ભારતીય સૈન્યના ઇતિહાસનાં પાનાંઓમાંથી આજેય એ નરકેસરી જોગીન્દર સિંહની ડણક સંભળાય છે.

    ૧૭-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |
 
Subedar Joginder Singh_1&

...અને સૂબેદાર જોગિન્દર સિંહે કહ્યું યુદ્ધો હથિયારોથી નહીં હિંમતથી લડવાનાં હોય છે

તારીખ હતી ૯મી સપ્ટેમ્બર, ૧૯૬૨. બપોરનો સમય હતો. ભારતના સુરક્ષામંત્રી અને લશ્કરની એક મીટિંગ ચાલી હતી. ચીને ઘૂસણખોરી કરીને પચાવી પાડેલી ભારતની સેંકડો ચોરસ કિલોમીટરની જમીનની ચર્ચા અને ચિંતા ચાલી રહી હતી. મંત્રીજીએ આ બેઠકના અંતે આદેશ આપ્યો કે, ‘આપણે હવે પાગલા રીજને ખાલી કરાવવાનું છે અને એ માટે ૭ ઇન્ફન્ટ્રી બ્રિગેડને નામકા ચૂ તરફ આગળ વધારો...’
 
નામકા ચૂ બરફની પહાડીઓ વચ્ચે આવેલો એકદમ અટપટો વિસ્તાર છે. સાવ સાંકડા રસ્તા અને ચારે તરફ બરફ જ બરફ. નામકા ચૂ તરફ આગળ વધી રહેલી ભારતીય સેના વિશે ચીનાઓને ખબર મળી ગઈ હતી. ચીનાઓની કૌરવસેના ભારતીય સેના પર તૂટી પડી. આ તરફ માંડ આંગળીને વેઢે ગણી શકાય એટલા સૈનિકો હતા અને એમની પાસે જૂનાં સાધન હતાં તો બીજી તરફ અધધ કહી શકાય એટલા ચીની દુશ્મનો હાથમાં આધુનિક સાધનો લઈને આવ્યા હતા. ભારતીય જાંબાજોએ છેક છેલ્લી ઘડી સુધી એમને જબરદસ્ત લડત આપી. પણ આખરે આપણા રાજકારણે, જૂનાં સાધનોએ અને ખોટકાઈ ગયેલી સંચાર વ્યવસ્થાએ એ દૂધમલિયા જવાનોનો ભોગ લીધો. અનેક દૂધમલિયા જવાનો નામકા ચૂની રક્ષા કરતાં કરતાં શહીદીને વર્યા અને ૨૦મી ઓકટોબર, ૧૯૬૨ના રોજ ચીને નામકા ચૂ પર કબજો મેળવ્યો. નામકા ચૂ ગયું. છતાંય રાજકારણીઓના પેટનું તો પાણીય નહોતું હલતું. જે ગણો એ સરદાર પટેલ જેવા કેટલાક ગણ્યાગાંઠ્યા લોકો ચિંતા કરી રહ્યા હતા. કોઈ ચિંતા કરે કે ના કરે પણ લશ્કરે ચિંતા કર્યા વગર ચાલવાનું નહોતું. એમને ખબર હતી કે બધા માત્ર વાતો કરીને રહી જશે અને એમને લડવાનું હતું.
 
બીજાં ક્ષેત્રોમાં રહેલા ભારતીય જવાનો હવે વધારે એલર્ટ અને જનૂની બન્યા હતા. નામકા ચૂ પર કબજો જમાવ્યા બાદ ચીની સેના હવે તવાંગ તરફ આગળ વધી રહી હતી. ૨૩મી ઓક્ટોબર, ૧૯૬૨ની વહેલી સવારે સાડા પાંચ વાગે ચીની સેનાએ બુમલા પર આક્રમણ કરી દીધું.
 
એ વખતે બુમલાની રક્ષા કરવાની જવાબદારી ૧ શીખ રેજીમેન્ટ પર હતી. અને એ રેજીમેન્ટનું નેતૃત્વ કરી રહ્યા હતા સૂબેદાર જોગિન્દર સિંહ.
 
સૂબેદાર જોગિન્દરસિંહનો જન્મ ૨૬મી સપ્ટેમ્બર, ૧૯૨૧ના દિવસે પંજાબના ફરીદકોટ ખાતે થયો હતો. તેમના પરિવારની આર્થિક હાલત ખૂબ જ ખરાબ હતી એના કારણે તેમણે અભ્યાસ પણ અધૂરો જ છોડવો પડ્યો હતો. તેમનું બાળપણ પંજાબમાં જ મોંગો નજીક આવેલા મહાકલાન નામના ગામમાં વીત્યું હતું.
 
