નાયબ સૂબેદાર બાનાસિંહ | એના શૌર્યએ મહંમદ અલી ઝીણાની કાયદે આઝમ ચોકીનું નામ બદલી નાંખ્યું

    ૧૭-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

mejor subedar bana singh_ 
 

નાયબ સૂબેદાર બાનાસિંહ | યુદ્ધ - ૧૯૮૭ (સિયાચીન)

એના શૌર્યએ મહંમદ અલી ઝીણાની કાયદે આઝમ ચોકીનું નામ બદલી નાંખ્યું. નાયબ સૂબેદાર બાનાસિંહની શૌર્યગાથા કહેતી આ ચોકી આજેય સિયાચીનમાં ઊભી છે. પણ આજે એનું નામ અલગ છે. બાનાસિંહ અને આપણા સૌ માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે હવે એ ચોકી કાયદે આઝમ ચોકી તરીકે નહીં પણ બાનાસિંહ પોસ્ટ તરીકે ઓળખાય છે.

 
તારીખ હતી ૧૮મી એપ્રિલ, ૧૯૮૭. સિયાચીનના વિસ્તારમાં તૈનાત ભારતીય લશ્કરના પાંચ જવાનો અને એક જુનિયર કમિશન્ડ ઓફિસર એમની જીપ લઈને પેટ્રોલીંગ માટે નીકળ્યા હતા. ઘરઘરાટી કરતી જીપ માંડ માંડ બરફના રસ્તાઓ પર ચાલી રહી હતી. ઓફિસરો સોનમ નામના એક સ્થળે આવીને જીપમાંથી નીચે ઊતર્યા. એમની સામે ૨૧૦૦૦ ફૂટની ઊંચાઈ ધરાવતો એક દુર્ગમ પહાડ ઊભો હતો. પાંચેય ઓફિસર એમના દૂરબીનથી આસપાસ જોતા જોતા ચક્કર લગાવી રહ્યા હતા ત્યાં જ પેલા પહાડ ઉપરથી હવા કરતાંય ધારદાર ગોળીઓ છૂટી અને પાંચેય જવાનો વિંધાઈ ગયા. એ પછી એક જુનિયર ઓફિસર પણ ગોળીનો શિકાર બનીને શહીદ થઈ ગયા. મરતાં મરતાંય આ જવાનોએ પહાડ પર ઊંચેની તરફ ગોળીબાર કર્યો અને આઠેક દુશ્મનોનાં ઢીમ ઢાળી દીધાં.
 
સાવ અચાનક થયેલી આ છ જવાનોની શહીદીએ ભારતીય લશ્કરને હચમચાવીને મૂકી દીધું હતું. તાત્કાલિક આર્મીના ઓફિસરો તપાસ માટે રવાના કરવામાં આવ્યા. તપાસ દરમિયાન જે સત્ય બહાર આવ્યું એ છ જવાનોની શહીદી કરતાંય વધારે હચમચાવી મૂકે એવું હતું. એક એવું સત્ય જે ભવિષ્યમાં છસ્સો, છ હજાર કે છ લાખ લોકોનો ભોગ લઈ શકે એમ હતું. પાકિસ્તાની સેનાએ સિયાચીનના બિલા ફોંડલા પહાડ પર કબજો જમાવી લીધો હતો અને ત્યાં એક ચોકી સ્થાપી દીધી હતી. એ ચોકીનું નામ એમણે મહંમદ અલી જીણાના નામ પરથી કાયદે આઝમ ચોકી રાખ્યું હતું. સિયાચીન એ વિશ્ર્વનું બીજા નંબરનું સૌથી ઊંચું ગ્લેશિયર છે. અને બીલા ફોંડલા એનો સૌથી ઊંચો પહાડ. આ ચોકી ૨૧૧૪૩ ફૂટની ઊંચાઈ પર હતી. 
અહીંનું તાપમાન હંમેશા -૩૫થી -૪૫ ડિગ્રી જેટલું નીચું જતું રહેતું હોય છે. આવા વાતાવરણમાં જ્યાં સામાન્ય માણસ બે ઘડી રહી પણ ના શકે એવા વાતાવરણમાં ભારતીય લશ્કરે જીવવાનું પણ હોય છે અને આપણને જીવાડવા માટે ચોકી પણ કરવાની હોય છે. તાત્કાલિક આર્મીના ઓફિસરોની મીટિંગ મળી અને દુશ્મનને હટાવવા માટે આયોજનો થવા લાગ્યાં. આ વિસ્તાર જમ્મુ એન્ડ કાશ્મીર લાઈટ ઈન્ફન્ટ્રીના તાબા હેઠળ આવતો હતો એટલે સૌથી પહેલી જવાબદારી એમને સોંપાઈ. કમાન્ડિંગ ઓફિસર સેકન્ડ લેફટનન્ટ રાજીવ પાંડેને એનું નેતૃત્વ સોંપવામાં આવ્યું.
 
