ફિલ્ડ માર્શલ માણેક શા - પાકિસ્તાનને ઘૂંટણીયે પાડનારા યોદ્ધા

    ૧૭-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

field marshal manekshaw_1 

ફિલ્ડ માર્શલ માણેક શા | યુદ્ધ - ૧૯૭૧ (પાકિસ્તાન)

પાકિસ્તાનને ઘૂંટણીયે પાડનારા યોદ્ધા |  ફિલ્ડ માર્શલ સેમ માણેક શા ૯૪ વર્ષની ઉંમર સુધી તંદુરસ્ત અને સક્રિય જીવન જીવ્યા અને ૨૦૦૮ની ૨૭ જૂને વેલિંગ્ટન ખાતેની લશ્કરી હોસ્પિટલમાં છેલ્લા શ્ર્વાસ લીધા હતા. તેમણે ૧૯૭૧ની ત્રણ ડિસેમ્બરે દળોને પૂર્વ પાકિસ્તાનની રાજધાની ઢાકા તરફ રવાના કર્યા અને ૧૪ દિવસમાં વિજય મેળવી લીધો.

 
સેમ માણેક શાનો જન્મ ૧૯૧૪ની ૩ એપ્રિલે પંજાબના અમૃતસરમાં એક પરંપરાગત પારસી પરિવારમાં થયો હતો. તેમના પિતા હોરમુસજી માણેક શા ડૉક્ટર હતા અને તેમના માતા હીરાબાઈ ગૃહિણી હતાં. તેમના માતા-પિતા ગુજરાતમાં વલસાડનાં વતની હતાં. તેઓ સ્થળાંતર કરીને પંજાબના અમૃતસર ગયાં હતાં જ્યાં સેમનો જન્મ થયો હતો.
 
તેમણે પ્રાથમિક શિક્ષણ અમૃતસરમાં લીધું અને અભ્યાસમાં તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. તેઓ અત્યંત શિસ્તબદ્ધ હતા અને સ્કૂલના તમામ કાયદા અને નિયમોનું પાલન કરતા હતા. સ્કૂલના તમામ શિક્ષકો તેમને ખૂબ પસંદ કરતા. સ્કૂલમાં તેમનો રેકોર્ડ શ્રેષ્ઠ હતો અને ત્યાર બાદ તેમણે નૈનિતાલમાં શેરવૂડ કોલેજમાં એડ્મિશન લઈને ત્યાં અભ્યાસ પૂરો કર્યો. આ પછી તેમણે દેહરાદૂનમાં ભારતીય લશ્કરી અકાદમીમાં પ્રવેશ લીધો.
 
સેમ માણેક શાને ૧૯૩૨ની એક ઓક્ટોબરે ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં એડ્મિશન મું હતું. લશ્કરી તાલીમ પૂર્ણ કરવા ટૂંક સમયમાં જ તેમને યુનાઈટેડ કિંગડમ મોકલવામાં આવ્યા હતા. ૧૯૩૪ની ૪ ફેબ્રુઆરીએ સેકન્ડ લેફ્ટનન્ટના હોદ્દા સાથે બ્રિટિશ ઇન્ડિયન લશ્કરમાં તેમની ભરતી થઈ હતી. તે સમયે આવા સર્વોચ્ચ હોદ્દા સાથે ભરતી થનાર જૂજ ભારતીયો પૈકી તેઓ એક હતા. ત્યાર પછી અલગ અલગ રેજિમેન્ટમાં તેમની બદલી થતી રહી.
 
