મેજર ધનસિંહ થાપા । જેમણી ચીનીઓને ચોખ્ખું કહી દીધું છે કે મારવો હોય તો મારી નાંખો પણ હું મારી માતૃભૂમિનો દ્રોહ નહીં કરું.

    ૧૭-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

mejar dhansingh thapa_1&n
 

૧૯૬૨ના યુદ્ધની ઘટના અને શહીદ સૈનિક જીવતો પાછો આવ્યો...!

 
૧૯૬૦માં ચીનાઓ ભારતની સેંકડો ચોરસ કિ.મી. જમીન પચાવીને બેઠા હતા અને હજુ કેટલાક વિસ્તારો પચાવવાના પ્લાન કરી રહ્યા હતા. દૂરદ્રષ્ટા એવા સરદાર વલ્લભભાઈ પટેલને ચીની જોખમોની આગોતરી ગંધ આવી ગઈ હતી. એટલે જ એમણે તત્કાલીન વડાપ્રધાન નહેરુને ચેતવ્યા પણ હતા ત્યારે એની ગંભીરતાથી નોંધ ના લેવાઈ. સરદારની ચેતવણી સાચી હતી એની ખબર નહેરુને થોડા જ દિવસમાં પડી ગઈ. ૨૧મી ઓક્ટોબર, ૧૯૬૨ના દિવસે ચીનાઓએ પેગાંગની ઉત્તર દિશાએથી હુમલો શરૂ કરી દીધો. ચીનાઓની નજર ભારતના સીરજપ અને અન્ય વિસ્તારો પર હતી. જવાહરલાલ નહેરુએ તરત આદેશો આપવા પડ્યા. ભારતીય લશ્કરના જવાનોને અધિકારીઓના આદેશ મળતાં જ તેઓ માતૃભૂમિની રક્ષા માટે કામે લાગી ગયા. સીરજપની આસપાસનો કુલ વિસ્તાર ૪૮ ચોરસ કિલોમીટરનો છે. ભારતીય સેનાએ ફટાફટ એના રક્ષણની જવાબદારી લઈ લીધી અને એ વિસ્તારની આસપાસ નાની મોટી ચોકીઓ ઊભી કરવા માંડ્યા. આ તમામ ચોકીની સુરક્ષાનું કામ ગુરખા રાઈફલ્સની પહેલી બટાલીયનની ડી કંપનીને સોંપવામાં આવ્યું હતું અને એ કંપનીનું નેતૃત્વ કરી રહ્યા હતા મેજર ધનસિંહ થાપા. મેજર ધનસિંહ થાપાનો જન્મ ૧૦મી જૂન ૧૯૨૮ના રોજ હિમાચલ પ્રદેશના સિમલામાં થયો હતો. તેઓએ ૧૯૪૧ના રોજ ૮ ગુરખા રાઈફલ્સમાં નિમણૂક મેળવી હતી.
 
તારીખ ૧૯મી, ઑક્ટોબર, ૧૯૬૨. સીરજપની પશ્ર્ચિમ દિશામાં આવેલી પહાડીઓ પાછળ સાંજનો સૂરજ ઢળી રહ્યો હતો. ધોળા દૂધ જેવા બરફ આચ્છાદિત પહાડો પર રાત્રીનું કાળુંડિબાંગ અંધારું ઊતરવાની શઆત થઈ ગઈ હતી. કોઈ કાતિલ છરી ફરતી હોય એમ ઠંડીગાર હવાના સુસવાટા ભલભલાંને ચીરી રહ્યા હતા. આવે વખતે મેજર ધનસિંહ થાપા અને ડી કંપનીના અધિકારી સૂબેદાર મીન બહાદુર ગુરંગ એમની ચોકીની બહાર એક નાનકડી ટેકરી પર બેઠા હતા. અચાનક મેજર ધનસિંહની નજર દૂર થતા સળવળાટ પર ગઈ. એમણે નજર ઝીણી કરીને ધ્યાનથી જોયું અને બોલી ઊઠ્યા, સૂબેદાર, ત્યાં જુઓ... ચીનાઓનું એક મોટું ધાડું આ તરફ આવી રહ્યું છે.
 
મીન બહાદુરે ચોંકીને એ દિશામાં જોયું, અનેક ચીની સૈનિકો બિલ્લીપગે સીરજપ તરફ કૂચ કરી રહ્યા હતા. એ બોલ્યા, મેજર, આપણી પાસે બહુ ઓછો સમય છે. આપણી કંપનીમાં ૨૮ જ જવાનો છે અને આ લોકો સંખ્યાબદ્ધ છે.
 
મેજર ધનસિંહે બધાને સૂચના આપવા માંડી, જવાનો, આપણે માત્ર અઠ્યાવીસ છીએ અને દુશ્મનો ઘણા છે. એટલે આપણે બળની સાથે સાથે કળથી પણ લડવું પડશે. ગભરાવાનું તો આપણા રક્તની રવાનીમાં નથી... પણ બુદ્ધિથી થોડું કામ લઈશું અને ચીનાઓને છે એના કરતાંય ટૂંકા કરીને પાછા ધકેલીશું.
 
