વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો અહેવાલ કહે છે પૃથ્વીને બચાવવા હવે આટલું તો આપણે કરવું જ પડશે…

    ૦૧-ઓગસ્ટ-૨૦૨૦   
કુલ દૃશ્યો |

world economic forum_1&nb
 
 
દુનિયામાં સુખી કોને ગણવો, એને કે જેની પાસે અધધ સંપત્તિ છે કે પછી જેની પાસે અસીમ શાંતિ છે તેને ?
 
જીડીપી પાછળની આંધળી દોટમાં આપણે ગ્રોસ ડોમેસ્ટિક પીસ એટલે કે શાંતિનો તિરસ્કાર તો નથી કરી રહ્યા ને ?
 
દુનિયાની સમૃદ્ધિ જ દુનિયા માટે સૌથી મોટો ખતરો બની ગયો છે. પરંતુ ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને સ્વિત્ઝર્લેન્ડના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ નવા અહેવાલમાં આ જ દાવો કરવામાં આવ્યો છે.
 

 
વૈજ્ઞાનિકો મુજબ વિશ્વના કેટલાક લોકો જરૂરિયાતથી વધારે વસ્તુઓનો સંગ્રહ કરી રહ્યા છે. તેમની આ જ લાલચ પ્રકૃતિ માટે સૌથી મોટો ખતરો બની ગઈ છે.
 
આજે લોકો પૃથ્વી પરનાં સંસાધનોનું જરૂરિયાત કરતાં વધારે પ્રમાણનું દોહન કરી રહ્યા છે અને તેમની આ જ લાલચ, પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ, કુદરતી આપત્તિઓ, જળસંકટ અને ખરાબ મૌસમ જેવી આફતોને વકરાવી રહી છે.
 
વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ગ્લોબલ રિસ્ક અહેવાલ મુજબ આવનારા દાયકામાં માનવજાત માટે સૌથી મોટો ખતરો પરમાણુ હથિયારો નહીં. જલવાયુ પરિવર્તન એટલે કે ગ્લોબલ વોર્મિંગ છે.
 
ઇતિહાસ ગવાહ છે કે પ્રકૃતિએ સમય સમય પર માનવજાતને એ સંદેશો આપ્યો છે કે તારી આ લાલચ અસ્થાયી છે અને માનવજાતની આ લાલચ પ્રકૃતિ સામે લાંબો સમય ટકી શકવાની નથી.
 
શું એવું શક્ય છે ખરું કે દુનિયા સમૃદ્ધ પણ બને અને પ્રકૃતિને ઓછામાં ઓછું નુકસાન થાય ? આ સવાલનો જવાબ minimalism માં એટલે કે ખૂબ જ ઓછી ચીજો સાથે જીવન જીવવાની વૃત્તિ એટલે કે ઓછામાં ઓછી સુખ-સુવિધાઓવાળું જીવન. દુનિયામાં આ મુદ્દે હાલ ચર્ચા થઈ રહી છે અને વિશ્વભરના વૈજ્ઞાનિકો લોકોને આ માર્ગ અપનાવવાની સલાહો આપી રહ્યા છે. જે અપરિગ્રહવાદને લઈ હાલ વિશ્વ આખું ઉત્સાહિત છે, તેની વાત ભારત સદીઓથી કરતું આવ્યું છે. આપણા ધર્મગ્રંથો હજારો વર્ષોથી આ માર્ગ પર ચાલવાનો સંદેશ આપતા રહ્યા છે.
 

world economic forum_1&nb 
 
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ગ્લોબલ રિસ્કના તાજેતરમાં આવેલ એક અહેવાલ મુજબ. આગામી દસ વર્ષોમાં માનવજાત પર સૌથી મોટો ખતરો પરમાણુ હથિયારોનો નહીં, બલ્કે જલ-વાયુ પરિવર્તન એટલે કે ગ્લોબલ વોર્મિંગથી છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમે આગામી દસ વર્ષો માટે ૧૦ મોટા ખતરાની યાદી બનાવી છે. આ યાદીમાં પ્રથમ પાંચ ખતરા પર્યાવરણ સાથે જોડાયેલા છે. આપણી પૃથ્વીને વિનાશના આરે લાવવા માટે ક્યાંક ને ક્યાંક આપણી વધુ પડતી લાલચ જવાબદાર છે. પ્રસ્તુત છે આ અંગે વિશેષ છણાવટ...
 
