તંત્રીલેખ - ચોતરફથી ઘેરાઈ ગયેલું ચીન, ભારતની વધતી શાખ

    ૦૧-ઓગસ્ટ-૨૦૨૦   
કુલ દૃશ્યો |

china_1  H x W: 
 

બહિષ્કાર....બહિષ્કાર....બહિષ્કાર....? 

 
‘પહેલો સગો પાડોશી’નો ધર્મ બજાવવાને બદલે ‘પહેલો દુશ્મન પાડોશી’ જેવી હરકતો ચીન ઘણા સમયથી કરી રહ્યું છે. ચીનની સરહદો અને સંબંધો જેટલા દેશો સાથે છે એમાંના મોટાભાગમાં એણે વિશ્ર્વાસઘાતના વાઈરસ ફેલાવ્યા છે. કોરોના કાળની પરાકાષ્ઠાએ ચીનને સબક શીખવાડવા દુનિયાના ૮ દેશો - અમેરિકા, બ્રિટન, જાપાન, જર્મની, કેનેડા, સ્વીડન, ઓસ્ટ્રેલિયા અને નોર્વેના સાંસદોએ ચીન વિરુદ્ધ એક મોટું ગઠબંધન બનાવ્યું. ચીન વિરુદ્ધ ‘ડી-કપલિંગ’ અર્થાત્ તમામ રીતના બહિષ્કારની મૂવમેન્ટ આદરી છે.
 

ચીનને ઝટકો

 
અમેરિકાએ ચીનની ૧૧ કંપનીઓની સામે પ્રતિબંધ લાદ્યો અને વેપારમાં ઘટાડો કર્યો. ચીનની અમેરિકામાં આવેલી સંપત્તિઓ જપ્ત કરવા અને વિઝા રદ કરવા સંસદમાં ઠરાવ, ચાઈનિસ વેપાર પર ૩૪.૪૬ લાખ કરોડ સુધીની ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવાની જાહેરાત અને હ્યુુસ્ટન સ્થિત દૂતાવાસ બંધ કરવાનો ય આદેશ આપ્યો. જાપાને ચીનમાં વેપાર કરતી પોતાની ૫૭ કંપનીઓને પાછી બોલાવી લીધી. જાપાને એ કંપનીઓને ૫૩.૬ કરોડની સહાય કરવી પડશે, છતાં આ નિર્ણય લીધો. એપલ પોતાનું યુનિટ ચીનમાંથી હટાવી રહ્યું હોવાથી એ સૌથી મોટી-મોંઘી બ્રાન્ડના ફાયદા ગુમાવશે અને એ યુનિટ ૭૬૦૦ કરોડના રોકાણ સાથે ભારતમાં આવતાં દેશ ફાયદામાં આવશે. બિટિશ સરકારે તેના મોબાઈલ પ્રોવાઈડરોને ૩૧મી ડિસેમ્બર પછી ચાઈનિસ કંપનીઓ પાસેથી ઉપકરણો ખરીદવા પર પાબંદી લગાવી અને ચીની કંપની ખ્વાવેની 5G કીટ દૂર કરવા તાકીદ કરી. રશિયાએ પણ S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી અટકાવી ચીનને ઝટકો આપ્યો.

આ વરસે માર્કેંટમાંથી ચાઈનીઝ રાખડીઓ લગભગ ગાયબ દેખાય છે. 

