વાત છેલ્લા કેટલાક દાયકાઓમાં પ્રાણીઓ મારફતે માનવીમાં સંક્રમિત થયેલા રોગોની...

    ૨૧-જુલાઇ-૨૦૨૦   
કુલ દૃશ્યો |

anival vs human _1 & 
 

પ્રાણીઓ મારફતે ફેલાતી બીમારીઓ વધુ ઘાતક કેમ સાબિત થાય છે ?

વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ દર વર્ષે એક અબજથી પણ વધુ લોકો પ્રાણીઓને કારણે બીમાર પડે છે. જો માનવીએ જંગલી જીવોને મારવાનું અને તેનું ઉત્પીડન આ જ રીતે ચાલુ રાખ્યું તો તેને કોરોનાથી પણ ગંભીર મહામારીઓનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
 
સંયુક્ત રાષ્ટની પર્યાવરણ સાથે જોડાયેલ સંસ્થા યુએન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એન્ડ ઇન્ટરનેશનલ લાઇવસ્ટોક રિસર્ચના એક અહેવાલ મુજબ કોરોના વાઈરસ જેવી ખતરનાક મહામારીઓ માટે પર્યાવરણને થતા સતત નુકસાન પ્રાકૃતિક સંસાધનોનું અતિદોહન, જલવાયુ પરિવર્તન અને જંગલી જીવોના ઉત્પીડન જેવાં કારણો જવાબદાર છે. જો માનવીએ જંગલી જીવોને મારવાનું અને તેનું ઉત્પીડન આ જ રીતે ચાલુ રાખ્યું તો તેને કોરોનાથી પણ ગંભીર મહામારીઓનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.છેલ્લાં કેટલાક વર્ષો દરમિયાન જાનવરો અને પક્ષીઓમાંથી માનવીઓમાં ફેલાતી બીમારીઓ અચાનક વધી ગઈ છે. વિજ્ઞાનની ભાષામાં આ પ્રકારની બીમારીઓને ‘જુનેટિક ડિસીઝ’ કહેવામાં આવે છે. વિશેષજ્ઞો મુજબ જાનવરોને કારણે થતી અલગ અલગ પ્રકારની બીમારીઓને કારણે દર વર્ષ વિશ્ર્વભરમાં ૨૦ લાખથી વધુનાં મૃત્યુ થઈ જાય છે. યુ.એન. એન્વાયરમેન્ટ પ્રોજેક્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઇંગર એડર્સન મુજબ પાછલાં ૧૦૦ વર્ષોમાં માનવી નવા જ વાઈરસને કારણે થનારા ઓછામાં ઓછા છ જેટલાં મહા સંક્રમણોનો ભોગ બની ચૂક્યો છે. હવે વાત છેલ્લા કેટલાક દાયકાઓમાં પ્રાણીઓ મારફતે માનવીમાં સંક્રમિત થયેલા રોગોની...
 

