મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન્ જેવા વીર બહાદૂર સૈનિકોને કારણે આપણે સલામત છીએ

    ૧૭-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

 mejor sandip unnikrishna
 
 

મેજર સંદીપ ઉન્ની કૃષ્ણન્  |  મેજર સંદીપે દરવાજો ખોલ્યો એ સાથે જ ત્રાસવાદીઓએ ગોળીબાર કર્યો

 

એ રાત્રે ભારતે ત્રાસવાદ સામેનું યુદ્ધ તો જીતી લીધું, પરંતુ પોતાનો એક સૌથી બહાદુર જવાન ગુમાવી દીધો. એનએસજીના અન્ય કમાન્ડો ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવવામાં સફળ રહ્યા હતા અને મુંબઈ ફરી એક વખત મુક્ત થયું હતું. મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન્ જેવા સૈનિકોને કારણે આપણે સલામત છીએ. આજે શહેરોમાં અને અન્યત્ર આપણે સલામતીપૂર્વક ફરી શકીએ છીએ તેનું કારણ મેજર ઉન્નીકૃષ્ણન્ જેવા બાહોશ જવાનોની શહીદી છે. 

 
૨૦૦૮ની ૨૬ નવેમ્બરની એ ઘટનાથી ભારતની સાથે સાથે આખું વિશ્ર્વ સ્તબ્ધ થઈ ગયું હતું. તે દિવસે બોટમાં ધસી આવેલા મુઠ્ઠીભર પાકિસ્તાની ત્રાસવાદીઓ મુંબઈમાં વિશ્ર્વપ્રસિદ્ધ ગેટવે ઓફ ઇન્ડિયા પાસેથી ભારતની ધરતી પર ઘૂસ્યા હતા. એ લોકોએ મુંબઈના અનેક જાણીતાં સ્થળો પર બોમ્બ ફેંક્યા અને રસ્તામાં સામે જે કોઈ આવ્યા તેમની હત્યા કરી. એ લોકો છત્રપતિ શિવાજી રેલવે સ્ટેશનમાં ઘૂસી ગયા અને ત્યાં ટ્રેનની રાહ જોઈ રહેલા મુસાફરો ઉપર હુમલો કરી દીધો.
 
આ પછી પાકિસ્તાની ત્રાસવાદીઓ મુંબઈની બે પ્રતિષ્ઠિત હોટેલમાં ઘૂસી ગયા, જે પૈકીની એક તો ૧૦૦ વર્ષ જૂની હેરિટેજ હોટેલ તાજ પેલેસનો સમાવેશ થાય છે. આ હોટેલમાં અલગ અલગ જગ્યાએ ફેલાઈ ગયેલા ત્રાસવાદીઓએ અસંખ્ય લોકોની હત્યા કરી નાખી, જેમાં તમામ ધર્મ-જાતિ અને રાષ્ટીયતાના લોકોનો સમાવેશ થતો હતો. ભારતીય સુરક્ષા દળોએ હોટેલમાંથી બંધકોને છોડાવી દીધી એટલું જ નહીં પરંતુ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યા. ત્યાર પછી એવું નક્કી કરવામાં આવ્યું કે ત્રાસવાદીઓનો મુકાબલો કરવા માટે હોટેલ કોમ્બેટ દળો મોકલવાં જોઈએ. ઘણા કલાકથી દેશ અને દુનિયા માટે તંગદિલીભરી બની રહેલી આ સ્થિતિનો અંત લાવવો જરૂરી હતી.
 
