મેજર રામાસ્વામી પરમેશ્ર્વરન્ | તમારી આ શહીદી ભારતવર્ષને હંમેશાં યાદ રહેશે

    ૧૭-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |
 
mejor ramaswami parameshw
 

મેજર રામાસ્વામી પરમેશ્ર્વરન્ | એલ. ટી. ટી. આતંકી હુમલો - ૧૯૮૭ (શ્રીલંકા)

 

 ‘મેજર સાહેબ, આપણે જીતી ગયા.’ પણ મેજર સાહેબ એ ઉદ્ગારો સાંભળવા હાજર નહોતા. એ તો ભારતમાતાના ચરણોમાં એમનું શીશ અર્પણ કરીને શહીદીની રાહ પર આગળ વધી ચૂક્યા હતા. કેપ્ટને ટોપી ઉતારી એમને સેલ્યુટ કરી, ‘અમર રહો સર ! તમારી આ શહીદી ભારતવર્ષને હંમેશાં યાદ રહેશે.’

 
આપણે ખરેખર તો શાંતિ સ્થાપવી હતી, પણ એમને શાંતિમાં રસ ના હોય તો એમને હંમેશાં માટે શાંત કરી દઈશું
 
વાંભ વાંભ ઊછળતાં અરબ સાગરનાં મોજાંઓ શ્રીલંકાના વાતાવરણમાં ખારાશ ભેળવી રહૃાાં હતાં. સાંજનો સમય હતો. ચારેય વેળાઓ ભેગી થઈ હતી. સમય હતો સાડા છ વાગ્યાનો અને તારીખ હતી ૨૪મી નવેમ્બર, ૧૯૮૭.
 
શ્રીલંકામાં બેઠેલી ભારતીય બટાલિયનના કેપ્ટન ડી. આર. શર્મા એમની કેબિનમાં શિસ્તની વર્દી પહેરીને તમિલ ટાઇગર્સનાં કરતૂતોની ફાઈલ પર નજર નાંખી રહ્યા હતા. ત્યાં જ એમનો ફોન રણકી ઊઠ્યો. એમણે ફોન ઉપાડ્યો, ‘હેલ્લો, કેપ્ટન શર્મા સ્પીકીંગ !’
 
‘સર...’ ફોન કરનારાએ પોતાનું નામ આપ્યું અને એકીશ્ર્વાસે બોલી ગયો, ‘સર, કાંતારોદાઈના એક મકાનમાં હથિયારોનો બહુ મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે.’
 
કેપ્ટન શર્મા તરત જ ઊભા થઈ ગયા. થોડી જ વારમાં વીસ જવાનોની ટુકડીને લઈને સૂચિત સ્થળ પર પહોંચી ગયા. વીસ જવાનોની ટુકડીએ ત્યાં પગ મૂક્યો ત્યાં જ બાજુમાં આવેલા એક મંદિરમાંથી ગોળીઓનો વરસાદ વરસી પડ્યો. કેપ્ટન શર્મા પામી ગયા કે અહીં વધારે આતંકીઓ ભરાયા છે. વીસ જવાનોની ટુકડીથી કંઈ જ નથી વળવાનું. અત્યારે એ સામો ગોળીબાર કરશે તો પણ વીસેવીસ શહીદ થઈ જશે. શહીદીનો ડર તો સ્વાભાવિક જ નહોતો પણ બીક હતી કે આતંકીઓ છટકી જશે. એમણે તાત્કાલિક ડડુવિલ વિસ્તારમાં તૈનાત ભારતીય બટાલિયનને સંદેશો મોકલ્યો, ‘આ વિસ્તારમાં એલ.ટી.ટી.ઈનો કબજો છે અને આતંકીઓની સંખ્યા ઘણી વધારે છે. એક ભયંકર યુદ્ધની શક્યતા દેખાઈ રહી છે.’
 