યેસ સર ! જવાનોએ કહ્યું.
 
૨૦મી ઓક્ટોબરનો સૂરજ સીરજપની ઉગમણી બાજુએ ડોકિયું કરી રહ્યો હતો ત્યાં જ ભારતીય ચોકી પર દુશ્મનનો પહેલો હુમલો થયો. એક ચોકી પર તોપગોળો વિંઝાયો અને યુદ્ધનું રણશીંગું ફુંકાઈ ગયું. ભારતીય જવાનોએ પણ એનો જડબાતોડ જવાબ આપ્યો. બંને તરફથી તોપગોળા, મોર્ટાર અને ગોળીઓની બૌછાર થવા માંડી. ભારતીય સૈનિકો અને ઘૂસણખોર ચીનાઓ વચ્ચે ઘમસાણ યુદ્ધ ચાલ્યું. ચીનાઓની સંખ્યા ૧૦૦ કરતાં પણ વધારે હતી અને ભારતીય સૈનિકો માત્ર ૨૮. હુમલો કરતાં કરતાં ચીનાઓ ભારતીય ચોકીની એકદમ નજીક આવી પહોંચ્યા હતા.
 
ચીનાઓ નજીક આવતાં જ ગુરખાઓએ હુમલો કર્યો અને અનેક ચીનાઓનાં ઢીમ ઢાળી દીધાં. મેજર ધનસિંહ થાપા અને સૂબેદાર મીન બહાદુર દુશ્મનો સામે લડતા પણ હતા અને એક પછી એક ચોકીઓ પર જઈને ચોકીઓનું નિરીક્ષણ પણ કરતા હતા. એકેએક ચોકી પર ભારતીય સૈનિકો શહીદીની ચાદર ઓઢીને પડ્યા હતા પણ સામે પક્ષે એક કરતાં વધારે દુશ્મનોને ઢાળીને જ. જે સૈનિકો જીવતા હતા એમનામાં જોમ અને જુસ્સો રેડતાં રેડતાં બંને આગળ વધી રહ્યા હતા. એક બંકર પાસે આવીને મીન બહાદુરે પોઝિશન સંભાળી. મેજર ધનસિંહ બીજા સ્થળેથી દુશ્મનોનો સફાયો બોલાવી રહ્યા હતા ત્યાં જ સૂબેદાર મીન બહાદુરના બંકર પર એક મોર્ટાર વિંઝાઈ અને ઘડીના છઠ્ઠા ભાગમાં બંકર આગની લપેટોમાં લપેટાઈ ગયું. મેજર ધનસિંહે એ બંકર તરફ જોયું. આગની લપેટોમાં લપેટાયેલા મીન બહાદુર સળગતા બંકરની બહાર નીકળ્યા. એમના હાથમાં એક મશીનગન હતી. મશીનગનમાંથી ગોળીઓનો વરસાદ વરસાવી દીધો. સામેે ઊભેલા અનેક દુશ્મનોને મોતને ઘાટ ઉતારીને એ પણ નીચે ઢળી પડ્યા. શહીદી આવીને એમને આલિંગી ગઈ. મિત્રની શહીદીથી મેજર ધનસિંહ થાપાનું હૃદય વ્યથિત થઈ ગયું. અને વળી હવે માત્ર ત્રણ જ સૈનિકો હતા અને એક પોતે. વ્યથા બેવડાઈ અને ધીમે ધીમે ગુસ્સાનું રૂપ ધારણ કરતી ગઈ. મેજર ધનસિંહ હવે મરણિયા થઈને ચીનાઓ પર તૂટી પડ્યા હતા. એ પોતે પણ બહુ ગંભીર રીતે ઘાયલ થયા હતા છતાં એમનો જુસ્સો કે ગુસ્સો શાંત નહોતા થયા. એ ભાંગેલી અને તૂટેલી હાલતમાં પણ ચીનાઓ પર ભારે પડી રહ્યા હતા. સામે દુશ્મનોની સંખ્યા વધારે હતી અને આ તરફ માત્ર ત્રણ જ જણ. હથિયારોની બાબતમાં પણ એવું જ હતું. છતાં પણ ધનસિંહ બહાદુરીથી દુશ્મનોનો સામનો કરી રહ્યા હતા. લડતાં લડતાં અચાનક ધનસિંહના બંકર પર એક મોટો બોમ્બ વિંઝાયો. આખું બંકર આગથી ભડભડ સળગવા માંડ્યું. ધુમાડાના ગોટેગોટાથી સીરજપનું આસમાન ભરાઈ ગયું.
 