એ સમય સુધીમાં ત્રાસવાદીઓએ તાજ હોટેલના અમુક ભાગમાં મજબૂત બેઝ બનાવી દીધો હતો અને એ કારણે જ ભારતે જે પગલાં લેવાં પડે તેમ હતાં તેનું સચોટ આયોજન કરવું જરૂરી હતું. ત્રાસવાદીઓને વહેલામાં વહેલી તકે ખતમ કરવા જરૂરી હતા અને એ દરમિયાન અન્ય કોઈનું મૃત્યુ ન થાય અથવા અન્ય લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે કે નુકસાન થાય એ બાબતનું પણ ધ્યાન રાખવાનું હતું. પરિસ્થિતિ અત્યંત કઠિન હતી તેથી શ્રેષ્ઠ કામગીરી કરવાનો નિર્ણય લેવાયો. આ માટે વિશ્ર્વમાં સર્વશ્રેષ્ઠ ગણાતાં દળોમાં જેમની ગણતરી થાય છે એવા નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી)ને મોકલવાનો નિર્ણય લેવાયો. દિલ્હી પાસે માનેસર ખાતે ૫૧ સ્પેશિયલ એક્શન ગ્રુપ (એસએજી)ને તત્કાળ બોલાવવામાં આવ્યા અને તેને મુંબઈ મોકલી આપવામાં આવ્યા. તાજ હોટેલ ખાતે જે ઓપેરશન હાથ ધરવાનું હતું તેના ટીમ કમાન્ડર મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન્ હતા.
 
સંદીપ ઉન્નીકૃષ્ણન્નો જન્મ ૧૯૭૭ની ૧૫ માર્ચે બેંગલુરુમાં થયો હતો. તેમના પિતા ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ખાતે વિજ્ઞાની હતા. સંદીપ મૂળભૂત રીતે કેરળના કોઝીકોડના હતા. જોકે તેમના જન્મના ઘણા સમય પહેલાં તેમનો પરિવાર બેંગલુરુ સ્થાયી થયો હતો.
 
સંદીપે બેંગ્લુરુમાં ફ્રેન્ક એન્થની પબ્લિક સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો ત્યારથી તેઓ ભારતીય લશ્કરમાં જોડાવા માગતા હતા. ૧૯૯૯ની ૧૨ જુલાઈએ એનડીએમાંથી પાસ થયા બાદ સંદીપની ભરતી બિહાર રેજિમેન્ટની ૭મી બટાલિયનમાં કરવામાં આવી હતી. ત્યાંથી તેમને જમ્મુ-કાશ્મીરમાં ફરજ પર મૂકવામાં આવ્યા. અહીં જ તેમને ત્રાસવાદીઓનાં છૂપાં સ્થાન અને ગુપ્ત ઓપરેશન્સની માહિતી મળી. તેમણે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનીઓની ઘૂસણખોરીના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં ભારતીય લશ્કરના ઓપરેશન વિજયમાં પણ ભાગ લીધો હતો. તેમને દુશ્મનની સીમાથી ૨૦૦ મીટરના અંતરે ફોરવર્ડ પોસ્ટ સ્થાપવાની કામગીરીના વડા બનાવવામાં આવ્યા હતા. આ કામગીરી તેમણે પાકિસ્તાની ઘૂસણખોરો તરફથી સતત ચાલી રહેલા ભારે તોપમારા અને ગોળીબાર વચ્ચે કરવાની હતી.
 
આ કામગીરી તેમની કારકિર્દી માટે નોંધપાત્ર સાબિત થઈ. યુદ્ધના મેદાનમાં તેમનો રેકોર્ડ અને કુશળતા જોઈને તેમની પસંદગી દેશના સૌથી સક્ષમ એનએસજી કમાન્ડોમાં કરવામાં આવી. એનએસજી એ દુનિયામાં સૌથી મોટાં લડાયક જૂથો પૈકી એક છે. બેલગામ ખાતે કમાન્ડો વિંગ (ઇન્ફન્ટ્રી સ્કૂલ)ના ઘાતક કોર્સમાં પણ સંદીપ સર્વોચ્ચ રહ્યા હતા, જે ભારતીય લશ્કરના સૌથી મુશ્કેલ કોર્સ પૈકી એક ગણાય છે. જાન્યુઆરી, ૨૦૦૭માં તેમને એનએસજીના એસએજી વિભાગમાં મૂકવામાં આવ્યા અને ત્યારથી એનએસજીના નિયમિત ઓપરેશનના તેઓ સક્રિય સભ્ય બન્યા.
 
