ચાણક્ય કહે છે...અણધારી આફત આવે તો શું કરવું ?

    ૦૨-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

Chanakya _1  H
 
 
પરીક્ષ્ય તાર્યા વિપત્તિઃ ।
 

“પારખીને અથવા પરીક્ષા કે કસોટી કરીને આફતને પાર કરવી”

 
પ્રત્યેક મનુષ્યના જીવનમાં આફત આવ્યા વિના રહેતી નથી. એકલું સુખ કોઈને મળતું નથી. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ એ મનુષ્યના જીવનનો સ્વાભાવિક ક્રમ છે. સુખથી છકી ન જવું અને દુઃખથી ગભરાઈ ન જવું એ મનુષ્યના જીવનમાં ગ્રહણ કરવા જેવો બોધ છે. આફત કોઈ મનુષ્યને કહીને આવતી નથી. ઓચિંતા આવતી આફતથી સામાન્ય માણસ ડરી જાય છે અને દુઃખી દુઃખી થઈ જાય છે. ગભરાવાથી કે ડરવાથી કંઈ આફત દૂર થઈ જતી નથી. એટલે આફતને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. વળી આફત અમુક સમય રહીને દૂર થાય છે એટલે કે કાયમી નથી. આફતનો હિંમતપૂર્વક સામનો કરવાથી આફત નાશ પામે છે. 



 
હવે આફતને દૂર કરવા માટે પહેલાં તે કઈ જાતની છે અને કયા ઉપાયથી તે દૂર થશે તેનો વિચાર કરવો જોઈએ. આફતને પારખીને સ્વસ્થતા રાખી તેનો ઉપાય વિચારવો ઘટે. આફતથી ગભરાઈ જઈ ગમે તેમ તેનાથી ભાગી જવાનો પ્રયત્ન કરવાથી અને ખોટો ઉપાય અજમાવવાતી આફત દૂર થતી નથી. મનુષ્યે પોતાના મનને સ્વસ્થ રાખી, તેને દૂર કરવાનો સાચો ઉપાય ખોળીને તેને અજમાવવો આવશ્યક છે. એમ કરવાથી આવેલી આફતમાંથી તરીને બહાર નીકળી શકાશે. આફત સામે પારોઠનાં પગલાં ભરવાથી આફત ત્યાં જ રહેશે અને દૂર થશે નહીં. જેમ રસ્તામાં આવતી નદીને તર જઈ સામે પાર જઈ શકાય છે તેમ આફતને પારખીને પાર જઈ શકાય છે. નદીનો પ્રવાહ તરી ગયા પછી નદી પછી આવતા બીજા સ્થાને જઈ શકાય છે. તેમ આફતને પાર કરી સુખ મેળવી શકાય છે. પ્રસ્તુત સૂત્રમાં આફતનો મુકાબલો કરવાનો ઉપદેશ ચાણક્યએ આપ્યો છે.
 
 
ચાણક્યનાં સૂત્રો…
 
આજના સ્પર્ધાત્મક જમાનામાં યુવાનોને સાચી સલાહ આપનાર જો કોઇ શ્રેષ્ઠ ગૂરૂ હોય તો તે ચાણક્ય છે. આશરે બે હજાર વર્ષ પહેલાં ચાણક્યે જે સૂત્રો રચ્યાં છે તે આજે પણ એટલા જ પ્રસ્તુત છે. ચાણક્યના બધા જ સૂત્રો, સુભાષિતોમાં આપણી વર્તમાનની દરેક મૂંઝવણનો ઉપાય મળી રહે છે. આજથી દરરોજ ચાણક્યનું જીવન ઉપયોગી એક સૂત્ર અહીં પોસ્ટ કરવામાં આવશે. વાંચવા માટે અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહો…
 
વેબસાઈટ   - www.sadhanaweekly.com
ફેસબૂક પેજ - https://www.facebook.com/sadhanasaptahik
ઇન્ટાગ્રામ   - https://www.instagram.com/sadhanasaptahik/
યુટ્યુબ       - Sadhana Saptahik
ટ્વીટર       - https://twitter.com/sadhanaweekly