સંદેશો મળતા જ મહાર બટાલિયનની ‘એ’ કંપનીના કમાન્ડર મેજર રામાસ્વામી પરમેશ્ર્વરન્ સાવધાન થઈ ગયા. એમણે ઘડિયાળમાં જોયું. રાતના સાડા આઠ થયા હતા. એમણે ત્યારે ને ત્યારે જ શ્રીલંકા તરફ નીકળી જવાનો નિર્ણય કર્યો અને બંદૂકમાંથી ગોળી છૂટે એમ એમનો હુકમ છૂટ્યો, ‘જવાનો, યુદ્ધ માટે તૈયાર થઈ જાવ...’
 
રામાસ્વામી પરમેશ્ર્વરન્નો જન્મ ૧૩મી સપ્ટેમ્બર, ૧૯૪૬ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં લીધા બાદ એસ.આઈ.ઈ.એસ હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવીને કોલેજ સુધીનો અભ્યાસ ત્યાં જ પૂરો કર્યો હતો. તેમનામાં રહેલા સાહસના ગુણોને કારણે હંમેશાં તેમને લશ્કરમાં જોડાવાની ઇચ્છા રહેતી હતી અને એ સાહસને કારણે જ તેઓએ ભારતીય સૈન્યમાં પ્રવેશ મેળવ્યો હતો.
 
હુકમ મળતાં તરત જ તેઓ પોતાની ટુકડી સાથે કાંતારોદાઈમાં છુપાયેલા એલ.ટી.ટી.ઈ.ના આતંકવાદીઓ સામે જંગ ખેલવા જોમ અને જુસ્સાના જેટ એરવેઝ પર સવાર થઈને નીકળી પડ્યા હતા. કદાચ એ વખતે એમને ખબર નહોતી કે એ જે જંગ ખેલવા જઈ રહ્યા છે એ જંગ એમને ઇતિહાસમાં અમર કરી દેવાનો હતો. સફર દરમિયાન એમની નજર સામે એલ.ટી.ટી.ઈના આતંકવાદીઓ, સિંહાલીઓ, ભારતની શાંતિ સેના અને આખેઆખી ઘટના તરવરી રહી હતી.
 
***
 
વાત એમ હતી કે શ્રીલંકામાં એલ.ટી.ટી.ઈ. અને ત્યાંની સરકાર વચ્ચે વર્ષોથી ચાલ્યા આવતા વિખવાદને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો. ૧૯૮૭માં એલ.ટી.ટી.ઈ.ના ‘તમિલ ઈલમ સ્થાપવાના પ્રયાસને સરકારે કચડી નાંખતા બળવાખોરો છંછેડાઈ ગયા અને ગ્ોરીલા પદ્ધતિથી લડાઈ શરૂ કરી. ચારે તરફ એમનો આતંક ફેલાઈ ગયો હતો. આતંકને કારણે ત્રાસેલા ત્રાસવાદીઓ શરણાર્થી બનીને ભારતના તમિલનાડુમાં આવવા લાગ્યા. આ મુદ્દે ૨૯મી જુલાઈ, ૧૯૮૭ના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે એક સંધિ કરવામાં આવી. સંધિ અંતર્ગત ૩જી ઓગસ્ટ, ૧૯૮૭ના રોજ ભારતની શાંતિસેનાને શ્રીલંકા મોકલવામાં આવી.
 
શ્રીલંકાના તમિલ બળવાખોરો આ શાંતિસેના સામે સમર્પણ કરવાના હતા. શાંતિસેનાને બીજી જવાબદારી એ સોંપવામાં આવી હતી કે તમિલ બળવાખોરો આત્મસમર્પણ કરી દે પછી ત્યાં ખરેખર શાંતિ સ્થાપવી અને સ્થિતિ સામાન્ય કરી દેવી. શાંતિસેના અહીંથી રવાના થઈ ત્યારે તો એમને એમ હતું કે બહુ જ સરળ બાબત છે. તમિલ બળવાખોરો આત્મસમર્પણ કરી દેશે અને આપણે શાંતિથી શાંતિ સ્થાપી દઈશું. પણ વિધાતાએ કંઈક જુદું જ લખ્યું હતું. મોટાભાગના બળવાખોરોએ શાંતિપૂર્વક આત્મસમર્પણ કર્યુ. પણ એલ.ટી.ટી.ઈ. એટલે કે લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમે પોતાનાં થોડાંક જ હથિયારો સોંપ્યાં.
 
