મેજર કુલદીપસિંહ ચાંદપુરી | ફિલ્મ બોર્ડર યાદ છે? સન્ની દેઓલે જે રોલ નિભાવ્યો તે આ બહાદૂર મેજર હતા

    ૧૭-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

mejor kuldipsinh chandpur 
 

મેજર કુલદીપસિંહ ચાંદપુરી | યુદ્ધ - ૧૯૭૧ (પાકિસ્તાન)

૧૪ ડિસેમ્બર, ૧૯૭૧માં કુલદીપસિંહ ચાંદપુરીએ પોતાના બહાદુર જવાનો સાથે પાકિસ્તાની સરહદમાં ૮ કિલોમીટર સુધી ઘૂસી ૧૬ ડિસેમ્બર સુધી ત્યાં જ ભોજન લીધું હતું. કહેવાય છે કે, મેજર કુલદીપસિંહ અને તેમના અન્ય સાથી જવાનોએ યુદ્ધમાં પાકિસ્તાની તોપો પર ચડી ભાંગડા કર્યા હતા.

 
૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અંતિમ તબક્કામાં હતું. ૪ ડિસેમ્બર, ૧૯૭૧માં મેજર કુલદીપસિંહ ચાંદપુરીને સૂચના મળી કે મોટી સંખ્યામાં પાકિસ્તાની ફોજીઓ લોંગેવાલા ચોકી તરફ વંટોળ બની આવી રહ્યા છે એ વખતે લોંગેવાલા ચેકપોસ્ટ પર ચાંદપુરી સહિત માત્ર ૯૦ જવાનો જ હતા. તેઓને ઉપરથી સૂચના મળી કે એ ચોકીની સુરક્ષા કરવા માટે ત્યાં જ રોકાઓ કે પછી પોતાની બટાલિયન લઈ, ત્યાંથી રામગઢ માટે રવાના થઈ જવું. અંતિમ નિર્ણય મેજર ચાંદપુરીને લેવાનો હતો, પરંતુ એમ દુશ્મનોથી ડરી જઈ પીછેહટ કરે તો ચાંદપુરી પંજાબી કેમ કહેવાય ? તેઓએ તમામ જવાનોને બોલાવ્યા અને પાકિસ્તાનીઓને છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવી દેવાના શપથ લેવડાવ્યા. ૯૦ જવાનોએ જો બોલે સો નિહાલના ગગનભેદી નાદ સાથે તેમના નિર્ણયને વધાવી લીધો.
 
થોડાક જ સમયમાં પાકિસ્તાની તોપો ગોળા વર્ષાવતી લોંગેવાલા ચેકપોસ્ટ પર ધસી આવી અને ચેકપોસ્ટને ઘેરી લીધી. ભારતીય સેનાએ જીપ પર લગાવાયેલ રિકોપલેસ રાઇફલ અને મોર્ટાર્સથી ફાયરિંગ શરૂ કરી દીધું. ભારતીય સૈન્યની કાર્યવાહી એટલી જબરજસ્ત હતી કે પાકિસ્તાની સૈન્યને ત્યાંનું ત્યાં જ રોકાઈ જવું પડ્યું. પાકિસ્તાની સેનાના ૨૦૦૦ સૈનિકો સામે ભારતના માત્ર ૯૦ જવાન હતા. મધરાત સુધીમાં તો ભારતના જાંબાઝોએ પાકિસ્તાનની ૧૨ તોપોને નેસ્તાનાબૂદ કરી દીધી. જો બોલે સો નિહાલ, સતશ્રી અકાલના નારા ગાઢમીંઢ અંધારાને ચીરતા દુશ્મનોનાં કાને અથડાઈ તેઓને વધુ આક્રમક બનાવી રહ્યા હતા, પરંતુ જેટલી આક્રમકતાથી દુશ્મનો હુમલો કરતા તેનાથી બમણી આક્રમકતા સાથે ભારતના જવાનો વળતો પ્રહાર કરતા. આખી રાત ચાલેલ આ ભીષણ લડાઈમાં પાકિસ્તાની સૈન્યને ૮ કિ.મી. જેટલી પીછેહટ કરવી પડી હતી.
 
