આર.સી.એલ. અને અબ્દુલ હમીદનું શૌર્ય આજે ભારતીય લશ્કરના ઇતિહાસમાં સુવર્ણઅક્ષરે લખાયેલું છે

    ૧૭-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |
 
 Havildar Abdul Hamid_1&n 

હવાલદાર અબ્દુલ હમીદ | યુદ્ધ - ૧૯૬૫ (પાકિસ્તાન)

 

આજેય એ વીરનું નામ સાંભળીને પાકિસ્તાનીઓ થથરી ઊઠે છે આર.સી.એલ. અને અબ્દુલ હમીદનું શૌર્ય આજે ભારતીય લશ્કરના ઇતિહાસમાં સુવર્ણઅક્ષરે લખાયેલું છે

 
ભારતીય સેનાની ૪-ગ્રેનેડિયર્સને ઈચ્છોગિલ નગરમાં ઊતર્યે હજુ પૂરા દસ કલાક પણ નહોતા થયા. હજુ ગઈ કાલે રાત્રે સાડા બારે સૈનિકો આ વિસ્તારમાં પહોંચ્યા હતા. સવારે દુશ્મનો પર હુમલો કરવાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યાં જ સૈનિકોના કાનમાં પેટર્ન ટેંકની ઘરેરાટી સંભળાઈ. પશ્ર્ચિમ દિશામાંથી પાકિસ્તાની ટેંક માતેલા હાથી જેમ ગાંડી થઈને ભારત પર હુમલો કરવા દોડી રહી હતી. પણ એ બાજુ માતેલો હાથી હતો તો આ બાજુ છંછેડાયેલા સિંહ હતા.
 
સેનાની ટુકડીમાં સામેલ જાંબાઝ કંપની કવાર્ટર હવાલદાર અબ્દુલ હમીદે તરત જ પોઝિશન સંભાળી અને એનું અચૂક નિશાન લઈ પાકિસ્તાની ટેંક પર ગોળીબાર કર્યો. બીજી જ મિનિટે પાકિસ્તાની ટેંકના લીલા કલરના ફુરચા હવામાં ઊછળતા નજરે ચડ્યા. દુશ્મનનો પહેલો જ વાર ખાળીને, એને ખતમ કરીને અબ્દુલ હમીદે વિજયના શ્રી ગણેશ કર્યા. આખુંયે ઈચ્છોગિલ નગર ભારતીય સૈનિકોના જય હિન્દના નારાઓથી ગુંજી ઊઠ્યું.
 
***
 
એ વર્ષ હતું ૧૯૬૫નું. ૧૯૪૭-૪૮માં ભારતના વિસ્તારો અને ખાસ કરીને કાશ્મીર હડપ કરવાની મેલી મુરાદ સાથે પાકિસ્તાને ભારત પર અનેકવાર હુમલા કર્યા હતા. પણ દરેક વખતે એ ઊંધે માથે પટકાયું હતું. પણ થોડીવારની શાંતિ બાદ ૧૯૬૫ના વર્ષમાં એણે ફરીવાર ધીમે ધીમે શ્રીનગરમાં ઘૂસણખોરી શરૂ કરી દીધી હતી.
 
૧૯૬૫ના એ યુદ્ધમાં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રીશ્રી લાલબહાદુર શાસ્ત્રીજીના શૌર્ય અને દૂરંદેશી નિર્ણયોએ પાકિસ્તાનીઓને ઊભી પૂંછડીએ ભાગવા મજબૂર કરી દીધા હતા. શાસ્ત્રીજીએ ભારતીય સૈન્યની લડાઈનું ક્ષેત્ર માત્ર જમ્મુ-કાશ્મીર સુધી સીમિત રાખવાને બદલે પાકિસ્તાન સાથે જોડાયેલ સમગ્ર આંતરરાષ્ટીય સરહદો સુધી વિસ્તરાવી દીધું હતું અને સેનાને લાહોર-સિયાલકોટ સુધી પહોંચી જવાના આદેશ આપ્યા હતા. શાસ્ત્રીજીના આ નિર્ણયથી પાકિસ્તાની સેના હાંફળી બની ગઈ હતી. જે પાકિસ્તાન હમણાં કાશ્મીર જીતવાના ઇરાદા સેવતું હતું. તેણે હવે લાહોર અને સિયાલકોટ પર તિરંગો લહેરાવાના ભણકારા વાગવા લાગ્યા હતા. આમ શાસ્ત્રીજીના એ પગલાએ કાશ્મીર પર નજર બગાડનાર પાકિસ્તાનને રક્ષાત્મક થવા માટે મજબૂર કરી દીધું હતું.
 
