લેફ્ટનન્ટ મનોજકુમાર પાંડે | ‘ઓપરેશન વિજય’ની શરૂઆત હું વિજય અપાવીને જ કરીશ

    ૧૭-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |
 
lt manoj kumar pandey_1&n
 

લેફ્ટનન્ટ મનોજકુમાર પાંડે | યુદ્ધ - ૧૯૯૯ (કારગીલ)

 

‘સેનામાં ભરતી વખતે મનોજકુમારને એક પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હોતો કે, એ શા માટે સેનામાં ભરતી થવા માંગે છે ? સહેજ પણ અચકાયા કે શરમાયા વગર મનોજે જવાબ આપ્યો હતો કે, હું પરમવીર ચક્ર મેળવવા માટે સેનામાં ભરતી થવા માંગું છું.’ 

સવારના સાત વાગી રહ્યા હતા. સિયાચીનમાં તૈનાત અગિયારમી ગોરખા રાઈફલ્સના લેફટનન્ટ મનોજકુમાર પાંડે એમના રૂમમાં બેઠા બેઠા એમની ખૂખરી સાફ કરી રહ્યા હતા. થોડા જ દિવસમાં એમને પૂના જઈ શાંતિકાળની સેવા શરૂ કરવાની હતી. તેઓ એના વિચારમાં હતા ત્યાં મેસેજ મળ્યો કે રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ લલિત રાય એમને એમની ટુકડી સાથે હોલમાં બોલાવે છે.
 
બહુ જ ઝડપથી પહોંચવાનો સંદેશ હતો એટલે લેફટનન્ટ મનોજકુમાર સમજી ગયા કે જરૂર દાળમાં કંઈક કાળું છે. થોડી જ વારમાં તેઓ એમની બટાલિયન સાથે કમાન્ડિંગ ઓફિસર કર્નલ લલિત રાયની સામે ઊભા હતા. કમાન્ડિંગ ઓફિસર કરડા અવાજમાં બોલી રહ્યા હતા, ‘લેફટનન્ટ મનોજકુમાર, તમારી બટાલિયને પૂના જવાનું હતું પણ એ હવે કેન્સલ થાય છે. અત્યારે કારગીલ ક્ષેત્રને તમારી ખૂબ જ જરૂર છે. પાકિસ્તાની દુશ્મનોએ કારગીલ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી દીધી છે અને ખાલુબાર વિસ્તાર પર કબજો જમાવી દીધો છે.’
 
મહત્ત્વની વાત એ છે કે આજથી ૧૬ દિવસ પહેલાં ૧૬ ગ્રેનેડિયર્સની ૩ પંજાબ રેજીમેન્ટ ખાલુબાર તરફ પેટ્રોલીંગ માટે ગઈ હતી પણ હજુ સુધી એના કોઈ જ ખબર અંતર નથી. માહિતી મુજબ આ બધા જ ભારતીય જવાનો દુશ્મનોના હાથે શહીદ થઈ ચૂક્યા છે. એટલે તમે સમજી શકો છો કે પરિસ્થિતિ કેટલી નાજુક અને ભયાનક છે. લેફ્ટનન્ટ મનોજકુમાર, હું ખાલુબાર ખાલી કરાવવાની જવાબદારી તમને સોંપું છું. આ ઓપરેશનનું નામ છે ‘ઓપરેશન વિજય’. તમે તમારી બટાલિયન સાથે હમણાં જ રવાના થઈ જાવ. અને વિજય મેળવીને પાછા આવો... જય હિન્દ !
 
લેફટનન્ટ મનોજકુમારે સાવધાનની મુદ્રામાં ઊભા રહીને મક્કમતાથી જવાબ આપ્યો, ‘ડોન્ટ વરી સર. ઓપરેશન વિજયની શરૂઆત હું વિજય અપાવીને જ કરીશ. એ મારું વચન છે તમને. પછી ભલે એ વિજય મારી શહીદી પર સવાર થઈને આવે.’
 
***
 
‘ઓપરેશન વિજય’ને ખરા અર્થમાં સાર્થક કરવા માટે નીકળેલી ૧/૧૧ ગોરખા રાઈફલ્સની ‘બી’ કંપનીએ રજી અને ૩જી જુલાઈ, ૧૯૯૯ના રોજ ખાલુબાર પર આક્રમણ કરી ત્યાં કબજો કરવાનું આયોજન ઘડી કાઢ્યું હતું. લેફટનન્ટ મનોજ કુમાર પાંડેને પ નંબરની પલટનના કમાન્ડર તરીકે નેતૃત્વ સંભાળી ખાલુબાર પર કબજો કરવાનો આદેશ મળ્યો હતો.
 