 
ચીન પાકિસ્તાનને પડખામાં લઈ સીપીઈસી પ્રોજેક્ટ અંતર્ગત ૪.૫૬ લાખ કરોડનું રોકાણ, અન્ય હથિયારો અને આર્થિક મદદ, ગિલગીટ બાલ્ટિસ્તાનમાં ડેમ, પીઓકેમાં ય પોતાનો કબજો વધારી ભારતને સામરિક, વ્યાપારિક અને આર્થિક રીતે નુકસાન કરવાના ઉધામા કરી રહ્યું છે, પરંતુ ભારતીય કૂટનીતિથી એને ધારી સફળતા મળી નથી. ભારતે ચીનને સબક શિખવાડવા પહેલા તબક્કામાં તેની ૫૯ અને બીજા તબક્કામાં ૪૭ એપ્લિકેશનો પર પ્રતિબંધ લગાવ્યો, જેના કારણે ટીકટોક અને હેલોની માલિકી ધરાવતી બાઈયટ ડાન્સ કંપનીને માત્ર ભારતમાં ૭૬૦૦ કરોડ રૂપિયાનો ફટકો, BSNLનો ચાઈનિસ પોડક્ટ્સ ખરીદવા પર પ્રતિબંધ, ભારતીય રેલવેએ ચીન સાથેનો ૪૭૧ કરોડનો કરાર રદ કર્યો. આઈપીએલમાંથી ચીની કંપનીઓની સ્પોન્સરશિપ રદ્ અને દેશના નાના વેપારીઓ પણ ચીનની પ્રોડક્ટસ છોડી સ્વદેશી તરફ વળ્યા. આ વરસે માર્કેંટમાંથી ચાઈનીઝ રાખડીઓ લગભગ ગાયબ દેખાય છે.
 

ચીનની જીડીપી ઘાટી રહી છે... 

 
આ બધાને કારણે ચીનના માર્કેંટમાં ભારે હલચલ મચી ગઈ. કોફિનના છેલ્લા ખીલા જેમ ભારતે ચીન સાથેના વેપારમાં રજિસ્ટ્રેશન, ઈ-માર્કેંટમાં મૂળ દેશનો ઉલ્લેખ જેવી નવી શર તો અને પ્રતિબંધો ય લાદ્યા. ભારતે આ વર્ષે ચીનમાંથી ૭૫ અરબ ડોલરનો સામાન આયાત કર્યો અને ૧૮ અરબ ડોલરનો સામાન નિકાસ કર્યો, જેમાં ભારતને ૫૬.૭૭ અરબ ડોલરનો ટ્રેડ ડેફિસીટ રહ્યો. ફેડરેશન ઓફ ઇન્ડિયા ટ્રેડર્સ મુજબ ચીન સાથેનો કારોબાર અટકે તો ભારતનું આ નુકસાન બચે અને ચીનને ય ઓછામાં ઓછું ૭૫ અરબ ડોલરના વ્યાપારનું નુકસાન થાય. ચીનનો GDP ૧૪.૩૪ ટ્રિલિયન ડોલર(૧ હજાર ૭૨ લાખ કરોડ) હતો, જેમાં ૬.૮ ટકાનો ઘટાડો થઈ ચૂક્યો છે. અમેરિકા, બ્રિટન, જાપાન અને ભારત જેવા દેશો મક્કમતાથી અવિરત વિરોધ કરશે તો નિષ્ણાતોના મત મુજબ આ ઘટાડો ૧૬ ટકા સુધી જઈ શકે છે.
 

ચીન સામે દુનિયાની ટક્કર... 

 
ચીનની જમીનનો કુલ ૪૩ ટકા ભાગ પચાવી પાડેલો છે. ૧૪ દેશો સાથે તેની સરહદ મળતી હોવા છતાં ૨૩ દેશો સાથે વિવાદ તેની વિસ્તારવાદી નીતિની જ દ્યોતક. ઘૂસણખોરી / આર્થિક મદદ કરીને, દેશને નબળો પાડીને પચાવી પાડવા એ એની જૂની ફિતરત છે. માલદિવે ચીનને ભાડાપટ્ટે આપેલા ટાપુઓ પર કબજો જમાવ્યો, નેપાળમાં પ્રોજેક્ટના નામે ૯૫૦ કરોડનું રોકાણ કરી, તેને દબાવીને પોતાની ભાષા બોલતું કર્યું, શ્રીલંકામાં ૩૬૪૮૦ કરોડનું રોકાણ, શ્રીલંકા વ્યાજ ચૂકવવા અસમર્થ બનતાં હંબનટોટા બંદરગાહને ૯૯ વર્ષના ભાડાપટ્ટે લખાવી લઈ બીજી ૧૫ હજાર એકર જમીન પચાવી પાડી, જે ભારતથી માત્ર ૧૫૦ કિ.મી દૂર હોવાથી નુકસાનની સંભાવના ખરી. ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ, સિંગાપોર અને થાઈલેન્ડ જેવા દસ દેશોનું આસિયાન સંગઠન પણ ચીનની દાદાગીરીથી નારાજ, અમેરિકાએ તેમને ટેકો જાહેર કરી ચીનને ટક્કર આપવા ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે ચતુષ્કોણીય ધરી રચવાની દિશામાં પૂરજોશ પ્રયત્નો ય આદરી
દીધા છે.
 

