મેજર દયાલ | હાજીપુરની દરગાહને આતંકીઓના કબજામાંથી છોડાવી

    ૧૭-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |


Lt Gen Ranjit Singh Dayal 

મેજર દયાલ | યુદ્ધ - ૧૯૬૫ (પાકિસ્તાન)

હાજીપીર ઘાટી ૮૫૦૦ ફૂટની ઊંચાઈએ છે. ઉડી અને પૂંછ વચ્ચે આ ઘાટીનું ખૂબ મહત્ત્વ છે. આ ઘાટી પર એક પ્રાચીન મુસલમાન સંત હાજીપીરની કબર છે. આ કબર માટે અનેક લોકકથાઓ છે. શ્રદ્ધાળુ લોકો કબર પર મેહરાબની માનતા રાખે છે. મેહરાબ એટલે બે વૃક્ષો વચ્ચે સફેદ કપડાંની ઝાલર બાંધે છે. આ પવિત્ર જગ્યા પર એક વખત પાકિસ્તાની સૈનિકો ઘૂસી ગયા. તોપો, મશીનગન, મોર્ટારગન, આધુનિક શસ્ત્રો દરગાહમાં ખડકી દીધાં.
 
કમાન્ડીંગ ઓફિસરે મેજર દયાલને હુકમ કર્યો, ગમે તેમ કરીને આતંકીઓને દરગાહમાંથી ખદેડો. મેજરે તરત જ પોતાની ટુકડી તૈયાર કરી અને નીકળી પડ્યા. ૨૮ ઑગસ્ટ, ૧૯૬૫ની સવાર હતી. હાજી પીરનું આકાશ દેખાવા લાગ્યું. મેજર દયાલે સૈનિકોને કહ્યું, અહીંથી ઘાટીનો આરંભ થાય છે. બે કલાક પછી કદાચ આપણે પાકિસ્તાની સૈનિકોની બંદૂક તોપોની રેન્જમાં હઈશું. દરેક ક્ષણે તમારે યુદ્ધ માટે તૈયાર રહેવાનું છે.
 
તેઓ આગળ વધવા લાગ્યા. થોડાક માઈલનો રસ્તા કાપ્યા પછી પાકિસ્તાન નિશાનની રેન્જ. આ રેન્જને પાર કરવાની હતી. મેજર દયાલ સૈનિકોને મહત્ત્વની સૂચતા આપતા હતા. સૈનિકોએ જમીન પર ઘસડાતાં ઘસડાતાં આગળ વધવાનું હતું. રાઇફલ્સનું મુખ ઘાટી તરફ રાખવાનું હતું.
 
૭૦ સૈનિકોની ટુકડીના ભાગ પાડી દરેક દિશામાંથી ઘાટીને ઘેરી લેવાની યોજના થઈ. પણ ચારે બાજુ પાણીનાં ઝરણાંઓ હતાં. અવર-જવરનો કોઈ રસ્તો દેખાતો નહોતો. મેજરને આશ્ર્ચર્ય થયું. આ મહત્ત્વપૂર્ણ આબાદ પ્રદેશમાં દૂર સુધી કોઈ કાચો રસ્તો ન હતો, કોઈ મકાન જોવા મળતું ન હતું. અહીં વિકાસનું કોઈ નામનિશાન ન હતું. આખો પ્રદેશ જાણે કે જંગલ, ભયાનક અને વિચિત્ર હતું. આવા કપરા સંજોગોમાં પણ પથરાળ પહાડો પર ઘસડાતા જવાનું સૈનિકોએ નક્કી કર્યું. ઘાટીની ઊંચાઈ પર પાકિસ્તાની સૈનિકોએ દૂરબીન ગોઠવ્યાં હતાં. તેમાં આંખો ટેકવીને તેઓ બેઠા હતા. ભારતીય સૈનિકો ખૂબ સાવધાનીથી આગળ વધતા હતા. આ દૂરબીનો ભારતીય સૈનાની ચાલને ન પકડી શક્યાં. બધી બાજુથી સૈનિકો પથરાળ ખડકો ચડવા લાગ્યા ત્યારે પાકિસ્તાની સૈનિકોને કંઈક શંકા ગઈ, પણ જળોની માફક ખડક સાથે ચોંટેલા ભારતીય સૈનિકો એક એક કરીને પેટે ચાલતા, લોહીલુહાણ થઈને આગળ વધતા હતા.
 
