દેવાદાર પાકિસ્તાન કોની હુંફથી કરોડો ડૉલર સુરક્ષા બજેટમાં વાપરે છે ?

    ૦૨-જુલાઇ-૨૦૨૦   
કુલ દૃશ્યો |

pakistan_1  H x
 
પાકિસ્તાનના વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર કેન્દ્રબિંદુ રહ્યું, ૧ લાખ ૨૮ હજાર ૯૦૦ કરોડ રૂપિયા સંરક્ષણ માટે ફાળવાયા, જે કુલ બજેટના ૧૮% અને ગત વર્ષ કરતાં ૪.૭ ટકા વધુ છે. ભારતનું સંરક્ષણ બજેટ ૩.૩૯ લાખ કરોડ છે, ત્રણ ગણુ વધારે.
 
ભારતની ત્રણેય પાંખો પાકિસ્તાન કરતાં મજબૂત. ભારતીય વાયુ સેના પાસે કુલ ૨૧૮૫ યુદ્ધવિમાનો જ્યારે પાક પાસે ૧૨૮૧, ભારતનાં ૮૧૦ એટેક એરક્રાફ્ટ સામે માત્ર ૪૦૪ એરક્રાફ્ટ જ. ભારતીય નૌસેના પાસે ૧૬ પનડુબ્બીઓ અને પાક પાસે ૫. ભૂમિદળ ૪૪૨૬ કોમ્બ્ૌટ ટેંકથી સજ્જ અને પાક પાસે માત્ર ૨૧૮૨ જ. સંરક્ષણ બાબતે પાકિસ્તાન કોઈ પણ તુલનામાં ભારતને આંબી શકે તેમ નથી, પરંતુ અણુશક્તિની તાકાત હોવાથી છાશવારે ફુંફાડા માર્યા કરે છે. સરહદ પર પ્રોક્સી વોર સતત ચાલું રાખે. છેલ્લાં ૧૦ વર્ષમાં ભારતમાં કુલ ૬૪૬૭ જેટલી આતંકી ઘટનાઓ ઘટી. ૨૦૧૪થી અત્યાર સુધીમાં પાક. પ્રેરિત આતંકને કારણે ભારતમાં ૮૮૨ જેટલા વીરો શહીદ થયા અને ૨૪૯૦ આતંકીઓનો મર્યા. ૨૦૧૬માં ઊરી એટેકમાં ૨૦, ૨૦૧૭માં સુકમા એટેકેમાં ૨૬, ૨૦૧૮માં સુકમામાં ૯, ૨૦૧૯માં પુલવામામાં ૪૬ ભારતીય વીરોએ જીવ ગુમાવ્યા એ હૃદય દ્રાવક. જોકે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી પાઠ જરૂર ભણાવ્યો. વાયુસેના અધિકારી અભિનંદનને પાકથી સહીસલામત પરત લાવી ભારતે પોતાની વૈશ્ર્વિક કૂટનીતિ અને અપ્રતિમ શક્તિનો ય પરચો આપ્યો. તેમ છતાં પાકિસ્તાનની પૂંછડી વાંકી જ રહી. છેલ્લાં ૪ મહિનામાં જ જૈશ, તોઈબા અને હિઝબુલ જેવા આતંકી સંગઠનના ચીફનો સફાયો થતાં પાકિસ્તાન ભોઠું યે પડ્યું.
 
જમ્મુ-કાશ્મીરમાં સરહદો પર આતંક ફેલાવતા પાકિસ્તાનીઓને ભારતીય સેના રોજ મારે છતાં ઘૂસણખોરી ચાલુ જ છે. બીજી તરફ ચીન પણ આપણી સરહદ પર આતંક અને દબાણ ફેલાવી રહ્યું છે. થોડા દિવસ પહેલાં જ ભારતના ૨૦ સૈનિકો શહીદ થયા. વિશ્ર્વમાં સતત ઊભરતા ભારત પ્રત્યે ચીનને દાઝ હોવાથી હવે પાકિસ્તાનનો સાથ લઈ બંને ભારત વિરુદ્ધ કાવતરાં કરતાં રહે છે. ચીન-પાક. ઈકોનોમિક કોરિડોર બનાવી ભારતને રંજાડવા ચીને પાકિસ્તાનને ૪૨ બિલિયન ડૉલરની સહાય કરી છે. ભારતીય સુરક્ષા એજન્સી મુજબ આર્થિક મદદ ઉપરાંત મિસાઈલ્સ અને હથિયારો પણ મોટા પ્રમાણમાં પૂરાં પાડ્યાં છે. ૨૦૧૫-૧૬માં ચીને જુદા જુદા પ્રોજેક્ટ અને સંરક્ષણ હથિયારોની ખરીદી માટે ૬૧ કરોડ ૯૦ લાખ ડોલરની સહાય કરી, પાકિસ્તાની આર્મી માટે ૫.૮ બિલિયન ડૉલર, કરાચી ન્યૂક્લિયર પ્લાન્ટ (K2& K3) માટે ચાઈના ડેવલપમેન્ટ બેન્કે ૨.૨૪ બિલિયન ડોલરની સહાય, કરાચી સરક્યુલર રેલ્વે પ્રોજેક્ટ માટે ૨.૦૭ બિલિયન ડોલર, કોરોટ પાવર સ્ટેશન પ્રોજેક્ટ માટે ૧.૪૨ બિલિયન ડોલર સહિત અન્ય ૧૯ પ્રોજેક્ટ માટે ૧૮.૮ બિલિયન ડોલરની લોન આપી છે. IMF મુજબ પાકિસ્તાને જૂન ૨૦૨૨ સુધી ૬.૭ અરબ ડોલરની રકમ ચીનને ચુકવવાની થાય છે. કોરોના સામે લડવાય બેઈજિંગ સમર્થિત એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંકે ૫૦ કરોડ ડોલરની મદદ કરી. ચીનની સામરિક મહત્વાકાંક્ષાને કારણે એ દશેય દિશાઓમાં પોતાનો દબદબો જાળવીને લડી રહ્યું છે. ચીનની મેલી મુરાદથી બેખબર જણાય છે. ડ્રેગન સમય આવે આખું પાકિસ્તાન ગળી શકે તેમ છે.
 
