લે. જન. જગજીતસિંહ અરોરા | પાકિસ્તાન સામેના ૧૯૭૧ના યુદ્ધના હીરો...

    ૧૭-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

 lt gen jagjit singh aror  
 

લે. જન. જગજીતસિંહ અરોરા | યુદ્ધ - ૧૯૭૧ (પાકિસ્તાન)

૧૯૭૧નું વર્ષ આ રીતે વિશ્ર્વના ઇતિહાસ માટે નોંધપાત્ર બની રહ્યું છે. એ વર્ષે પૂર્વ પાકિસ્તાનના અડધા ભાગમાંથી બાંગ્લાદેશ નામે નવા દેશની રચના થઈ હતી.

 
૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનમાં જાણે ભય અને આતંકનો સમય શરૂ થઈ ગયો હતો. અનેક લોકો તેમનું જીવન બચાવવા સરહદ પાર કરીને ભારતમાં ઘૂસવા લાગ્યા હતા. ભારતમાં આ રીતે આવી રહેલા પૂર્વ પાકિસ્તાનના લોકોની સંખ્યા ખૂબ વધવા લાગી. એ સમયે ભારત તેની પોતાની સમસ્યાઓમાં ઘેરાયેલો હતો અને હવે તેના માથે પૂર્વ પાકિસ્તાનમાંથી આવેલા લાખો નિર્વાસિતોની જવાબદારી આવી પડી હતી. આ સંજોગોમાં ભારતે પાકિસ્તાનને તેના આ આંતરિક વિવાદનો ઝડપથી અંત લાવવા જણાવ્યું. ભારત માટે આ મુદ્દો તાકીદનો બની ગયો હતો, કેમ કે તે સમયે દેશમાં જ અનેક સમસ્યાઓ હતી. જો કે, ભારતની આ વિનંતીનું પાકિસ્તાને ખોટું અર્થઘટન કરીને એવો હોબાળો કર્યો કે ભારત તેની આંતરિક બાબતમાં દખલ કરે છે.
 
આ મુદ્દે પાકિસ્તાની સરકાર એકાએક ભારત પ્રત્યે આક્રમક બની ગઈ. પાકિસ્તાને જે આક્ષેપો કર્યા તેનો જવાબ આપવા માટે ભારતને થોડા સમયની જરૂર હતી.
 
પાકિસ્તાનને હવે લાગ્યું કે આ સ્થિતિમાં ભારતને લડત આપવાનો એકમાત્ર માર્ગ યુદ્ધ કરવાનો છે. સામે ભારતીય સુરક્ષા ગુપ્તચરો પણ સમજતા હતા કે ઘેરાઈ ગયેલું પાકિસ્તાન યુદ્ધ કરી શકે છે. બંને દેશ વચ્ચે સ્થિતિ તંગ થવા લાગી હતી. ભારતીય સંરક્ષણ દળોએ યુદ્ધની સંભાવનાને ધ્યાનમાં લઈને તૈયારી શરૂ પણ કરી દીધી હતી. ભારતીય લશ્કર, હવાઈ દળ તેમજ નૌકાદળને પોતપોતાની યુદ્ધ પોઝિશન સંભાળી લેવા જણાવવામાં આવ્યું. તેમને દુશ્મન તરફથી હુમલાની સંભાવના માટે તૈયાર રહેવા અને ત્યાર બાદ મક્કમ વળતો હુમલો કરવા સૂચના આપી દેવામાં આવી. એ યુદ્ધમાં દુશ્મનનો મુકાબલો કરવામાં જનરલ જગજિતસિંહ અરોરાએ અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
 
પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીને લશ્કરના ટોચના અધિકારીઓએ બ્રિગેડિયર જગજિતસિંહ અરોરાને ઈસ્ટર્ન કમાન્ડના કમાન્ડર - ઈન- ચીફ નિયુક્ત કરવાનો નિર્ણય લીધો. બાંગ્લાદેશ માટેના યુદ્ધ દરમિયાન અરોરા ભારતીય દળોના નેતા હતા અને તેમના નેતૃત્વ હેઠળ ૧૯૭૧માં પાકિસ્તાન વિરુદ્ધ વિજય મો. કમાન્ડર તરીકે અરોરા એ બાબત સારી રીતે જાણતા હતા કે લડાઈ ઘણી મુશ્કેલ બનવાની છે. આથી તેમણે સૌ પ્રથમ બાંગ્લાદેશની મુક્તિ વાહિનીને તાલીમ આપીને મજબૂત બનાવવાનો નિર્ણય લીધો. મુક્તિ વાહિની એ ગેરીલાઓનું એવું બળવાખોર જૂથ હતું જે પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાની લશ્કર વિરુદ્ધ લડતું હતું. અરોરાએ બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન ફ્રેન્ચ નાગરિકોએ બચાવ અને હુમલાની જે પદ્ધતિ અખત્યાર કરી હતી એ સિદ્ધાંત અહીં કામે લગાડ્યો. તેમણે મુક્તિ વાહિનીના બળવાખોરોને દુશ્મનો ઉપર પાછળથી હુમલા કરવા સજ્જ કર્યા અને એ રીતે ભારતીય લશ્કર માટે પૂર્વ પાકિસ્તાનની તે સમયની રાજધાની ઢાકા તરફ આગળ વધવાનું કાર્ય સરળ બનાવ્યું. યુદ્ધના ઇતિહાસકારોએ પછીથી તેમનાં લખાણોમાં દાવો કર્યો હતો કે કોઈ પણ યુદ્ધમાં અમલમાં મૂકવામાં આવેલી એ સૌથી શ્રેષ્ઠ વ્યૂહરચના હતી.
 