તા. ૨૯મી મે, ૧૯૮૭. સવારનો સમય હતો. તલવારની ધાર જેવો પવન ફુંકાઈ રહ્યો હતો. હાડકાં ગળી જાય એવી ઠંડીમાં લેફટનન્ટ રાજીવ એમના ૧૨ જાંબાઝ જવાનોને લઈને કાયદે ચોકી વિશે માહિતી મેળવવા અને દુશ્મનની તાકાત અને પરિસ્થિતિનો તાગ મેળવવા નીકળ્યા હતા. દુશ્મનો ૩૫ જેટલા હતા. આ સમાચાર જેમ બને એમ કમાન્ડિંગ ઓફિસર સુધી પહોંચાડવાના હતા. તેઓ ઝડપથી પાછા વળી નીકળ્યા. પણ પાછા વળતાં એમની ટુકડી પાકિસ્તાની દુશ્મનોની નજરે ચડી ગઈ અને દુશ્મનોએ ગોળીબાર શરૂ કરી દીધો. આ ગોળીબારમાં રાજીવ પાંડે સહિત એમની ટુકડીના દસ જવાનો ત્યાં જ શહીદ થઈ ગયા.
 
રાજીવ પાંડેની શહીદીએ ભારતીય લશ્કરને હચમચાવી દીધું. એ પછી આ ઓપરેશનને નામ આપવામાં આવ્યું ઓપરેશન રાજીવ. ૨૩મી જૂન ૧૯૮૭ના રોજ સૌથી પહેલાં મેજર વિરેન્દ્રસિંહના નેતૃત્વ હેઠળ પહેલી પ્લાટૂન દુશ્મનોનો ખાતમો બોલાવવા રવાના થઈ. પણ નિષ્ફળતા મળી. ઓપરેશન રાજીવમાં લશ્કરને ધારી સફળતા મળી નહીં. ભારતીય લશ્કરમાં હતાશા વ્યાપી ગઈ હતી. શું કરવું એ જ નહોતું સમજાતું. લશ્કરી અધિકારીઓની એક મીટિંગ ચાલી રહી હતી. બધા વિચારી રહ્યા હતા કે હવે શું કરવું ? વિચારવામાં સમય થોડોક વધારે ચાલ્યો ગયો હતો એટલે એક ૨૮ વર્ષનો યુવાન આગળ આવ્યો અને બોલ્યો, સર, આઈ એમ સૉરી, બટ ! હવે આપણે વિચારવા કરતાં વાર કરવામાં સમય આપવાની જરૂર છે. આપ પરવાનગી આપો તો આવતી કાલે હું જ એક ટુકડી લઈને કાયદે ચોકીના ટુકડે ટુકડા કરી દઉં.
 
એક તક આપો સર, કાયદે ચોકીનું નામ ના બદલી નાંખું તો મારું નામ બદલી નાંખજો. આ બોલનાર સૂબેદાર બાનાસિંહ મૂળ જમ્મુના રણબીરસિંહપુરાના કાદ્યાલ ગામમાં એક ખેડૂત પરિવારને ત્યાં ત્રીજી જાન્યુઆરી - ૧૯૪૯ના રોજ જન્મેલા. તેમનો આ જુસ્સો જોઈ અધિકારી ખુશ થઈ ગયા. એમણે હસીને પરવાનગી આપી.
 

mejor subedar bana singh_
 
તારીખ હતી ૨૬મી જૂન, ૧૯૮૭ની. છાતીમાં ભયાનક જુસ્સો અને સાથમાં માત્ર ચાર જવાનો લઈને સૂબેદાર બાનાસિંહ ઓપરેશન રાજીવને આખરી ઓપ આપવા માટે રવાના થયા. એમની સાથેના ચાર જવાનોમાં એક હતા ચુનીલાલ, બીજા હતા ઓમરાજ, ત્રીજા હતા લક્ષ્મણદાસ અને ચોથા હતા કાશ્મીર ચંદ. સૂબેદાર બાનાસિંહ અને એમની ટુકડીએ વહેલી સવારે પાછલા રસ્તે દુશ્મનોની ચોકી તરફ ચડવાનું શરૂ કર્યું. બરાબર એ જ વખતે આગળની તરફ ભારતીય લશ્કરની બીજી ટુકડીએ નીચે ગોળીબાર કર્યો. લશ્કરની ચાલ એ હતી કે આ રીતે ગોળીબાર કરીને એ લોકો પાકિસ્તાની સેનાનું ધ્યાન આ તરફ રાખે અને પાછલી બાજુથી સૂબેદાર બાનાસિંહ અને એમની ટુકડી એમના સુધી પહોંચી જાય. અને બન્યું પણ એવું જ.
 
