા પેકિગ, આરોગ્ય સુવિધા, કૃષિ વગેરેમાં જોડીને રોજગારી આપવાનું શરૂ થયું. પરંતુ આવા પ્રયત્નો સમગ્ર દેશમાં અત્યંત ઝડપથી થવા જરૂરી. પ્રવાસી શ્રમિકોની દશા સુધારવા સરકારે તાલુકા કક્ષાએ શ્રમિકને નજીક પડે તે રીતે મનરેગા, દૂધ મંડળી જેવી બીજી કોઈ યોજનાઓ, કો-ઓપરેટિવ સેક્ટરો, કૃષિ સંલગ્ન ઉદ્યોગો ઊભા કરી નિરક્ષર ગ્રામ્ય શ્રમિક માટે નવું આયોજન વિચારાય તો શ્રમિકોના ગામો નજીક જ અર્ધશહેરી વિસ્તારો ઉભા થાય. રોજગારી સાથે ૨૧મી સદીની સુવિધાઓ અને જીવનશૈલી એ ઘર આંગણે મળે.
 
હવે મનરેગાનું નવીનીકરણ, આઈટીઆઈ પાસ, ઈલેક્ટ્રિશિયન, દરજી, સુથાર, કડિયો કે અન્ય નાના-મોટા હુન્નર જાણનારાઓ માટે પોતાના વતનમાં કે એની આસપાસ રોજગારી મળી રહે તેવાં યુનિટોની સ્થાપના જરૂરી. જ્યાં શિક્ષણ અને આરોગ્યનું સ્તર ખૂબ નીચું છે ત્યાં ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય અને શિક્ષણ સંબંધિત સેવાઓ ઊભી કરી શકાય. તેનાથી રોજગારી નિર્માણે ય થશે. વેર હાઉસિંગ તથા પ્રોસેસિંગની સુવિધાઓ સાથે કોન્ટ્રેક્ટ ફાર્મિંગથી પણ નિશ્ચિત મદદ મળી શકે. પ્રકૃતિનો હ્રાસ થયો છે ત્યારે ગ્રામ્ય કક્ષાએ પ્રકૃતિની પૂંજીના નવનિર્માણનું કામ આપી રોજગારી ઊભી કરી, દેશનું પર્યાવરણ ઊંચુ લાવી શકાય.
 
કોરોનાના વધતા જતા કેસો વચ્ચે અન્ય રાજ્યોમાં બેરોજગાર અને બે ટક ભોજનથી વંચિતે ય હજુ ઘણા છે. જે તે સરકાર પોતાના રાજ્યમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકોનો ડેટા બેઝ બનાવી તાત્કાલિક ધોરણે તેમના રહેવા, જમવા અને આરોગ્યની સુવિધા ઊભી કરવાને પ્રાથમિકતા આપે. `વન નેશન વન રેશનકાર્ડ' જેમ અન્ય રાજ્યોમાં રહેતા શ્રમિકોને પણ તેઓ રહેતા હોય તે રાજ્યોની અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓનો લાભ મળવો જોઈએ, મતદાન સહિત. સૌથી અગત્યનું એ કે સરકારે હવે શ્રમિકો માટે યુનિવર્સલ સોશિયલ સ્કીમ બનાવી, શ્રમિકોનો સત્તાવાર આંકડો મેળવી તેમને તેમાં જોડે.
 
પ્રવાસી શ્રમિકોની પીડા બહુ મોટી છે. પોતાનું વતન છોડી એકલા કે પત્ની બાળકો સાથે અજાણ્યા રાજ્યમાં જે તે શહેરના ધારા-ધોરણ પ્રમાણે જીવવું, રહેઠાણથી પાંચ-દસ કે વધારે કિલોમીટર દૂર કામ પર જવું, ભાડું ના પોસાય તો એક નાના રૂમમાં પાંચ - દસ લોકો જાડે સંકડાશમાં રહેવું, પતિ-પત્ની હોય તો બંનેએ મજૂરી કરવી, બાળકોને રેતીમાં રઝળતા મૂકવાની વેદના, ભણાવી ના શકાયાનો અફસોસ, ગામડે રહેતા ઘરડાં મા-બાપને પૈસા મોકલવાની ચિંતા, અપરિણીત અને એકલા હોય તો બીડી, દારૂ, જુગાર અને અન્ય ખોટા વ્યસનોની કૂટેવ, મકાનમાલિક ગમે ત્યારે કાઢી મૂકે તેનો ભય, નોકરીના સ્થાને માલિક પણ ક્યાંક શોષણ કરે, ઉપેક્ષિતતા અને અપમાનનો વારંવાર ભોગ બનવું અને સંકટ સમયે પરાયા ગણીને ધુત્કાર. આ પીડાઓ તો હતી જ, કોરોનાએ એમાં અનેકગણો વધારો કર્યો. કેટલાક માલિકોએ પગાર તો આપ્યો પણ મોતનો ડર તો કુટુબ પાસે જ ખેંચે. હજુ ય સરકાર, સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા શ્રમિકો માટે પોતાના વતનમાં, પરિવાર સાથે રહીને જ કમાવાની તક ઊભી થાય તો સોનામાં સુગંધ ભળે.