પ્રાણીઓ મારફતે કેવા કેવા રોગો માણસોમાં ફેલાયા છે

 
વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ દર વર્ષે એક અબજથી પણ વધુ લોકો પ્રાણીઓને કારણે બીમાર પડે છે. છેલ્લા બે દાયકામાં જ પ્રાણીઓ મારફતે ૨૦૦૩માં સાર્સ, ૨૦૦૭માં ઝિકા વાઈરસ, ૨૦૦૯માં સ્વાઈન ફ્લુ, ૨૦૧૪માં ઈબોલા, ૨૦૧૫માં ઇબોલા વાઈરસ અને ૨૦૧૯માં કોરોના વાઈરસ જેવી આવેલી મહામારીઓએ વિશ્ર્વને ધ્રુજાવ્યું છે. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ છેલ્લા ત્રણ દાયકામાં માણસોમાં ૩૦ પ્રકારની નવી બીમારીઓએ દેખા દીધી છે, જેમાંથી ૭૦% બીમારીઓ તો માત્ર પ્રાણીઓ મારફતે જ આવી છે. ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન મુજબ દુનિયામાં ૯૦ ટકાથી પણ વધુ માંસ ફેક્ટરી કે ફાર્મમાંથી આવે છે ત્યાંથી જ આ બીમારીઓ માણસોમાં ફેલાવાની શક્યતા સૌથી વધુ હોય છે, કારણ કે અહીં પ્રાણીઓને ગીચોગીચ રાખવામાં આવે છે અને સાફસફાઈની સ્થિતિ કેટલી બદતર હોય છે તે યૂટ્યુબ ઉપર આ અંગેના વીડિયો જોતાં સમજમાં આવી જાય છે. ૨૦૦૩માં સાર્સની બીમારી ચામાચીડિયામાંથી ફેલાઈ હતી. ૨૦૦૯માં સ્વાઇન ફ્લુ ભૂંડમાંથી ફેલાયો હતો. મર્સ નામની બીમારી ઊંટમાંથી આવી હતી. ઇબોલા ચામાચીડિયા ઝીકા વાઈરસ વાંદરામાંથી, કોરોના ચામાચીડિયા કે કીડીખાઉ (પેંગોલીન)માંથી તો હાલ ચીનમાં જ દેખા દીધેલા G4EA H1N1 નામના ખતરનાક વાઈરસે પણ ભૂંડ (ડુક્કર) મારફતે ફેલાઈ રહ્યો છે. ચીનના જ એક વૈજ્ઞાનિકે ચેતવણી આપી છે કે, આ વાઈરસ કોરોનાથી પણ વધુ ઘાતક સાબિત થઈ શકે છે.
 

anival vs human _1 & 

પ્રાણીઓ મારફતે ફેલાતી બીમારીઓ વધુ ઘાતક કેમ સાબિત થાય છે ?

 
વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ પ્રાણીઓ દ્વારા ફેલાતા સંક્રમણની માહિતી મેળવવી ઘણી જ મુશ્કેલ છે અને સંક્રમણ ખૂબ જ ઓછા સમયગાળામાં અનેક દેશોમાં ફેલાઈ જાય છે અને અનેક લોકો મૃત્યુ પામે છે. આવું એટલા માટે થાય છે કે, આવા આકસ્મિક અને અજાણ્યા વાઈરસના સામના માટે કોઈ જ દેશ તૈયાર હોતો નથી. તેનો અસરકારક ઇલાજ કે દવા પણ શોધી શકાતી નથી અને શોધવામાં આવે છે ત્યાં સુધી વિશ્ર્વને ખૂબ મોટું નુકસાન થઈ ચૂક્યું હોય છે. કોરોના વાઈરસને લઈને પણ હાલ એ જ થઈ રહ્યું છે. અચાનક ત્રાટકેલા આ વાઈરસ સામે લડવાનો વિશ્ર્વને સમય જ મો નહીં. પરિણામે આજે પણ તેનો તોડ મળી રહ્યો નથી. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ દર વર્ષે એક અબજથી વધુ લોકો પ્રાણીઓના કારણે બીમાર પડે છે અને તેનો સૌથી વધુ ભોગ જે લોકો તેનો ભોજન તરીકે ઉપયોગ કરે છે તે બને છે. હવે વાત માંસાહારથી કેવા પ્રકારનું નુકસાન થાય છે તેની...
  