આ વાતથી તો બહુ ફર્ક નહોતો પડ્યો. પણ ૪થી ઓગસ્ટના રોજ જે ઘટના ઘટી એણે આખા ઓપરેશનની દિશા અને દશા બદલીને મૂકી દીધી. એ દિવસે શ્રીલંકાની જેલોમાં બંધ એલ.ટી.ટી.ના બળવાખોરોએ પોટેશિયમ સાઈનાઈડની કેપ્શ્યુલ ખાઈને આત્મહત્યા કરી લીધી. આખા શ્રીલંકામાં હાહાકાર મચી ગયો. એલ.ટી.ટી.ઈ.ના કટ્ટર આતંકવાદીઓમાં સોપો પડી ગયો. તેઓ વીફર્યા અને ચારે તરફ હિંસા ફેલાવી દીધી. શ્રીલંકાના કાળાભમ્મર રસ્તાઓ નિર્દોષોના લોહીથી લાલ થવા લાગ્યા. વાતાવરણમાં સળગતી લાશોનો ધુમાડો ભળવા લાગ્યો. જે ઘરો બાળકોની કિલકારીઓથી ગુંજી રહ્યાં હતાં એ બોંબધમાકાઓથી ધમધમવા લાગ્યાં.
 
આવી સ્થિતિમાં શાંતિસેના પાસે એક જ રસ્તો બચતો હતો અને એ હતો. શાંતિનું બુઠ્ઠુ’ હથિયાર મૂકીને શસ્ત્રનું ધારદાર હથિયાર ઉપાડવાનો.
 
તારીખ ૨૫મી નવેમ્બર ૧૯૮૭. રાતનો દોઢ વાગી રહ્યો હતો. મેજર રામાસ્વામી એમની ટુકડી સાથે કાંતારોદાઈ પહોંચી ગયા હતા. કેપ્ટન શર્માની ટુકડી અને મેજર રામાસ્વામીની ટુકડી ધીમા પગલે હથિયાર છુપાયેલાં હતાં એ શંકાસ્પદ મકાન તરફ આગળ વધી. એ મકાનમાં આતંકીઓ પણ હતા. મેજર રામાસ્વામીએ તરત જ કેપ્ટન શર્માને ગોળીબાર કરીને દુશ્મનોને રોકી રાખવાનો ઓર્ડર આપ્યો. કેપ્ટને એમની ટુકડીને આદેશ આપ્યો અને આખુંયે વાતાવરણ સામસામા ગોળીબારથી ગુંજી ઊઠ્યું.
 
કેપ્ટન શર્મા અને એમની ટુકડી ગોળીઓની રમઝટ બોલાવતી આગળ વધી રહી હતી. એ વખતે મેજર રામાસ્વામી પોતાની ટુકડીને લઈને પશ્ર્ચિમ દિશામાં આગળ વધી રહ્યા હતા. ગોળીબાર મંદિરની પાછળના ભાગેથી થઈ રહ્યો હતો. મેજરની ઇચ્છા હતી કે આતંકવાદીઓનું ધ્યાન કેપ્ટન શર્માની ટુકડી તરફથી થઈ રહેલા ગોળીબારનો સામનો કરવામાં હોય એ તકનો લાભ લઈ મંદિરની પાછળ પહોંચી જવું અને એમને ઘેરી લેવા.
 