સંદીપને સૌથી અગત્યની કામગીરી ૨૬ નવેમ્બર, ૨૦૦૮ની રાત્રે સોંપવામાં આવી હતી. આ એ દિવસ હતો જ્યારે પાકિસ્તાની ત્રાસવાદી મુંબઈમાં ઘૂસી આવ્યા હતા અને દેશ-વિદેશના નાગરિકોની અત્યંત ઘાતકી હત્યા કરી રહ્યા હતા, એ જોઈને ભારતની સાથે દુનિયા પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. એ રાત્રે એવું જ લાગતું હતું કે એ પાકિસ્તાની ત્રાસવાદીઓએ આખા મુંબઈ શહેરને બાનમાં લઈ લીધું હતું અને ગમે તે દિશામાં ગોળીબાર કરીને નિર્દયી રીતે હત્યા કરી રહ્યા હતા અને ત્યારે સંદીપે ત્રાસવાદીઓના એ પાગલપનને કચડી નાખવાની કામગીરી સંભાળી હતી.
 
૨૭ નવેમ્બર, ૨૦૦૮ની રાત્રે ૫૧ એસએજી કમાન્ડો આતંકવાદીઓને ઝબ્બે કરવા મુંબઈ આવી પહોંચ્યા. આતંકવાદીઓ મુંબઈનાં કેટલાંક અગત્યનાં મકાનોમાં ભરાઈ ગયા હતા. સંદીપને તેમની ટીમ સાથે ગેટવે ઓફ ઇન્ડિયા સામેની તાજ હોટલમાં પહોંચવા જણાવવામાં આવ્યું. ત્રાસવાદીઓએ મોટા ભાગના હોટેલ સ્ટાફ તેમજ હોટેલમાં રોકાયેલા દેશ-વિદેશના મહેમાનોને બંધક બનાવી લીધા હતા. આ ત્રાસવાદીઓ અલગ અલગ રૂમમાંથી પોલીસ સામે ગોળીબાર કરી રહ્યા હતા.
પોલીસના તમામ પ્રયાસ નિષ્ફળ ગયા પછી ઓપરેશનની કામગીરી એનએસજીને સોંપવાનો નિર્ણય લેવાયો. સંદીપ અને તેમની ૫૧ એસએજી ટીમને હોટલમાં પહોંચીને ત્રાસવાદીઓને સફાયો કરવા જણાવવામાં આવ્યું. આદેશ મળતાં જ સંદીપ અને તેમની ટીમ હોટેલમાં ધસી ગઈ અને લડાયક પોઝિશન સંભાળી લીધી. તેઓ હોટેલના એક પછી એક રૂમની તપાસ કરી રહ્યા હતા ત્યારે લોબીમાં ઠેર ઠેર મૃતદેહ જોવા મળતા હતા. સંદીપને ખ્યાલ આવ્યો કે ત્રાસવાદીઓ ઉપરના માળે ગયા છે.
 
આ સ્થિતિમાં ભારતીય કમાન્ડોની સામે પાકિસ્તાની ત્રાસવાદીઓનો હાથ ઉપર હતો કેમ કે તેઓ ઉપરના માળે હતા. જો કે આ સ્થિતિથી સંદીપ જરાય ડર્યા નહીં અને પોતાના ૧૦ સાથી કમાન્ડો સાથે સીડી મારફત હોટેલના સૌથી ટોચના માળ તરફ આગળ વધ્યા. તેઓ ત્રીજા માળે પહોંચ્યા ત્યારે સંદીપને કંઈક અસામાન્ય લાગ્યું. તેમને એવું લાગ્યું કે ત્રાસવાદીઓ ત્યાં જ ક્યાંક છે. તેમણે તેમના માણસોને પ્રત્યેક રૂમનું કોમ્બિંગ શરૂ કરવા જણાવ્યું. એકાએક તેમને એક રૂમમાંથી કોઈ ધીમેથી રડતું હોય એવો અવાજ સંભળાયો. સંદીપને તરત જ ખ્યાલ આવી ગયો કે દરવાજા પાછળ ત્રાસવાદીઓ હશે અને તેમણે નાગરિકોને બંધક બનાવી રાખ્યા હશે. હવે તેમણે દરવાજો તોડીને અંદર જઈને ત્રાસવાદીઓનો મુકાબલો કરવાનો હતો.
 