જોગીન્દરની ટુકડીમાં બહુ ઓછા જવાનો હતા. ભારતીય જવાનોની સંખ્યા સાવ ના બરાબર હતી. એમની આસપાસ બસો-બસો ચીનાઓ હથિયાર લઈને ખિખિયાટા કરતા ઊભા હતા. જાણે અભિમન્યુ સાત કોઠાયુદ્ધમાં ઘેરાઈ ગયો હોય એવી સ્થિતિ હતી ભારતીય સૈનિકોની. પહેલાં થયેલા હુમલામાં આવેલા બસો ચીનાઓને તો ભારતીય સેનાએ બરાબરનો પાઠ ભણાવ્યો. પણ એ લોકો ઘાયલ થયા કે મર્યા એ સાથે જ બીજા બસો દુશ્મનોનું ટોળું ખિખિયાટા કરતું સામે આવી ગયું. એ બસો સાથે હજુ યુદ્ધ ચાલુ જ હતું ત્યાં પાછું બીજા બસ્સો જણનું ટોળું ભારતીય સેના પર તૂટી પડ્યું.
 
વિચારમાત્રથી થથરી જવાય એવું યુદ્ધ હતું એ. પરોઢિયાનું આછું આછું ભળભાંખળું. ટેકરીની ટોચ પર નરકેસરી જેવા પાંચ-પચ્ચીસ રણબંકાઓ અને આસપાસ છસ્સો જેટલાં ઘેટાંઓનું ટોળું. જોગીન્દર સિંહ ખરેખર સિંહ સાબિત થયા હતા. પહેલા હુમલો કરનારા બસ્સો ચીનાઓને એમણે ધૂળ ચાટતા કરી દીધા હતા. બીજા હુમલા વખતે પણ અનેક ચીનાઓ મોતને ભેટ્યા. પણ આ બે હુમલામાં ભારતના પણ અનેક જવાનોએ વીરગતિ પ્રાપ્ત કરી હતી.
 
ત્રીજો હુમલો થયો. ફરીવાર બસ્સો ચીનાઓનું ટોળું તૂટી પડ્યું. જોગીન્દર સિંહે બે ઘડી પાછળ જોયું. ભારતીય સેનાના મોટા ભાગના જવાનો શહીદ થઈ ચૂક્યા હતા. હવે માત્ર બે કે પાંચ જ સૈનિકો બચ્યા હતા અને સામે બસોથી પણ વધારે ચીનાઓનો પડકાર હતો. પણ સૂબેદાર જોગીન્દર સિંહ જરાય પીછેહટ કર્યા વગર ચીનાઓને જવાબ આપી રહ્યા હતા. અચાનક એમની બંદૂકની ગોળીઓ ખાલી થઈ ગઈ.
 
એ બે ઘડી માટે એમનું ધ્યાન બંદૂક પર ગયું એટલી વારમાં હવાને વીંઝતી એક ગોળી આવી અને એમના સાથળની આરપાર નીકળી ગઈ. એ ફસડાઈ પડ્યા. તરત જ એક જવાને એમને એક નાનકડી ટેકરી પાછળ ખેંચી લીધા. કંઈ પણ બોલ્યા વગર જોગીન્દર સિંહે ત્યાં પડેલા થેલામાંથી ગોળીઓ કાઢવા માંડી. થેલાનું તળિયું દેખાઈ ગયું હતું. જે ગણો એ આ છેલ્લો માલ હતો.
 

Subedar Joginder Singh_1& 
 
એમણે પેલા જવાન સામે જોયું. એણે કરુણ હાસ્ય વેરતાં કહ્યું, ‘સર, આપણી પાસેનો દારૂગોળો હવે ખલાસ થવા આવ્યો છે. બાકી આ ચીનાઓની તો...’ એ આખું વાક્ય ના બોલી શકયો. ગાળ ગળીને એણે આગળ કહ્યું, ‘સર, આપણી પાસે જો થોડાંક જ આધુનિક શસ્ત્રો કે થોડોક જ વધારે દારૂગોળો હોત તો આપણે છ જણ જ આ છસ્સો પર ભારે થઈ પડત. પણ અહીં તો નથી પૂરતો દારૂગોળો, નથી આધુનિક શસ્ત્રો કે નથી પૂરતા સૈનિકો.’
 
જોગીન્દર સિંહે જવાબ આપ્યો, ‘ભાઈ, આ ફરિયાદ કરવાનો વખત નથી. ઊભો થા અને લડ..’
 
