કુદરતે ભારતને આપેલા મજબૂત ફેંફસાઓ વિશે તમે જાણો છો? આવો જાણીએ અને કદર કરીએ

    ૦૪-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

indian tree_1  
 
વન એ પૃથ્વી પરનો સૌથી વિશાળ, જટિલ અને મહામૂલી નૈસર્ગિક સંપત્તિ ધરાવતો પ્રદેશ છે. મનુષ્ય માટે વન એ સ્વાસ્થ્ય, માનસિક શાંતિ, આનંદ અને સાંસ્કૃતિક વિકાસનો સ્રોત છે. લીલાંછમ વૃક્ષોથી શોભતો વનવિસ્તાર એ પૃથ્વીમાતાનું શ્વસનતંત્ર છે, તેથી જ તો વૈજ્ઞાનિકો વૃક્ષોને Lungs of the planet earth કહે છે. પૃથ્વીમાતાનાં આ ફેફસાં પોતાના ભોગે આપણે ગંદી કરેલી હવાને શુદ્ધ કરવાનું ભગવદીય કાર્ય કરતાં રહે છે. તેથી જ તો જર્મન વાર્તાકાર અને કવિ હરમાન હેસ કહે છે : જ્યારે પણ કોઈ દુષ્કાળિયા પ્રદેશમાં એકલું ઊભેલું ઝાડ જોઉં છું ત્યારે તેને વધુ પ્રેમ કરું છું. એ મને એકાંતમાં સાધના કરી રહેલા ઋષિ જેવું ભાસે છે.



 
હરમાન હેસ આગળ કહે છે કે હિન્દુસ્તાન ભાગ્યશાળી છે કે કુદરતે તેને વડલા, પીપળા, રૂખડા, શીમળા, રાયણ, ગુલમહોર જેવાં અનેક અનેક મહાકાય વૃક્ષો આપ્યાં છે. હરમાન હેસ વિદેશી છે, તેથી તેને ભારતને મળેલાં આ મજબૂત ફેફસાંઓની કદર છે, પરંતુ આપણને ભારતવાસીઓને કુદરતે મફતમાં આપેલી આ અમૂલ્ય ભેટની જરાય દરકાર નથી. તેથી તો આપણે વનોનું આડેધડ છેદન કરતાં રહીએ છીએ!
 
નવેમ્બર-૨૦૦૫માં એપ.એ.ઓ.એ જાહેર કરેલા એક સર્વેક્ષણનાં તારણો અનુસાર વિશ્વમાં દર મિનિટે ૨૫ હેક્ટર જેટલાં કુદરતી વનોનો નાશ થઈ રહ્યો છે. જો આ ઝડપે વનોનો નાશ થવાનું ચાલુ રહ્યું તો ટૂક સમયાં જ આપણી મા પૃથ્વી તેનું શ્વસનતંત્ર ખોઈ બેસશે. પછી આપણે પૃથ્વી પર શી રીતે જીવીશું ?
 
એક સમય એવો હતો કે જ્યારે ભારતના દરેક ગામનું પાદર હરિયાળાં વૃક્ષોથી શોભતું હતું. એ વૃક્ષોના છાંયે સુંદર રીતે બાંધેલા ઓટલા પર વૃદ્ધો તથા રાહદારીઓ વિસામો લેતા. એ વૃક્ષોનાં ફળ, ફૂલ, ઔષધિઓ તથા લાકડાંનો ગામના લોકો છૂટથી ઉપયોગ કરતા. તો સાથેસાથે એ વૃક્ષોનું જતન પણ એટલા પ્રેમથી કરતા.
 

lung of the planet_1  
 
વૃક્ષોએ માનવીના ભાગદોડભર્યા જીવન પર કરેલી કટાક્ષકથા છે, જે આપણી સૌની આંખ ઉઘાડનારી છે. વૃક્ષો પ્રકાશના પૂજક છે. ઊંચાઈના આરાધક છે, સંસ્કૃતિના રક્ષક છે. વૃક્ષ બીજસ્વરૂપમાંથી જેમજેમ મોટુ થતું જાય તેમ તેમ પોતાનાં બધાં અંગો જેવા કે ફળ, ફૂલ, પાન, મૂળ, પ્રકાંડ, બીજ વગેરેનો માનવ અને અન્ય પશુ-પંખીઓના ઉપયોગ માટે સમર્પિત કરી દે છે, તેમ છતાં આટલા મોટા પરમાર્થનો પણ તે જરાય અહંકાર કરતું નથી અને પોતાના પગ (મૂળ) તો જમીનમાં ધરબાયેલા જ રાખે છે. જ્યારે માનવી તો જરાક-અમથું જ્ઞાન મેળવી લે તો પણ તેના ગુમાનનો પાર રહેતો નથી. તે જમીનથી બે વેંત અધ્ધર ચાલવા લાગે છે. મનુષ્યે જો જ્ઞાનવાન, પ્રજ્ઞાવાન બનવું હોય તો જ્ઞાનના ખજાનામાં ઊંડા ઊતરવું પડે અને એ જ્ઞાનને વિતરિત કરવા વૃક્ષોની જેમ નિરહંકારી થઈને જ્ઞાનનો ફેલાવો કરવો પડે, વૃક્ષોની માફક વિસ્તરિત થવું પડે.
 
વૃક્ષો ખીલીને બીજાને સુગંધ આપે છે, પાંગરીને તાજાં ફળો અને શાકભાજી આપે છે, વિકસીને કેટલાયે ખાદ્યપદાર્થો આપે છે, ફેલાઈને ઠડી શીતળ છાયા આપે છે, કપાઈને મનુષ્યના ઘરની શોભા બને છે. વૃક્ષો તો અવિનાશી ઉપદેશકો છે. તેથી તો ભારતીય સંસ્કૃતિમાં બહેનો વડ, પીપળા જેવાં વૃક્ષોની પૂજા કરે છે, કારણ કે વૃક્ષ જ આપણું જીવનરક્ષક છે. પર્યાવરણ સંરક્ષણનો મુખ્ય સ્રોત જ વૃક્ષો, વનો છે. તેથી તો ગુજરાતમાં હાલ સામાજિક વનીકરણ યોજના દ્વારા ખૂબ મોટી ક્રાંતિ આણવામાં આવી છે. રાજ્યમાં જંગલવિસ્તારની બહારના વિસ્તારોમાં પણ વિપુલ પ્રમાણમાં વૃક્ષારોપણ થાય તે માટે સરકારના વનવિભાગ દ્વારા મફત રોપાવિતરણ કાર્યક્રમ, જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષ વાવવાની અને ઉછેરવાની અપીલ, વૃક્ષપૂજન, વૃક્ષમંદિરો જેવા અનેક કાર્યક્રમોને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે ત્યારે આપણે સૌ આપણા આંગણામાં વૃક્ષો વાવીએ, વૃક્ષોનું છેદન ન કરીએ તથા વૃક્ષોનું જતન કરીએ, તો વિશ્વવનદિનની ઉજવણી ખરા અર્થમાં સાર્થક કરી ગણાશે.
 
ચિનગારી : વર્ષના ૩૬૪ દિવસ પર્યાવરણની ઘોર ખોદીએ છીએ, એટલે જ વનદિવસ મહોત્સવ કરવો પડે છે !
 
- ડૉ. મિતા હરીશ થાનકી