અમેરિકાએ પણ છેલ્લાં ૧૫ વર્ષમાં પાકિસ્તાનને ૨ લાખ કરોડથી વધુની આર્થિક મદદ કરી, કારણ કે અફઘાનિસ્તાનમાં પોતાના હિતની રક્ષા માટે અમેરિકાને પાકિસ્તાનની જરૂર હતી. આતંકી પાકિસ્તાનનો આતંકી ચહેરો જોઈ અમેરિકાએ ‘નો મોર’ કહીને પાકિસ્તાની સેનાને કરાતી ૧૬૦૦ કરોડની મદદ પર રોક લગાવી દીધી છે. ચીન, અમેરિકા જેવા દેશો અને વર્લ્ડ બેંક વગેરેનું પાકિસ્તાન પર ૪૧ લાખ કરોડ રૂપિયાનું દેવું છે. રશિયા પાસેથી ય પાકે ટી-૯૦ યુદ્ધ ટેંક ખરીદી. બલૂચિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા મુસ્લિમ બહુલ દેશો પાકિસ્તાનને ગાંઠતા નથી અને સામે પડ્યા છે. એમની સામે લડવા ય પાકે ઘણાં હથિયારો ખરીદવાં પડે છે. આ બધા ફિતૂરમાં પાકિસ્તાનનું દેવું વધી રહ્યું છે.
 
પાકિસ્તાન કરતાં અનેકગણી બહેતર સૈન્યશક્તિ જોઈ આપણી છાતી ગર્વથી જરૂર ફૂલે પણ શાંતચિત્તે વિચાર કરીએ તો સવાલ ઊઠે કે શું સંરક્ષણ પાછળ આટલા બધા પૈસા ખર્ચાય તે સારું કે ખોટું? કોઈ પણ દેશ માટે એની ભૂમિ, સરહદો અને એના થકી જનતાની સુરક્ષાથી વધીને કશું જ ના હોય એ પરમ સત્ય. પરિવારથી દૂર રહીને, પ્રતિકૂળ વાતાવરણમાં જીવસટોસટની બાજી લગાવી દેશની સુરક્ષા કરતા તમામ સૈનિકોને આધુનિક સાધનો અને યોગ્ય વ્યવસ્થા આપવી જ રહી, એમાં બે મત ના હોઈ શકે.
 
સ્ટોકહોમ સ્થિત થિંક ટેંક ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ મુજબ વર્ષ વૈશ્ર્વિક સરક્ષણ પાછળ ૨૦૧૭માં ૧૭૩૯ અરબ ડોલર, ૨૦૧૮માં ૧૮૨૨ અરબ ડોલર અને ૨૦૧૯માં ૧૯૧૭ અરબ ડોલરનો ખર્ચ થયો છે. આ આંકડો વરસો વર્ષથી સતત વધતો રહ્યો છે. દુનિયાભરમાં સંરક્ષણ પાછળ ખર્ચાતા આ અબજો રૂપિયા સૌની સુરક્ષા જરૂર કરે છે પણ ચોતરફ શાંતિ હોય, આતંકથી મુક્ત વાતાવરણ હોય તો આ પૈસા વિકાસ પાછળ જરૂર વાપરી શકાય.
 
અમેરિકા, ચીન, રશિયા, વર્લ્ડ બેંક અને મુસ્લિમદેશોની સહાય પર જીવતું પાકિસ્તાન, ચીનને દુધાળી ગાય સમજીને દોહી રહ્યું હોય તેનો ભ્રમ છે, તો વિસ્તારવાદી ચીનને પડોશમાં સરહદોની જ્યાં તકરાર ત્યાં નબળા પક્ષે સમર્થન આપી, ભૂમિ આંચકવામાં જ રસ છે. ઉછીના નાણાં, નવા પ્રોજેક્ટ અને સંરક્ષણ સહાય આપી ડ્રેગન પાકિસ્તાનને ભરખી જશે તો નવાઈ નહીં.
 
જય હિન્દ !