કેટલાંક અવનવા સમાચાર - જેમ કે પહેલાં પુસ્તક સળગાવો, પછી તેને વાંચો...

    ૧૫-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |
 
avanavu_1  H x
 

અહીં કુરાનની સાથે ગીતા, રામાયણ અને વેદોની ઋચાઓ ભણાવાય છે
 

યુપીના દેવબંદમાં ૧૬૪ વર્ષ જૂનું એશિયાનું સૌથી મોટું ઇસ્લામિક શૈક્ષણિક કેન્દ્ર દારુલ કુરાન, હદીસના શિક્ષણ અને પોતાના ફતવાઓ માટે ઓળખ ધરાવે છે. સામાન્ય રીતે અહીંની લાઇબ્રેરીમાં દાઢી અને ટોપીવાળા સ્ટુડન્ટ્સ કુરાનની આયતો, વેદોની ઋચાઓ અને ગીતા-રામાયણના શ્ર્લોકોનું ઉચ્ચારણ કરતાં મળી જશે. ખરેખર આ સંસ્થાન વિદ્યાર્થીઓ ગીતા, રામાયણ, વેદ, બાઈબલ, ગુરુગ્રંથ અને અન્ય અનેક ધર્મોના ગ્રંથનું શિક્ષણ પણ આપે છે.

આ દેશમાં ચાલી રહ્યું છે ૨૦૧૩નું વર્ષ

 
વિશ્ર્વભરમાં ૨૦૨૦નું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે આફ્રિકન દેશ ઇથિયોપિયામાં ૨૦૧૩નું વર્ષ ચાલી રહ્યું છે. વાત એમ છે કે ૧૫૮૨માં ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત થઈ હતી અને બધા જ દેશોએ તેને સ્વીકાર્યું હતું. ત્યારે ઇથિયોપિયાએ તેનો વિરોધ કરી તેને અપનાવવાની ના પાડી દીધી. આ દેશે જુલિયન અને ગ્રેગેરિયન કેલેન્ડર અપનાવ્યું નથી અને પોતાનું ઇથિયોપિયન કેલેન્ડર વિકસાવ્યું છે. જેમાં ૧૩ મહિના છે અને નવું વર્ષ ૧૦-૧૧ સપ્ટેમ્બર શરૂ થાય છે. ૧૨ મહિનામાં દરેક મહિનો ૩૦ દિવસનો જ હોય છે. છેલ્લો ૧૩મો મહિનો પાગ્યુમે કહેવાય છે. જેમાં માત્ર પાંચ કે છ દિવસ જ હોય છે. જેની ગણતરી વર્ષમાં થતી નથી.
 

avanavu_1  H x  

મધ્યપ્રદેશના આ ખેડૂતના નવતર પ્રયોગે બદલી નાખી તેની જિંદગી

 
મધ્યપ્રદેશના ધારના એક ખેડૂતે ખેતીમાં પરંપરાગત રીતને બદલે એક નવો પ્રયોગ કરતાં તે માલામાલ બની ગયા છે. અહીંના સિરસૌદા ગામના ખેડૂત વિનોદ ચૌહાણે ૨૦ વીઘાં ખેતરમાં પરંપરાગત ઘઉંને બદલે કાળા ઘઉંનું વાવેતર કર્યું હતું, જેમાં ૨૦૦ ક્વિન્ટલ જેટલો મબલખ ઉતારો ઊતર્યો હતો. વળી કાળા ઘઉં સામાન્ય ઘઉંની સરખામણીમાં વધારે પૌષ્ટિક હોવાથી તેનો ભાવ પણ બમણો બોલાઈ રહ્યો છે. મજાની વાત એ છે કે દેશનાં ૧૨ રાજ્યોમાંથી આ ઘઉં ખરીદવા માટે વેપારીઓના સતત ફોન આવી રહ્યા છે. ડાયાબિટિસના દર્દીઓ માટે આ ઘઉં ખૂબ જ ફાયદાકારક હોવાથી તેની માંગ પણ ખૂબ જ છે.