કોઈ તમને સવાલ પૂછે કે, તમને શાંતિ કે પૈસા બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનું કહેવામાં આવે તો તમે શું પસંદ કરશો ? ભલભલા ધુરંધરો પણ આ મુદ્દે એક ઝાટકે જવાબ નહીં આપી શકે, હા, કોઈ કહેવા ખાતર કહી દે કે, શાંતિ. પરંતુ જ્યારે તેમની સામે ખરેખર આ બે વિકલ્પમાંથી એકની પસંદગી કરવાની આવે ત્યારે એ કોઈ પણ છાતી ઠોકીને કહી ન શકે તે ‘પૈસો’ ‘સમૃદ્ધિ’ છોડી શાંતિને પસંદ કરશે. તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમી ફોરમ ગ્લોબલ રિસ્કનો જે અહેવાલ આવ્યો છે તેમાં પણ આ જ તરફ ઇશારો કરવામાં આવ્યો છે.
 
અર્થ અને સમૃદ્ધિને જ સાચું સુખ માનનારા વર્તમાન સમયમાં કોઈપણ દેશની સમૃદ્ધિ અને વિકાસ તેના જીડીપી આધારે જ આંકમાં આવે છે. જે તે દેશની અર્થવ્યવસ્થાને આધારે જ નક્કી થાય છે કે, તે દેશમાં રહેતા લોકો કેટલા સમૃદ્ધ છે. આજે પ્રાથમિક કક્ષાનું શિક્ષણ લેતા બાળકો પણ જીડીપીની વિકાસ દરની વાતો કરતા હોય છે ત્યારે સવાલ એ થાય છે કે હાલ વિશ્ર્વમાં જે રીતે જીડીપી અને સમૃદ્ધિને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે તેટલું મહત્ત્વ આપવાની જરૂર છે ખરી ! દુનિયામાં સુખી કોને ગણવો, એને કે જેની પાસે અધધ સંપત્તિ છે તેને કે પછી જેની પાસે અસીમ શાંતિ છે તેને ? જીડીપી પાછળની આંધળી દોટમાં આપણે ગ્રોસ ડોમેસ્ટિક પીસ એટલે કે શાંતિનો તિરસ્કાર તો નથી કરી રહ્યા ને ?
 
જે લોકો સમૃદ્ધિ અને આરામદાયક જીવન માટે સંઘર્ષ કરે છે. તેમને કદાચ આ વાત નહીં પચે. પરંતુ દુનિયાભરના વૈજ્ઞાનિકો હવે માનવા લાગ્યા છે કે દુનિયાની સમૃદ્ધિ જ દુનિયા માટે સૌથી મોટો ખતરો બની ગયો છે, પરંતુ ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને સ્વિત્ઝર્લેન્ડના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ નવા અહેવાલમાં આ જ દાવો કરવામાં આવ્યો છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિશ્ર્વ માટે હાલ સૌથી મોટો ખતરો કોરોના વાઈરસ નહીં, પરંતુ બલ્કે અતિશય સમૃદ્ધિ છે. વૈજ્ઞાનિકો મુજબ વિશ્ર્વના કેટલાક લોકો જરૂરિયાતથી વધારે વસ્તુઓનો સંગ્રહ કરી રહ્યા છે. તેમની આ જ લાલચ પ્રકૃતિ માટે સૌથી મોટો ખતરો બની ગઈ છે. આજે લોકો પૃથ્વી પરનાં સંસાધનોનું જરૂરિયાત કરતાં વધારે પ્રમાણના દોહન કરી રહ્યા છે અને તેમની આ જ લાલચ, પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ, કુદરતી આપત્તિઓ, જળસંકટ અને ખરાબ મૌસમ જેવી આફતોને વકરાવી રહી છે.
 
વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ગ્લોબલ રિસ્ક અહેવાલ મુજબ આવનારા દાયકામાં માનવજાત માટે સૌથી મોટો ખતરો પરમાણુ હથિયારો નહીં. જલ-વાયુ પરિવર્તન એટલે કે ગ્લોબલ વોર્મિંગ છે. ફોરમ દ્વારા આગામી ૧૦ વર્ષો માટે ૧૦ મોટા ખતરાની જે યાદી બનાવી છે તેમાં પરમાણુ બોમ્બ જેવાં વિનાશક હથિયારોને બીજા નંબરે રાખવામાં આવ્યાં છે, જ્યારે જલ-વાયુ પરિવર્તન પ્રથમ સ્થાને છે અને આ યાદીમાં પાંચ ખતરા પર્યાવરણ સાથે સંકળાયેલા છે અને તેના મૂળમાં માનવીની લાલચ જવાબદાર ઠેરવવામાં આવી છે. આ સંભવિત ખતરાઓને લઈ ફોરમ દ્વારા એક સર્વેક્ષણ થયું છે જેની અસર આગામી દાયકામાં સમગ્ર વિશ્ર્વ પર પડવાની છે અને જેને લીધે દુનિયાભરના લોકોનું જીવન બદલાઈ જવાનું છે તેવા ખતરાઓની યાદી બનાવવામાં આવી છે. સર્વેમાં ૮૯ ટકા લોકોએ માન્યું છે કે હદથી વધારે ગરમી આવનાર સમયમાં સૌથી મોટી સમસ્યા હશે. ૮૮ ટકા લોકો મુજબ સૌથી મોટો ખતરો પ્રકૃતિની જૈવિક સિસ્ટમ બગડવાને કારણે ઊભો થવાનો છે. ૮૭ ટકાએ પ્રદૂષણ અને ૮૬ ટકા લોકોએ જળસંકટને સૌથી મોટો ખતરો ગણાવ્યો છે. આ સર્વેમાં ૭૯ ટકા લોકોએ જંગલોમાં લાગતી આગની ઘટનાઓને પણ સૌથી મોટો ખતરો ગણાવ્યો છે.
 
અને આગળ ઉલ્લેખ કર્યો છે તેમ આ તમામ ખતરાઓ પા છળ માત્ર ને માત્ર માનવજાતની વધુ ને વધુ સંચય-સંગ્રહ કરવાની વૃત્તિ છે. માનવજાતની આ જ લાલચે તેને કોરોના નામની મહામારી આપી છે. આ વાઈરસ પણ પ્રકૃતિના વધુ પડતા દોહન, તેની સાથે અમર્યાદિત છેડછાડ અને આઝાદીના નામે ગમે તે કરવાની જીદનું જ પરિણામ છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે કોરોના તો માત્ર એક ઝલક છે. દુનિયાએ આવનારા સમયમાં કોરોનાથી પણ મોટાં સંકટોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
 

world economic forum_1&nb 

લાંબા સમય સુધી રહેશે આર્થિક મંદી

 
વિશ્ર્વભરના રિસ્ક મેનેજર એટલે કે જે લોકો આવનારા સંભવિત ખતરાનું આકલન કરે છે તેમના દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ૬૭ ટકા રિસ્ક મેનેજર્સે સ્વીકાર્યું છે કે આ મહામારીને કારણે સૌથી વધુ નુકસાન થવાનું છે તો તે અર્થ-વ્યવસ્થાને છે અને આર્થિક મંદી લાંબા સમય સુધી રહેવાની છે. ૫૭ ટકા મુજબ આને કારણે મોટા પ્રમાણમાં ઉદ્યોગ-ધંધાઓ પડી ભાંગશે કે દેવાળિયા બની જશે. ૪૯ ટકા મુજબ આને કારણે બેરોજગારી વકરશે અને લાંબા સમય સુધી રહેશે. ૩૮ ટકા રિસ્ક મેનેજરોએ વિકસતી અર્થવ્યવસ્થાઓ પડી ભાંગવાનો પણ ભય વ્યક્ત કર્યો છે. ૩૧ ટકાએ ખૂબ જ થોડા સમયમાં વિશ્ર્વ પર કોવિડ-૧૯ જેવી અન્ય મહામારીઓ ત્રાટકવાનો ભય વ્યક્ત કર્યો છે.
 