 lt gen jagjit singh aror 
 
ઉપરાંત, અરોરા એ વાત સારી રીતે જાણતા હતા કે જો તેઓ દુશ્મનો સાથે સીધી લડાઈ કરશે તો નાગરિકોની મોટા પાયે જાનહાનિ થઈ શકે છે. નિર્દોષ લોકોની જાનહાનિ થાય એવું તેઓ ઇચ્છતા નહોતા. ૧૯૭૧ના યુદ્ધના સમગ્ર ગાળા દરમિયાન અરોરા કલકત્તામાં ફોર્ટ વિલિયમ ખાતે રોકાયા હતા. તેમણે ખૂબ કાળજીપૂર્વક પાકિસ્તાની દળોની પોઝિશન તેમજ કયા વિસ્તારમાં તેઓ વધારે શસ્ત્રસજ્જ છે તેનો અભ્યાસ કર્યો. ત્યાર પછી તેમણે દુશ્મન દળોની સામે જવાને બદલે દુશ્મનોની ફરતે ઘેરો ઘાલવાની કાળજીપૂર્વક યોજના ઘડી. તેનું પરિણામ એ આવ્યું કે ભારતીય દળો પાકિસ્તાની સૈનિકોને પાછળ રાખીને વધારે ઝડપથી ઢાકા પહોંચી શક્યા. યુદ્ધ ઇતિહાસકારો અરોરાની આ ચાલને પણ સર્વશ્રેષ્ઠ વ્યૂહરચના ગણાવે છે.
 
આમ, એ યુદ્ધના બે હેતુ હતા. એક મુક્તિ વાહિનીને પાકિસ્તાનીઓ વિરુદ્ધ હુમલા કરવા દેવા, અને બીજો ઢાકા પહોંચીને એ શહેર ઉપર કબજો જમાવી લેવો. બધું જ બરાબર આયોજન પ્રમાણે થયું. ૧૯૭૧ની ૧૬ ડિસેમ્બરે ભારતીય લશ્કરે ઢાકામાં પ્રવેશ કર્યો. ૧૯૭૧માં યુદ્ધ સમાપ્ત થયું. યુદ્ધના અંતના સંકેતરૂપ ભારતીય ટેન્કોએ ઢાકામાં પ્રવેશ કર્યો. પાકિસ્તાની લશ્કર માટે આ તદ્દન અણધારી બાબત હતી અને તેમણે તરત જ યુદ્ધવિરામ જાહેર કરી દીધો.
 
ભારતે પાકિસ્તાની જનરલ એ. કે. નિયાઝીને બિનશરતી શરણાગતિ સ્વીકારવા જણાવ્યું. જનરલ અરોરા તત્કાળ ફોર્ટ વિલિયમમાંથી ઢાકા આવી પહોંચ્યા અને બાંગ્લાદેશી દળોની શરણાગતિનું નિરીક્ષણ કર્યું. ઢાકામાં રેસકોર્સ ખાતે નિયાઝીની શરણાગતિ સ્વીકારતા જનરલ અરોરાની તસવીરો ભારતીય લશ્કરના ઇતિહાસની સૌથી ગૌરવપૂર્ણ તસવીરો બની રહી. એ તસવીરોમાં તેના પરથી લશ્કરનું ગૌરવ વ્યક્ત થાય છે. તસવીરોમાં દેખાય છે કે જે સમયે નિયાઝીએ શરણાગતિની સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા તે સાથે જ ત્યાં ઉપસ્થિત લોકોએ અરોરાએ ખભે ઊંચકી લીધા હતા. અરોરાને શંકા હતી કે ત્યાં એકત્રિત થયેલા લોકો નિયાઝીની હત્યા કરી શકે છે, આથી તેમણે તેમના માણસોને તત્કાળ નિયાઝીને રેસકોર્સથી દૂર લઈ જવા આદેશ આપ્યો. વિજયની એ ક્ષણે પણ જનરલ જગજિતસિંહ અરોરાએ અસાધારણ ધૈર્ય અને કુશળતા દર્શાવી. ત્યાર પછી બાંગ્લાદેશમાં નવી જ રચાયેલી સરકારે જનરલ અરોરાને વીર પ્રતીક લશ્કરી ઍવોર્ડથી સન્માનિત કર્યા હતા.
 
લશ્કરમાંથી નિવૃત્તિ પછી જગજિતસિંહ અરોરાએ ઘણાં વર્ષ સુધી ભારતીય સંસદના ઉપલા ગૃહ અર્થાત્ રાજ્યસભાના સાંસદ તરીકે દેશની સેવા કરી હતી. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ઓપરેશન બ્લૂસ્ટારનો આદેશ આપ્યો હતો તેનો સૌથી પ્રખર વિરોધ કરનારા લોકો પૈકી જગજિતસિંહ અરોરા પ્રમુખ હતા. ઇન્દિરા ગાંધીના આદેશને પગલે શીખ સમુદાયના સૌથી પવિત્ર ધાર્મિક સ્થળ સુવર્ણમંદિરમાં ભારતીય લશ્કરે પ્રવેશ કર્યો હતો.
 
લેફ્ટનન્ટ જનરલ જગજિતસિંહ અરોરાનું ૮૯ વર્ષની વયે ૨૦૦૫ની ૩જી મેએ નિધન થયું. તેમના નિધન અંગે તે સમયના બાંગ્લાદેશના વિદેશપ્રધાન મોર્શદ ખાને કહ્યું હતું, ૧૯૭૧માં બાંગ્લાદેશની મુક્તિ માટે સંયુક્ત દળોનું નેતૃત્વ કરવા બદલ અરોરા ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે.