મેજર ઋષિકેશ રામાણી | દસ આતંકીઓને પડકારનારો ગુજરાતનો વીર યુવાન

    ૧૭-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

mejor rushikesh ramani_1&
 

શહીદવીર ઋષિકેશના પિતાશ્રી વલ્લભભાઈ રામાણી મૂળ અમરેલી જિલ્લાના નવા વઘાણિયાના વતની. વ્યવસાયે તેઓ ઇન્કમટેક્ષ પ્રેક્ટિશનર છે એટલે તેઓ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સ્થિર થયા. તેઓ ભારત વિકાસ પરિષદ સાથે ઘણા સમયથી સંકળાયેલા છે.

 
શ્રી વલ્લભભાઈ રામણીના ઘેર ૮મી ઓક્ટોબર, ૧૯૮૩ના દિવસે ઋષિકેશનો જન્મ. નામ સાંભળતાં ભારતની તરસી જમીનને જલપ્લાવિત કરવા તપઃપૂત અભિયાન ચલાવનાર ભગીરથની યાદ આવે. હિમાલયની તળેટીમાં હરિદ્વારના ઉપરવાસમાં ગંગાકાંઠે આવેલું ઋષિકેશ એક અનેરું તીર્થધામ છે. સાંસ્કૃતિક રાષ્ટવાદના રંગે રંગાયેલા પરિવારમાં આવા આધુનિક ભગીરથ ઋષિકેશનો જન્મ.
 
શાળાજીવન દરમિયાન જ તેનામાં જુસ્સો અને નેતૃત્વ દૃષ્ટિગોચર થતું હતું. શાળાની ટીમમાં પણ તેને માટે ભાગે કેપ્ટનની જવાબદારી નિભાવવી પડતી હતી. તેને ગિલ્લિદંડા કે એવી રમતોને બદલે શૌર્યપ્રેરક રમતો વિશેષ ગમતી હતી, એટલે તેણે અન્ય કોઈ લાઈન કરતાં લશ્કરી તાલીમ પસંદ કરી. વર્ષ ૧૯૯૫ થી ૨૦૦૧ સુધી તેણે જામનગર પાસે બાલાચડી સૈનિક સ્કૂલમાં અભ્યાસ કર્યો. આ ભણતર દરમિયાન જ તેની માતૃભૂમિ માટેની ભક્તિ અવારનવાર પ્રગટ થતી રહેતી હતી. વર્ષ ૨૦૦૨ થી ૨૦૦૪ સુધી તેણે દહેરાદૂન ખાતેની ઇન્ડિયન મિલિટરી એકેડેમીમાં તાલીમ લીધી અને નેશનલ ડિફેન્સ એકેડમીમાં તાલીમ લીધા બાદ ૨૩ પંજાબ રેજિમેન્ટમાં જોડાયો અને ભટીન્ડામાં પોસ્ટીંગ મું. ૨૦૦૮માં ઋષિકેશને મેજર તરીકેનું પોસ્ટીંગ મળવાથી સમગ્ર પરિવારમાં આનંદની લહેર ફરી વળી. દરમિયાન તેના વેવિશાળની વાતો પણ શરૂ થઈ હતી. સેનામાં ઉચ્ચ હોદ્દો ધરાવતા લશ્કરી અધિકારીના સાળાની પુત્રી સાથે આ લબરમૂછિયા જવાનના વેવિશાળની વાતો ચાલી.
 
સૈન્યની કામગીરી દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીર ખાતે એડ્જ્યુટેન્ટ તેમજ કંપની કમાંડર તરીકેની પણ ફરજો બજાવેલી. સ્વભાવે નિખાલસ, મળતાવડા અને જોતાંવેંત ગમી જાય એવા ઋષિકેશભાઈ ઉત્સાહી અફસર હતા અને યુનિટમાં ઓફિસર્સ અને જવાનો વચ્ચે ખૂબ જ લોકપ્રિય હતા.
 
શિયાળાનો બરફ ઓગળતાં કાશ્મીરની સરહદે પાકિસ્તાનીઓની આતંકીઓની ઘૂસણખોરી શરૂ થઈ જાય છે. આ એક રાબેતા મુજબનો ક્રમ છે. ઘૂસણખોરીના આવા જ સિલસિલાના અનુસંધાનમાં શ્રીનગરથી ૧૩૦ કિલોમીટર દૂર કૂપવારા સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલની નજીક દસ જેટલા આતંકવાદીઓ ધસી આવ્યા હતા. આતંકવાદીઓને શોધવાનું (સર્ચ ઓપરેશન) કામ છેલ્લા ત્રણ દિવસથી ચાલતું હતું. અને આ શોધખોળ દરમિયાન મેજર રામાણીને આતંકવાદીઓના સગડ મળી ગયા.
 
૬ઠ્ઠી જૂન શનિવારે સર્ચ ઓપેરશનમાં નીકળેલી મેજર ઋષિકેશની ટુકડીએ દસ આતંકવાદીઓને આંતર્યા, તેમને પડકાર્યા. ત્રાસવાદીઓએ અત્યાધુનિક શસ્ત્રો અને ગ્રેનેડ દ્વારા હુમલો કર્યો. મેજર રામાણીએ મોઢામોઢની લડાઈમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા. પગમાં ગોળી વાગી તો પણ લડત ચાલુ રાખી, પરિણામે સાથી જવાનોએ જાન પર આવીને ત્રાસવાદીઓને જેર કર્યા. પણ પરિસ્થિતિ ‘ગઢ આલા પર સિંહ ગેલા’ જેવી થઈ. ત્રાસવાદીઓ ખતમ થયા તેમની સાથે ગુજરાતનો કર્ણાવતીનો એક સિંહ પણ માભોમના ચરણે યૌવનપુષ્પ ધરીને ૭મી જૂનની વહેલી પરોઢે કાયમ માટે પોઢી ગયો.
 
મેજર તરીકે બઢતી મળ્યાના સમાચારે પરિવાર ખુશ હતો. આવતી ૧૬મી જૂન, મંગળવારના દિવસે તેની સગાઈનાં મંગળગીતો ગાવાની ઊલટ હતી. તેના બદલે સોમવાર ૮મી જૂનની સાંજે ૭.૩૫ વાગ્યે કાર્ગો ટર્મિનલ રનવે ઉપર તેનો મૃતદેહ લઈને વિમાન ઊતર્યું. લશ્કરે ગાર્ડ ઓફ ઓનર આપ્યું અને સેનાના જનરલ કમાંડિંગ ઓફિસરે શબ રામાણી પરિવારને સોંપ્યું. શબ વિક્રમ પાર્ક સોસાયટીમાં પહોંચ્યું. ત્યારે આબાલવૃદ્ધ સૌની આંખમાં આંસુ સમાતા નહોતાં. ૨૭ વર્ષીય શહીદને અંતિમયાત્રા માટે તૈયાર કરતા કુટુંબનો વલોપાત જોયો જતો ન હતો. જાણે પ્રગાઢ નિંદરમાં પોઢેલા મેજર હમણાં જાગીને હોંકારો ભણશે એવું બધાને લાગ્યા કરતું હતું.
 
તેમની સ્મશાનયાત્રા શરૂ થઈ ત્યારે લોકો રસ્તાની બંને બાજુ ઊભા રહી ગયા હતા. તેમની સ્મશાનયાત્રામાં લોકો સૂત્રો પોકારતા હતા ઋષિકેશ અમર રહો.
 
બંને બાજુનાં મકાનો અને રસ્તાઓ પર ઊભેલા લોકો રાષ્ટધ્વજ ફરકાવીને શહીદને શ્રદ્ધાંજલિ આપતા હતા. અંતિમ સંસ્કાર પહેલાં સેના તરફથી શહીદને ‘ગાર્ડ ઓફ ઓનર’ અપાયું હતું.
 
મેજર ઋષિકેશ તો ગયા. એમણે તો એમનું જીવન ધન્ય કર્યું અને મૃત્યુ પણ ધન્ય બન્યું.