લંકાની લાડી ને ઘોઘાનો વર | કહેવત કથા

    ૦૩-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

lanka ni ladi ne ghogha n
 
‘લંકાની લાડી અને ઘોઘાનો વર’ એ કહેવત ગુજરાતમાં ખૂબ જ જાણીતી છે. આ કહેવત કેવી રીતે પડી તે અંગેની બે-ત્રણ કિંવદંતીઓ કહેવાય છે. આમાંની એક કિંવદંતી પાછળ જ્યોતિષશાસ્ત્રનો મહાન ગ્રંથ પડેલો જોઈ શકાય છે.
 
વર્ષો પૂર્વેની વાત છે. એ કાળે ઘોઘા, સૌરાષ્ટ્રનું ધીકતું બંદર હતું. ભાવનગર શહેરનો વિકાસ થયા પછી ઘોઘા બંદરની પડતી થઈ, પણ ભાવનગરની સ્થાપના પૂર્વે ઘોઘા વ્યાપારી વહાણોની અવરજવરથી ધમધમતું બંદર હતું. દેશવિદેશથી માલ ભરીને આવતાં વહાણો આ દરિયાકાંઠે લાંગરવામાં આવતાં. લંગર નાખેલાં વહાણો માથે ફરકતા વાવટા ઘોઘાબંદરની જાહોજલાલીની છડી પોકારતાં.
 
બંદરકાંઠે વસેલા ઘોઘાનગરમાં વરાહ નામના સમર્થ જ્યોતિષી રહેતા હતા. પચ્ચીસ ગાઉના પંથક માથે એમના નામનો ડંકો વાગતો, ખગોળનું એમનું જ્ઞાન અગાધ હતું. જ્યોતિષ ગણિતના અનેક ગ્રંથો એમણે રચ્યા હતા. જ્યોતિષમાં ગણિત અને ફલિત એવા બે વિભાગો છે. એમાં ગણિતમાં વરાહે ભારે નિપુણતા મેળવી હતી. ફલિતમાં તેમનું જ્ઞાન પરિપૂર્ણ નહોતું. એમ એમના હાથે થયેલી એક ગંભીર ભૂલ પરથી અનુમાન કરી શકાય છે.
 
આ સમર્થ જ્યોતિષી મહાપંડિત પર કુદરતે કૃપા કરી. એમની ધર્મપત્નીની કૂખે દેવના ચક્કર જેવા દીકરાનો જન્મ થયો. વરાહજીને ઘેર પુત્રજન્મ થતાંની સાથે વધાઈની થાળી વાગી. છઠ્ઠે દિવસે છઠ્ઠી કરી. વિદ્યાત્રીદેવીએ રૂમઝૂમ પગલે આવીને એના ભાગ્યમાં આડીઅવળી રેખાઓ પાડી. એ પછી એમણે ગણિત કરી પુત્રરત્નની કુંડળી મૂકી અને ફ્લાદેશ જોવા બેઠા. ફલાદેશ જોતાં જ એમના હૈયે ચિંતાની શારડી ચક્કરભમ્મર ફરવા માંડી. ફરીવાર ફલાદેશ જોતાં એમને પુત્રનું આયુષ્ય ઓછું જણાયું. ઈશ્ર્વરે દીકરો તો દીધો પણ એનું આયુષ્ય આઠ-દસ વર્ષનું જ, એમણે વિચાર્યું. આઠ-દસ વર્ષની માયા લગાડીને દીકરો દિવંગત થઈ જવાનો. વહેલો મોડો વિયોગ તો આવવાનો જ છે. માયા ને મમતાના બંધન પછી એ વિયોગનું દુ:ખ વધુ વસમું થઈ પડશે. લાલનપાલન પછી પુત્રવિયોગનું દુ:ખ જીવનને અકારું કરી નાખશે. દસ વર્ષ પછી જેને છોડવાનો છે એનો ત્યાગ આજથી જ શા માટે ન કરવો? એમ વિચારીને કુંભારના ઘેરથી માટીનું પાકું માટલું મંગાવી. એમાં દીકરાને સુવરાવી વરાહે ભારે હૈયે માટલાને સમુદ્રમાં તરતું મૂકી દીધું.
 
રામ રાખે એને કોણ ચાખે ? ઘૂઘવતા સાગરના અગાધ જળ પર તરતું ઊછળતું કૂદતું માટલું છેક લંકા સુધી પહોંચ્યું. બાળકની જીવાદોરી લાંબી હતી ને? અહીં લંકામાં સુકર્મા નામના વિદ્વાન ફળજ્યોતિષી રહેતા હતા. સમુદ્રમાં સ્નાન કરતા હતા ત્યાં માટલું એમના હાથમાં આવી ગયું. આ જ્યોતિષીએ તરત જ બાળકની ગ્રહકુંડળી મૂકી. આ બાળક કોનું ને કેવી રીતે અહીં સુધી આવ્યું તે પળવારમાં જ જાણી લીધું. આ સુકર્મા પંડિતજીને સંતાનમાં એક પુત્રી હતી. આથી તે સમુદ્રમાંથી સાંપડેલા બાળકને પોતાના ઘેર લઈ ગયા. પંડિતજીએ બાળકનું નામ મિહિર રાખ્યું.


