જ્યારે કેપ્ટન વિક્રમ બત્રાએ ‘યે દિલ માંગે મોર’નો નારો આપી પાકિસ્તાની દુશ્મનોને પોતાની ઇચ્છા અને જનૂનનો પરચો આપી દીધો

    ૧૭-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

captain vikram batra_1&nb 
 

કેપ્ટન વિક્રમ બત્રા | યુદ્ધ - ૧૯૯૯ (કારગીલ)

 

કાં તો ત્રિરંગો ફરકાવીને આવીશ કાં તો ત્રિરંગામાં લપેટાઈને આવીશ | જો જીવવું જ હોત તો કેપ્ટન બત્રા પાસે એના સો ટકા ચાન્સ હતા. પણ એ એક સફળ કેપ્ટનને છાજે એ રીતે, મિત્રને બચાવવા માટે થઈને જાણી જોઈને મોતને ભેટી પડ્યા. વિક્રમ બત્રાની આ શહાદતે માત્ર દેશદાઝ કે બહાદુરીનું જ નહીં પણ એક સફળ કેપ્ટન અને નેતૃત્વકર્તાનું પણ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 
૧૯૯૯ના મે મહિનાના દિવસો ચાલી રહ્યા હતા. શિયાળો પૂરો થઈ ગયો હતો પણ કારગીલ ક્ષેત્રમાં ઠંડી એવી ને એવી બરકરાર હતી. એક દિવસ વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના કકસાર કસ્બાના ગોવાળો પોતાની ભેડ-બકરીઓ ચરાવવા પહાડોની ગોદ ખૂંદી રહ્યા હતા. એક પછી એક પહાડો અને ટેકરીઓના ઉબડખાબડ રસ્તા પર આગળ વધી રહેલા એ ગોવાળોનું ધ્યાન અચાનક એલ્યોરની પહાડી પર ગયું, ત્યાં કેટલાક લોકો પહાડી પર તંબુ ગાળી રહ્યા હતા. એમની પાસે થોડાંક શસ્ત્રો પણ હોવાનું કળાયું. ગોવાળોના પગ થંભી ગયા અને નજર ઝીણી થઈને ત્યાં ચોંટી ગઈ. એ લોકો કોઈ જ રીતે ભારતીય સૈન્યના માણસો નહોતા દેખાતા.
 
અભણ અને અબુધ ગણાતા ગોવાળો જરૂરિયાત કરતાં વધારે બુદ્ધિમાન સાબિત થયા. તાત્કાલિક એમણે એ માહિતી ભારતીય સેનાની ચોકી પર પહોંચાડી દીધી. અને એ સાથે જ બીજ રોપાયાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના અત્યાર સુધીના સૌથી છેલ્લા અને ખતરનાક યુદ્ધ કારગીલ યુદ્ધનાં.
 
ખબર મળતાં જ ભારતીય સૈન્ય ચોકન્નું થઈ ગયું.
 
૧૯મી જૂનનો સૂરજ હજુ ક્ષિતિજની રેખામાંથી પૂરેપૂરો બહાર પણ નહોતો આવ્યો એ સમયે આર્મીના એક ચીફ સામે ઊભેલા જવાનોને આદેશ ફરમાવી રહ્યા હતા, ‘જવાનો, પાકિસ્તાનીઓએ પોઈન્ટ ૫૧૪૦ની પહાડીઓ પર પણ કબજો જમાવી દીધો છે. આ પહાડીને દુશ્મનોના હાથમાંથી આઝાદ કરાવવાની જવાબદારી હું તમારી ટુકડીને સોંપું છું. આટલું બોલ્યા પછી ચીફ એક હટ્ટાકટા જવાન તરફ ફર્યા અને કરડા અવાજે કહ્યું, ‘કેપ્ટન વિક્રમ બત્રા! આ ટુકડીનું નેતૃત્વ હું તમને સોંપું છું.’
‘યેસ, સર ! અમે વિજયી થઈને જ આવીશું !’
 
