દુશ્મનને પણ પ્રેમ કરે એ સાચો સજ્જન - મોરારિબાપુ

    ૦૧-ઓગસ્ટ-૨૦૨૦   
કુલ દૃશ્યો |

moraribapu_1  H
 
લખનૌની કથામાં મારી પાસે એક પ્રશ્ર્ન આવ્યો હતો કે ભગવાન સર્વજ્ઞ છે તો શું પરમાત્માને ખબર ન્હોતી કે મારિચ મૃગ બનીને આવ્યો છે એ નકલી છે ? ભગવાનને એક બાજુ પર રાખીએ તો એક સામાન્ય માણસને પણ ખબર પડે કે સુવર્ણમૃગ ગમે ત્યાં ન ફરતું હોય. સોનું જ્યારે લક્ષ્મી બને ત્યારે ચેતન છે. મારી સમજ મુજબ એ પૈસા છે. જે લક્ષ્મી બહુ સરળતાથી મળી જાય છે એ એટલી જ સરળતાથી જતી રહે છે.
 
અન્યાયોપાર્જિતં દ્રવ્ય દશ વર્ષાણિ તિષ્ઠતિ ।
પ્રાપ્તે એકાદશે વર્ષે સમૂલં ચ વિનશ્યતિ ॥
 
મહેનતથી આવેલી લક્ષ્મી કદી સરળતાથી નાશ પામતી નથી. લોક ઉપયોગમાં આવે એ લક્ષ્મી શ્રેષ્ઠ છે. ઓશો રજનીશ કહે છે કે ‘અપીલ કરે તે શિષ્ય નહીં, દલીલ કરે તે દાસ નહીં અને ભાંજગડ કરે તે ભક્ત નહીં.’ શિષ્યમાં સમર્પણ અને સેવકમાં નિઃસ્વાર્થવૃત્તિ હોવી જરૂરી છે. લક્ષ્મીનો દુરુપયોગ પણ ટાળવો જોઈએ. પુરાણોમાં લક્ષ્મીની પ્રાપ્તિ મહામુશ્કેલીએ થઈ છે એનાં ઉદાહરણો છે. સુર અને અસુરોએ મળીને કેવી કેવી યોજના બનાવી અને અથાગ મંથન પછી લક્ષ્મી નીકળી. લક્ષ્મી મળી પુરુષાર્થથી પણ ભગવાન વિષ્ણુ પાસે આવી તો સૌની પાત્રતા અનુસાર સૌને વહેંચી હતી.
 
ચરિત્ર જીવી બતાવવું એ લોઢાના ચણા ચાવવા જેવું છે. ગાંધીજીએ આત્મકથાની પ્રસ્તાવનામાં લખ્યું છે કે ‘મારો ‘આત્મકથા લખવાનો કોઈ ઇરાદો ન હતો. હું જે જીવ્યો છું એવું જ બધા સમક્ષ રજૂ કરવા માગું છું.’ ‘સત્યના પ્રયોગો’માં જીવનના પ્રયોગો છે. ઉમાશંકર જોશી ગાંધીજી વિશે કાવ્ય લખતા કહે છે કે ‘મારું જીવન એ જ મારી વાણી.’ ગાંધીજી કહે છે કે ‘મારો જન્મ વૈષ્ણવ સંપ્રદાયમાં થયો હતો. હું નાનો હતો ત્યારે મા મને હવેલીમાં લઈ જતી ત્યારે એ હવેલીનો વૈભવ મને પ્રભાવિત કરી શક્યો નહીં. વળી ત્યાંની કેટલીક નીતિરીતિ પણ મારા માટે સહ્ય ન હતી. બાળપણમાં મને ડર ખૂબ લાગતો હતો. ત્યારે બા કહેતી કે ‘રામ રામ’ બોલવાથી ડર જતો રહેશે. ત્યારથી મારામાં રામનામની નિષ્ઠા દૃઢ થઈ.
 
રામે રાવણ પર વિજય મેળવ્યો એ પછી રામે લક્ષ્મણને કહ્યું કે ‘રાવણ આપણો દુશ્મન ભલે રહ્યો પણ એના જેવું જગતમાં કોઈ વિદ્વાન નથી. એ હવે થોડા સમયનો મહેમાન છે. તું એના ચરણે જઈ રાજકારણ અને નીતિશાસ્ત્ર ભણી આવ.’
લક્ષ્મણને આ વાત ગમી નહીં પણ મોટાભાઈની આજ્ઞા કદી ઉથાપી નહોતી. લક્ષ્મણ રાવણ પાસે પહોંચ્યા અને જ્ઞાનનો લાભ આપવા વિનંતી કરી. રાવણે અસ્ખલિત વાણીમાં જ્ઞાનનો ધોધ વહાવ્યો. લક્ષ્મણ તો અચંબિત થઈ ગયા. એમણે રાવણને પૂછ્યું કે ‘તમે આટલા જ્ઞાની હોવા છતાં સીતાજીનું હરણ કેમ કર્યું ?’ ત્યારે રાવણે હસીને કહ્યું કે ‘હું અને સમગ્ર રાક્ષસ જાતિ રામના હાથે મૃત્યુ પામીને મોક્ષ પ્રાપ્ત કરવા માગતા હતા. વિભીષણ ધર્મના પંથે હોવાથી એને તો પહેલેથી જ મોક્ષ મળી ગયો હતો. એટલે મેં એને આમાંથી બાકાત રાખ્યો હતો.’
 
રાવણથી ખૂબ પ્રભાવિત થઈને લક્ષ્મણ રામ પાસે ગયા. રામ પ્રત્યે પણ એમને વધુ સન્માન ઊપજ્યું કે દુશ્મનની ખૂબી પણ એ જાણે છે. વળી એમની પાસેથી કંઈક સારું પ્રાપ્ત કરી શકાય તો એ પણ સ્વીકારવું. આ માત્ર રામ જ કરી શકે છે. લીલામાં અભિનય હોય છે, ચરિત્રમાં જીવન જીવવું પડે છે. બંને વચ્ચે આ મૌલિક અંતર છે. રામ જ્યારે લીલા કરે છે ત્યારે એ અભિનય કરી રહ્યા હોય છે.
 
જેવી રીતે જાનકીનું અપહરણ થાય છે અને રામ ચોધાર આંસુએ રડે છે તો એ અભિનય છે. જાનકી અગ્નિમાં સમાઈ જાય છે એ લીલા છે. એટલા માટે ગોસ્વામીજી શબ્દપ્રયોગ કરે છે ‘મૈં કુછ કરબ લલિત નરલીલા’. આજે પણ રામલીલાની જેમ કૃષ્ણલીલાનું મંચન થાય છે. આપણે કૃષ્ણ થોડા છીએ ? આપણે તો એનો અભિનય કરીએ છીએ. ચરિત્ર તો રામે જીવી બતાવ્યું. આપણે પણ મહાપુરુષોના જીવનનો અભિનય કરી શકીએ તો ધન્ય ધન્ય...

આલેખન : હરદ્વાર ગોસ્વામી