વિશ્ર્વભરના રિસ્ક મેનેજરોમાં થયેલો આ સર્વે અને તેના તારણો શું બતાવે છે ? આપણે જીડીપીના વિકાસ દરને વધારતા વધારતાં સમૃદ્ધિનાં એક પછી એક શિખરો તો સર કરતા ગયા, પરંતુ આજે સમયે દુનિયાને એવા વળાંક પર લાવી ઊભા કરી દીધી છે કે તેણે વિચારવું પડશે કે તેણે માત્ર ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જોઈએ છે કે ગ્રોસ ડોમેસ્ટિક પીસ (શાંતિ). કારણ કે પ્રકૃતિ માનવોની જરૂરિયાત સંતોષી શકે છે, તે જ પ્રકૃતિ તેની લાલચ રોકવાનું પણ સારી પેઠે જાણે છે. ઇતિહાસ ગવાહ છે કે પ્રકૃતિએ સમય સમય પર માનવજાતને એ સંદેશો આપ્યો છે કે તારી આ લાલચ અસ્થાયી છે અને માનવજાતની આ લાલચ પ્રકૃતિ સામે લાંબો સમય ટકી શકવાની નથી.
 

world economic forum_1&nb 

સમૃદ્ધિ પાછળની આંધળી દોટને બેનકાબ કરતો સર્વે

 
વર્તમાન સમયમાં માનવજાતિ પર સમૃદ્ધિ અને સંગ્રહખોરીનો નશો કેટલી હદે ચડ્યો છે ? તે ૨૦૧૭માં થયેલા એક સર્વે મુજબ સમજી શકાય છે. સર્વેમાં હોંગકોંગના ૬૬ ટકા લોકોએ સ્વીકાર્યું હતું કે તેમની પાસે જરૂરિયાત કરતાં વધારે સામાન છે. ચીનનાં ૬૦ ટકા, જર્મની ઈટલી ૫૦-૫૦ ટકા, તેમણે પણ સ્વીકાર્યું હતું કે તેઓની પાસે જરૂરિયાત કરતાં વધારે સામાન છે. પૂર્વી એશિયાના લોકો પર કરાયેલ સર્વેમાં ૩૩ ટકા લોકોએ સ્વીકાર્યું હતું કે, તેઓ માત્ર ખુશ રહેવા માટે જ ખરીદી કરે છે. અને જો તેઓ ખરીદી ન કરે તો તેઓ એક પ્રકારની ઉદાસી અનુભવે છે. આ લોકોએ એમ પણ સ્વીકાર્યું હતું કે, તેઓ ખરીદી કરતી વખતે એવી અનેક ચીજવસ્તુઓ ખરીદી લે છે જેની હકીકતમાં તેમને કોઈ જરૂર જ નથી હોતી.
 
અહીં વાત પૈસા કમાવા અને તેનો ખર્ચ કરવાની આદતને ખરાબ ઠેરવવાની બિલકુલ નથી, પરંતુ વાંધો જરૂર કરતાં વધારે પડતા ઉપભોગનો છે, કારણ કે તેને કારણે પ્રકૃતિ અને પર્યાવરણ પર ખૂબ જ ગંભીર અસરો પડે છે.
 

world economic forum_1&nb 

પ્રાકૃતિક સંસાધનોનું દોહન

 
અમેરિકાના મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી મુજબ ૧૯૭૦માં વિશ્ર્વની વસતી આજના મુકાબલે લગભગ અડધી હતી ત્યારે પૃથ્વી પર ૩૭૦ કરોડ લોકો રહેતા હતા. જ્યારે આજે ૭૫૦ કરોડની આબાદી થઈ ગઈ છે. સ્વાભાવિક છે કે વસ્તી વધે છે, પરંતુ તેની સામે જમીન વધવાની નથી. પરિણામે ૫૦ વર્ષની સરખામણીએ આજે માનવીઓએ પૃથ્વીને અનેકગણી વધારે ઘેરી લીધી છે. જે ક્ષેત્રફળમાં માણસોએ પોતાને માટે ઘર બનાવ્યાં છે, તે ૫૦ વર્ષની સરખામણીએ ૨ લાખ ૨૦ હજાર સ્કવેર કિલોમીટર વધુ છે. જાનવરોને ચરાવવા માટેની જગ્યા પણ ૧૯૭૦ના મુકાબલે ૨૩ લાખ સ્કવાયર કિલોમીટર વધી ગઈ છે અને ખેતી માટેની જમીન પણ અગાઉની સરખામણીમાં ૧૬ લાખ સ્કવેર કિલોમીટર વધી ચૂકી છેે. આગળ જણાવ્યું તેમ જમીન વધવાની નથી તો આ જમીન આવી ક્યાંથી? સ્વાભાવિક રીતે પૃથ્વી પરનાં જંગલો કાપીને સમૃદ્ધ અને સુખી દેખાવાની લાલચમાં દુનિયામાં કેટલી હદે પ્રકૃતિ પર દબાણ થઈ રહ્યું છે ? અમેરિકામાં ૧૯૫૦ના દાયકામાં એક ઘરનો આકાર સરેરાશ ૯૮૩ સ્કવેર ફૂટ હતો જે ૨૦૧૧ સુધી ત્રણગણો વધી ૨૪૮૦ સ્કવેર ફૂટ થઈ ગયો છે અને આ જ પરિસ્થિતિ પશ્ર્ચિમના મોટાભાગના દેશોની છે.
 