‘તમે ધારો છો એટલું સહેલું નથી કેપ્ટન. દુશ્મનો ૧૭૦૦૦ ફૂટની ઊંચાઈ પર બેઠા છે. એમની પાસે દારૂગોળો અને હથિયારો પણ ખૂબ છે. એમની સંખ્યાનો તો આપણને અંદાજ નથી, પણ કૌરવસેના તો હશે જ. આપણી પાસે સૈનિકો ઓછા છે. આપણને કોઈ પણ ભોગે એક પણ સૈનિક ગુમાવવો પોસાય તેમ નથી! ઈઝ ઈટ કલીઅર? બધી જ પરિસ્થિતિ આપણી વિરુદ્ધમાં છે. સો બી કેરફુલ...’
 
‘સર, કદાચ હું ધારું છુ એટલું સહેલું નહીં હોય એ વાત સાચી પણ તમે ધારો છે એટલું અઘરુંયે નથી. દુશ્મનો પાસે ભલે ગમે તેટલાં શસ્ત્રો કે સૈનિકો હોય પણ અમારી પાસે જુસ્સો અને જનૂન બંને છે. હું તમને વચન આપું છું કે કાં તો ત્રિરંગો ફરકાવીને આવીશ કાં તો ત્રિરંગામાં લપેટાઈને આવીશ...’
 
બત્રાનો જુસ્સો અને જુનુન જોઈ ચીફ ખુશ થઈ ગયા. ‘વેલ ડન... કેપ્ટન. તમે કાલે સવારે જ રવાના થઈ જાવ. તમે ત્રિરંગો લહેરાવીને આવો એ માટે હું તમારી રાહ જોઈશ...’
 
ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ બરાબર જામ્યું હતું. આખો દેશ અધ્ધર શ્ર્વાસે આ રણબંકાને જોઈ રહ્યો હતો. દુશ્મનો પણ દંગ રહી ગયા હતા. જાણે કોઈ સિંહ જંગલના લુચ્ચા શિયાળવાંઓનો શિકાર કરી રહ્યો હોય એમ કેપ્ટન વિક્રમ બત્રા પાકિસ્તાની સૈનિકોનો શિકાર કરી રહ્યા હતા. કલાકો બાદ આખરે યુદ્ધભૂમિ દુશ્મનોની લાશથી છલકાઈ ઊઠી. કેપ્ટન વિક્રમ બત્રા અને એમની ટુકડીએ પોઈન્ટ ૫૧૪૦ પર ભારતનો ત્રિરંગો ફરકાવી દીધો. આખીયે પહાડી ‘હિન્દુસ્થાન જિંદાબાદ’ અને ભારતમાતાકી જયના નારાઓથી ગુંજી ઊઠી.
 
વિજયના આ માહોલમાં એક રેડિયો પત્રકારે કેપ્ટન વિક્રમ બત્રાને વિજયની વધામણી આપતાં પૂછ્યું, ‘કેપ્ટન બત્રા, તમને ખૂબ ખૂબ અભિનંદન અને આપની બહાદુરી માટે સલામ. આપ એ કહેશો કે આપને અત્યારે કેવો અનુભવ થઈ રહ્યો છે ?’
 
અને કેપ્ટન બત્રાએ ચટ્ટાન જેવી છાતીને વધારે બહાર કાઢીને જુસ્સાસભર જવાબ આપ્યો, ‘યે દિલ માંગે મોર... પાકિસ્તાન ઇઝ નો મોર.’
 
બસ એ પછી ગણતરીના કલાકોમાં જ કેપ્ટન વિક્રમ બત્રાનો ‘યે દિલ માંગે મોર’નો નારો આખાયે દેશમાં ફરી વળ્યો.
 

captain vikram batra_1&nb 
 
કેપ્ટન વિક્રમ બત્રાએ ‘યે દિલ માંગે મોર’નો નારો આપીને હજુ વધારે પાકિસ્તાની દુશ્મનોને ખદેડવાની પોતાની ઇચ્છા અને જનૂનનો પરચો આપી દીધો હતો. એ પછી ગણતરીના દિવસોમાં જ કેપ્ટન વિક્રમ બત્રાને દુશ્મનોને ‘નો મોર’ કરવાનો મોકો મળી ગયો.
 