ઈચ્છોગિલ નગર પર એનો હુમલો પહેલી જ વાર હતો અને ૪-ગ્રેનિડિયર્સના અબ્દુલ હમીદે એની ટેંક ઉડાવીને એને પહેલા કોળિયે જ માખનું જમણ પીરસી દીધું હતું. પણ આ વખતે દુશ્મન પૂરેપૂરી તૈયારી સાથે આવ્યો હતો. લગભગ સાડા અગિયાર વાગ્યે દુશ્મનોએ બીજી ત્રણ ટેંકો ભારત તરફ રવાના કરી. આ વખતે પણ અબ્દુલ હમીદે સૌથી આગળ ચાલતી ટેંક પર નિશાન તાકીને હુમલો કર્યો. ફરી એક વખત ટેંકના અને એના ચાલકનાં ચીંથરાં ઊડી ગયાં અને પાછળ આવતી બીજી બેં ટેંકો ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. એના ચાલકો ટેંકમાંથી કૂદીને ભાગ્યા, તે વહેલું આવે પાકિસ્તાન. પણ દુશ્મન હાર માને તેમ નહોતો. પેટર્ન ટેંકો આવ્યે જ જતી હતી. જાણે કીડિયારું ઊભરાયું હોય એમ એક ટેંક નષ્ટ થાય તો બીજી બે આવતી અને બે નષ્ટ થાય તો બીજી ચાર. ભારતીય સેનાને પણ ગોળીબારી કરીને એક એક ટેંકને સાફ કરવાનું જરા કંટાળાજનક લાગ્યું. દુશ્મનને પૂરો કરવો તો એક ઝાટકે જ ઉડાડી દેવો. એવું વિચારી ભારતીય ટુકડીએ સુરંગો બિછાવવાનું નક્કી કર્યું. લશ્કરની ઈજનેરી કંપની એન્ટી ટેંક અને એન્ટી પર્સનલ સુરંગો લગાવવાના કામમાં લાગી ગઈ. અડધા દિવસમાં ભારત તરફ આવતો આખો રસ્તો બોંબથી ખદબદવા લાગ્યો.
 
૯મી, સપ્ટેમ્બર, ૧૯૬૫. સવારના નવ વાગ્યા હતા. ભારતીય સેના રાહ જોઈ રહી હતી કે ક્યારે દુશ્મનોની ટેકો સુરંગ બિછાવેલા રસ્તે આવે અને ક્યારે એના ફુરચા ઊડે. સેનાની નજર સુરંગ બિછાવેલી જમીન પર હતી. પણ આ વખતે હુમલો થયો આસમાનમાંથી. દુશ્મનોએ પણ લાગ જોઈને ભારતીય લશ્કરના વિસ્તાર પર ચાર સેબર જેટ વિમાનોથી બોમ્બાર્ડિંગ શરૂ કરી દીધું.
 