મેજર દયાલે તેમને સૂચના આપી. જો આપણા કોઈપણ તરફથી પહેલું ફાયર થાય તો તેને સિગ્નલ માની લેજો અને એકસાથે બધી બાજુથી દુશ્મનો પર ગોળીબાર કરજો. દુશ્મનોને એવી ખાતરી થવી જોઈએ. તેઓ ચારેબાજુથી ઘેરાયેલા છે.
લુડવાડા તરફથી પહેલો સંકેત થયો. સૈનિક ટુકડીએ જોયું કે સાંકડા રસ્તા પરથી દસ-બાર હથિયારધારી નાગરિકો નીચે આવી રહ્યા હતા. લાંબા પઠાણી ખમીસ. કારતૂસની પેટીઓ અને હાથમાં મશીનગન. આ પાકિસ્તાની નાગરિક નહીં, પણ દુશ્મનો જ હતા. તરત જ એક ભારતીય સૈનિકે ફાયર કર્યું. સિગ્નલ મળતાં જ ચારે દિશામાંથી સનસનાટ કરતી ગોળીઓ છૂટવા લાગી. ધડીમ-ધડીમ અવાજોથી આકાશ ગાજી ઊઠ્યું.
 
દુશ્મનોમાંથી કેટલાક હવામાં ઊછળ્યા, કેટલાક ત્યાં જ ઢગલો થઈને પડ્યા તો કેટલાકે સામો ગોળીબાર કર્યો. બે તો દોડતા નાઠા. ઘાટીની ચારે તરફથી ધનાધન ગોળીઓ છૂટતી હતી. આકાશ દાગોળાના ધુમાડાથી છવાઈ ગયું. સામે દુશ્મનો જવાબ આપતા હતા. મેજર દયાલ અને સૈનિકો ડર્યા વિના બાજની ઝડપે આગળ વધતા હતા. ભારતીય સૈનિકો સતત ફાયર કરતા હતા. તેમણે જોયું તો ડાબી તરફથી પાકિસ્તાની તોપો લગાતાર-જોરદાર તોપમારો કરી રહી હતી. તેઓ જે દિશામાં આગળ વધતા હતા તે જમણી બાજુ હતી. આથી મેજર દયાલે રસ્તો બદલ્યો. તોપનું મોઢું બંધ કરવા તેઓ ડાબી બાજુ સાવચેતીથી આગળ વધ્યા. રસ્તામાં સીધું ચઢાણ હતું. મેજરની કોણીઓ અને ઢીંચણ છોલાઈ ગયાં હતાં. પેટભેર આગળ વધતા હતા એટલે પેટ પણ કાંકરાથી છોલાઈ ગયું હતું. લોહી વહેતું હતું, પણ આ તો યુદ્ધનું મેદાન. પોતાના અંગત જખ્મો તરફ ધ્યાન આપવાનું ન હોય, તેમનું નિશાન હતું હાજી પીરની ઘાટી.
 
ડાબી બાજુની તોપો મોતનો સંદેશો લાવતી હતી. આ તોપોનું મોઢું બંધ કરવું જોઈએ. મેજર આગળ વધ્યા. ગોળીઓનો વરસાદ ચાલુ હતો. દુશ્મનોની સંખ્યા વિશેષ હતી. આ ચોકી અભેદ્ય કિલ્લા જેવી હતી. બપોરનો સમય થયો, પછી સંધ્યા અને રાત્રિ. વરસાદ ધોધમાર પડતો હતો. સાંજ થતાં વાદળોને કારણે ઘનઘોર અંધકાર છવાયો. તોપો શાંત પડી. મેજર દયાલે હાજી પીર ઘાટીના અડધા ભાગ પર વિજય મેળવ્યો હતો. વરસાદ આવતો હતો. દુશ્મનો ગાંડાતૂર થઈને ગોળીઓ વરસાવતા હતા.
 