ચીનની સામે વૈશ્ર્વિક સ્તરે આક્રમકતા  

 
કોરોના અને વિશ્ર્વાસઘાતના વાઈરસે ચીનને જ સંક્રમિત કર્યું. તેની સંખ્યાબંધ પ્રોડક્શન કંપનીઓ અને ૧૧ વીમા કંપનીઓ દેવાળું કાઢવાની અણી પર હોવાથી ચીને એનો વહીવટ પોતાને હસ્તક લીધો, જેની કુલ અસ્ક્યામતો ૧૭૧.૫ અબજની અધધ છે. કોમ્યુનિસ્ટ ચીન આર્થિક સહિત અનેક નુકસાનોનો સામનો કરી રહ્યું છે, પણ આદત મુજબ દેશની આંતરિક અશાંતિ દબાવી રહ્યું છે. વિશ્ર્વ આખાની ફેક્ટરી સમા ચીનના કેટલાક પ્રાંતમાં વેપાર ઘટતાં ઐતિહાસિક બેરોજગારી સર્જાઈ છે, રોજીરોટીનું સંકટ ઊભું થયું છે. નવી પ્રોડક્ટસ લોંચ કરવા મેન્યુફેક્ચર થયેલો માલ ગોડાઉનો ભરીને પડ્યો રહ્યો અને આર્થિક બોજો વધ્યો. અંદરોઅંદર નેતૃત્વના ય પ્રશ્ર્નો ઊઠી રહ્યા છે. જિનપિંગને જનતાના વિરોધનો ડર હતો તેથી પાડોશીઓ સાથે ટકરાઈ ધ્યાન બીજે વાળવાના પ્રયત્નો કર્યા પણ એ પાસા ય ઊંધા પડ્યા. વૈશ્ર્વિક સ્તરે એણે ભોંઠપનો સામનો કરવો પડ્યો. વધુમાં ક્વાડ અંતર્ગત ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાએ ગંઠબંધન કરી પ્રશાંત મહાસાગરમાં ચીનનું પ્રભુત્વ ખતમ કરવા કમર કસી. અમેરિકાએ ભારતને અતિ મહત્વના G-7 સંગઠનનો વિસ્તાર કરી ભારતને તેમાં સમાવવાનો પ્રસ્તાવ મૂકી ચીનને આંતરરાષ્ટ્રીય સ્તરે ય મોટો ઝટકો આપ્યો છે. ચીનની સામે વૈશ્ર્વિક સ્તરે આક્રમકતા ભારતની વિશ્ર્વસ્તરે વધતી શાખનું પરિણામ.
 

ન રહેગા વ્યાપાર - ન બચેગા ચીન ! 

 
ચીન હવે ચારે બાજુથી આર્થિક, સમાજિક, રાજકીય અને સામરિક રીતે ઘેરાઈ ચૂક્યું છે. આપણી જૂની કથાઓમાં જેમ રાક્ષસનું મોત તેની છાતી ચીરવાથી નહીં પણ પોપટની ડોક મરડવાથી થવાનું હતું તેમ ચીનના આર્થિક દબદબાનો અંત આટલા વિરોધથી નહીં આવે. એક્સપોર્ટ ‘વેપાર’ નામના પોપટમાં એનો જીવ છે. ભારતના નેતૃત્વમાં વિશ્ર્વના સૌ દેશો સાથે મળી એની ડોક મરડી નાંખે એટલે ચીનની સાન ઠેકાણે આવશે. વિસ્તારવાદ તથા અન્ય રાષ્ટ્રોને આર્થિક ગુલામીના સકંજામાં લેતાં અટકશે. - ન રહેગા વ્યાપાર - ન બચેગા ચીન !