‘સર, હું ફરિયાદ નથી કરતો. આ તો શહીદ થવા જાઉં છું એ પહેલાં તમને દિલની વાત કરવા માંગું છું. તમે અહીં બેસો. તમે બહુ ઘાયલ થયા છો. હું મેદાને જાઉં છું. આમેય હવે એટલો દારૂગોળો આપણી પાસે નથી...’
 
‘પૂરતો દારૂગોળો નથી તો કંઈ નહીં પણ મારા દિલમાં આગ પૂરતી છે. અને આમેય યુદ્ધો હથિયારોથી નહીં હિંમતથી લડવાના હોય છે. મને જવા દે...’ એટલું બોલીને એ લંગડાતા પગે ઊભા થઈને દુશ્મનોને મારવા ચાલી નીકળ્યા. એમના સાથળમાંથી થતા લોહીના દરડાથી ઠંડાગાર બરફમાં આગ લાગી ગઈ.
 
જોગીન્દર સિંહ સાથે સાથે બચેલા બે-પાંચ જવાનો પણ આવી પહોંચ્યા. માંડ પાંચ-દસ મિનિટ સુધી એમણે ચીનાઓનો સામનો કર્યો ત્યાં જ એમનો દારૂગોળો ખલાસ થઈ ગયો. હવે ભારતીય સૈનિકો પાસે એક પણ ગોળી નહોતી બચી. જે કંઈ હતું એ બાવડાંનું બળ હતું, દિલની આગ હતી અને ભારતભૂમિની રક્ષા કરવાનું ઝનૂન હતું.
 
બસ, હવે વિચારવાનું નહોતું. જોગીન્દર સિંહે એમની બંદૂક પર સંગીન (બેનેટ) ચડાવી અને ‘જો બોલે સો નિહાલ... સત્ત શ્રી અકાલ...’ ના ગગન ભેદી નારા સાથે દુશ્મનો પર તૂટી પડયા. બાકીના જવાનોએ પણ એવું જ કર્યુંય એ પણ બંદૂકો પર સંગીન ચડાવી દુશ્મનોની છાતીમાં ખોસવા લાગ્યા.
 
ભારતીય સૈનિકોની આ હિંમત જોઈ ચીનાઓ દંગ રહી ગયા. સિંહોનું ટોળું જેમ શિયાળવાઓના ઝુંડ પર તૂટી પડે એ રીતે જોગીન્દર સિંહ અને એમના ચાર-પાંચ રણબંકાઓ ચીની શિયાળોના ટોળા પર તૂટી પડ્યા હતા. એક પછી એક ચીનાની છાતીમાં બંદૂકની સંગીનો રોપાઈ રહી હતી.
 
ચીનાઓ ખરેખર શિયાળ સાબિત થયા હતા. એમણે જોગીન્દર સિંહ અને એમના સાથીઓને માર્યા નહીં પણ બંદી બનાવી લીધા. મોટા ભાગના ભારતીય સૈનિકો શહીદ થઈ ચૂક્યા હતા અને જે જીવતા બચ્યા હતા એમને ચીનાઓએ બંદી બનાવીને ચીન લઈ ગયા.
 
એ પછી ન તો જોગીન્દર સિંહના કોઈ ખબર આવ્યા, ન તો અન્ય કોઈ ભારતીય જવાનોના. ભારતનો એક સિંહ ચીનાઓની કેદના પાંજરે પુરાઈ ગયો. સર્કસના રીંગ માસ્ટર જેમ ચીની અધિકારીઓ એ સહુને રંજાડતા રહ્યા, એમના પર અત્યાચાર ગુજારતા રહ્યા અને આખરે એ કેદમાં જ એ સિંહ વીરગતિને પામ્યો.
 
લાગી તો એ વાતનું આવે છે કે ચીની શિયાળવાંઓેએ લુચ્ચાઈની હદ કરી નાંખી. જોગીન્દર સિંહના શબ કે અસ્થિ કંઈ પણ ભારતને આપ્યું નહીં. જોગીન્દર સિંહના મૃત્યુના સમાચાર સાંભળતાં જ એમની મોટી પુત્રીને એટલો બધો આઘાત લાગ્યો કે એ મૃત્યુ પામી.
 
સૂબેદાર જોગીન્દર સિંહના અભૂતપૂર્વ પરાક્રમ બદલ ભારત સરકારે એમને મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કર્યો. ભારતીય સૈન્યના ઇતિહાસનાં પાનાંઓમાંથી આજેય એ નરકેસરી જોગીન્દર સિંહની ડણક સંભળાય છે.