world economic forum_1&nb 

ભોજનની બરબાદી

 
સંયુક્ત રાષ્ટના અહેવાલ મુજબ વિશ્ર્વમાં દર વર્ષે ૧૩૦ કરોડ કિલોગ્રામ ભોજન બરબાદ થાય છે, જેની કિંમત ૭૫ લાખ કરોડ રૂપિયાથી પણ વધુ થવા જાય છે. અને સમગ્ર દુનિયામાં દર વર્ષે જે કાર્બન ઉત્સર્જન થાય છે તેમાં ફૂડ પ્રોડક્શન (ભોજન તૈયાર કરવાની) ભાગીદારી ૨૨ ટકા છે. આમ છતાં દર વર્ષે કરોડો લોકો મોટા પ્રમાણમાં ભોજન બરબાદ કરી દે છે. જેની સીધી અસર પ્રકૃતિ પર પડે છે, એટલું જ નહીં, વિશ્ર્વમાં પ્રતિ વ્યક્તિ માંસની ખપત પણ ૬૫ ટકા વધી ગઈ છે, જેના ઉત્પાદન દરમિયાન પણ મોટા પ્રમાણમાં કાર્બન ઉત્સર્જન થાય છે. તો પ્રતિ વ્યક્તિદીઠ પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ૪૪૭ ટકા વધી ગયો છે અને આ પ્લાસ્ટિકને પર્યાવરણ માટે સૌથી મોટો ખતરો માનવામાં આવે છે. એક અનુમાન મુજબ વિશ્ર્વમાં દર વર્ષે એટલું પ્લાસ્ટિક ફેકવામાં આવે છે જેનાથી પૃથ્વીને ચાર વાર ઢાકી શકાય છે.
 
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ મુજબ ભારતમાં દર વર્ષે ૫૬ લાખ ટન પ્લાસ્ટિકનાં કચરો પેદા થાય છે. ભારતીય રોજના ૧૫,૦૦૦ ટન પ્લાસ્ટિક કચરામાં ફેંકી દે છે અને આ ડમ્પિંગ સમુદ્રમાં થતું હોવાને કારણે પાણીમાં રહેતા કરોડો જીવજંતુઓના જીવ જાય છે. જે ધરતી માટે ખૂબ જ હાનિકારક છે.
 

world economic forum_1&nb 
 

લાલચ જ્યારે હદ વટાવે છે ત્યારે

 
અહીં ફરી એક વખત એ વાત ઉલ્લેખવી જ રહી કે, ધનવાન બનવું અને સમૃદ્ધિ મેળવવી એ ખોટું નથી ને નથી જ, પરંતુ સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે માનવીની લાલચ તમામ હદો વટાવી જાય છે. આજે વિશ્ર્વમાં જે લોકો સૌથી વધુ અમીર છે તેમની સંખ્યા કુલ જનસંખ્યામાં માંડ અડધો ટકો છે. પરંતુ એ ચાર કરોડ લોકોની જીવન જીવવાની રીત પૃથ્વી પર જેટલો કાર્બન ઉત્સર્જન થાય છે તેમાં ૧૪ ટકા છે. જ્યારે તેની સામે દુનિયાના ૪૦૦ કરોડ લોકો એવા છે જેઓ જેમ તેમ કરીને પોતાનું જીવન પસાર કરવા મજબૂર છે. તેમની દ્વારા માત્ર ૧૦ ટકા કાર્બન ઉત્સર્જન જ થાય છે. આ સિવાય પ્રકૃતિને ૪૩ ટકા નુકસાન પણ એ ૧૦ ટકા લોકો પહોંચાડે છે જે કમાણી મામલે સૌથી ઉપર છે.



