વિકાસની ગતી અને રોજગારીની તકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દ્વારા જ...

    ૧૫-જુલાઇ-૨૦૨૦   
કુલ દૃશ્યો |

 development_1  
 
 
દેશમાં લોકડાઉન આધારિત મંદીના માહોલ વચ્ચે ય ભારતનો વિદેશી મુદ્રા ભંડાર જૂન મહિનામાં ૫.૯૪૨ વધીને ૫૦૭.૬૪ અરબ ડૉલરની ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યો. છતાં ધીમા પડેલાં અર્થતંત્રને પૂરપાટ ઝડપે દોડાવવા ભારત સરકાર દ્વારા રેલ, રોડ, પોર્ટ અને એરપોર્ટ સહિત અનેક નવા પ્રોજેક્ટસ થઈ રહ્યા છે. દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ ધપાવવા આવનારાં પાંચ વર્ષમાં સરકાર ૧૦૦ લાખ કરોડનો ખર્ચ કરી દેશના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડશે. ૭૦ અલગ સ્ટેક હોલ્ડર્સ સાથેની ચર્ચાના પરિણામરૂપ મોર્ડન રેલ્વે સ્ટેશનો, એરપોર્ટ્સ, બસ-સ્ટેશનો, લોજિસ્ટિક સૈન્ટર્સ, દિલ્હી-મુંબઈ અને ચેન્નઈ - બેંગલુરુ એક્સપ્રેસ વે, પોર્ટ ડેવલપમેન્ટ જેવા અનેક પ્રોજેક્ટ આમાં સામેલ કરાયા.
 
૧ લાખ કરોડ રૂપિયાના રોકાણથી ૨૦૨૩ સુધીમાં ૧૦૦ નવા એરપોર્ટ્સના નિર્માણનું આયોજન અને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડેલથી છ એરપોર્ટ્સ - વારાણસી, અમૃતસર, ભુવનેશ્ર્વર, ઈંદોર અને રાયપુરને વિકસિત કરવા. જેમાં ૨૫ લાખથી વધુ રોજગારીના નિર્માણની સંભાવના. નવી દિલ્હી - નોઈડા પાસે બની રહેલા દેશનાં સૌથી મોટા જેવર એરપોર્ટ સાથે મોલ, મલ્ટીપ્લેક્ષ, મંડી, પબ અને મેટ્રો રેલ રૂટ સંકળાયેલ, માત્ર એના થકી જ ૭ લાખ લોકો ત્રણ વર્ષમાં રોજગારી પ્રાપ્ત કરશે.
 
ભારતીય રેલવે દ્વારા ૧૦૯ રૂટો પર ટ્રેન ચલાવવા માટે પ્રાઇવેટ કંપનીઓને ‘રિકવેસ્ટ ફોર ક્વોલિફિકેશન (આરપીએફ)નું આમંત્રણ અપાયું, રેલવે બોર્ડના ચેરમેન મુજબ તો ૨૦૨૩ સુધીમાં પ્રાઇવેટ રેલવે શરૂ પણ થઈ શકે છે, ૩૦ હજાર કરોડ રૂપિયાના અને ૩૫ વર્ષના આ દીર્ઘ પ્રોજેક્ટનો હેતુ રેલવેમાં નવી ટેક્નોલોજી, યાત્રા સમયમાં ઘટાડો, રોજગારીની નવી તકોનું નિર્માણ અને યાત્રીઓને સુરક્ષા અને વિશ્ર્વસ્તરીય સુવિધાઓ આપવાનો છે. ઉપરાંત નવા પુલો, ક્રોસિંગ, નવી રેલવે લાઇનો જેવા અન્ય ૨૦૦ પ્રોજેક્ટ પણ રેલવેની યોજનામાં છે, જે થકી ૯ લાખ નવી રોજગારી ઊભી થશે.
 