તારીખ હતી ૨૬મી જૂન, ૧૯૯૯. પોઈન્ટ ૫૧૪૦ પણ હમણાં જ વિજયનો ત્રિરંગો લહેરાવીને આવેલા કેપ્ટન વિક્રમ બત્રા અને એમની ટુકડીને મુશ્કોહ ઘાટીના પોઈન્ટ ૪૮૭૫ પર કબજો જમાવીને ત્રિરંગો ફરકાવવાના આદેશો મળ્યા.
 
ફરીવાર ભારતીય અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે જોરદાર યુધ્ધ થયું પણ દુશ્મન હવે ચુપ બેસી શકે તેમ નહોતા. એમણે બમણા વેગથી ભારતના સૈનિકો પર હુમલો કરી દીધો. શાંત પડેલા કેપ્ટન બત્રાને જનૂની બનાવવા માટે આ એક હુમલો જ કાફી હતો. દુશ્મન આગળ વધી રહ્યો હતો. સૈંગર પણ સામે જ હતી અને કેપ્ટન બત્રા પણ સામે જ હતા. જુસ્સા અને ગુસ્સાથી તમતમી ઊઠેલા કેપ્ટન બત્રાએ અચાનક એ.કે ૪૭ ઉઠાવી અને દુશ્મનો પર તૂટી પડ્યા. સૌથી પહેલાં એમણે સૈંગરને જ બંધ કરી દીધું. એ પછી એ દુશ્મનોના ટોળાની એકદમ સામે જઈને પાંચ પાકિસ્તાનીઓનો ખાતમો બોલાવી આવ્યા.
 
કેપ્ટન બત્રાને જોઈને એમની ટુકડી પણ તૂટી પડી. જોતજોતામાં પાકિસ્તાની દુશ્મનોની લાશોના ઢગલા ખડકાવા લાગ્યા. કેપ્ટન બત્રા અને એમના જવાનો તોપગોળા બનીને દુશ્મનો પર ખાબકી રહ્યા હતા. ફરીવાર દુશ્મનો સમજી નહોતા શકતા કે કરવું શું ? કોને રોકવો અને કોને મારવો? એ લોકો કંઈ વિચારે એ પહેલાં જ અલ્લાહને પ્યારા થઈ જતા હતા. યુદ્ધ હવે એની ચરમસીમાએ હતું. ફરી એક વખત વિજયની દેવી ભારતીય સૈનિકોના ગળાનો હાર થવા માટે આગળ વધી રહી હતી. મોટાભાગના દુશ્મનો અને એમનાં બંકરોનો ખાતમો બોલી ગયો હતો. જીત હવે માત્ર હાથવેંત જ દૂર હતી.
 
ત્યાં જ કેપ્ટન વિક્રમ બત્રાએ જોયુ કે એમના સાથી અને મિત્ર લેફટનન્ટ નવીન એક ખૂણામાં કણસી રહ્યા હતા. ગોળીઓ વાગવાથી એમના બંને પગ ખતમ થઈ ગયા હતા. બંને પગમાંથી લોહી નીતરી રહ્યું હતું અને માંસના લોચાઓ બહાર આવી ગયા હતા. સામેથી દુશ્મન પણ નજીક આવી રહ્યો હતો.
 
કેપ્ટન બત્રા એમની ટુકડી તરફ પાછા જતા હતા એમાંથી અટકી ગયા. બે ઘડી વિચાર્યું. એક તરફ જિંદગીની ખાતરી હતી અને બીજી તરફ મોતની શક્યતા. લેફટનન્ટ નવીનને બચાવવા માટે એમણે ફરી પાછું દુશ્મનના ટોળા સુધી જવું પડે એમ હતું. ત્યાં જવામાં જીવનું જોખમ હતું. પણ કેપ્ટને લાંબુ વિચાર્યા વિના નવીન તરફ ડગ માંડ્યા.
 