મનોજ કુમાર અને એમની કંપની ખાલુબાર તરફ આગળ વધી રહ્યાં હતાં. તેમની નજર ચારે તરફ ફેલાયેલી હતી. પણ જેવો એમણે એમની પલટન સાથે ખાલુબારમાં પગ મૂક્યો કે તરત જ જાણે આસમાનમાંથી ગોળીઓનો વરસાદ થયો.
મનોજકુમાર અને એમના જવાનોએ આશ્ર્ચર્યથી ઉપરની તરફ જોયું. એક ઊંચા પહાડ પરથી દુશ્મનો ગોળીબાર કરી રહ્યા હતા. મનોજકુમારે આદેશ આપ્યો, ‘જવાનો સ્ટોપ, કોઈ આગળ નહીં વધે ! હવે માત્ર બળથી નહીં કળથી પણ કામ લેવું પડશે. બધા જ દૂર હટી જાવ.’
 
જવાનો આદેશનું પાલન કરી અટકી ગયા. થોડી જ વારમાં એક સેઈફ જગાએ બધા ભેગા થયા. લેફટનન્ટ મનોજકુમારે જવાનોને કહ્યું, ‘જવાનો, દુશ્મનો બહુ ઊંચાઈ ઉપર છે. આપણે એમના તરફ આગળ વધીશું તો એમની નજીક પહોંચતા પહેલાં જ શહીદ થઈ જઈશું.’
 
મનોજકુમારે તરત દિશાનિર્દેશો આપવા માંડ્યા. સૌથી પહેલાં એમણે એમની પલટનના ભીમ બહાદુરની ટુકડીને આદેશ આપ્યો, ‘ભીમ બહાદુર, તમે તમારી પલટન સાથે પાછળના રસ્તે થઈને જમણી બાજુ તરફ જાવ. એ તરફ બે બંકરો છે. તમે અને તમારી ટુકડી એને ખાલી કરાવો. હું અને બાકીના જવાનો ડાબી તરફ જઈએ છીએ. એ તરફ ચાર બંકરો છે. અમે એના પર તૂટી પડીએ છીએ. બધા જ એક સાથે રહીશું તો દુશ્મનોનું ધ્યાન વિચલિત નહીં કરી શકીએ.’
 
ભીમ બહાદુર અને લેફટનન્ટ મનોજકુમારની ટુકડી ધીમે ધીમે મુત્સદ્દીગીરી વાપરીને છેક દુશ્મનોના બંકરો સુધી પહોંચી ગઈ. ત્યાં પહોંચીને તરત જ ભીમ બહાદુરે જમણી બાજુનાં બે બંકરો પર આક્રમણ કરી દીધું અને ડાબી તરફ આવેલા ચાર બંકરોમાંથી પહેલા બંકર પર લેફટનન્ટ મનોજકુમાર ખુદ તૂટી પડ્યા. મનોજકુમાર જરાય ગભરાયા વગર છાતી કાઢીને દુશ્મનો સામે આવી ગયા અને એક પછી એક એમ દુશ્મનોનાં ઢીમ ઢાળવા માંડ્યા.
 
ડાબી તરફના એક બંકરનો સફાયો બોલાવીને તેઓ બીજા બંકર તરફ વળ્યા. ત્યાં પણ તેમણે દુશ્મનોને એક પછી એક એમ ખતમ કરી નાંખ્યા. ચારે બાજુ ગોળીઓનો વરસાદ વરસતો હતો. એમની સાથેના જવાનો દુશ્મનો સાથે ગોળીઓની રમઝટ બોલાવી રહ્યાં હતા.
 
લેફટનન્ટ મનોજકુમારે બીજા બંકરના પણ ફુરચેફુરચા ઉડાડી દીધા અને એ પછી તેઓ ત્રીજા બંકર તરફ આગળ વધ્યા. તેઓ હજુ એ બંકર પાસે પહોંચે એ પહેલાં જ હવાને ચીરતી બે ગોળીઓ આવી અને એમના શરીરમાં પ્રવેશી ગઈ. એક ગોળી એમના ખભામાં ઘૂસી ગઈ હતી અને બીજી એમના પગમાં. બંને જગ્યાએથી લોહીનો ફુવારો છૂટ્યો અને જમીન પર પડ્યો. રણબંકાનું રક્ત પડતાં જ ધરતી માતા એના પર ઓળઘોળ થઈ ગઈ.
 