 
સુકર્મા જ્યોતિષના ફળવિભાગના સમર્થ જ્ઞાતા હતા. તેઓ પોતાની પુત્રીને પણ જ્યોતિષવિદ્યા શીખવતા હતા. મિહિર મોટો થતાં પંડિતજીએ એને પણ જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરાવવા માંડ્યો. કહેવતમાં કીધું છે કે ‘સોળે સાન અને વીસે વાન’ આવે છે. સોળ વર્ષની ઉંમરે અલપઝલપ કરતો મિહિર જ્યોતિષશાસ્ત્રના ફળવિભાગમાં પારંગત થયો. આથી પ્રભાવિત થયેલા સુકર્મા પંડિતજીએ મિહિર સાથે પોતાની પુત્રીને પરણાવવાનો સંકલ્પ કર્યો. મિહિરના કાને આ વાત નાખીને દાણો દબાવી જોયો.
 
પંડિતજીની વાત સાંભળીને મિહિર તો ઘડીભર અચંબામાં પડી ગયો. મિહિર સમજણો થયો ત્યારથી સુકર્મા પંડિતજીને પોતાના પિતા જ સમજતો હતો. એટલે પંડિતજીએ એના જન્મનું રહસ્ય પહેલી જ વાર ખોલ્યું : ‘મિહિર, તું મારો પુત્ર નથી. હું તો તારો પાલ્ય પિતા છું. તારો જન્મ તો કાઠિયાવાડમાં આવેલા ઘોઘા શહેરમાં થયો હતો. વરાહ નામના સમર્થ જ્યોતિષી તારા સાચા પિતા છે. તેઓ મહાવિદ્વાન હોવા છતાં ફ્લાદેશ જ્ઞાન પરિપૂર્ણ ન હોવાથી એમણે તારું આયુષ્ય ઓછું જાણી તને માટલામાં મૂકી દરિયાદેવના ખોળે તરતો મૂકી દીધો હતો. કર્મસંજોગે એ માટલું મારા હાથમાં આવ્યું. મારે ત્યાં સંતાનમાં દીકરો નહોતો. દૈવસંજોગે મને દીકરો મળ્યો.. મેં તને ઉછેરીને મોટો કર્યો. મારું જ્યોતિષનું જ્ઞાન અને વિદ્યા યથામતિ તને આપ્યાં છે. હવે તુ પારંગત થયો છે. તારા પાલનમાં કદાચ કોઈ ક્ષતિ રહી ગઈ હશે તો મારી આ પારંગત પુત્રી દૂર કરશે. એ કારણે જ તમારા બંનેનું પાણિગ્રહણ થાય તો તો જ્યોતિષજગત ઉપર બહુ મોટો ઉપકાર થશે. તમે બંને મળીને જ્યોતિષવિદ્યાનો પુનરુદ્ધાર કરી શકશો. ઇતિહાસને પાને તમારાં નામ સુવર્ણઅક્ષરે લખાશે.’
 
પંડિતજીની ઇચ્છા અને આદેશ અનુસાર આજ્ઞાંકિત મિહિર તેમની પુત્રી સાથે લગ્ન સંબંધે બંધાયો. બંને પતિ-પત્ની પંડિતજીની રજા લઈને વહાણમાં બેસીને સ્વદેશ જવા નીકળ્યાં. વહાણ ઘોઘા બંદરે આવીને ઊભું રહ્યું. મિહિરને પોતાનું ઘર શોધતાં વાર ન લાગી. લક્ષ્મીસ્વરૂપ પત્ની સાથે આંગણે આવીને ઊભેલા પુત્રને પિતાએ ઓળખી કાઢ્યો. વરાહના બત્રીસે કોઠે આનંદના દીવડા પ્રગટ્યા. પિતાને શાસ્ત્રસંબંધી પોતાની ભૂલ સમજાઈ. એમણે પોતાની ભૂલની ક્ષમા આપવા પુત્રને વિનંતી કરી. પિતા-પુત્ર આનંદથી ભેટી પડ્યા.
 
પછીથી વરાહ, મિહિર અને એની ધર્મપત્ની ત્રણેએ મળીને વિચાર્યું કે જ્યોતિષની ભૂલને કારણે પિતાપુત્રને જે કષ્ટ વેઠવું પડ્યું એવું કષ્ટ બીજા કોઈને વેઠવું ન પડે તે માટે જ્યોતિષસંબંધી ચોક્કસ આગાહી કરી શકાય એવા અમૂલ્ય ગ્રંથો આપણે આપવા, જેથી કોઈ જ્યોતિષાચાર્ય કે પંડિતની ગણિતમાં ભૂલ ન થાય.
 
એ પછી પતિ, પત્ની અને સસરાએ સાથે મળીને નવો ‘સંહિતા ગ્રંથ’ રચ્યો.. એમાં પ્રત્યેક પળની કુંડળી પરથી ફલાદેશ રચવામાં આવ્યો. સૌરાષ્ટ્ર અને ગૂર્જરરાષ્ટ્ર ૪ અક્ષાંશ અને ૭૦થી ૭૪ રેખાંશ વચ્ચે હોવાથી એ અક્ષાંશ રેખાંશના આધારે વર્તતા પ્રત્યેક લગ્નની અંશવાર કુંડળીઓ કરી. આમ ફલાદેશનો સૌપ્રથમ સર્વાંગ સંપૂર્ણ ગ્રંથ રચાયો. આ ગ્રંથ આજે ‘ભૃગુસંહિતા’ના નામે ઓળખાય છે. આ લંકાની લાડી અને ઘોઘાના વરે જ્યોતિષશાસ્ત્રના અભ્યાસીઓ માટે અમૂલ્ય ખજાનો ખુલ્લો મૂકી દીધો. ભારતભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું. ત્યારથી આ કહેવત લોકજીભે રમતી આવે છે, ‘લંકાની લાડી ને ઘોઘાનો વર’. કોઈની દીકરીને દૂર દેશાવર પરણાવે ત્યારે પણ આ કહેવત કહેવાય છે.