ભારતીય સેનાની પૂર્વતૈયારી અને નસીબના લીધે ભારતીય સેનાને કંઈ ખાસ નુકસાન ના થયું. બોંબવર્ષા પૂરી થઈ ત્યાં જ ફરી જમીનીમાર્ગથી હુમલો શરૂ થયો. દુશ્મનોની બખ્તરબંધ ટુકડીઓ ભારતીય સેના પર હુમલો કરવા માટે તૂટી પડી. અનુક્રમે નવ વાગ્યે, સાડા અગિયાર વાગ્યે અને બપોરે અઢી વાગ્યે એમ કુલ ત્રણ હુમલા થયા. જમીનમાં સુરંગો તો બિછાવેલી હતી જ તેમ છતાં અબ્દુલ હમીદે એની રાહ જોવાને બદલે દુશ્મનની એક ટેંક પર હુમલો કર્યો અને બે ટેંકોનો ખુડદો બોલાવી દીધો. એક ટેંક આગળ આવતી હતી ત્યાં જ સુરંગ ફાટી અને એના ફુરચેફુરચા ઊડી ગયા. દુશ્મનોએ વિચાર્યું પણ નહોતું કે એ આ રીતે સુરંગો બિછાવેલા માર્ગ પર ફસાઈ જશે. હવે એની પાસે પાછા ફરવાનો કોઈ રસ્તો બચ્યો નહોતો. રસ્તો બચ્યો હતો તો માત્ર એક જ - ઉપર ખુદાને ધામ જવાનો. એ દિવસે સુરંગોએ તો એનું કામ કર્યું જ પણ અબ્દુલ હમીદે પણ અન્ય ચાર ટેંકોને નષ્ટ કરી દીધી. અત્યાર સુધીમાં ભારતીય ૪ ગ્રેનેડિયર્સની બટાલિયન દુશ્મનોની ૧૩ ટેંકો નષ્ટ કરી ચૂકી હતી. પણ હજુ ટેંકોનું આવવાનું ચાલુ જ હતું. દુશ્મન પડ્યો હતો પણ એની ટંગડી ઊંચી જ હતી. ભારતીય સૈનિકો સમજી ગયા હતા કે આ વખતે યુદ્ધ બહુ લાંબુ ચાલશે.
 
હવે ભારતની થોડી કપરી પરિસ્થિતિ શરૂ થઈ રહી હતી. જમીનમાં બિછાવેલી સુરંગો પણ હવે બહુ ઓછી બચી હતી અને ભારતીય શર્મન ટેંકો પણ પાકિસ્તાની ટેંકો સામે લડવામાં નિષ્ફળ નીવડી રહી હતી. સાંજે સેન્ચુરિયન ટેંકની એક સ્કવોડ્રન આવી. પણ એ ટેંકો પણ લડવામાં નિષ્ફળ રહી એટલે એને પણ ત્યાંથી હટાવવી પડી. એ તરફ શસ્ત્રો પણ આધુનિક હતાં અને સંખ્યાબળ પણ વધારે. જ્યારે ભારતીય સેના પાસે હવે માત્ર આર.સી.એલ. બંદૂકો, જમીનમાં ફેલાવેલી ગણીગાંઠી સુરંગો અને પહાડ જેવા હોંસલા સિવાય બીજું કંઈ જ બચ્યું નહોતું. અબ્દુલ હમીદ અને ભારતીય લશ્કરે હવે આર.સી.એલ. બંદૂકોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.
 
તારીખ ૧૦મી, સપ્ટેમ્બર, ૧૯૬૫. વહેલી સવારે જ દુશ્મને ભારતીય સેના પર ભીષણ બોંબાર્ડિંગ અને ટેંકો દ્વારા હુમલો શરૂ કરી દીધો. અબ્દુલ હમીદ અને એમની ટુકડીએ હવે બે મોરચે લડવાનું હતું. આસમાનમાંથી થતા બોંબના વરસાદને પણ ખાળવાનો હતો અને દુશ્મન ટેંકોનો સામનો પણ કરવાનો હતો. સુરંગો હવે બચી નહોતી. અબ્દુલ હમીદનો સહારો હવે એમની હિંમત અને આર.સી.એલ. બંદૂક બે જ હતો. એક જવાને ચિંતા વ્યક્ત કરી, આપણી સુરંગો પણ હવે ખતમ થઈ ગઈ છે અને આપણી ટેંકો નિષ્ફળ નીવડી છે. દુશ્મનો પાસે ભારે આધુનિક હથિયાર છે અને આપણી પાસે માત્ર આર.સી.એલ. બંદૂક. કેવી રીતે સામનો થશે ?
 
અબ્દુલ હમીદે છાતી કાઢીને કહ્યું, દોસ્ત, આર.સી.એલ. બંદૂક જ આપણને જીતાડશે. ઇતિહાસનાં પાનાંઓ પર અબ્દુલ હમીદ અને આર.સી.એલ.નું નામ સુવર્ણઅક્ષરે લખાશે. આ ડબલ આર અમર થઈ જશે. તું જોજે તો ખરો.
 