એ અમની પાસે ગયા, ‘ડોન્ટ વરી દોસ્ત, હું આવી ગયો છું. તમને કંઈ નહીં થાય.... ચાલો !’ બોલીને એમણે એમનો હાથ પકડીને પોતાની છાવણી તરફ ખેંચ્યા. હજુ માંડ બે ત્રણ ફૂટ દૂર ગયા હશે ત્યાં જ એ એક દુશ્મનની નજરે ચડી ગયા. દુશ્મને એની પાસેની બંદૂકમાંથી ગોળી છોડી. હવાને વીંઝતી ગોળી આવીને કેપ્ટન બત્રાની છાતીમાં પેસી ગઈ. અચાનક ગોળીનો પ્રહાર થવાથી એમની છાતી અંદર પેસી ગઈ હતી. કેપ્ટન હસ્યા અને દુશ્મન સામે જોઈને છાતી બહાર કાઢી. બીજી જ પળે ચટ્ટાન જેમ બહાર નીકળેલી એ છાતીમાંથી જીવ બહાર નીકળી ગયો. કેપ્ટન બત્રા ભારતમાતાના ચરણોમાં શહીદ થઈ ગયા. બીજી ગોળીઓ લેફટનન્ટ નવીન પર છૂટી અને એ પણ શહીદ થઈ ગયા.
 
જો જીવવું જ હોત તો કેપ્ટન બત્રા પાસે એના સો ટકા ચાન્સ હતા. પણ એ એક સફળ કેપ્ટનને છાજે એ રીતે, મિત્રને બચાવવા માટે થઈને જાણી જોઈને મોતને ભેટી પડ્યા. વિક્રમ બત્રાની આ શહાદતે માત્ર દેશદાઝ કે બહાદુરીનું જ નહીં પણ એક સફળ કેપ્ટન અને નેતૃત્વકર્તાનું પણ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
 
કેપ્ટન બત્રાએ એમના નેતૃત્વમાં મોટા ભાગના દુશ્મનોને ખતમ કરી નાંખ્યા હતા. એમની ટુકડીમાં હવે ગણ્યાગાંઠ્યા સૈનિકો બચ્યા હતા. એમની શહીદીએ એમની ટુકડીના જવાનોમાં જુસ્સો અને ગુસ્સો બંને ભરી દીધા હતા. પછીની થોડી જ ક્ષણોમાં બાકીના દુશ્મનો પણ અલ્લાહને પ્યારા થઈ ગયા અને પોઈન્ટ ૪૮૭૫ પર ભારતનો કબજો થઈ ગયો.
 
ભારતીય સૈનિકોએ દુશ્મન પાસેથી એ પહાડી છીનવી લીધી હતી પણ દુશ્મનો એમનો પહાડ જેવો જવાન લઈ ગયા હતા. કેપ્ટન વિક્રમ બત્રા ત્રિરંગામાં લપેટાઈને પાછા ફર્યા.
 
ત્રિરંગામાં લપેટાયેલી એમની લાશ જોઈને એમના ચીફને એમના શબ્દો યાદ આવ્યા. કાં તો ત્રિરંગો લહેરાવીને આવીશ કાં તો ત્રિરંગામાં લપેટાઈને. કેપ્ટને બંને કામ કરી બતાવ્યાં હતાં. પોઈન્ટ પ૧૪૦ પર ત્રિરંગો લહેરાવીને આવ્યા હતા અને પોઈન્ટ ૪૮૭૫ પરથી ત્રિરંગામાં લપેટાઈને આવ્યા હતા.
 
આ રણબંકાની બહાદુરીને ભારત સરકારે પરમવીર ચક્રથી સન્માનિત કરી. તેમના પિતાએ જ્યારે મેડલમાં મઢાયેલી દીકરાની બહાદુરીપૂર્વકની શહાદતને પરમવીર ચક્રના રૂપે ભીની આંખે હાથમાં ઝીલી ત્યારે તેઓએ કહ્યું હતું કે, ‘વીરતા તો વિકીના લોહીમાં હતી, એની આ શહાદતથી મારી છાતી ગજ ગજ ફૂલે છે.’
 
એ વખતે માત્ર એમની જ નહીં આખા દેશની છાતી ગજ ગજ ફૂલી રહી હતી અને આખો દેશ ઉપર આસમાનમાં જોઈને કહી રહૃાો હતો, ‘વિક્રમ પાછા આવો... ભારતને હજુ તમારી જરૂર છે, યે દિલ માંગે મોર.’