રોજ ૩૬ કિલોમીટર સાઈકલ ચલાવી સ્કૂલે જતી છોકરી બોર્ડની પરીક્ષામાં જિલ્લામાં ટોપ આવી

 
બોર્ડની પરીક્ષામાં હવે તો જાણે ૯૦ ટકા લાવવા પણ કોઈ નવાઈની વાત નથી રહી. જો કે, કેટલાક સ્ટુડન્ટ્સ એવા પણ હોય છે કે જેઓ પારાવાર ગરીબી અને સંઘર્ષ સામે લડીને પણ એવું પરિણામ હાંસલ કરતા હોય છે કે લોકોને તેમના પર માન ઊપજે છે. આવી જ એક સ્ટુડન્ટ છે યુપી બોર્ડમાં ૮૭.૨૦ ટકા લાવનારી આયુષી, જે સ્કૂલે જવા આવવા માટે રોજ ૩૬ કિ.મી. સાઈકલ ચલાવતી હતી. ઝાંસી જિલ્લામાં ટોપ આવનારી આયુષીની કહાની સામાન્ય વિદ્યાર્થીઓથી ઘણી અલગ છે. ખેડૂત પિતાની દીકરી આયુષી ઝાંસી જિલ્લાના અરૌલી ગામની રહેવાસી છે. તેના ગામથી સ્કૂલ ૧૮ કિલોમીટર દૂર હતી. વળી, ત્યાં બસ કે બીજા કોઈ સાધનમાં જવું શક્ય ના હોવાથી તેની પાસે સ્કૂલે જવાનો એકમાત્ર વિકલ્પ સાઈકલ હતો. રોજ ૩૬ કિલોમીટર સાઈકલ ચલાવીને જતી આયુષીએ તબિયત ખરાબ હોય તો પણ ક્યારેય રજા નહોતી પાડી.
 

avanavu_1  H x  

આ કોન્સ્ટેબલે ભેંસની સેવા કરવા રજા માંગી

 
મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં એક કોન્સ્ટેબલની રજા ચિઠ્ઠીએ લોકોમાં ખાસ કરીને સોશિયલ મીડિયા પર બહુ કુતૂહલ જગાવ્યું છે. કુલદીપ સિંહ તોમર નામના કોન્સ્ટેબલની આ લીવ એપ્લિકેશન બહુ ઝડપથી વાઈરલ થઈ રહી છે. તેણે અરજીમાં પોતાની ભેંસની સેવા માટે રજા માગી છે. કુલદીપે એપ્લિકેશનમાં લખ્યું કે, તેણે પોતાની ભેંસનું દૂધ પીને પોલીસમાં ભરતીની તૈયારી કરી હતી. હવે મારે મારી ફરજ અદા કરવાની છે. અરજીમાં તેણે એ પણ લખ્યું છે કે તેની મા છેલ્લા બે મહિનાથી બીમાર છે. રીવા જિલ્લામાં એસએએફ-૯મી બટાલિયનમાં કાર્યરત કોન્સ્ટેબલ કુલદીપ તોમરે લખ્યું છે કે, મારી માનું આરોગ્ય છેલ્લા બે મહિનાથી ખરાબ ચાલી રહ્યું છે. મારા ઘરમાં એક ભેંસ પણ છે, જેને હું બહુ પ્રેમ કરું છું. તેની દેખરેખ રાખનાર કોઈ નથી. હું આ ભેંસનું જ દૂધ પીને મોટો થયો છું અને પોલીસમાં ભરતી થવાની તૈયારી પણ એનું દૂધ પીને જ કરતો હતો.