ગ્રાઉન્ડ બેઝ પર ભારતીયો દ્વારા આક્રમણ થતાં જ પાકિસ્તાની સેનાએ એમના તરફ આક્રમણ કર્યું. દુશ્મનોનું ધ્યાન ત્યાં કેન્દ્રિત થયું. એ તકનો લાભ લઈને સૂબેદાર બાનાસિંહ અને એમની ટુકડીના જવાનો પાછળના ભાગેથી દુશ્મનોની ચોકીવાળા પહાડ પર ચડવા લાગ્યા. બરફની ઊંચી દીવાલ પર ચડવાનું હતું. પવન એટલી ઝડપે ફુંકાઈ રહ્યો હતો કે ફંગોળીને નાંખી દેશે એવું લાગતું હતું. ઉપર ચડતી વખતે બાનાસિંહને ભારતીય લશ્કરના એ જવાનોનાં શબ મળ્યાં જે અગાઉ આ ચોકી પર કબજો કરવાની લડાઈમાં શહીદ થયા હતા. એમની લાશો જોઈને બાનાસિંહનો જુસ્સો ઓર વધી ગયો. એમણે નક્કી કરી નાંખ્યું કે આજે ગમે તે થાય કાયદે આઝમ ચોકીનું નામોનિશાન મિટાવી દેવું છે.
 
આ ભયંકર પરિસ્થિતિનો સામનો કરીને પણ આખરે બાનાસિંહ અને એમની ટુકડીના જવાનો દુશ્મનોની કાયદે ચોકી સુધી પહોંચી ગયા. બપોર વળી ચૂકી હતી. દુશ્મનોનું ધ્યાન હજુ આગળની તરફ જ હતું. બાનાસિંહે છુપાઈને ફરીવાર પરિસ્થિતિનો તાગ કાઢ્યો અને પછી અચાનક પોતાની રાઈફલ લઈને પાકિસ્તાની સૈનિકો પર તૂટી પડ્યા. દુશ્મનોએ આવું વિચાર્યું નહોતું કે કોઈ ઝાંબાજ છેક એમની ચોકીમાં આવીને એમના પર હુમલો કરશે. સૂબેદાર બાનાસિંહે દુશ્મનને પ્રતિકાર કે વાર કરવાનો એક પણ મોકો આપ્યા વગર પોતાની બેટન વડે છ દુશ્મનોને વેતરી નાંખ્યા. એ દરમિયાન એમની સાથેના જવાનોએ બહાર ઊભેલા દુશ્મનો પર પણ ગોળીબાર કરી દીધો હતો. ૨૧૦૦૦ ફૂટની એ ઊંચાઈ પર એ દિવસે ચાર સિંહ અને ૩૫ ભેડિયાઓ વચ્ચે ભયંકર યુદ્ધ ખેલાયું. ચારેચાર સિંહો એટલા બધા ઝનૂનપૂર્વક એમના પર તૂટી પડ્યા હતા કે દુશ્મનો એમની લડવાની શુધબુધ ખોઈ બેઠા હતા.
 
આ ધમાચકડી ચાલી રહી હતી ત્યાં જ પાછળના ભાગે થોડે દૂર આવેલી એક ચોકીમાંથી ગોળીબાર થયો. બાનાસિંહને ખ્યાલ આવ્યો કે ત્યાં આવેલા બંકરમાં પણ કેટલાક દુશ્મનો છુપાઈને બેઠા હતા અને ગોળીબાર કરી રહ્યા હતા. અંદર દુશ્મનો કેટલા છે એ ખબર ના પડે તો એમનો સામનો કરવો મુશ્કેલ પડે. એવું વિચારી બાનાસિંહે આરપારનો જંગ ખેલી લેવાનું નક્કી કર્યું. હાથમાં બે ગ્રેનેડ લીધા અને ચોકી તરફ આગળ વધ્યા. એમની સાથેના જવાનોએ એમને કવરીંગ આપ્યું અને એ દુશ્મનોના બંકર સુધી પહોંચી ગયા. ત્યાં પહોંચતાં જ તેઓએ દુશ્મનોના બંકર પર કૂદીને બંને ગ્રેનેડ એના પર ફેંકી દીધા. થોડી જ ક્ષણોમાં બે મોટા ધમાકા થયા અને બંકર અને દુશ્મન બંનેના ફુરચેફુરચા હવામાં ઊડવા લાગ્યા.
 
અંતે આ ભયાનક યુદ્ધ સમાપ્ત થયું અને ભારતના ચાર જાંબાજોએ ૨૧૦૦૦ ફૂટની ઊંચાઈ પર દુશ્મનોની લાશોના ઢગલા વચ્ચે વિજયઘોષ કર્યો. એટલા જોરથી ભારત માતાકી જય બોલાવી કે કાયદે આઝમ ચોકીવાળા કાયદે આઝમ મહંમદઅલી ઝીણા પણ ઉપર બેઠા બેઠા થથરી ગયા હશે.
 
નાયબ સૂબેદાર બાનાસિંહની શૌર્યગાથા કહેતી આ ચોકી આજેય સિયાચીનમાં ઊભી છે. પણ આજે એનું નામ અલગ છે. બાનાસિંહ અને આપણા સૌ માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે હવે એ ચોકી કાયદે આઝમ ચોકી તરીકે નહીં પણ બાનાસિંહ પોસ્ટ તરીકે ઓળખાય છે. આ અનોખા શૌર્ય માટે ભારત સરકારે પરમવીર ચક્રથી બાનાસિંહને સન્માન્યા ત્યારે ભારત માતાને પણ ગર્વ થયો.