૫ણ અમર થવા પહેલા મરવું પડે દોસ્ત ! જવાને મજાકના ભાવે કહ્યું, પણ અબ્દુલે ગંભીરતાથી જવાબ આપ્યો, અમર થવા મરવું ના પડે, શહીદ થવું પડે. અબ્દુલનો ગંભીર ચહેરો જોઈ મિત્રનું હાસ્ય વિલાઈ ગયું. આર.સી.એલ. બંદૂકવાળી જીપ ખુલ્લી હતી. એ લાંબી બંદૂકને જીપમાં લઈ ફરવું પડતું અને વાર કરવો પડતો. અબ્દુલ હમીદને ચિંતા હતી તો એક જ કે આ આર.સી.એલ. બંદૂકવાળી જીપ પર જો દુશ્મનનો બોંબ પડશે તો પછી કંઈ નહીં બચે. ચિંતા એમને એમની જાનની નહોતી પણ ચિંતા હતી માતૃભૂમિના રક્ષણની. એ આર.સી.એલ. બંદૂકવાળી જીપને પોતાના જીવ કરતાંયે વધારે સાચવી રહ્યા હતા અને અભૂતપૂર્વ સાહસથી લડી રહ્યા હતા. એ પોતાના જાનની પણ પરવા કર્યા વગર દુશ્મનની ટેંકની એકદમ નજીક જતા હતા અને પછી દુશ્મન કંઈ વિચારે એ પહેલાં જ આર.સી.એલ. બંદૂકમાંથી ગોળી છોડીને ટેંકને ઉડાવી મૂકતા હતા. વહેલી સવારથી ત્રણ-ચાર કલાક આ યુદ્ધ ચાલ્યું. ભારતીય સેનાએ ફરીવાર બે વખત દુશ્મનને આર.સી.એલ. દ્વારા માત આપી. સવારે નવ વાગ્યે દુશ્મને ફરીવાર બોંબાર્ડિંગ શરૂ કર્યુ. આ વખતે બોંબમારાની વર્ષા વધારે તેજ હતી અને ટેંકોએ પણ આવવાનું શરૂ કરી દીધું હતું. અબ્દુલ હમીદની આર.સી.એલ. બંદૂકે આ વખતે પણ રંગ જમાવી દીધો. એક પછી એક ટેંક ખતમ કરતાં અબ્દુલ હમીદ આગળ વધી રહ્યા હતા. અચાનક એ એક ટેંક સામે આવીને ઊભા રહ્યા. એમની આંખો ટેંકના ગનર સાથે મળી. અબ્દુલ હજુ આર.સી.એલ.માંથી ગોળી છોડે એ પહેલાં જ ગનરે એની બંદૂકમાંથી ગોળી છોડી દીધી. હવાને વીંઝતી ગોળી બીજી સેકંડે અબ્દુલની છાતીની આરપાર થઈ ગઈ. અબ્દુલની છાતીમાંથી લોહીનો ધોધ પડ્યો. અબ્દુલનો જીવ હવે તાળવે હતો. એ મર્માળું હસ્યા અને એમનો એક હાથ આર.સી.એલ. તરફ ફર્યો. બીજી જ પળે દુશ્મની ટેંકના ચીંથરાથી આસમાન ભરાઈ ગયું હતું. અબ્દુલની શહીદીએ બાકી રહેલા જવાનોમાં જોશ પૂર્યું અને એ લોકો દુશ્મનો પર તૂટી પડ્યા. આખરે દુશ્મનને પોતાના નાપાક ઇરાદાઓનું પોટલું સાથે જ લઈને નાસવું પડ્યુ. અબ્દુલ હમીદ ખરા અર્થમાં એમની જિંદગીના છેલ્લાં શ્ર્વાસ સુધી લડતા રહ્યા અને શહીદ થયા. ભારત સરકારે અબ્દુલ હમીદની શહીદીને મરણોત્તર પરમવીર ચક્રથી નવાજી. આર.સી.એલ. અને અબ્દુલ હમીદનું શૌર્ય આજે ભારતીય લશ્કરના ઇતિહાસમાં સુવર્ણઅક્ષરે લખાયેલું છે.