ગોળીથી ઘવાયા બાદ લેફટનન્ટ મનોજકુમારની શારીરિક પરિસ્થિતિ એકદમ ગંભીર થઈ ગઈ હતી. બીજો કોઈ સમાન્ય માણસ હોત તો એ પીડાથી પડી જ ભાંગત. પણ અહીં ઊલટું બન્યું હતું. ગોળીઓ વાગ્યા બાદ મનોજકુમારમાં જાણે વધારે શક્તિનો સંચાર થયો હતો. તેમણે એક ગ્રેનેડ હાથમાં લીધો અને ‘આયો ગોરખાવાલી...’ના નારા સાથે બમણા જુુનુનથી દુશ્મનો પર વીંજ્યો. બીજી જ ઘડીએ દુશ્મનના બંકરનાં ચીંથરેચીંથરાં હવામાં ઊડવા માંડ્યાં. એ પછી મનોજકુમારે એમની ખૂખરી કાઢી અને ફરીવાર ‘આયો ગોરખાવાલી’નો બુલંદ નારો લગાવતા દુશ્મનો પર તૂટી પડ્યા. લડી રહેલા કમાન્ડિંગ ઓફિસરની નજર લેફટનન્ટ મનોજુકુમાર પર પડી. એમને લાગ્યું જાણે મનોજે સાક્ષાત્ કાળનું રૂપ ધારણ કરી લીધું હતું. ખૂખરી લઈને દુશ્મનો પર તૂટી પડેલા મનોજકુમારને જાણે મૃત્યુનો ભય જ નહોતો. એ તાંડવ કરી રહ્યા હતા. દુશ્મનો પણ એમનું આ રૌદ્ર રૂપ જોઈને થથરી ગયા હતા.
 
પણ એ રૌદ્ર રૂપ કદાચ શહીદની દેવીને પણ ભાવી ગયું હતું. અચાનક મનોજકુમારના મોં પાસે એક મશીનગન ફાટી અને એમનો ચહેરો અને શરીર તરડાઈ ગયાં. વર્દી ફાટી ગઈ અને ચામડી ચીરાઈ ગઈ. એ ઢગલો થઈને ત્યાં ફસડાઈ પડ્યા. એમના ગળામાંથી છેલ્લા શબ્દો નીકળ્યા, ‘છોડના નહીં...’
 
આટલું બોલીને લેફટનન્ટ મનોજકુમાર ચિર નિદ્રામાં પોઢી ગયા. આ તરફ એમની આંખ મીંચાઈ અને આ તરફ યુદ્ધ સમાપ્ત થયું. એમની શહીદી સાથે જ ખાલુબાર પર ભારતીય સૈન્યએ કબજો કરી લીધો હતો. એમને સોંપેલું લક્ષ્ય પૂરું કર્યા બાદ જ એમણે વીરગતિને માર્ગે પ્રયાણ કર્યું હતું. એમના બલિદાનથી ‘ઓપરેશન વિજય’ના વિજયની શરૂઆત થઈ હતી.
 
લેફટનન્ટ મનોજકુમારે ખાલુબાર ખાતે દાખવેલા અપ્રતિમ સાહસ અને ‘ઓપરેશન વિજય’ને વિજયી બનાવવામાં વહોરેલી શહીદી બદલ ભારત સરકારે તેમનું મરણોત્તર પરમવીર ચક્ર આપીને સન્માન કર્યું.
 
એમના પિતાએ જ્યારે ભીની આંખે અને ફૂલેલી છાતીએ શહીદ દીકરાને મળેલું સર્વોચ્ચ સન્માન સ્વીકાર્યું ત્યારે એમણે એક હચમચાવી મૂકે એવી વાત કરી હતી. એમણે કહ્યું કે, ‘સેનામાં ભરતી વખતે મનોજકુમારને એક પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હોતો કે, એ શા માટે સેનામાં ભરતી થવા માંગે છે ? સહેજ પણ અચકાયા કે શરમાયા વગર મનોજે જવાબ આપ્યો હતો કે, હું પરમવીર ચક્ર મેળવવા માટે સેનામાં ભરતી થવા માંગું છું.’
 
એ વખતે એના જવાબને અધિકારીએ સ્મિતમાં કાઢી નાંખ્યો હતો. મનોજે જ્યારે ઘરે આવીને મને એ વાત કરી ત્યારે મેં પણ એ વાત સ્મિતમાં કાઢી નાંખી હતી. પણ આજે એનો એ જવાબ, એનું એ સપનું પૂરું થયું છે અને એ વાત મારે ભીની આંખે અને ગૌરવવંતી છાતીએ માથે ચડાવવી પડે છે. આવા મહાન પુત્રના પિતા હોવાનું મને ગૌરવ છે.
 
એ વખતે ત્યાં ઉપસ્થિત સૌએ ડૂમા સાથે મનોમન કહેલું કે મનોજ માટે માત્ર તમને જ નહીં પણ સમગ્ર ભારતવર્ષને ગૌરવ છે.