જે ક્ષણે સંદીપ અને તેમના સાથી જવાનોએ દરવાજો તોડ્યો તે સાથે જ ત્રાસવાદીઓએ ભારે ગોળીબાર શરૂ કરી દીધો. આ હુમલામાં કમનસીબે સંદીપના સૌથી પ્રિય મિત્ર સુનિલ યાદવને અનેક ગોળીઓ વાગી ગઈ. એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના સંદીપ એ મિત્રનું રક્ષણ કરવા તેની ઢાલ બનવા કૂદી પડ્યા. આ રીતે મિત્રને બચાવીને તે ગોળીબાર ક્ષેત્રથી દૂર લઈ ગયા.
 
બીજી તરફ આ સ્થિતિનો ગેરલાભ લઈ ત્રાસવાદીઓ એ રૂમમાંથી ભાગી છૂટ્યા. પોતાના જીવનની પરવા કર્યા વિના સંદીપે પોતાના સાથી જવાન અને મિત્રને તત્કાળ બહાર પહોંચાડી સારવાર માટે લઈ જવાની વ્યવસ્થા કરી અને પછી તે ફરી ત્રાસવાદીઓને શોધવા આગળ વધ્યા. ત્રાસવાદીઓ વધુ એક માળ ઉપર ચઢી ગયા હતા, પરંતુ સંદીપ હવે એમને કોઈ પણ રીતે છટકવા દેવા માગતા નહોતા. પીછો કરતાં કરતાં તેઓ પણ ઉપરના માળે પહોંચ્યા. ત્યાં સંદીપે જોયું કે એક ત્રાસવાદી દોડીને બીજે છુપાવા જઈ રહ્યો છે. તેમણે તત્કાળ તેના તરફ ગોળીબાર કર્યો. જવાબમાં ત્રાસવાદીએ પણ સંદીપ તરફ ગોળીબાર કર્યો. બરાબર એ જ ક્ષણે ઉપરના માળે પહોંચી ગયેલો બીજો આતંકી દાદર ઊતરી પાછળથી આવી પહોંચ્યો અને સંદીપ ઉપર મશીનગનથી ગોળીબાર કરી દીધો. આમ છતાં સંદીપે પીછેહઠ ન કરી અને બંને ત્રાસવાદીઓને ઘાયલ કરી દીધા. પરંતુ સંદીપના શરીરમાંથી રક્ત ખૂબ જ ઝડપથી વહી રહ્યું હતું. તેઓ વધારે લાંબો સમય લડત આપી શક્યા નહીં. તેમના હાથમાંથી બંદૂક છૂટી ગઈ અને ઢળી પડ્યા.
 
એ રાત્રે ભારતે ત્રાસવાદ સામેનું યુદ્ધ તો જીતી લીધું, પરંતુ પોતાનો એક સૌથી બહાદુર જવાન ગુમાવી દીધો. એનએસજીના અન્ય કમાન્ડો ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવવામાં સફળ રહ્યા હતા અને મુંબઈ ફરી એક વખત મુક્ત થયું હતું. મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન્ જેવા સૈનિકોને કારણે આપણે સલામત છીએ. આજે શહેરોમાં અને અન્યત્ર આપણે સલામતીપૂર્વક ફરી શકીએ છીએ તેનું કારણ મેજર ઉન્નીકૃષ્ણન્ જેવા બાહોશ જવાનોની શહીદી છે. તેમને દેશનો શાંતિના સમયનો સર્વોચ્ચ બહાદુરી પુરસ્કાર અશોકચક્ર ૨૦૦૯ની ૨૬ જાન્યુઆરીએ મરણોપરાંત એનાયત થયો હતો. મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન્ આપણી વચ્ચે નથી, પરંતુ તેમની હિંમત અને બહાદુરી આપણને હંમેશા માર્ગદર્શન આપશે.