 
anival vs human _1 &

સ્વાદ સંતોષવા દરરોજ પ્રાણીઓની કત્લેઆમ મચાવાય છે

 
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ મુજબ માણસો દર વર્ષે ૫ હજાર કરોડ મરઘી ખાઈ જાય છે. માણસોની ભૂખ સંતોષવા માટે દર વર્ષે ૧૫૦ કરોડ જેટલા સૂવર (ભૂંડ)ની કતલ કરવામાં આવે છે. દર વર્ષે ૫૦ કરોડ ઘેટાં કસાઈઘરોમાં વધેરાઈ જાય છે. માંસભક્ષીઓની ભૂખ સંતોષવા દર વર્ષે ૩૦ કરોડ ગાય, ભેંસો અને વાછરડાંઓની ગરદન પર છરા ચલાવી દેવામાં આવે છે. એટલે કે માંસાહારીઓનો સ્વાદ સંતોષવા દર વર્ષે લગભગ ૫ હજાર ૨૦૦ કરોડ જાનવરોની હત્યા કરી દેવામાં આવે છે. એટલે કે દરરોજ વિશ્ર્વમાં ૧૪ કરોડ ૨૫ લાખ જાનવરોની કત્લેઆમ મચે છે.

પ્રકૃતિ માટે પણ વિનાશક છે માંસાહાર

 
ધરતીના સ્વાસ્થ્ય માટે પણ માંસાહાર ખૂબ જ નુકસાનકારક છે. માંસ ઉત્પાદન દ્વારા જે કાર્બન ઉત્સર્જન થાય છે તે વિશ્ર્વમાં થતા કુલ કાર્બન ઉત્સર્જનના ૨૦ ટકા જેટલો છે અને આ ઉત્સર્જન વિશ્ર્વ આખાનાં વાહનો હવાઈ જહાજ, ટ્રેન અને પરિવહનનાં બીજાં સાધનો દ્વારા થતા કાર્બન ઉત્સર્જનથી પણ વધુ છે. આવી જ રીતે માંસાહારી વાનગીને ભોજનની થાળી સુધી પહોંચવામાં શાકભાજીના મુકાબલે ૧૦૦ ગણા પાણીનો વપરાશ થાય છે. અડધો કિલો બટાકા ઉગાડવા માટે જ્યાં ૧૨૭ લીટર પાણી વપરાય છે, જ્યારે એટલા જ પ્રમાણમાં માંસના ઉત્પાદન માટે ૯ હજાર લીટરથી વધારે પાણી બરબાદ થાય છે. જ્યારે અડધો કિલો ઘઉંનો લોટ બનાવવા માટે ૬૮૧ લીટર પાણીનો વપરાશ થાય છે. એક કિલો માંસ ઉત્પાદન માટે જેટલા પ્રમાણમાં કાર્બન ઉત્સર્જન થાય છે, તે ત્રણ કલાક સુધી કાર ચલાવવા દરમિયાન થતા ઉત્સર્જન જેટલું હોય છે. માંસ ઉત્પાદન માટે જાનવરોને મોટી સંખ્યામાં પાળવામાં આવે છે અને તેને માટે મોટા પ્રમાણમાં અનાજ, જગ્યા અને પાણીની જરૂર પડે છે. Friend of Earth નામની સંસ્થા મુજબ માંસાહારની વાનગીઓના ઉત્પાદન કરવા માટે દર વર્ષે લગભગ ૬ લાખ હેક્ટર જંગલ કાપી નાખવામાં આવે છે. જેથી કરીને તે જમીન જાનવરોને પાળવાના ઉપયોગમાં લઈ શકાય. આ જમીન યુરોપિયન દેશ બેલ્જિયમથી બે ગણી વધારે છે. ૪૦૦ ગ્રામ માંસ ઉત્પાદન માટે ૪૦ કિલો એવા પદાર્થો ઉત્સર્જિત થાય છે જે ભૂમિગત જળને ઝેરી બનાવે છે. વિશ્ર્વમાં જેટલું પીવા યોગ્ય પાણી છે તેમાંથી ૭૦ ટકા પાણી ખેતી માટે વપરાય છે અને આમાંથી એક ખૂબ મોટો ભાગ મીટ - માંસ ઉત્પાદન માટે ઉછેરાતાં પશુઓ પાછળ ખર્ચાય છે. ત્યારે જો લોકો ભોજનમાં વધુ ને વધુ શાકાહારનાં આગ્રહી બને તો જાનવરોના પાલન માટે ઉપયોગમાં લેવાતી ૧૬૦ કરોડ હેક્ટર જમીન મુક્ત થઈ જશે, જે ભારતના કુલ ક્ષેત્રફળથી પણ બમણી છે. વૈજ્ઞાનિકો તો એટલે સુધી કહે છે. જો વિશ્ર્વ આખું અઠવાડિયામાં એક દિવસ માટે પણ ચુસ્ત શાકાહારનું પાલન કરે તો ધરતીને બચાવવા તરફનું મોટું પગલું સાબિત થશે, કારણ કે માંસાહાર ઓછો થવાને કારણે ગ્લોબલ વોર્મિંગ ઓછું થશે અને પૃથ્વીના વાતાવરણને ઠંડું બનાવવામાં મદદ મળશે.