માણેક શાની નેતૃત્વ ક્ષમતાની ખરી ઓળખ ૧૯૪૭માં ભારતના વિભાજન વખતે થઈ હતી. વિભાજનના આ સંવેદનશીલ મુદ્દાને તેમણે ખૂબ સમજદારી અને કાળજીપૂર્વક સંભાળી લીધો હતો. તેમના નેતૃત્વ હેઠળના વિસ્તારોમાં ખૂબ ઓછા પ્રમાણમાં હિંસક ઘટનાઓ બની હતી. જોકે વિભાજનની ઘટના પછી થોડા જ મહિનામાં માણેક શાએ ફરી યુદ્ધમાં ઊતરવું પડ્યું હતું. કાશ્મીરમાં ઘૂસી આવેલાં પાકિસ્તાની દળો વિરુદ્ધ યુદ્ધમાં તેઓ સામેલ થયા હતા. દુશ્મનો પાકિસ્તાની હતા અને માણેક શાએ એવા લોકો સામે લડવાનું હતું જે સ્વતંત્રતા અને વિભાજન પહેલાં ભારતનો જ હિસ્સો હતો અને તેમના મિત્રો હતા. પાકિસ્તાનીઓની ઘૂસણખોરીથી તેઓ દુઃખી થયા હતા. જો કે તેઓ સારી રીતે જાણતા હતા કે તેમની પ્રાથમિક ફરજ દેશ માટે છે, મિત્રો માટે નહીં. તેમણે વિવિધ પરિસ્થિતિમાં અને અનેક મુખ્ય પોઝિશન ઉપર યુદ્ધ કર્યાં અને હંમેશા પાકિસ્તાની લશ્કરને હરાવ્યું.
 
આ પછી ૧૯૬૨માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું. માણેક શા માટે ફરી એક વખત લશ્કરી કટોકટીનો સમય આવ્યો. એ ઓપરેશન્સમાં માણેક શા સીધી રીતે ચાર્જમાં નહોતા તેમ છતાં તેમને ફરજ બજાવીને લશ્કરને વિજય તરફ દોરી જવા જણાવવામાં આવ્યું. ભારતીય લશ્કર ચીનના આક્રમણનો સામનો કરી શકતું નહોતું. ભારતીય લશ્કર આ માટે તૈયારી જ નહોતું કરી શક્યું. ચીની દળો સરહદે ગોઠવાઈ રહ્યાં છે અને તેઓ ભારતમાં ઘૂસણખોરી કરી શકે છે તેવા સમાચાર મા ત્યારે કોઈએ કશું ધ્યાન આપ્યું નહીં. આ જ કારણે ચીની દળો જ્યારે ખરેખર ભારતીય સરહદમાં પ્રવેશી ગયાં ત્યારે આપણી તરફ પૂર્ણ ગૂંચવાડો સર્જાઈ ગયો.
 
રાજકીય અને વહીવટી વ્યવસ્થાને ખ્યાલ આવ્યો કે સમગ્ર સ્થિતિ વધારે કથળી રહી છે ત્યારે સેમ માણેક શાને ચીન વિરુદ્ધના ભારતીય ઓપરેશનની જવાબદારી સોંપવામાં આવી. યુદ્ધ શરૂ થઈ ચૂક્યું હતું અને માણેક શા ભારતીય દળોને તૈયાર કરીને જોમમાં લાવી યુદ્ધ જીતવા માટે તૈયાર કરવામાં સફળ રહ્યા.
 
તેમણે જવાબદારી સંભાાના થોડા દિવસમાં જ ભારતીયોમાં એક પ્રકારનું નવું જોમ આવી ગયું હતું. સમગ્ર ભારતીય લશ્કરમાં પરિવર્તન આવ્યું હોવાની નોંધ ચીની દળોએ પણ લીધી. પરિણામે તેઓ થોડા દિવસમાં પીછેહઠ કરીને પોતાના દેશમાં પાછા જવા લાગ્યા. તેઓ એ વાત સમજી ચૂક્યા હતા કે હવે ભારતીય લશ્કરની જવાબદારી સેમ માણેક શાને સોંપવામાં આવી છે અને તેથી તેમના નેતૃત્વ હેઠળની ટીમ સામે જીતવાનું શક્ય નથી.
 
એ સમયે ચીની ઘૂસણખોરીનું છૂપું સ્થાન બની ગયું હતું અને સ્થાનિક લોકોને ઉશ્કેરીને તેમના માટે અલગ દેશની માગણી કરવા માટે તેમનું બ્રેઇનવોશ કરવામાં આવતું હતું. ચીન ભારતમાં અને ખાસ કરીને પૂર્વોત્તર (ઈશાન)નાં રાજ્યોમાં વિભાજન કરાવવા માગતું હતું. આ માટેનો પ્રારંભ તેણે નાગાલેન્ડથી કર્યો હતો. તે સમયે દેશની સમસ્યાઓમાં એ સૌથી ગંભીર પ્રશ્ન હતો. વાસ્તવિક યુદ્ધમાં સૈનિકો જાણતા હોય છે કે તેમણે દુશ્મનો સામે લડવાનું છે, પરંતુ અહીં ઉગ્રવાદની સ્થિતિમાં તો સામે લડનારા પોતાના જ દેશવાસીઓ હતા.
 