 development_1   
 
૫.૩૫ લાખ કરોડ રૂપિયાના રોકાણનો ભારતમાલા પ્રોજેક્ટ દેશનો સૌથી વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. ૧૨ હજાર કરોડના ચાર ધામ ઓલ વેધર કનેક્ટિવિટી જેવા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલુ છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સ્પેશિયલ પર્પઝ વ્હિકલ દ્વારા ૫૦ હજાર કરોડ એકત્રિત કરવાની યોજના બનાવાઈ, આવી ઘણી હાઈવે યોજનાઓ થકી આવનારાં પાંચ વર્ષમાં ૨ કરોડ ૨૦ લાખ લોકો રોજગારી મેળવી શકશે.
 
ભારત પાસ્ો ૭૫૧૭ કિલોમીટર લાંબો દરિયાકિનારો, જેનાં બંદરો થકી દેશનો ૧૫ ટકા વેપાર થાય છે. સાગરમાલા અંતર્ગત ૫૭૭ જેટલાં પ્રોજેક્ટમાં ૯.૨ લાખ કરોડનું રોકાણ, જેમાં પોર્ટ મોડર્નાઈઝેશનના ૨૪૫, કનેક્ટિવિટી વધારવાના ૨૧૦, પોર્ટ લિન્ક્ડ ઈન્ડસ્ટ્રિયલાઈઝેશનના ૫૭ અને કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ માટેના ૬૫ પ્રોજેક્ટો કાર્યરત, જેના થકી ૪૦ લાખ પ્રત્યક્ષ અને ૬૦ લાખ પરોક્ષ મળીને કુલ ૧ કરોડથી વધુ લોકોને રોજગારી મળશે.
 
સરકાર દ્વારા ખર્ચ અને રોજગારી ઊભી કરવાનો મુખ્ય આધારસ્તંભ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ જ બની શકે. નીતિન ગડકરી કહે છે, ભારતને ૫૦થી ૬૦ લાખ કરોડના ફોરેન ડાયરેક ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે. જે મુખ્યત્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંતર્ગત આવે, જેથી કોરોના વાઈરસે અટકાવેલી અર્થતંત્રની ગાડીનાં પૈડાં ફરી ફાસ્ટ ટ્રેક પર દોડે અને રોજગારીમાં વૃદ્ધિ થાય. સરકારનાં રિપોર્ટ પ્રમાણે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) માટેનાં ટેન્ડરો લોકો સ્વીકારતા ના હોવાથી સરકાર epc ટેન્ડર મંગાવે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંં કામ કરતી કંપનીઓના જે તે ઇસ્યુઓનો યોગ્ય નિકાલ આવે તો પીપીપી મોડેલમાં વધુ કામ થઈ શકે.
 
દેશનાં મહત્ત્વનાં સ્ટેશનોના રિ-ડેવલપમેન્ટ પ્લાન્ટને અમેરિકા સ્થિત સ્કવેર્ડ કેપિટલ, જીએમઆર અને કલ્પતરુ ગ્રુપની કંપનીઓએ રોકાણમાં રસ દાખવ્યો છે. કેનેડાની ફેયર ફેક્સ કંપની ગત પાંચ વર્ષમાં પાંચ અરબ ડોલરનું રોકાણ કરી ચૂકી છે અને આવનારાં પાંચ વર્ષોમાં બીજા પાંચ અરબ ડોલરનું રોકાણ કરવાની છે તથા અન્ય.
 
આંતરરાષ્ટીય મુદ્રા કોષ (આઈએમએફ) મુજબ, આ સમય વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા માટે ખરાબ, પરંતુ ભારત દુનિયામાં સૌથી તેજ ગતિથી વધનારી અર્થવ્યવસ્થા બની રહેશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સેક્ટરો થકી આવનારાં પાંચ વર્ષની અંદર રોજગારીની પાંચ કરોડથી વધુ નવી તકોનું નિર્માણ થાય તો અર્થતંત્ર વેગીલું બને.