 
OXFM ના એક અહેવાલ મુજબ વિશ્ર્વના ૧ ટકા અમીરો પાસે જેટલી સંપત્તિ છે તે વિશ્ર્વના ૭૦૦ કરોડ લોકોની કુલ સંપત્તિ કરતાં પણ બમણી છે. વિશ્ર્વની અડધી આબાદી આજે પણ માત્ર ૧૪૦ રૂપિયા જ દૈનિક કમાઈ શકે છે. વિશ્ર્વભરના ધનવાન લોકો પર જે ટેક્સ લાગે છે, તેની ભાગીદારી ૧ રૂપિયામાં ૪ પૈસા બરાબર છે સામે માત્ર ૭૦ ટકા ટેક્સ જ ચૂકવે છે એટલે કે ૩૦ ટકા ટેક્સ ક્યારે ય ચૂકવતા જ નથી.
 
જો કે હાલમાં જ અમેરિકા અને બ્રિટન સહિત ૬ દેશોના કરોડપતિઓએ પોતાની સરકારોને કહ્યું છે કે તેમની પાસેથી વધુ ટેક્સ વસૂલવામાં આવે, જેનાથી અન્ય લોકોની વધુ મદદ થઈ શકે અને આવું થવું જ જોઈએ, જેની પાસે વધારે પૈસો અને સમૃદ્ધિ છે, પ્રકૃતિ, પર્યાવરણને બચાવવાની જવાબદારી પણ તેમની વધુ છે.
 

world economic forum_1&nb 

સમૃદ્ધિ સાથે શાંતિ મેળવવાનો ઉપાય ‘અપરિગ્રહ’

 
હવે સવાલ એ થવો સ્વાભાવિક છે કે માણસ સફળતા અને સમૃદ્ધિના રસ્તે આગળ વધીને પણ ખુદ અને દુનિયાને કેવી રીતે ખુશ રાખી શકે ? શું એવું શક્ય છે ખરું કે દુનિયા સમૃદ્ધ પણ બને અને પ્રકૃતિને ઓછામાં ઓછું નુકસાન થાય ? આ સવાલનો જવાબ minimal-ismમાં એટલે કે ખૂબ જ ઓછી ચીજો સાથે જીવન જીવવાની વૃત્તિ એટલે કે ઓછામાં ઓછી સુખ-સુવિધાઓવાળું જીવન. દુનિયામાં આ મુદ્દે હાલ ચર્ચા થઈ રહી છે અને વિશ્ર્વભરના વૈજ્ઞાનિકો લોકોને આ માર્ગ અપનાવવાની સલાહો આપી રહ્યા છે.
 
અને મજાની વાત એ છે કે જે અપરિગ્રહવાદને લઈ હાલ વિશ્ર્વ આખું ઉત્સાહિત છે, તેની વાત ભારત સદીઓથી કરતું આવ્યું છે. આપણા ધર્મગ્રંથો હજારો વર્ષોથી આ માર્ગ પર ચાલવાનો સંદેશ આપતા રહ્યા છે. ભગવાન બુદ્ધ અને મહાવીર અને મહાત્મા ગાંધી પણ અપરિગ્રહનો સંદેશ આપે છે.
 

world economic forum_1&nb 

બૌદ્ધ દર્શનમાં અપરિગ્રહ

 
બૌદ્ધ દર્શનમાં અપરિગ્રહનો મોટો મહિમા છે. સુત્તનિપાતમાં કહેવામાં આવ્યું છે કે મુનિએ પરિગ્રહમાં લુપ્ત થવું જોઈએ નહીં. કારણ કે જે મનુષ્ય ખેતી, વાસ્તુ-હિરણ્ય (સોના-ચાંદી) અશ્ર્વ, દાક્ષ આદિ અનેક પદાર્થોની લાલસા કરે છે. તેને વાસનાઓ દબાવે છે અને તે પાણીમાં તૂટેલી નાવની જેમ દુઃખમાં પડે છે. તેમની મુક્તી અતિ કઠિન છે.
 
ભગવાન બુદ્ધે ભિક્ષુઓના પરિગ્રહને અત્યંત સિમિત કરવાનો પ્રયત્ન કર્યો છે. બૌદ્ધ ભિક્ષુ માટે સ્વર્ણ, રજત વગેરે ધાતુઓનું ગ્રહણ બધી જ રીતે વર્જિત માનવામાં આવે છે. એટલું જ નહીં બૌદ્ધ ભિક્ષુને જીવન યાપન માટે જ વસ્ત્ર-પાત્ર વગેરેની જરૂરિયાત હોય છે. એને પણ એક સીમાથી વધારે માત્રામાં રાખવા વર્જિત છે. જે ભિક્ષુક આમ નથી કરતો તેને દોષિત માનવામાં આવે છે. બૌદ્ધ પરંપરામાં ભિક્ષુ માટે ત્રિચીવર, ભિક્ષાપાત્ર, પાણી ગાળવા માટે ગરણી, અસ્તરો વગેરે સિમિત વસ્તુઓને રાખવા માટેનું વિધાન છે.
 