માણેક શાએ હંમેશની જેમ અત્યંત ધીરજથી આ સમસ્યાનો ઉકેલ લાવવાનું નક્કી કર્યું. તેમણે સૌથી પહેલો તો એ આદેશ આપ્યો કે કોઈ લશ્કરી અધિકારી કોઈ પણ અજાણ્યા ઉપર ગોળીબાર નહીં કરે અને ત્યાર પછી તેઓ નાગા બળવાખોરોની સમસ્યા ઝડપી અને પારદર્શી રીતે ઉકેલવામાં સફળ રહ્યા. એ સૌથી પહેલો કેસ હતો જેમાં ભારતીય લશ્કરે સ્થાનિક બળવાખોરોની સમસ્યાને કોઈ અડચણ વિના ઉકેલી હતી. દેખીતી રીતે માણેક શાએ પરિસ્થિતિ સંભાળવામાં અસાધારણ કુશળતા દાખવી હતી. જેને પગલે ૧૯૬૮માં તેમનું પદ્મભૂષણથી સન્માન કરવામાં આવ્યું હતું.
 
૧૯૬૯ના અંતે તે સમયના ભારતીય લશ્કરના સાતમા કમાન્ડર ઈન ચીફ જનરલ કુમારમંગલમની મુદત પૂરી થઈ રહી હતી. તેમના સ્થાને નવી નિયુક્તિ કરવી જરૂરી હતી અને ભારતીય લશ્કરે તે સમયના સૌથી શ્રેષ્ઠ ઓફિસર સેમ માણેક શાની નિમણૂક કરવાનું નક્કી કર્યું. તમામ સાથી સૈનિકોમાં તેઓ અત્યંત લોકપ્રિય હતા તેથી બધાને આનંદ થયો, સાથે દુશ્મન દેશોમાં ફફડાટ પણ ફેલાયો. છેવટે ૧૯૬૯ની ૭, જૂને સેમ માણેક શાને ભારતીય લશ્કરના કમાન્ડર-ઈન-ચીફ નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ ભારતીય દળોના આઠમા કમાન્ડર ઈન-ચીફ બન્યા હતા. તેમની નિમણૂક સાથે ભારતીય લશ્કરમાં એક નવા યુગનો પ્રારંભ થયો હતો.
 
થોડા સમયમાં જ માણેક શાએ તેમની કારકિર્દીના સૌથી મોટા પડકારનો સામનો કરવો હતો. પૂર્વ પાકિસ્તાનમાં અશાંતિ અને કચવાટ ફેલાઈ રહ્યો હતો. પૂર્વ પાકિસ્તાનનાં બંગાળીઓને પશ્ર્ચિમ પાકિસ્તાનના શાસકોનું વલણ પસંદ નહોતું. આવી સ્થિતિમાં પશ્ર્ચિમ પાકિસ્તાનના શાસકોએ આખા દેશમાં ઉર્દૂ ભાષા ફરજિયાત કરવાનો આદેશ કર્યો જેણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. પૂર્વ પાકિસ્તાનીઓ માટે તેમની બાંગ્લા ભાષાનું મહત્ત્વ સર્વોચ્ચ હતું. તેઓ બધી રીતે અલગ પડતા હતા. તેઓ હવે પોતાના માટે અલગ દેશની માગણી કરવા લાગ્યા. તેમણે બાંગ્લાદેશ નામે અલગ દેશની માગણી ઉપાડી.
 