ભારતીય સૈન્યની મદદે પહોંચેલા નાયક રબીલાલ થાપાની નજર સામે અનેક ભારતીય સૈનિકોની લાશો પડી હતી. મેજર ધનસિંહ થાપાનું બંકર આગમાં ભડભડી રહ્યું હતું અને ચારે તરફ વેરવિખેર હતું. એમણે ધીમા અવાજે હેડકવાર્ટરને સંદેશો મોકલાવ્યો, મેજર ધનસિંહ અને તેમના જવાનો આખરી ઘડી સુધી લડતાં લડતાં શહીદ થયા છે.
 
મેજર ધનસિંહ થાપાની શહીદી બદલ ભારત સરકારે એમને મરણોત્તર પરમવીર ચક્ર આપવાની જાહેરાત કરી.
મેજર ધનસિંહને મરણોત્તર પરમવીર ચક્ર જાહેર થઈ ચૂક્યો હતો. આવનારી છવ્વીસમી જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે એમના પરિવારજનોને એ એનાયત પણ થવાનો હતો, પણ વિધાતાએ કદાચ બીજું જ કંઈક ધાર્યું હશે.
 
એક દિવસ એક લોહીલુહાણ જવાન ભારતીય ચોકી પર આવ્યો. એને જોતાં જ બધા ચોંકી ગયા. એ રાઈફલ મેન તુલસીરામ થાપા હતો. સીરપજ ખાતે ચીનાઓ સામે લડતાં લડતાં એ શહીદ થયો હતો એવા સમાચાર હતા અને આજે એ ભારતીય સૈનિકો સામે જીવતો ઊભો હતો. એને સૌથી પહેલાં સારવાર આપવામાં આવી, પછી ભોજન કરાવવામાં આવ્યું અને પછી અધિકારી સમક્ષ લઈ જવામાં આવ્યો. અધિકારીઓ સમક્ષ એણે બયાન આપ્યું, સર, હું શહીદ નહોતો થયો. લડાઈની અંધાધૂંધીમાં ચીની સૈનિકો દ્વારા મારું અપહરણ કરવામાં આવ્યું હતું. આજે માંડ માંડ એમની કેદમાંથી ભાગીને આવ્યો છું. આટલું બોલીને એણે બીજો ધડાકો પણ કર્યો, સર, ખાસ વાત એ છે કે મેજર ધનસિંહ થાપા પણ શહીદ નથી થયા, તેઓ ચીનાઓની કેદમાં જ છે. ચીનાઓ એમના પર અમાનુષી ત્રાસ ગુજારી રહ્યા છે અને ભારત વિરુદ્ધ લડવા માટે અને અંદરની માહિતી આપવા માટે દબાણ કરી રહ્યા છે. પણ ધનસિંહે ચોખ્ખું કહી દીધું છે કે મારવો હોય તો મારી નાંખો પણ હું મારી માતૃભૂમિનો દ્રોહ તો કોઈ કાળે નહીં કરું.
 
ધનસિંહને મરણોત્તર પરમવીર ચક્ર ઘોષિત થઈ ગયો હતો એ પછી એ જીવતા છે અને ચીનાઓની કેદમાં છે એવા સમાચાર આવતાં આખાયે ભારતીય સૈન્યમાં હાહાકાર મચી ગયો. એમના પરિવારજનો પણ હચમચી ગયા. એ જીવતા છે એ ખુશીના સમાચાર હતા પણ ચીનાઓની કેદમાં હતા એ સમાચાર મોત કરતાં પણ વધારે ખરાબ હતા.
 
પરિવારજનો રોઈ રોઈને થાકી ગયાં. એ પાછા આવી જાય એ માટે પરિવારજનો રોજેરોજ પ્રાર્થનાઓ કરવા લાગ્યા. પરિવારે પ્રાર્થનાનો માર્ગ અપનાવ્યો અને ભારતીય સૈન્યએ કાયદેસરના પ્રયત્નોનો.
 
આખરે પ્રયત્નો અને પ્રાર્થના બંને રંગ લાવ્યાં અને એક દિવસ ધનસિંહ ચીનાઓની કેદમાંથી છૂટ્યા. એ દિવસ એમના પરિવાર અને ભારતીય સૈન્ય માટે સૌથી વધારે આનંદની ક્ષણ હતી. છૂટ્યા બાદ પરમવીર ચક્રને હાથમાં લેતાં ધનસિંહ થાપાએ ઉપર આસમાનમાં જોયું અને કહ્યું, મારા માટે આજે બેવડા આનંદનો દિવસ છે. હું જ પહેલો એવો સૈનિક છું જેને મરણોત્તર પરમવીર ચક્ર પણ એનાયત થયો છે અને આજે સ્વહસ્તે પણ એ સ્વીકારી રહ્યો છું.
 
એક જીવંત સૈનિકને મરણોત્તર પરમવીર ચક્રથી નવાજવાની આ ઘટના અને ધનસિંહનું અપ્રતિમ શૌર્ય આજેય ભારતીય લશ્કરની છાતીમાં ગૌરવ થઈને સચવાઈ રહ્યું છે.