પણ બળવાખોરો એમના કરતાંયે બે કદમ આગળ વિચારીને બેઠા હતા. મેજર રામાસ્વામી અને એમની ટુકડી મંદિરની પાછળના ભાગે પહોંચે એ પહેલાં જ કેપ્ટન શર્માની ટુકડી મંદિરની આગળના ભાગે પહોંચી ગઈ હતી. અને પાછળ ઊભેલા ઊંચા ઊંચા નાળિયેરીના ઝાડના ઝુંડ પાછળથી કેપ્ટન શર્માની ટુકડી પર ગોળીઓ છૂટી રહી હતી. મેજર રામાસ્વામી સમજી ગયા કે બળવાખોરોની જાળ વધારે પેચીદી છે. એમણે તરત જ તેમનો વ્યૂહ બદલ્યો અને એમની ટુકડીની આગેવાની કરતા નાળિયેરીના ઝાડના ઝુંડ તરફ આગળ વધ્યા. થોડી જ વારમાં મેજર રામાસ્વામી અને એમની ટુકડીએ ઝાડવાંઓ પાછળ છુપાઈને હુમલાઓ કરતા બળવાખોરોને ઘેરી લીધા. કેપ્ટન શર્માની ટુકડી પર થઈ રહેલો ગોળીબાર બંધ થઈ ગયો. એમની ટુકડી હવે આ તરફ આવી રહી હતી. બળવાખોરો પાછળ ઊભેલા ભારતીય સૈનિકોને જોઈને બે ક્ષણ માટે હેબતાઈ ગયા હતા. ભારતીય સૈનિકોએ એમના પર ગોળીબાર શરૂ કર્યો. સામે એ દુશ્મનોએ પણ વળતો હુમલો કર્યો. દુશ્મનો પાસે લેટેસ્ટ મશીનગન અને ઓટોમેટિક રાઈફલ્સ હતી. ભારતીય સેના અને બળવાખોરો વચ્ચે ભારે જંગ જામ્યો અને અચાનક બળવાખોરની એક ગોળી આવીને મેજર રામાસ્વામીની છાતીને વીંધી ગઈ. છાતીમાંથી લોહીનો ફુવારો ઊડ્યો પણ મેજર હિંમત ના હાર્યા. ઊલટાની એમની હિંમત વધી. છાતીમાંથી ખાબકી રહેલા ધોધ પર હાથ પણ દબાવ્યા વિના એ પ્ોલા બળવાખોર તરફ ગયા અને એ બીજી ગોળી છોડે એ પહેલાં જ એના હાથમાંથી રાઈફલ છીનવીને એને ઠાર કરી દીધો.
આ પરિસ્થિતિમાં પણ મેજર રામાસ્વામીએ તેમની ટુકડીનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખ્યુ. દરમિયાન કેપ્ટન શર્માની ટુકડી પણ ત્યાં આવી પહોંચી. ભારતીય સૈન્યની વધતી જતી સંખ્યા જોઈ બળવાખોરો એમનાં સાધનો મૂકીને ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગવા લાગ્યા.
 
એમને ભાગતા જોઈ કેપ્ટને હર્ષના ઉદ્ગાર સાથે મેજરને કહ્યું, ‘મેજર સાહેબ, આપણે જીતી ગયા.’ પણ મેજર સાહેબ એ ઉદ્ગારો સાંભળવા હાજર નહોતા. એ તો ભારતમાતાના ચરણોમાં એમનું શીશ અર્પણ કરીને શહીદીની રાહ પર આગળ વધી ચૂક્યા હતા. કેપ્ટને ટોપી ઉતારી એમને સેલ્યુટ કરી, ‘અમર રહો સર ! તમારી આ શહીદી ભારતવર્ષને હંમેશાં યાદ રહેશે.’
 
આ આખાયે ઓપરેશનને ભારતવર્ષ ‘ઓપરેશન પવન તરીકે ઓળખે છે. મેજર રામાસ્વામીએ જો કુનેહ વાપરીને એ વખતે બળવાખોરોને ઘેરી ના લીધા હોત અને હિંમતથી એમનો સામનો ના કર્યો હોત તો કેપ્ટન શર્માની ટુકડી સહિત બંને ટુકડીઓ બળવાખોરોનો શિકાર બની હોત. એમની આ હિંમત અને શહીદીએ ‘ઓપરેશન ૫વન’ને વિજયની વરમાળા પહેરાવી હતી. ‘ઓપરેશન પવન’ના વિજય માટે મેજર રામાસ્વામીને ૨૬મી જાન્યુઆરી, ૧૯૮૮ના રોજ ભારત સરકારે મરણોત્તર પરમવીર ચક્રથી સન્માન્યા.