પશ્ર્ચિમ પાકિસ્તાનીઓ આ બળવો ડામી દેવા માગતા હતા અને તેથી તેમણે લશ્કરી બટાલિયનો મોકલી. સ્થિતિ અશાંત અને હિંસક બનતાં પૂર્વ પાકિસ્તાનમાંથી મોટા પાયે ભારતમાં નિરાશ્રિતોની ઘૂસણખોરી થવા લાગી. ભારતની પોતાની સમસ્યાઓ હજુ ઊકલી નહોતી ત્યાં આ નિરાશ્રિતોની સમસ્યા ઊભી થઈ. પરિણામે ભારતે પાકિસ્તાનને તેની આંતરિક સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા વિનંતી કરી. ભારતે કહ્યું કે પશ્ર્ચિમ પાકિસ્તાનની હિંસાને કારણે પૂર્વ પાકિસ્તાની નિરાશ્રિતો ભારતમાં ઘૂસી આવે તે યોગ્ય નથી. પરંતુ પાકિસ્તાને ખોટું અર્થઘટન કરીને ભારતની વિનંતીને પોતાની આંતરિક બાબતમાં દખલગીરી ગણાવી અને ભારત ઉપર હુમલો કરી દીધો. કદાચ ત્યારે તેમને સેમ બહાદુર કોણ છે તેની જાણ નહોતી !
 
ભારતે પણ વળતો હુમલો કરવો જોઈએ તેવો આગ્રહ તે સમયનાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ રાખ્યો. જો કે માણેક શા હોશિયાર હતા. તેમણે નક્કી કર્યું કે ચોમાસું પૂરું થઈ જવા દેવું જોઈએ કેમ કે પાણીને કારણે કાદવવાળી જમીન ઉપર ટેન્કો ચલાવવાનું શક્ય નહીં બને. બીજા કોઈને માણેક શાની યોજના સમજમાં ન આવી પરંતુ તેઓ હુમલો કરવા માટે યોગ્ય સમયની રાહ જોવા પ્રતિબદ્ધ હતા. છેવટે તેમણે ૧૯૭૧ની ત્રણ ડિસેમ્બરે દળોને પૂર્વ પાકિસ્તાનની રાજધાની ઢાકા તરફ રવાના કર્યા અને ૧૪ દિવસમાં વિજય મેળવી લીધો. ભારતીય ઉપખંડમાં થયેલું આ સૌથી ટૂંકું યુદ્ધ હતું. પાકિસ્તાની દળોની શરણાગતિ સાથે બાંગ્લાદેશ નામે નવા દેશની રચના થઈ.
 
યુદ્ધના ઇતિહાસમાં ૧૯૭૧નું યુદ્ધ ઘણી રીતે યાદગાર હતું કેમ કે એ યુદ્ધ બે મોરચા ઉપર લડાયું હતું. પ્રથમ ઈસ્ટર્ન થિયેટર (પૂર્વ સરહદ) જ્યાં ભારતે પૂર્વ પાકિસ્તાની દળો સાથે લડવાનું હતું. જ્યારે બીજું યુદ્ધ વેસ્ટર્ન થિયેટર (પશ્ર્ચિમ સરહદ) જ્યાં પશ્ર્ચિમ પાકિસ્તાની દળો સાથે યુદ્ધ લડવાનું હતું. દુશ્મન દેશ બે ભાગમાં વહેંચાયેલા હતો. વચ્ચે ભારત એકલો દેશ હતો અને તેમાં આપણી પાસે સેમ બહાદુર હતા.
 
૧૯૭૨માં ભારતના રાષ્ટપતિ વી વી ગીરીના હસ્તે સેમ માણેક શાને પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત થયો. ૧૯૭૩ની એક જાન્યુઆરીએ તેમને ફિલ્ડ માર્શલ જેવું પ્રતિષ્ઠિત ટાઈટલ પણ આપવામાં આવ્યું જેના કારણે આવું ટાઈટલ મેળવનાર તે સમયે તેઓ બીજા લશ્કરી અધિકારી બન્યા હતા.
 
ફિલ્ડ માર્શલ સેમ માણેક શા ૯૪ વર્ષની ઉંમર સુધી તંદુરસ્ત અને સક્રિય જીવન જીવ્યા અને ૨૦૦૮ની ૨૭ જૂને વેલિંગ્ટન ખાતેની લશ્કરી હોસ્પિટલમાં છેલ્લા શ્ર્વાસ લીધા હતા.