ડાબી બાજુની તોપો શાંત કરવા માટે મેજર કંઈક યોજના બનાવતા હતા. એક ભારતીય ટુકડી પાસેના એક નાનકડા ગામમાં પહોંચી. ટુકડીનો નાયક રણનીતિનો નિષ્ણાત હતો, તેણે ખૂબ મક્કમતાથી નિર્ણય લીધો. થોડાં ઘેટાં એકઠાં કર્યાં તેના ગળામાં નાના ફાનસ લટકાવ્યાં અને ઘેટાં પર આગિયા ચિપકાવી દીધાં. પછી આ ઘેટાંના ટોળાંને હાજી પીર ઘાટીની આજુબાજુ જંગલમાં છોડી મૂક્યાં. અંધારિયો રસ્તો હતો. ઘેટાંઓ આમતેમ ઘૂમવા લાગ્યાં. ઘાટી પર દુશ્મનના સૈનિકો બેઠા હતા. તેમને થયું બહું મોટી સંખ્યામાં ભારતીય સૈનિકો આવી રહ્યા છે. આટલી બધી સંખ્યામાં ભારતીયોને જોઈને તેઓ ધ્રૂજવા લાગ્યા. પાકિસ્તાની અધિકારીએ ક્રોધમાં બૂમ પાડી, ફાયર અને આડેધડ ગોળીબાર શરૂ થયો. અંધારામાં બબ્બે, ચાર-ચારની જોડીમાં ઘેટાંઓ આમતેમ ભાગવા લાગ્યાં. કેટલાંક ઝડપથી ઘાટી તરફ દોડતાં હતાં. પાકિસ્તાની અધિકારીઓ જાણે ગાંડાતૂર બન્યા. આમતેમ ઘાટીમાં દોડતાં ઘેટાં પર અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યા. ભારતીય સૈનિકો પાછળથી આગળ વધતા હતા અને પાકિસ્તાનની તોપ અને મશીનગનનું નિશાન એનાથી ઊલટી દિશામાં ઘેટાના ગળામાં લટકતી ફાનસ પર હતું. ઘાટીમાં તો હાહાકાર મચ્યો.
 
મેજર દયાલ થોડાક સૈનિકો સાથે ઝડપથી ડાબી બાજુની તોપ તરફ આગળ વધ્યા અને દુશ્મનોની છાવણી પર જોરદાર હુમલો કર્યો. દુશ્મન સૈનિકો પડતા આખડતા પાછા ભાગવા લાગ્યા. આખી રાત ઘાટીના આ સાંકડા રસ્તા પર ઘમસાણ યુદ્ધ ચાલ્યું. પછી પણ સતત ચાલતું રહ્યું. ત્રીજા દિવસે ડાબી બાજુના રસ્તે પાકિસ્તાની તોપ હતી તે અચાનક ઠંડી પડી. આ તોપ જ પાકિસ્તાનીઓનો આધાર હતી. મેજર દયાલ તેમના સૈનિકો સાથે ઝડપથી ઘાટી પર પહોંચી ગયા અને તોપના ચાલકો પર તૂટી પડ્યા. સામસામી લડાઈ ચાલી. હવે ગોળીની રમઝટ નહીં, પણ રાઇફલનો લાકડીની જેમ ઉપયોગ થતો હતો. જાંબાજ ભારતીય સૈનિકોએ પાકિસ્તાની સૈનિકોને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું. એકાદ-બે લાગ જોઈને ભાગ્યા. બીજાઓએ આત્મ-સમર્પણ કર્યું. આ યુદ્ધમાં ઘણા ભારતીય સૈનિકો પણ શહીદ થયા.
 
ચોથા દિવસે ઘાટીમાં અન્યત્ર ફેલાયેલા દુશ્મન સૈનિકો પણ મોરચો છોડીને ભાગવા લાગ્યા. ભારતીય સૈનિકો તેમની પાછળ પડ્યા. અને આ રીતે મેજર દયાલના નેતૃત્વમાં તેમના સૈનિકોએ હાજી પીરની દરગાહને આતંકવાદીઓના કબજામાંથી મુક્ત કરાવી.
 
મેજર દયાલના નેતૃત્વમાં ભારતીય સૈનિકોનાં આ સફળ ઓપરેશનથી પાકિસ્તાન સરકાર પણ હચમચી ગઈ. પાકિસ્તાન સરકાર ગભરાઈ. અયૂબખાન ધ્રૂજી ઊઠ્યો. ભુટ્ટોના મોઢા પર માખી ઉડાડવાના હોશ ન રહ્યા. પાકિસ્તાન સરકારે જાહેરાત કરી. જે કોઈ મેજર દયાલનું માથું કાપી લાવશે, તેને ૫૦ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે, પણ સિંહની બોડમાં કોણ હાથ નાખવા આવે ? ભારત સરકારે મેજર દયાલને લે. કર્નલ તરીકે બઢતી આપી. તેમનું મહાવીર ચક્રથી સન્માન કર્યું. મેજર દયાલે બાબાની દરગાહ પર સુગંધિત ધૂપ કર્યા. તેની સુગંધ કરાંચી સુધી પહોંચી અને અયૂબનું આસન ડગમગવા લાગ્યું. મેજર દયાલનું શૌર્ય આજે ય હાજી પીર બાબાની દરગાહના મેહરાબ પર લહેરાય છે.