સાડા ત્રણ રૂપિયા વસૂલવા બેંકે ફોન કર્યો, ગરીબ ખેડૂત ૧૫ કિમી ચાલી પૈસા ભરવા ગયો

 
સામાન્ય અને ગરીબ વર્ગના લોકો પાસેથી એક-એક રૂપિયો વસૂલવા બેંકો કેવો પાવર બતાવે છે તેનો એક કિસ્સો કર્ણાટકમાં બન્યો છે. લોન લેનારા એક ખેડૂતને બેંકમાં એક આંગળીના વેઢે ગણાય તેટલા રૂપિયા આપવાના બાકી નીકળતા હતા, જેની વસૂલાત માટે બેંકે તેને બોલાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેનેરા બેંકની એક નાનકડા ટાઉન નિત્તુરમાં આવેલી શાખાએ ખેડૂતને તેના બાકી નીકળતા ૩ રૂપિયા અને ૪૬ પૈસા ભરી જવા કહ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે ગરીબ ખેડૂતને આટલી મામૂલી રકમ ભરવા માટે ૧૫ કિલોમીટર ચાલીને બેંકમાં પહોંચવું પડ્યું હતું. કર્ણાટકના શિમોગા જિલ્લાના બરુવે ગામથી બેંક સુધી પહોંચવા માટે કોઈ બસ કે બીજાં સાધન પણ નથી જતાં. તેવામાં ખેડૂત પાસે પગપાળા જ ૧૫ કિમી ચાલવા સિવાય કોઈ ઓપ્શન નહોતો.

એક મિનિટમાં ૧૯૬ ગુણાકાર-ભાગાકારના દાખલા ગણીને દસ વર્ષના કિશોરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

 
ઇંગ્લેન્ડમાં ૧૦ વર્ષના પ્રાથમિક શાળાના એક વિદ્યાર્થીએ એક મિનિટમાં ગુણાકાર અને ભાગાકારના દાખલાઓનો ઉકેલ શોધીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઇંગ્લેન્ડના લોન્ગ ઇટનની લોન્ગમૂર પ્રાથમિક શાળાના ૧૦ વર્ષના વિદ્યાર્થી નદુબ ગિલે કોવિડ-૧૯ લોકડાઉનનો કેટલોક સમય ટાઇમ્સ ટેબલ રોકસ્ટાર્સ એપ્લિકેશન પર ગણિતની પ્રેક્ટિસ કરવા માટે વિતાવ્યો અને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. નદુબે એક મિનિટમાં ૧૯૬ ગુણાકાર અને ભાગાકારના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. જેમાં સરેરાશ એક સેકન્ડમાં ત્રણ કરતાં વધુ જવાબ મા. આ નવા વિશ્ર્વ રેકોર્ડ માટે અન્ય ૭૦૦ સ્ટુડ્ન્ટ્સે ભાગ લીધો હતો.

પહેલાં પુસ્તક સળગાવો, પછી તેને વાંચો

 
પહેલાંના જમાનામાં ગુપ્ત સંદેશાઓની આપ-લે માટે રાજાઓ કાગળ પર એવી શાહીથી લખતા કે જે કાં તો આગની ગરમીથી દેખાય અથવા તો પાણીમાં ડુબાડો તો જ ઊપસી આવે. આવું જ એક પુસ્તક હાલમાં સોશ્યલ મીડિયા પર લોકોને આશ્ર્ચર્યમાં મૂકી રહ્યું છે. ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં આ અનોખા પુસ્તકનો પરિચય કરાવવામાં આવ્યો છે. વીડિયોમાં પુસ્તકનાં પાનાં એકદમ કાળાંધબ છે અને ખોલતા કાળા પાના પર એક પણ અક્ષર વંચાતો નથી. પરંતુ લાઈટ સળગાવીને એની જ્યોત કાગળની નીચે મૂકતા એમાંના અક્ષર વંચાવા લાગે છે. એ વીડિયો ક્લીપ લોકોને ટોમ રીડર્સ ડાયરી કે હેરી પોટરના મરુડર્સ મેપની યાદ અપાવે છે. રે બ્રેડબરીના ફેરનહાઈટ ૪૫૧ નામના પુસ્તકનાં પાનાં કાર્બન જેવાં કાળાં લાગે છે. પરંતુ અગ્નિના સ્પર્શથી એમાંના અક્ષરો વંચાવા માંડે છે. ટ્વીટર પર આ પુસ્તક વિશેની વીડિયો ક્લિપને ૭૦૦૦ થી વધારે લાઈક્સ મળી છે.