જૈન ધર્મમાં અપરિગ્રહ

 
જૈન ધર્મના ૨૪મા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીનું જીવન જ તેમનો સંદેશ માનવામાં આવે છે. ભગવાન મહાવીરે લોકોને સમૃદ્ધ અને આંતરિક શાંતિ માટે જે પાંચ સિદ્ધાંતો આપ્યા છે તેમાં અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ છે. જૈન ધર્મના જાણકારો મુજબ ભગવાન મહાવીર સ્વામી દ્વારા પાઠવેલો આ પાંચમો અને અંતિમ સિદ્ધાંત એટલે કે અપરિગ્રહ તેમને સૂચવેલા તમામ સિદ્ધાંતોને જોડે છે. તેનું પાલન કરવાથી જૈનોની ચેતના જાગ્રત થાય છે અને તેઓ દુન્વયી અને આનંદ પ્રમોદની વસ્તુઓનો ત્યાગ કરે છે.
 

world economic forum_1&nb 

મહાત્મા ગાંધી અને અપરિગ્રહ

 
અહીં મહાત્મા ગાંધીની અપરિગ્રહનો પણ ઉલ્લેખ કરવો રહ્યો. સત્ય, અહિંસા, અસ્તેય અને બ્રહ્મચર્ય પછી ગાંધીજીએ જે પાંચમા વ્રતનું મહત્ત્વ દર્શાવ્યું છે તે અપરિગ્રહનું વ્રત છે. તેઓ કહે છે કે, જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી તેને ઢાંકવા માટે પણ કંઈક જોઈએ, પરંતુ ત્યારે તમે તમારા શરીર માટે મળી શકે તે બધુ ન લો. પરંતુ બને તેટલું ઓછું લેશો જેનાથી તમારું કામ ચાલે તેટલું જ લો. તમારા વસવાટ માટે તમે અનેક હવેલીઓ ન રાખો. મામૂલી ઝૂંપડીથી ચલાવશો એ જ રીતે તમારા ખોરાક વગેરે વિશે પણ આ જ નિયમ લાગુ પડે છે. મહાત્મા ગાંધીએ દરેક પ્રકારના પરિગ્રહને ચોરી તરીકે ઓળખાવ્યા છે.
 

નવી પેઢીની જવાબદારી

 
શુભ સંકેત એ છે કે નવી પેઢી આ તરફ ધીરે ધીરે આગળ વધી પણ રહી છે અને ધનદોલત કરતાં સુખ-શાંતિ અને નવા નવા અનુભવોને પ્રાથમિકતા આપી રહ્યા છે. અમેરિકામાં થયેલ હેરિસ પોલ નામના સર્વે મુજબ ગત પેઢીના મુકાબલે વર્તમાનમાં ૫૮ ટકા મિલેનિયલ્સ માને છે કે તેઓ ઉપભોગની વસ્તુઓ કરતાં કોઈ અનુભવ મેળવવા પર પૈસા ખર્ચ કરવાનું પસંદ કરશે. વિશેષજ્ઞો મુજબ મિલેનિયલ્સ હાલ દર વર્ષે આવા અનુભવો પાછળ ૧૪ લાખ કરોડ રૂપિયા ખર્ચી રહ્યા છે. (મિલેનિયલ્સ એમને કહેવામાં આવે છે જેઓનો જન્મ ૧૯૮૪ કે ત્યારબાદનાં વર્ષોમાં થયો છે.) ભારતની લગભગ ૬૫ ટકા આબાદી મિલેનિયલ્સની શ્રેણીમાં આવે છે. એટલે કે ૩૫ વર્ષની નીચે છે. ત્યારે આ આબાદીને જો એ વાત સમજાઈ જાય કે, સંશાધનોની માત્રા સીમિત છે અને તેનો ઉપયોગ કરકસરપૂર્વક કરવો જોઈએ તો ભારતનું ભવિષ્ય ખરેખર ઊજળું છે.