સવાર પડતાં હંટર વિમાનોએ ભારતીય જવાનોની મદદ માટે લોંગેવાલા તરફ ઉડાન ભરી. ૫ ડિસેમ્બર, ૧૯૭૧માં સૂરજના પ્રથમ કિરણ સાથે જ લોંગેવાલાના રણક્ષેત્રમાં એમ એસ. બાવાનું વિમાન ચક્કર લગાવવા લાગ્યું. હંટર વિમાને જોત-જોતામાં ૫૯ ટેંકો પર બોમ્બવર્ષા શરૂ કરી દીધી. પાકિસ્તાની સૈન્યમાં હાહાકાર મચી ગયો અને ઊભી પૂંછડીએ ભાગવા લાગ્યા. જોત-જોતામાં ૧૮ પાકિસ્તાની ટેંકોનો કચ્ચરઘાણ નીકળી ગયો. સાંજ થતાં પાકિસ્તાની સૈન્યને હાશકારો થયો, કારણ કે હંટર વિમાન રાત્રે હુમલો કરી શકતાં નહોતાં. પરંતુ ૬ ડિસેમ્બરે હંટર વિમાન ફરી કાળ બની દુશ્મન સૈન્ય પર તૂટી પડ્યું અને આખી બ્રિગેડ અને બે રેજિમેન્ટનો સફાયો કરી દીધો.
 
પાકિસ્તાની સેનાનો ઇરાદો સવારનો નાસ્તો લોંગેવાલામાં, બપોરનું ભોજન રામગઢમાં અને ડિનર જોધપુરમાં કરવાનો હતો. પરંતુ કુલદીપસિંહની અને ૯૦ જવાનોની બહાદુરીએ તેમના મલિન ઇરાદાઓને ધૂળમાં રગદોળી દીધા અને બાકી રહેલ કામ ભારતના હવાઈદળે પૂરું કરી નાખ્યું. પાકિસ્તાનની ૩૪ તોપો, ૫૦૦ વાહન અને ૨૦૦થી વધુ સૈનિકો એ લડાઈમાં સ્વાહા થઈ ગયા હતા. બીજા વિશ્ર્વયુદ્ધ બાદ વિશ્ર્વમાં એવું પ્રથમ વખત બન્યું હતું કે જ્યારે કોઈ દેશના સૈન્યે એક જ રાતમાં આટલી મોટી સંખ્યામાં પોતાની ટેંકો ખોઈ હોય. જે પાકિસ્તાની સેનાએ જોધપુરમાં બેસી ડિનર કરવાનાં શમણાં જોયાં હતાં, તેઓને પોતાના દેશનો વિસ્તાર પણ બચાવી શક્યો નહોતો. અને ૧૪ ડિસેમ્બર, ૧૯૭૧માં કુલદીપસિંહ ચાંદપુરીએ પોતાના બહાદુર જવાનો સાથે પાકિસ્તાની સરહદમાં ૮ કિલોમીટર સુધી ઘૂસી ૧૬ ડિસેમ્બર સુધી ત્યાં જ ભોજન લીધું હતું. કહેવાય છે કે, મેજર કુલદીપસિંહ અને તેમના અન્ય સાથી જવાનોએ યુદ્ધમાં પાકિસ્તાની તોપો પર ચડી ભાંગડા કર્યા હતા.
 
ફિલ્મ બોર્ડર તો સૌને યાદ જ હશે. ૧૯૭૧ના યુદ્ધ પર આધારિત આ ફિલ્મમાં અભિનેતા સની દેઓલે મેજર કુલદીપસિંહ ચાંદપુરીની ભૂમિકા નિભાવી હતી. તેમનાં શૌર્ય બદલ ભારત સરકારે તેમને મહાવીર ચક્રથી સન્માનિત કર્યા હતા.