anival vs human _1 & 

પ્રકૃતિ સાથે છેડછાડ પણ મહામારીઓ વકરાવે છે

 
એક નવા સંશોધન મુજબ પ્રકૃતિ સાથે જે રીતે વિનાશક છેડછાડ થઈ રહી છે તેને કારણે પણ આ પ્રકારની મહામારીઓ વધી છે. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને પણ લોકોને આ અંગે ચેતવણી ઉચ્ચારી છે. વર્તમાન સમયમાં પ્રકૃતિ સાથે થઈ રહેલી છેડછાડ વિશ્ર્વભરના જાનવરો માટે ખતરો બની ગઈ છે. અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટી મુજબ દર વર્ષે જાનવરોની ૩૦ હજાર પ્રજાતિઓ દુનિયામાંથી વિલુપ્ત થઈ રહી છે. માનવી પોતાના ફાયદા માટે આડેધડ જંગલો કાપી રહ્યા છે અને દરરોજ લગભગ ૫ હજાર ૭૬૦ એકર જંગલ બર્બાદ કરી દેવામાં આવે છે. એટલે કે દરરોજ આપણા સંસદ ભવનના આકારની એક હજાર ઇમારતો બને તેટલાં જંગલો સાફ કરી દેવામાં આવે છે. ઈ.સ. ૧૯૭૦થી ૨૦૧૦ વચ્ચે જંગલોમાં રહેતાં જાનવરોની સંખ્યા બાવન ટકા ઓછી થઈ ગઈ છે.
 

માનવી જ વાઈરસને જાનવરોમાંથી માણસમાં ફેલાવવા માટે જવાબદાર

 
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના વેટનરી શાળાના સંશોધક રિસર્ચર ક્રિસ્ટીન જોનસન કહે છે કે માનવી જ વાઈરસને જાનવરોમાંથી માણસમાં ફેલાવવા માટે જવાબદાર છે. સાયંસ જર્નલ પ્રોસીડિગ્સ ઓફ ધી રોયલ સોસાયટીની બાયોલોજિકલ સાયન્સમાં તાજેતરમાં જ એક રિસર્ચ પેપર જાહેર થયું હતું. આ રિસર્ચ પેપરના મુખ્ય લેખક ક્રિસ્ટીન જોનસન મુજબ વન્યજીવો અને તેમના રહેઠાણ સાથે આપણે જે હદે છેડછાડ કરી રહ્યા છીએ તેનું પરિણામ એ આવ્યું છે કે ગંભીર પ્રકારના વાઈરસો પ્રાણીઓમાંથી નીકળી આપણા શરીરમાં પ્રવેશી રહ્યા છે. પ્રકૃતિ સાથે છેડછાડ કરવાને કારણે પ્રાણીઓ માનવવસ્તીમાં આવવા મજબૂર બન્યા છે. પરિણામે તેમનામાંથી વાઈરસો માનવોમાં સંક્રમિત થઈ રહ્યા છે. ક્રિસ્ટીન જોનસન અને તેમના સાથીઓએ એવા ૧૪૨ કેસોનો અભ્યાસ કર્યો છે. જેમાં કોઈ બીમારી જાનવરો મારફતે માણસોમાં પહોંચી હોય, આ સંશોધન મુજબ માણસોની નજીક રહેતાં જાનવરો જેવાં કે ઉંદર, ચામાચીડિયા અને વાંદરાઓ દ્વારા આ પ્રકારનાં સંક્રમણો વધુ ફેલાયાં છે. પરંતુ આ સંશોધનમાં ખૂબ જ મહત્ત્વનો નિષ્કર્ષ વિલુપ્ત થવાના આરે પહોંચેલા જાનવરો સાથે જોડાયેલો છે. જે મુજબ કોઈ બીમારી કે પ્રાકૃતિક રીતે લુપ્ત થવાના આરે આવે પહોંચેલાં જાનવરોની તુલનામાં શિકાર, તસ્કરી અને પ્રાકૃતિક આવાસને કારણે અસ્તિત્વના સંકટનો સામનો કરતાં જાનવરોએ માનવસમાજમાં બે ગણું સંક્રમણ ફેલાવ્યું છે.
 
ક્રિસ્ટિન કહે છે કે, અમારી પાસે જે ડેટા (માહિતી) છે. તે મુજબ લુપ્તપ્રાય પ્રજાતિઓમાંથી વાઈરસના સંક્રમણ બે રીતે થાય છે. એક તો શિકાર અને તસ્કરી મારફતે માનવી આવાં જાનવરોના સંપર્કમાં આવે છે. જાનવરોનાં મળ-મૂત્ર, લોહી અને તેમાંથી નીકળતી અન્ય ચીજોના સંપર્કમાં શિકારીઓ આવે છે. પરિણામે સંક્રમણનું જોખમ વધી જાય છે. આ જાનવરોને વેચાણ માટે બજારમાં લઈ જવામાં આવે છે. જ્યાં મંડળીઓમાં તે જાનવરોને અન્ય જાનવરો સાથે રાખવામાં આવે છે. જ્યાં એક જાનવરમાંના વિષાણુઓ બીજા જાનવરમાં આસાનીથી પ્રવેશી જાય છે.

શું પ્રાકૃતિક આપદાઓ માટે પણ માંસાહાર જવાબદાર છે ?

 
૨૦૧૮માં રુસમાં ભૂસ્ખલન અને પ્રાકૃતિક હોનારતો પર એક આંતરરાષ્ટીય સમ્મેલન યોજાયું હતું. આ સમ્મેલનમાં ભારતથી ગયેલા ડૉ. મદનમોહન બજાજ, ડૉ. ઇબ્રાહિમ અને ડૉ. વિજયરાજસિંહ સહિત વિશ્ર્વભરના ૨૩થી વધુ ભૌતિક વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરાયેલ એક શોધપત્રના આધારે કહેવામાં આવ્યું હતું કે, ભારત, જાપાન, નેપાલ, અમેરિકા, જોર્ડન, અફઘાનિસ્તાન, આફ્રિકામાં છેલ્લાં થોડાંક વર્ષોમાં જે ૩૦ જેટલા ભૂકંપો આવ્યા હતા તેના માટે આઇસ્ટીન પૈન વેવ્ઝ કે નોરીપ્શન વેવ્ઝને જવાબદાર ઠેરવી હતી અને આ તરંગો એટલે કે કતલખાનામાં જ્યારે પશુઓની કતલ કરવામાં આવે છે. ત્યારે તેમની ચીસો, તડપ વાતાવરણમાં ત્યાં સુધી રહે છે જ્યાં સુધી તે જીવનું માંસ, લોહી અને ચામડું સંપૂર્ણ રીતે નષ્ટ નથી થઈ જતું. તે જીવની કણસ તેને ખાનાર સહિત સમગ્ર વાતાવરણમાં ભય, રોગ અને ક્રોધ ઉત્પન્ન કરે છે, જેને પરિણામે અજ્ઞાત મહામારી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ સહિતની આપદા આવે છે. આ સંશોધન મુજબ. પચાસ જાનવરોની હત્યાથી ૧૦૪૦ મેગાવોટ ઊર્જા જેટલી ઈપીડબલ્યુ પેદા થાય છે અને વિશ્ર્વનાં નાનાં-મોટાં એવાં ૫૦ લાખ જેટલાં કતલખાનાં મારફતે દરરોજ સરેરાશ ૫૦ લાખ કરોડ મેગાવોટની મારકક્ષમતાવાળા શોકતરંગો એટલે કે ઇપીડબ્લ્યુ પેદા થાય છે.
 

anival vs human _1 & 

શાકાહાર જ એક માત્ર રસ્તો !

 
યુએન એન્વાયરમેન્ટ પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એડર્સન કહે છે કે પાછલાં ૫૦ વર્ષોમાં વિશ્ર્વભરમાં માંસનું ઉત્પાદન ૨૬૦% વધી ગયું છે. અનેક એવા સમુદાય છે જે ઘણેખરે અંશે ભોજન માટે પાલતું અને જંગલી જીવજંતુઓ પર નિર્ભર છે. ત્યારે વાઈરસોથી બચવા માટે આપણે માંસાહાર છોડવો જ પડશે.


૨૦૧૬માં નેશનલ એકેડમી ઓફ સાયન્સના એક સંશોધન મુજબ જો દુનિયામાં તમામ લોકો માંસાહાર છોડી માત્ર શાકાહાર પર આવી જાય તો ૨૦૫૦ સુધી ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં ૭૦% સુધીનો ઘટાડો આવી શકે છે. શાકાહારની વાત આવે ત્યારે કેટલાક લોકો તર્ક આપે છે કે, જો દુનિયા શાકાહારી બની જાય તો શું આપણી પાસે ખાવા માટે એટલું અનાજ હશે ખરું ? આનો જવાબ આપતાં PETA સંસ્થા કહે છે કે, પ્રાણીઓને ખાવા માટે પાળવાં વધુ ખર્ચાળ હોય છે, કારણ કે પ્રાણીઓ વધુ અનાજ ખાય છે. તેની સરખામણીએ તેમનામાંથી ઘણું જ ઓછું માસ, ડેરી પ્રોડક્ટ અને ઈંડા મળે છે. વૈજ્ઞાનિકો માને છે કે, કોઈ પ્રાણીથી એક કિલો માસ લેવા તેને ૧૦ કિલો અનાજ ખવડાવવું પડે છે. વિશ્ર્વભરમાં માત્ર પ્રાણીઓ જ ૮.૭૦ અબજ લોકોની કેલરીની જરૂરિયાત બરાબરનું અનાજ ખાઈ જાય છે, જે હાલની માનવવસ્તીથી ઘણું વધારે છે. વર્લ્ડ વોચ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર આપણે હાલ એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં દરરોજ ૬ માંથી ૧ વ્યક્તિને ભૂખ્યા સૂવું પડે છે. અને આ પરિસ્થિતિ માટે સૌથી મોટાં કારણોમાં એક કારણ એ પણ છે કે માંસની લાલચમાં અનાજનો મોટા પાયે બગાડ થાય છે. તેના બદલે જો સીધું જ માણસને એ અનાજ મળે તો વિશ્ર્વમાં કોઈપણ વ્યક્તિને ભૂખ્યા સૂવું નહીં પડે. ત્યારે જો વિશ્ર્વમાં શાકાહારને પ્રોત્સાહન આપવામાં આવે તો માનવ પ્રજાતિને મહામારીથી બચાવવાની સાથે સાથે ભરપેટ ભોજન પણ પૂરું પાડી શકાય છે.